Get The App

ટ્રમ્પ-પુતિન વચ્ચે 30 લાખ કરોડની સંપત્તિ માટે ખાનગી સોદો

Updated: Apr 4th, 2025


Google News
Google News
ટ્રમ્પ-પુતિન વચ્ચે 30 લાખ કરોડની સંપત્તિ માટે ખાનગી સોદો 1 - image


- પુતિન તથા તેના સાથીઓની લગભગ ૩૦૦ અબજ ડોલર (લગભગ ૨૫ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ અમેરિકામાં અટવાયેલી છે. આ સંપત્તિમાં ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ તો એકલા પુતિનની જ છે. સીરિયા છોડીને ભાગી ગયેલા સરમુખત્યાર અસદ અલ બસરની લગભગ ૧૨ અબજ ડોલરની સંપત્તિ અમેરિકામાં છે. પુતિનના બીજા ધનિક દોસ્તોની સંપત્તિ પણ અમેરિકાએ બિનસત્તાવાર રીતે ફ્રીઝ કરી દીધી છે. આ સંપત્તિ મુક્ત કરાય તો પુતિન યુક્રેન સાથે યુધ્ધવિરામ કરવા તૈયાર છે. આ માટેની સોદાબાજી કરવા જ કિરિલ દિમિત્રિવને પુતિને અમેરિકા મોકલ્યો છે. 

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધવિરામ માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘાંઘા થયેલા છે પણ રશિયાના પ્રમુખ વ્લાદિમિક પુતિન મચક નથી આપી રહ્યા. અકળાયેલા ટ્રમ્પે રશિયા પર નવા પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે ત્યારે જ વ્લાદિમીર પુતિનના ઈન્વેસ્ટમેન્ટ એન્વોય કિરિલ દિમિત્રીવે અમેરિકામાં પધરામણી કરી છે. 

રશિયાના યુક્રેન પર આક્રમણ પછી અમેરિકાએ પુતિનની અત્યંત નજીકનાં લોકો પર પ્રતિબંધો લાગી દીધા હતા. કિરિલ દિમિત્રિવ તેમાંથી એક હતા. હવે અમેરિકાએ કિરિલને લાલ જાજમ પાથરીને આવકાર્યા છે તેના પરથી ટ્રમ્પ અને પુતિન વચ્ચે ખાનગી સોદાબાજીનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. 

અત્યારે ચાલી રહેલી ચર્ચા વચ્ચે પુતિનને યુક્રેન સાથે યુધ્ધવિરામના બદલામાં અમેરિકામાં અટવાઈ ગયેલી તેમની પોતાની અને પોતાના સાથીઓ, ભાગીદાર વગેરેની  એસેટ્સ પાછી મેળવવામાં રસ છે. યુક્રેન પર આક્રમણના પગલે યુરોપીયન યુનિયનના દેશો સહિતના અમેરિકાના સાથીઓએ રશિયાની ૩૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. 

આ ઉપરાંત પુતિનની નજીકનાં સંખ્યાબંધ લોકો પર પ્રતિબંધો લાદી દીધા હતા અને તેમની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. આ લોકો અમેરિકામાં અબજોની સંપત્તિ ધરાવે છે. એક અંદાજ મુજબ  પુતિન તથા તેના સાથીઓની લગભગ ૩૦૦ અબજ ડોલર ( લગભગ ૨૫ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ અમેરિકામાં અટવાયેલી છે. આ સંપત્તિમાં ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ તો એકલા પુતિનની જ છે. 

પુતિન પાસે સત્તાવાર રીતે બહુ ઓછી સંપત્તિ છે પણ બિનસત્તાવાર રીતે તેને દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે. દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ એવા એલન મસ્ક પાસે ૩૦૦ અબજ ડોલરની સંપત્તિ છે જ્યારે પુતિન પાસે ૫૦૦ અબજ ડોલરથી વધારેની સંપત્તિ હોવાનુ કહેવાય છે. 

સ્વાભાવિક રીતે જ આ બધી સંપત્તિ પુતિને રશિયામાં ના જ રાખી હોય. પુતિનના વ્યવહાર યુરોપના દેશો સાથે વધારે હતા તેથી તેની મોટા ભાગની સંપત્તિ યુરોપીયન દેશોમાં છે. 

સાઉદી અરેબિયા અને સાઉથ આફ્રિકા સાથે છેલ્લાં કેટલાંક વરસોમાં તેના સંબંધો ગાઢ બન્યા તેથી આ બંને દેશોમાં પણ પુતિનની અઢળક સંપત્તિ છે પણ અમેરિકામાં પણ જંગી રોકાણ છે. અમેરિકા દુનિયાભરમાં બિઝનેસનું હબ છે તેથી અમેરિકામાં કરેલું રોકાણ દુનિયાના બીજા કોઈ દેશ કરતાં ઝડપથી વધે છે. ડોલર પણ સતત મજબૂત થયા કરે છે તેથી અમેરિકામાં કરેલું રોકાણ બે બાજુથી વધે છે. આ કારણે પુતિને અમેરિકામાં પણ અબજો ડોલર નાંખ્યા છે. 

પુતિનના પોતાના અમેરિકાનાં મોટાં શહેરોમાં એપાર્ટમેન્ટ્સ છે. તેની ગર્લફ્રેન્ડ કાબાનોવાના નામે લીધેલી અઢળક સંપત્તિ છે. આ ઉપરાંત અમેરિકાની ઘણી કંપનીઓમાં પુતિનના શેર છે. આ સિવાય સીરિયા છોડીને ભાગી ગયેલા સરમુખત્યાર અસદ અલ બસરની લગભગ ૧૨ અબજ ડોલરની સંપત્તિ અમેરિકામાં છે. બસર સામે બળવો થતાં એ ભાગીને રશિયા પુતિનની શરણમાં ગયો છે અને અત્યારે મોસ્કોમાં જ રહે છે. 

પુતિનના બીજા ધનિક દોસ્તોની સંપત્તિ પણ અમેરિકાએ બિનસત્તાવાર રીતે ફ્રીઝ કરી દીધી છે. આ સંપત્તિ મુક્ત કરાય તો પુતિન યુક્રેન સાથે યુધ્ધવિરામ કરવા તૈયાર છે. આ માટેની સોદાબાજી કરવા જ કિરિલ દિમિત્રિવને પુતિને અમેરિકા મોકલ્યો છે. 

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની ટેલીફોનિક વાતચીત દરમિયાન પુતિને આ મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયારી બતાવતાં પુતિને કિરિલ દિમિત્રિવનું નામ આપ્યું હતું. ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે રશિયા સાથે વાટાઘાટોમાં અગ્રેસર છે.

 ટ્રમ્પની સૂચનાને પગલે  ગયા અઠવાડિયે વિટફોકે દિમિત્રીવને યુનાઇટેડ સ્ટેટ્સ આવવા આમંત્રણ આપ્યું હતું. કિરિલ પર અમેરિકામાં પ્રતિબંધ હોવાથી વ્હાઇટ હાઉસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલયને દિમિત્રીવને અમેરિકામાં મુસાફરી કરવા માટે ટૂંકા ગાળાના ખાસ વિઝા આપવા ફરમાન કર્યું હતું. 

દિમિત્રીવે યુએસ અધિકારીઓ સાથે શું ચર્ચા કરી તે સ્પષ્ટ નથી પણ અત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે ચર્ચા કરવા માટે બીજો મુદ્દો જ નથી તેથી પુતિનનાં આર્થિક હિતો સાચવવાની જ વાત છે એ સ્પષ્ટ છે. યુક્રેન સાથેના યુધ્ધવિરામ અંગે બીજી જે પણ વાતો કરવાની છે એ વિદેશ મંત્રાલય અને લશ્કરને લગતી છે. 

અમેરિકાએ યુધ્ધવિરામની શરતો રશિયાને આપી દીધી ને સામે રશિયાએ નવી શરતો મૂકી છે. આ શરતો અંગે હવે અમેરિકાએ નિર્ણય લેવાનો છે. કિરિલને તેની સાથે કંઈ લાગતુંવળગતું નથી. કિરિલની પુતિનના વહીવટી તંત્રમાં બીજી કોઈ ભૂમિકા નથી તેથી પુતિને તેને ઈન્વેસ્ટમેન્ટ એન્વોય એટલે કે રોકાણ દૂત તરીકે મોકલ્યો છે તેનો અર્થ આર્થિક હિતોની વાત છે એવો જ થાય.  

કિરિલ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલો છે.  ગોલ્ડમેન સાક્સ અને મેકકિન્સી જેવી અમેરિકાની ટોચની કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે.  ઇન્વેસ્ટમેન્ટ બેન્કર દિમિત્રીવના રશિયાના ધનિકો સાથે તો ગાઢ સંબંધો છે જ પણ ટ્રમ્પ ટીમના ઘણા મહત્વના સભ્યો સાથે પણ ગાઢ સંબંધો છે. 

કિરિલ ૧૦ અબજ ડોલરના રશિયન ડાયરેક્ટ ઈવેસ્ટમેન્ટ ફંડનો સીઈઓ છે. સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ સહિતના ૧૫ જેટલા ધનિક દેશોનું તેના ફંડમાં રોકાણ છે તેથી તેના સંપર્કો વ્યાપક છે. ટ્રમ્પને પણ ગમે તે ભોગે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવીને જશ ખાટવો છે એ જોતાં કિરિલ તેના મિશનમાં સફળ થશે એવી આશા રાખી શકાય.

- કિરિલની પત્ની પુતિનની નાની દીકરીની બેસ્ટ ફ્રેન્ડ, બંને સાથે એનજીઓ ચલાવે છે

કિરિલ દિમિત્રીવ નતાલિયા વેલેરીવેના પોપોવાને પરણ્યો છે. પોપોવા ઇનોપ્રેક્ટિકા ફાઉન્ડેશન નામનું એનજીઓ ચલાવે છે. આ એનજીઓની ડિરેક્ટર તેની ખાસ ફ્રેન્ડ  કેટરીના તિખોનોવા છે.  કેટરીના વ્લાદિમિર પુતિનની નાની દીકરી છે. કિરિલની પત્ની અને પુતિનની દીકરી સાથે મળીને કામ કરે છે તેના પરથી જ કિરિલ અને પુતિન કેટલા નજીક છે તેનો ખ્યાલ આવી જાય. કેટરીના તિખોનોવાનાં લગ્ન બિઝનેસમેન શામાલોવ સાથે થયાં હતાં. ૨૦૧૮ની શરૂઆતમાં શામાલોવ અને તિખોનોવાના છૂટાછેડાની જાહેરાત થઈ એ પહેલાં સુધી શામાલોવ-તિખોનોવા અને દિમિત્રીવ-પોપોવા વેકેશન ગાળવા સાથે જ જતાં હતાં. 

પુતિનની દીકરીઓ સાથેની નિકટતાના કારણે પોપોવાને પુતિનની ત્રીજી દીકરી અને કિરિલને જમાઈ માનવામાં આવે છે. 

કિરિલે ૨૦૧૬માં ટ્રમ્પ પહેલી વાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારે પણ પુતિન-ટ્રમ્પના સંબંધો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રશિયા અને સાઉદી અરેબિયાના સંબંધો મજબૂત કરવામાં પણ કિરિલ મધ્યસ્થી બન્યો છે. 

કિરિલે ગોલ્ડમેન સાક્સમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કર્યું છે. મેકકિન્સી એન્ડ કંપનીમાં કિરિલ કન્સલ્ટન્ટ હતો. લોસ એન્જલસ, મોસ્કો અને પ્રાગમાં કામ કરી ચૂકેલા કિરિલના દુનિયાના તમામ ધનિકો સાથે ગાઢ સંબંધો છે તેથી કિરિલ મારફતે પુતિને દુનિયાની ઘણી મોટી કંપનીઓમાં રોકાણ કર્યું હોવાનું મનાય છે. 

રશિયાના રાજકારણમાં પુતિનનો ઉદય ૨૦૦૨ની સાલમાં થયો અને કિરિલ પણ ૨૦૦૦માં રશિયામાં પાછો ફર્યો હતો. કિરિલની ઉંમર એ વખતે માત્ર ૨૫ વર્ષની જ હતી છતાં રશિયાના ધનિકોએ તેના ફંડમાં ધડાધડ રોકાણ કરેલું. આ કારણે પુતિન અને કિરિલના સંબંધો જૂના હોવાનું મનાય છે.

- રશિયાની 30 લાખ કરોડની સંપત્તિ મુદ્દે અમેરિકા-યુરોપ સામસામે

રશિયાની ફ્રીઝ કરાયેલી એસેટ્સના મુદ્દે અમેરિકા અને યુરોપીયન યુનિયન વચ્ચે પણ જંગ ચાલી રહ્યો છે. અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયાની કુલ ૩૩૫ અબજ ડોલર ( લગભગ ૩૦ લાખ કરોડ રૂપિયા) બિલિયન)ની સંપત્તિ ફ્રીઝ કરી દીધી હતી. આ પૈકી મોટા ભાગની સંપત્તિ યુરોપમાં છે. યુરોપમાં રશિયાની ૨૩૦ અબજ ડોલરની સંપત્તિ ફ્રીઝ કરાઈ છે જ્યારે અમેરિકા પાસે માત્ર ૫ અબજ ડોલરની સંપત્તિ છે.  જાપાનમાં પણ  રશિયાની કેટલીક સંપત્તિ છે. આ પૈકી મોટા ભાગની સંપત્તિ સરકારી બોન્ડ્સના સ્વરૂપમાં છે. 

રશિયા ઈચ્છે છે કે, આ સંપત્તિ તેને પાછી મળે પણ યુરોપના દેશો આ સંપત્તિ રશિયાની પાછી આપવાના પક્ષમાં નથી. યુરોપીયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ થાય તો પણ આ સંપત્તિ રશિયાને પાછી ના આપવી જોઈએ.  યુક્રેનના પુનઃનિર્માણના ખર્ચને આવરી લેવા માટે આ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ. 

સ્વાભાવિક રીતે જ રશિયાને આ વાત ના ગમે.  રશિયન નાયબ વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર ગુ્રશ્કોએ યુરોપીયન યુનિયનની માલિકીની સંપત્તિ જપ્ત કરીને બદલો લેવાની ધમકી આપી છે.

અમેરિકા ઈચ્છે છે કે, યુરોપીયન યુનિયનના દેશો રશિયાની સંપત્તિ મુક્ત કરે અને યુક્રેનના પુનર્નિર્માણનો ખર્ચ યુરોપના દેશો ઉઠાવે. અમેરિકાએ તેમાં હિસ્સો આપવાની પણ તૈયારી બતાવી છે પણ યુરોપીયન યુનિયનના દેશો તેના માટે તૈયાર નથી તેથી અમેરિકા સાથે સંઘર્ષ જામ્યો છે.

Tags :