યુકેનું રોધરહેમ સેક્સ સ્કેન્ડલઃ 2000 છોકરીઓ પર રેપ કરી સેક્સ સ્લેવ બનાવાઈ
- યુકેમાં જ્યારે રિશિ સુનક વડાપ્રધાન હતા ત્યારે તેમની સરકારમાં ગૃહમંત્રી તરીકે ભારતીય મૂળના સુએલ્લા બ્રેવરમેન હતા તેમણે ગ્રુમીંગ ગેંગના સફાયા માટે ટાસ્કફોર્સની રચના કરી હતી
- મસ્કે ટ્વિટ કરી છે કે, યુકેમાં અલગ અલગ સ્તરે સત્તામાં રહેલા લોકો ખરેખર તો રોધરહેમ સેક્સ સ્કેન્ડલના કારણે જેલમાં હોવા જોઈતા હતા. મસ્કે પોતાનો ઈશારો સત્તાધારી લેબર પાર્ટી તરફ છે એ છૂપાવ્યા વિના લખી નાંખ્યું છે કે, રીફોર્મ પાર્ટીને મત આપો એ જ એક માત્ર આશા છે. મસ્કે પોતાના એજન્ડાને આગળ ધપાવવા રોધરહેમ સેક્સ સ્કેન્ડલના ઉલ્લેખ કર્યો છે પણ તેના કારણે એક અત્યંત ઘૃણાસ્પદ સેક્સ સ્કેન્ડલની ભૂતાવળ બેઠી થઈ ગઈ છે. રોધરહેમ શહેરમાં ચિલ્ડ્રન્સ હોમ્સમાં રહેતી 10 વર્ષથી 16 વર્ષ સુધીની છોકરીઓ પર બળાત્કારનું આ સ્કેન્ડલ દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ મનાય છે. 1970ના દાયકાથી શરૂ થયેલા આ સ્કેન્ડલમાં 2000થી વધુ છોકરીઓ પર બળાત્કાર કરાયા હતા. યુકેમાં રહેતા પાકિસ્તાનીઓની 'ગ્રૂમિંગ ગેંગ' નાની છોકરીઓને સેક્સનો શિકાર બનાવીને મોટાં માથાંની હવસ સંતોષીને તેમની સાથે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડતી હતી.
વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને દુનિયાભરના દેશોમાં ફાર-રાઈટ એટલે કે આત્યંતિક જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓનો ગોડફાધર મનાતા એલન મસ્કે કરેલી ટ્વિટના કારણે ૨૦૧૦ના દાયકામાં આખી દુનિયાને ખળભળાવી મૂકનારો રોધરહેમ સેક્સ સ્કેન્લનો જીન બાટલામાંથી બહાર આવ્યો છે. મસ્કે ટ્વિટ કરી છે કે, અત્યારે યુકેમાં અલગ અલગ સ્તરે સત્તામાં રહેલા લોકો ખરેખર તો રોધરહેમ સેક્સ સ્કેન્ડલના કારણે જેલમાં હોવા જોઈતા હતા. મસ્કે પોતાનો ઈશારો સત્તાધારી લેબર પાર્ટી તરફ છે એ છૂપાવ્યા વિના બીજી લાઈનમાં જ લખી નાંખ્યું છે કે, રીફોર્મ પાર્ટીને મત આપો એ જ એક માત્ર આશા છે.
મસ્કે પોતાના એજન્ડાને આગળ ધપાવવા માટે રોધરહેમ સેક્સ સ્કેન્ડલના ઉલ્લેખ કર્યો છે પણ આ ઉલ્લેખના કારણે એક અત્યંત ઘૃણાસ્પદ સેક્સ સ્કેન્ડલની ભૂતાવળ બેઠી થઈ ગઈ છે. રોધરહેમ નોર્ધર્ન ઈંગ્લેન્ડના યોર્કશાયરમાં આવેલું નાનું શહેર છે. આ શહેરમાં ચિલ્ડ્રન્સ હોમ્સમાં રહેતી ૧૦ વર્ષથી ૧૬ વર્ષ સુધીની છોકરીઓ પર બળાત્કારનું આ સ્કેન્ડલ દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ મનાય છે. છેક ૧૯૭૦ના દાયકાથી શરૂ થયેલા આ સ્કેન્ડલમાં ૨૦૦૦થી વધુ છોકરીઓ પર બળાત્કાર કરાયા હતા. યુકેમાં રહેતા પાકિસ્તાનીઓની 'ગ્રૂમિંગ ગેંગ' નાની છોકરીઓને સેક્સનો શિકાર બનાવીને તેમને મોટાં માથાંની હવસ સંતોષીને તેમની સાથે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડતી હતી. આ મુદ્દે લોકોમાં આક્રોશ પેદા થયો પછી ૧૯૯૭માં રોધરહેમ કાઉન્સિલે રિસ્કી બિઝનેસ નામે લોકલ યુથ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટમાં શરૂઆતમાં કંઈ ના થયું પણ ૧૯૯૯માં જાયને સીનિયર નામની યુવતીને કો-ઓર્ડિનેટર બનાવાઈ પછી તેણે ધમધોકાર કામ શરૂ કર્યું.
જાયનેએ ૧૯૯૯ના જુલાઈમાં સેક્સ સ્કેન્ડલનો ભોગ બનનારી છોકરીઓની માહિતી એકઠી કરવાની શરૂઆત કરી. જાયનેને શરૂઆતમાં તકલીફ પડી પણ ધીરે ધીરેલ છોકરીઓ તેનો સંપર્ક કરવા માંડી. જાયનેએ ૨૦૦૧ના માર્ચથી ૨૦૦૨ના માર્ચ સુધીમાં ભોગ બનેલી ૨૬૮ છોકરીઓની વિગત એકઠી કરી તેમાંથી ૨૪૪ છોકરી ગોરી હતી, ૨૨ બ્રિટિશ-એશિયન અને ૨૨ બ્લેક હતી.
મતલબ કે, હવસખોરોને ગોરી છોકરીઓ વધારે પસંદ હતી. એ પછી જાયનેએ આ છોકરીઓને સેક્સ સ્લેવ બનાવીને રાખનારાં સામે પુરાવા એકઠા કરવાનું કામ શરૂ કર્યું. જાયનેની હૂંફ મળતાં ઘણી છોકરીઓ આ ગંદા કામમાંથી નિકળવા માંડેલી. હવસખોરો તેમને ધમકીઓ આપતા, તેમનાં ઘરો પર પથ્થરમારો કરાવતા ને છોકરીઓની માતા કે બહેનો પર બળાત્કારની ધમકીઓ અપાતી. તેમનાં પરિવારજનોનો પીછો કરાવીને તેમને ધમકીઓ અપાતી અને ઘણા કેસોમાં હુમલા પણ કરાયા. છોકરીઓમાં એવો ડર પેદા કરાયો કે, તેમના પરિવારને સલામત રાખવો હોય તો તેમની વાત માન્યા વિના અને હવસ સંતોષ્યા વિના છૂટકો નથી. આ કારણે ઘણી છોકરીઓ ડરીને ફરી તેમના ઈશારે કામ કરતી થઈ પણ જાયનેએ ડર્યા વિના લડત ચાલુ રાખીને છોકરીઓને ફરિયાદ કરવા તૈયાર કરી.
લેબર પાર્ટીના ટોચના નેતા નાઝિર અહમદને આ કેસમાં સજા થઈ છે તેથી લેબર પાર્ટીના નેતા આ સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા હોવાનું મનાય છે. મસ્કે એ સંદર્ભમાં જ રોધરહેમનો ઉલ્લેખ કર્યો છે. જો કે લેબર પાર્ટીની સરકાર હોવાથી ૨૦૦૬માં પહેલી ફરિયાદ નોંધાઈ છતાં કશું ના થયું. ૨૦૧૦ સુધી લેબર પાર્ટીની સરકાર હતી ત્યાં સુધી તપાસ ધીમી ગતિએ ચાલી પણ ૨૦૧૦માં સત્તા પરિવર્તન થયું અને કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં આવતાં જ પહેલી ધરપકડ થઈ એ સાથે જ પિક્ચર બદલાયું. એ પછી ઉપરાછાપરી કેસ થયા ને સજાઓનો સિલસિલો પણ ચાલુ થયો. કમનસીબે પણ જેમને સજા થઈ એ બધી નાની માછલીઓ હતી. નાઝિર અહમદને બાદ કરતાં કોઈ મોટું માથું ના પકડાયું કે ના તેને સજા થઈ.
કન્ઝર્વેટિવ પાર્ટીની સરકારોએ પાકિસ્તાનીઓની ગ્રૂમિંગ ગેંગ્સને ઠેકાણે પાડી દેવા બહુ પ્રયત્ન કર્યા પણ એ પ્રયત્ન સફળ થયા નથી એ હકીકત છે.
ઋષિ સુનક વડાપ્રધાન હતા ત્યારે સુનક સરકારનાં ભારતીય મૂળનાં હોમ સેક્રેટરી એટલે કે ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમેને ગ્રૂમિંગ ગેંગના સફાયા માટે ટાસ્ક ફોર્સ રચી હતી. સુએલ્લાએ દાવો કરેલો કે, યુ.કે.માં રહેતા બ્રિટિશ-પાકિસ્તાની પુરૂષો નાની નાની અંગ્રેજ છોકરીઓને ફોસલાવીને પોતાની તરફ વાળે છે અને પછી ડ્રગ્સના રવાડે ચડાવીને બળાત્કાર ગુજારે છે. એ પછી તેમના શોષણનો સિલસિલો ચાલતો જ રહે છે. આ ગ્રૂમિંગ ગેંગ્સના કારણે બ્રિટનમાં માત્ર ૧૧-૧૨ વર્ષની છોકરીઓને દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવીને હવસનો શિકાર બનાવીને પછી વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાના કેસોમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. આ છોકરીઓને આરબ દેશોમાં મોકલી દેવાય છે કે જ્યાં તેમનું કામ પૂરૂષોની હવસ સંતોષવાનું હોય છે.
ગૃહ મંત્રાલયે બાળકો અને સગીર છોકરીઓને ડ્રગ્સ અને સેક્સ્યુઅસ એસોલ્ટથી બચાવવા માટે માર્ગદર્શન આપવા કાર્યક્રમ લોંચ કરીને ટાસ્ક ફોર્સની રચના ત્યારે સુએલ્લાએ કહેલું કે, બ્રિટિશ-પાકિસ્તાની પુરૂષોની બનેલી 'ગ્રૂમિંગ ગેંગ્સ' નાનાં બાળકો અને સગીર છોકરીએના જાતિય શોષણમાં સંડાવાયેલી છે. આ લોકોની માનસિકતા બ્રિટનના સિધ્ધાંતોથી બિલકુલ વિપરીત છે. પોલીસ અને બીજા સત્તાવાળા તેમનાં અપકૃત્યો સામે આખ આડા કાન કરે છે કેમ કે તેમને વંશવાદી એટલે કે રેસિસ્ટનું લેબલ લાગવાનો ડર લાગે છે. બ્રિટિશ પાકિસ્તાનીઓ સ્ત્રીઓને હલકી નજરે જુએ છે, તેમની સાથે ઘૃણાસ્પદ વર્તન કરે છે.
આ ટાસ્ક ફોર્સ કંઈ કરે એ પહેલાં તો સુનકની સરકાર જ ઘરભેગી થઈ ગઈ ને પાછી લેબર પાર્ટી સત્તામાં આવી જતાં 'ગ્રૂમિંગ ગેંગ્સ' માટે મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો ઘાટ છે. મસ્કે હવે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભવિષ્યની ચૂંટણીમાં એ ગાજશે એવું લાગે છે.
લેબર પાર્ટીના નેતા સેક્સ સ્કેન્ડલમાં સામેલ, મૂળ પાકિસ્તાની નાઝિર અહમદને સજા થઈ
રોધરહેમ સેક્સ સ્કેન્ડલમાં ૨૦૧૦માં ૩૦ વર્ષના રઝવાન રઝાકને ૧૧ વર્ષની કેદ થઈ પછી કુલ ૬૧ લોકોને બળાત્કાર, નાનાં બાળકોનું જાતિય શોષણ સહિતના અપરાધો માટે સજા થઈ.
દોષિત ઠરેલા લોકોમાં મોટા ભાગના પાકિસ્તાની હતા. તપાસ એજન્સીઓએ જેમને શંકાસ્પદ ગણાવેલા તેમાંથી ૮૦ ટકા પણ પાકિસ્તાની હતા.
એ સિવાય વ્હાઈટ બ્રિટિશ અને રોમાનિયાના કેટલાક લોકો પણ હતા. સૌથી વધારે સજા ૪૦ વર્ષના અર્શિદ હુસૈનને ૩૫ વર્ષની થઈ હતી. અર્શિદે ૨૩ છોકરાં-છોકરીને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. બશરત હુસૈન નામના ૩૫ વર્ષના પાકિસ્તાનીને ૧૫ છોકરીઓ પર રેપ માટે ૨૫ વર્ષની સજા થયેલી. દોષિતોમાં ૭૭ વર્ષના ડેવિડ સેનોર નામના ડોહા પણ હતા કે જેમને ૮ છોકરીઓ પર ૧૮ વાર બળાત્કાર માટે ૨૪ વર્ષની સજા થઈ હતી.
જો કે સૌથી વધારે ગાજેલો કેસ નાઝિર અહમદનો હતો. બ્રિટનની હાલની સત્તાધીશ લેબર પાર્ટીના નેતા નાઝિર મૂળ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મીરપુરના હતા.
તેમનો પરિવાર ૧૯૬૦ના દાયકામાં બ્રિટન આવ્યો ત્યારે નાઝિર ૧૧ વર્ષના હતા.
ઘણાં માને છે કે, રોધરહેમમાં ચિલ્ડ્રન્સ કેરમાં રહેતી ગોરી છોકરીઓને હવસનો શિકાર બનાવીને રેપ કરવાની શરૂઆત નાઝિર અહમદે જ કરેલી.
નાઝિર સામે ૧૯૭૧થી ૧૯૭૪ દરમિયાન ૧૭ વર્ષની ઉંમરે ૧૩ વર્ષથી નાની ઉંમરની છોકરી અને છોકરા પર બળાત્કારના પ્રયાસ તથા અશ્લીલ વર્તનનો કેસ ૨૦૨૧માં થયેલો, આ કેસમાં જજે ૨૦૨૨માં નાઝિરને સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારતાં નાઝિર અત્યારે જેલમાં તળિયાં તપાવી રહ્યા છે.
પાકિસ્તાની પુરૂષો 10-11 વર્ષની છોકરીઓ પર રેપ કરી દારૂ-ડ્રગ્સના રવાડે ચડાવતા
અત્યંત ઘૃણાસ્પદ રોધરહેમ સેક્સ સ્કેન્ડલમાં ૧૦-૧૧ વર્ષની છોકરીઓ હવસનો શિકાર બનાવાતી હતી. મોટા ભાગે પાકિસ્તાની પુરૂષો આ છોકરીઓની ઉંમરના છોકરાઓને સાધતા અને કેર હોમ્સમાં રહેતી છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરવા નાણાં આપતા. ફ્રેન્ડશીપ વધે એટલે છોકરીને બહાર ફરવા બોલાવતા. છોકરી બહાર આવે ત્યારે તેને ઉઠાવી લેવાતી અને મોટી ઉંમરના પુરૂષો તેમના પર બળાત્કાર કરીને બ્લેકમેઈલિંગ શરૂ કરતા. આ પુરૂષો પોતાને છોકરીના 'બોયફ્રેન્ડ' ગણાવતા ને તેમને મનફાવે ત્યારે હવસ સંતોષવા બોલવતા. આ હવસખોરોની ગેંગ 'ગ્રૂમિંગ ગેંગ' તરીકે કુખ્યાત થઈ.
આ છોકરીઓને દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવી દેવાતી હતી. લત લાગે પછી છોકરીઓ દારૂ-ડ્રગ્સ વિના ના રહી શકે ત્યારે દારૂ-ડ્રગ્સના બદલામાં છોકરીઓને બીજા પુરૂષો સાથે સેક્સ માણવાની ફરજ પડાતી હતી. છોકરીઓને જેમની પાસે મોકલાતી એ મોટા નેતાઓ, અધિકારીઓ સહિતના વગદાર લોકો હતા.
આ રીતે છોકરીઓના શોષણનો સિલસિલો ચાલ્યા કરતો. છોકરી ૨૦-૨૧ વર્ષની થાય ત્યાં સુધી તેમનું શોષણ કરાતું અને પછી છોડી દેવાતી. ડ્રગ્સ-દારૂની લતનો ભોગ બનેલી મોટા ભાગની છોકરીઓ લત સંતોષવા માટે વેશ્યાવૃત્તિના રવાડે ચડી જતી ને જાત જાતના રોગનો ભોગ બનીને નાની ઉંમરે જ ગુજરી જતી.
રોધરહેમ સેક્સ સ્કેન્ડલની ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં જ ગંધ આવવા માંડેલી. રાત્રે પાકિસ્તાની ડ્રાઈવરો આવતા અને છોકરીઓને લઈ જતા તેની ફરિયાદ ચિલ્ડ્રન્સ હોમ્સના મેનેજરોએ પોલીસને કરેલી પણ પોલીસે મોટાં માથાં સંડોવાયેલાં હોવાથી કોઈ પગલાં નહોતાં લીધાં. ૧૯૯૭માં રોધરહેમ કાઉન્સિલે રિસ્કી બિઝનેસ નામે લોકલ યુથ પ્રોજેક્ટ શરૂ કર્યો તેમાં ધીરે ધીરે આખું કૌભાંડ બહાર આવ્યું.