ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ : બંગાળમાં વિરોધ, વારાણસી ગેંગ રેપના આરોપીઓ મુક્ત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ભાજપનાં ડબલ સ્ટાન્ડર્ડ : બંગાળમાં વિરોધ, વારાણસી ગેંગ રેપના આરોપીઓ મુક્ત 1 - image


- ઉત્તર પ્રદેશમાં મંત્રીઓ- ધારાસભ્યો સાથે ઘરોબો ધરાવતા ત્રણેય આરોપી બળાત્કાર કરી ભાજપના પ્રચાર માટે મધ્ય પ્રદેશ જતા રહ્યા હતા

- નરેન્દ્ર મોદી સાહેબ બળાત્કારીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની વાતો કરે છે ત્યારે તેમના પોતાના મતવિસ્તાર વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટી કેમ્પસમાં આઈઆઈટીની 20 વર્ષની વિદ્યાર્થિની પર ગેંગ રેપ કરનારા બે આરોપીને જામીન મળી ગયા કેમ કે પોલીસે તેમના જામીનનો વિરોધ ના કર્યો. ગેંગ રેપ કરનારા ત્રણેય આરોપી ભાજપના આઈટી સેલના સભ્યો છે. આ કારણે વિપક્ષ તૂટી પડયો છે. યોગી અપરાધીઓને ઠોકી દેવાશે એવો હુંકાર કર્યા કરે છે તેના પર મહુઆએ કટાક્ષ પણ કર્યો છે કે, ઠોક દિજિયે સર, ઈસ બાર બુલડોઝર ચલાને મેં ઈતની દેર ક્યોં? 

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બળાત્કારીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની વાતો કરે છે ત્યારે તેમના પોતાના મતવિસ્તારમાં બનેલી ઘટનાએ ભાજપની કરણી અને કથનીમાં બહુ મોટો ફરક છે એ દુનિયા સામે ખુલ્લું કરી દીધું છે. વારાણસીમાં ગેંગ રેપના ત્રણ આરોપીમાંથી બે આરોપી જામીન પર છૂટી ગયા કેમ કે ઉત્તર પ્રદેશ પોલીસે જામીનનો વિરોધ ના કર્યો. ભાજપના નેતા કોલકાત્તામાં થયેલા બળાત્કાર-હત્યા સામે ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે પણ આ મુદ્દે ચૂં કે ચાં નથી કરી રહ્યા. 

વારાણસીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-બનારસ હિંદુ યુનિવર્સિટી (આઈઆઈટી-બીએચયુ)ની ૨૨ વષેની વિદ્યાર્થીની પર ૧ નવેમ્બર, ૨૦૨૩ના રોજ ગેંગ રેપ થયો હતો. ગેંગ રેપ કરનારા ત્રણ આરોપીમાંથી બે આરોપી કુણાલ પાંડે અને આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણને અલ્હાબાદ હાઇકોર્ટે જામીન પર છોડી મૂક્યા છે.

કુણાલે ૨ જુલાઈ ૨૦૨૪ના રોજ હાઈકોર્ટમાં જામીન અરજી કરી અને ૪ જુલાઈએ કોર્ટે તેને જામીન પણ આપી દીધા. આનંદે પરિવારની માંદગી સહિતનાં કારણો આપેલાં ને કોર્ટે ૨ જુલાઈએ તેને જામીન આપી દીધેલાં. ત્રીજા આરોપી સાક્ષમ પટેલની જામીન અરજી પર ૧૬ સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. તેના બે બળાત્કારી સાથીઓને જામીન મળી જતાં સક્ષમ પટેલને પણ જામીન મળી જવાના પૂરા ચાન્સ છે. 

રસપ્રદ વાત એ છે કે, આરોપીઓએ પહેલાં જામીન અરજી કરી ત્યારે પોલીસે કોર્ટને કહેલું કે ત્રણેય પ્રોફેશનલ ગુનેગારો છે અને તેમને લોકો વચ્ચે જવા દેવા જોઈએ નહીં. હવે પોલીસે આરોપીઓને જામીન પર છોડવા સામે જરાય વાંધો ના લીધો કે તેની સામે અપીલ પણ કરી નથી. ક્યાં કારણે પોલીસનું વર્તન બદલાઈ ગયું ?   

યુપી પોલીસે આરોપીઓને જામીન આપવા સામે વાંધો ના લીધો કેમ કે ગેંગ રેપ કરનારા ત્રણેય આરોપી ભાજપના આઈટી સેલના સભ્યો છે. ભાજપના નેતાઓની ઈચ્છા તો બળાત્કારીઓને પકડવાની જ નહોતી. આ કારણે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સહિત મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવતા ત્રણેય બળાત્કારી છોકરીની જીંદગી બરબાદ કરીને ભાજપનો પ્રચાર કરવા મધ્ય પ્રદેશ જતા રહેલા. 

યુપી પોલીસે ત્રણેય બળાત્કારી ક્યાં છે એ શોધી કાઢેલું પણ યુપી સરકારના દિગ્ગજોની સૂચનાને કારણે  ઈરાદો તેમનો પકડવાનો નહોતો પણ ભારે હોહા થયા પછી ૭૦ દિવસ પછી તેમને પકડવા પડેલા. પોલીસે શરૂઆતમાં આરોપીઓ સામે બળાત્કારનો ગુનો પણ નોંધ્યો નહોતો. પોલીસે આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ છેડતીનો સામાન્ય ગુનો નોંધીને આરોપીઓને બચાવવા કોશિશ કરેલી પણ વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરતાં છેવટે ગેંગ રેપનો કેસ નોંધેયો હતો. એ છતાં પણ લોકોનો રોષ ના શમતાં દેખાવ ખાતર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. 

હવે છ મહિના પછી લોકો બધું ભૂલી ગયાં હશે એમ માનીને પોલીસે ઢીલ મૂકીને તેમને બહાર કાઢી દીધા. શરમની વાત એ છે કે, આ બંને બળાત્કારી જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું હારતોરા કરીને ભવ્ય સ્વાગત કરાયું. ગુજરાતમાં બિલકિસ બાનોના બળાત્કારીઓની મુક્તિ પછી તેમનું ભવ્ય સન્માન કરાયું હતું તેનું પુનરાવર્તન યુપીમાં થયું હતું. 

ગેંગ રેપના આરોપીઓની મુક્તિ સાથે જ વિપક્ષો ભાજપ પર તૂટી પડયા છે. અખિલેશ યાદવે તો બળાત્કારીઓનું સન્માન કરવાને ભાજપની પરંપરા ગણાવીને આકરા પ્રહારો શરૂ કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસનાં મહુઆ મોઈત્રાએ યોગી આદિત્યનાથને સવાલ કર્યો છે કે, ગેંગ રેપના આરોપીઓનાં ઘર પર બુલડોઝર કેમ નથી ચલાવાઈ રહ્યાં ? મહુઆએ લખ્યું છે કે, ભાજપની ટ્રોલ સેન એટલે કે આઈટી સેલ વાનર્સ ગેંગ એક મહિલા પર બળાત્કાર કરી રહી હતી ત્યારે યોગી આદિત્યનાથ ઉર્ફે અજય બિસ્ત શું કરી રહ્યા હતા ? યોગી અપરાધીઓને ઠોકી દેવાશે એવો હુંકાર કર્યા કરે છે તેના પર મહુઆએ કટાક્ષ પણ કર્યો છે કે, ઠોક દિજિયે સર, ઈસ બાર બુલડોઝર ચલાને મેં ઈતની દેર ક્યોં ? 

ભાજપના નેતાઓએ કેક કાપીને બળાત્કારીઓની મુક્તિની ઉજવણી કરી હોવાના દાવા સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે. ભાજપ આ તસવીરોને નકલી ગણાવીને બચાવ કરવામાં લાગ્યો છે પણ ભાજપની ટોચની નેતાગીરી આ મામલે ચૂપ છે. યુપી પોલીસે બંને આરોપીને જામીન મળી ગયા હોવાની વાત કેમ છૂપાવી એ સવાલના કારણે પણ ભાજપના નેતાઓની હાલત કફોડી છે. 

યોગાનુયોગ ગેંગ રેપના બંને આરોપીઓની મુક્તિ એવા સમયે થઈ છે જ્યારે કોલકાત્તાના ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરને મામલે ભાજપ દેશભરમાં વિરોધ કરી રહ્યો છે. હજુ બે દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદીએ કહેલું કે, મહિલાઓ પર અત્યાચારના કેસોમાં ઝડપથી ન્યાય કરવાથી મહિલાઓને સુરક્ષાનો અહેસાસ થશે. મોદીએ થોડા દિવસો પહેલાં બળાત્કાર સહિતના ગુનાઓના અપરાધીઓ ફફડી જાય એ રીતે કાર્યવાહી કરવાની વાત પણ કરેલી. હવે તેમની જ પાર્ટીનું શાસન ધરાવતા રાજ્યમાં સરકારની મહેરબાનીથી ગેંગ રેપના આરોપીઓ છૂટી ગયા તેના કારણે માછલાં ધોવાઈ રહ્યાં છે. 

ભાજપ બળાત્કારના કેસોમાં બેવડાં ધોરણો ધરાવે છે એવા આક્ષેપ થઈ જ રહ્યા છે. બંગાળ જેવાં રાજ્યોમાં બળાત્કારની નાની ઘટનાઓને પણ ચગાવતા ભાજપના નેતા  ભાજપ શાસિત રાજ્યોમાં બનતી ઘટનાઓ અંગે ચૂપ રહે છે. આ ઘટના પછી આ આક્ષેપો વધારે તીવ્ર બનશે તેમાં શંકા નથી.

ભાજપ ITસેલના 3 કાર્યકરે 20 વર્ષની યુવતી પર ગેંગ રેપ કરી વીડિયો ઉતારેલો

બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ ૨ નવેમ્બરે પોલીસ ફરિયાદમાં તેના પર થયેલા અત્યાચારની વિગતો આપી હતી. યુવતીએ કરેલી ફરિયાદ પ્રમાણે, ૧ નવેમ્બરે બપોરે ૧:૩૦ વાગ્યે આઈઆઈટી-બીએચયુ કેમ્પસમાં તેના પર ગેંગ રેપ કરાયો હતો. યુવતી હોસ્ટેલમાંથી કોઈ કામે બહાર નિકળી હતી અને તેની એક ફ્રેન્ડ સાથે જતી હતી ત્યારે  રસ્તામાં ભાજપના આઈટી સેલના ત્રણ કાર્યકરોએ આંતરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 

આનંદ, કુણાલ અને સક્ષમ બુલેટ પર આવ્યા હતો. તેમણે બંનેને રોક્યાં અને છોકરીનું મોં દબાવીને એક ખૂણામાં લઈ ગયા. બળજબરીથી તેની જાતિય સતામણી કરી અને પછી  કપડાં ઉતારવા મજબૂર કરીને તેના પર વારાફરતી રેપ કર્યો. તેનો વીડિયો બનાવ્યો અને ફોટા પાડયા. યુવતીએ વચ્ચે વચ્ચે મદદ માટે બૂમો પાડી હતી તેથી તેમણે મોં દબાવી દીધું હતું.  લગભગ ૧૦-૧૫ મિનિટ સુધી અત્યાચારો ગુજાર્યા પછી તેમણે યુવતીને છોડી દીધી અને કોઈને કહે તો મારી નાંખવાની ધમકી આપીને છોડી મૂકી. 

છોકરી માંડ માંડ કપડાં પહેરીને હોસ્ટેલ તરફ દોડી ત્યારે ત્રણેયે તેનો પીછો કર્યો હતો. તેમણે વચ્ચે વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં બાઈક ફાસ્ટ કરીને તેને ડરાવી દીધી હતી. ડરના માર્યા છોકરી એક પ્રોફેસરના ઘરમાં ઘૂસી ગઈ હતી. છોકરીની હાલત જોઈને તેમનાં પત્નીએ પ્રોફેસરને બોલાવ્યા.  પ્રોફેસરે સુરક્ષા સમિતિના રાહુલ રાઠોડને ફોન કર્યો કે જે તેને આઈઆઈટીના ગાર્ડ પાસે લઈ ગયા. બંને છોકરીને  સુરક્ષિત રીતે હોસ્ટેલમાં મૂકી આવ્યા પછી છોકરીએ પરિવારને ફોન કરીને આપવિતી ગણાવી. પરિવારે હિંમત આપતાં છોકરીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 

બળાત્કારીઓની મોદી, યોગી, નડ્ડા, સ્મૃતિ સાથે તસવીરો : બે મહિના સુધી ના પકડયા

આઈઆઈટી-બીએચયુ કેમ્પસમાં બળાત્કાર ગુજારનારા આનંદ, કુણાલ અને સક્ષમની ભાજપના ટોચના નેતાઓ સાથેની તસવીરો વાયરલ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, તત્કાલિન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. યુપી ભાજપના બીજા ટોચના નેતાઓ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ કારણે જ ત્રણેયનાં નામ બહાર આવ્યાં પછી તેમને છાવરવામાં આવ્યા હતા.  ભાજપ 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ની વાતો કરે છે પણ બળાત્કારીઓને છાવરે છે એવી ટીકાઓ થતી હોવા છતાં ભાજપે બેશરમ બનીને તેમની સામે કોઈ પગલાં નહોતાં લીધાં. ભાજપે તેમને ધરપકડ કરાઈ એ પછી સસ્પેન્ડ કર્યા હતા.

પોલીસ તપાસમાં ત્રણેય અવ્વલ દરજ્જાના હરામખોર હોવાનું બહાર આવેલું. આ ત્રણેય જણા બનારસ હિંદુ યુનિવર્સિટીમાં છોકરીઓની છેડતીના બીજા ત્રણ કેસ પણ થયા હતા. ગેંગ રેપની ઘટનાના બે દિવસ પહેલાં જ બીજી છોકરીએ પોતાના પર બળાત્કારનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ ઘટનામાં પણ આ ત્રણેય સંડોવાયેલા હતા. 

ત્રણેય કેમ્પસમાં ફરતા રહેતા અને એકલદોકલ છોકરીને જોઈને ગંદી હરકતો કરતા હોવાનું પણ બહાર આવેલું.  પોલીસે ત્રણેયના કોલ રેકોર્ડ્સ તપાસ્યા તેમાં રાત્રિના સમયે તેમનાં લોકેશન કેમ્પસની અંદર જ હોવાનું બહાર આવેલું.

 આ યુવકો પૈકી કુણાલ પાંડે ૨૮ વર્ષનો, અભિષેક ચૌહાણ ૨૦ વર્ષનો જ્યારે સાક્ષમ પટેલ ૨૨ વર્ષનો હતો.

News-Focus

Google NewsGoogle News