Get The App

ટ્રમ્પે ટેરિફ વોર છેડીને જાતે જ પગ પર કુહાડો માર્યો, ચીન મજબૂત થશે

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ટ્રમ્પે ટેરિફ વોર છેડીને જાતે જ પગ પર કુહાડો માર્યો, ચીન મજબૂત થશે 1 - image


- એક અંદાજ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલી ટેરિફના કારણે દરેક અમેરિકન પરિવારને અંદાજે એક લાખ રૂપિયાનો ફટકો પડશે : ટૂંકમાં ટ્રમ્પની નીતિ બૂમરેન થશે

- ટ્રમ્પ પોતાની સનક પૂરી કરવા માટે જાતે જ પગ પર કુહાડો મારી રહ્યા છે. તેના કારણે અમેરિકનોને તો નુકસાન થશે જ પણ ચીન સહિતના અમેરિકાના વિરોધી દેશો એ હદે મજબૂત થશે કે અમેરિકા તેમને પહોંચી જ નહીં વળે. ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાની વાતો કરી રહ્યા છે પણ વાસ્તવમાં એ ચીનના એજન્ટ તરીકે વર્તી રહ્યા છે. દુનિયાના દેશોને એ ચીન તરફ ધકેલી રહ્યા છે.  ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા, ચીનને દબાવવા માટે તેમના માલ-સામાન પર કર લાદ્યો પણ તેના કારણે અમેરિકનોને નુકસાન થશે. ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે દરેક અમેરિકન પરિવારને ૧૧૭૦ ડોલર (લગભગ એક લાખ રૂપિયા)નો ફટકો પડશે. 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બનતાં જ ટેરિફ વોર શરૂ થઈ ગઈ છે.

 ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનનો અમલ કરીને ૧ ફેબુ્રઆરીથી કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર ૨૫ ટકા અને ચીનથી આવતા માલ પર વધારાના ૧૦ ટકા ટેરિફ (કરવેરો) લાદવાનો આદેશ બહાર પાડયો તો કેનેડા-મેક્સિકોએ પણ વળતો પ્રહાર અમેરિકાના માલ પર ૨૫ ટકા ટેક્સ લાદી દીધો છે. મેક્સિકોનાં પ્રમુખ ક્લોડિયા શેઈનબૌમ પાર્ડો કોઈનાથી ગાંજ્યાં જાય એવાં નથી પણ જસ્ટિન ટ્રુડો મોળા નેતા મનાય છે. ક્લોડિયાની જેવા સાથે તેવા થવાની નીતિથી પ્રેરાઈને ટ્રુડોમાં પણ મર્દાનગી આવી ગઈ.  

અમેરિકાએ ધમકી આપેલી કે, કેનેડા-મેક્સિકો વળતા પ્રહાર તરીકે અમારા માલ પર ટેક્સ ઠોકશે તો અમે વધારે ટેક્સ લગાવીશું. ક્લોડિયા અને ટ્રુડોએ સ્પષ્ટ કર્યું છે કે, પોતે અમેરિકા સાથે સંઘર્ષ નથી ઈચ્છતાં પણ અમેરિકાની દાદાગીરી સહન કરવા પણ નથી માગતાં. ટૂંકમાં અમેરિકા નાગાઈ પર ઉતર્યું છે તો કેનેડા-મેક્સિકો પણ લડી લેવાના મૂડમાં છે એ જોતાં આ લડાઈ લાંબી ચાલશે. ટ્રમ્પની જાહેરાત સામે હજુ ચીને કોઈ રીએક્શન આપ્યું નથી પણ ચીન ટ્રમ્પ કે બીજા કોઈથી દબાય એમ નથી એ જોતાં બહુ જલદી ચીન પણ આ ટેરિફ વોરમાં કૂદશે જ. 

ટ્રમ્પનો દાવો છે કે, બીજા દેશોથી અમેરિકામાં આવતા માલ પર ટેરિફ લાદીને પોતે અમેરિકાના કામદારોના હિતોનું રક્ષણ કરી રહ્યા છે. 

આ પગલાંથી અમેરિકા ફરી સમૃધ્ધ થશે, અમેરિકામાં રોજગારી પેદા થશે, અમેરિકાની આવક વધશે અને અમેરિકા ફરી દુનિયાનો સૌથી મહાન દેશ બનશે. 

અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પની વાતોને મૂર્ખામીપૂર્ણ ગણાવી રહ્યા છે. તેમના મતે, ટ્રમ્પ પોતાની સનક પૂરી કરવા માટે જાતે જ પગ પર કુહાડો મારી રહ્યા છે. તેના કારણે અમેરિકનોને તો નુકસાન થશે જ પણ ચીન સહિતના અમેરિકાના વિરોધી દેશો એ હદે મજબૂત થશે કે અમેરિકા તેમને પહોંચી જ નહીં વળે. ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાની વાતો કરી રહ્યા છે પણ વાસ્તવમાં એ ચીનના એજન્ટ તરીકે વર્તી રહ્યા છે. દુનિયાના દેશોને એ ચીન તરફ ધકેલી રહ્યા છે.  

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા, ચીનને દબાવવા માટે તેમના માલ-સામાન પર કર લાદ્યો પણ તેના કારણે અમેરિકનનો નુકસાન થશે. અમેરિકા ભલે દુનિયાનો સૌથી ધનિક દેશ હોય પણ અમેરિકા સંપૂર્ણપણે આત્મનિર્ભર નથી. અમેરિકાની બધી જરૂરીયાતો અમેરિકામાં થતા ઉત્પાદનથી સંતોષાતી નથી તેથી અમેરિકાએ પણ બીજા દેશોમાંથી આયાત કરવી પડે છે. 

ટેરિફ લાદવાના કારણે બહારથી આવતી ચીજો મોંઘી થશે તેથી અમેરિકનોએ તેના માટે વધારે રકમ ચૂકવવી પડશે. યેલ યુનિવર્સિટીના અંદાજ પ્રમાણે, ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે દરેક અમેરિકન પરિવારને ૧૧૭૦ ડોલર (લગભગ એક લાખ રૂપિયા)નો ફટકો પડશે. 

અમેરિકનોની માથાદીઠ આવક ૮૬ હજાર ડોલર છે. એક પરિવારમાં ઓછામાં ઓછી બે વ્યક્તિ હોય જ એ જોતાં આવકમાં ૧ ટકાથી પણ ઓછો ફટકો પડશે.  આ ફટકો મોટો નથી તેથી અમેરિકા તાત્કાલિક આર્થિક રીતે બહુ નુકસાનમાં નહીં રહે પણ લાંબા ગાળે અસર વર્તાશે. 

અમેરિકા પોતાની વીજળીની જરૂરીયાતો માટે ઘણા અંશે કેનેડા પર નિર્ભર છે. અમેરિકાએ કેનેડાથી આવતી વીજળી પર ૧૦ ટકા ટેક્સ લગાવી દીધો તેનો બોજ અંતે તો અમેરિકાનાં લોકો પર જ આવશે તેથી દર મહિને લાઈટ બિલ સીધું ૧૦ ટકા વધી જશે. એ જ રીતે અમેરિકામાં ફૂડ, પેટ્રોલ, વેજીટેબલ્સ સહિતની ચીજો મોંઘી થશે અને અછત પણ સર્જાશે.  ટ્રમ્પે બીજા દેશોમાંથી આવતા કાચા માલ પર પણ ટેક્સ ઠોકી દીધો છે. તેના કારણે અમેરિકાના ઉદ્યોગોને કાચો માલ ઉંચા ભાવે પડશે ને સરવાળે ઉત્પાદન ખર્ચ વધશે. કંપનીઓએ ખર્ચ  સરભર કરવા ભાવ વધારવા પડશે ને બધો ભાર કન્યાની કેડ પર એટલે કે સામાન્ય લોકો પર આવશે. 

જો કે સૌથી મોટો ફટકો અમેરિકાના વર્ચસ્વને પડશે. હવે અમેરિકા સાથે વેપાર કરવો અઘરો બનશે તેથી બધા દેશો પોતાનો માલ ખપાવવા માટે બીજાં બજાર શોધશે.

 કેનેડા અને મેક્સિકોએ એક થઈને અમેરિકાના માલસામાન પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો એ રીતે દુનિયામાં બીજા દેશો પણ નવાં જોડાણો રચશે ને અમેરિકાને બાજુ પર મૂકીને ધંધો કરશે. 

અમેરિકા સાયન્સ અને ટેકનોલોજીના જોરે દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તા બન્યું પણ અત્યારે સાયન્સ અને ટેકનોલોજીમાં અમેરિકાની મોનોપોલી નથી. 

એવું કશું જ નથી કે જે અમેરિકા ના કરી શકે ને ચીન, રશિયા સહિતના વિકસીત દેશો ના કરી શકે. ડીપસીક તેનું તાજુ ઉદાહરણ છે. અમેરિકાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવીને મોનોપોલી ઉભી કરવાનો પ્રયત્ન કર્યો પણ ચીને એઆઈનો યુગ શરૂ થાય એ પહેલાં તો અમેરિકાને નવરું કરી દીધું. 

સેટેલાઈટ્સથી માંડીને શસ્ત્રો સુધીની બધી પ્રોડક્ટ ચીન બનાવી જ શકે છે અને રશિયા પણ તેની સાથે છે. ધીરે ધીરે કેનેડા, મેક્સિકો, સહિતના અમેરિકામી દાદાગીરીનો ભોગ બનેલા દેશો પણ ચીન-રશિયાની ધરી તરફ વળશે. 

યુરોપીયન યુનિયનના દેશો અત્યારે અમેરિકા સાથે છે પણ તેમને પણ પોતાનો માલ ખપાવવા માટે બીજા દેશોની જરૂર છે તેથી તેમનો પણ બીજા દેશો સાથે સંબંધો ગાઢ બનાવ્યા વિના છૂટકો નહીં રહે ને અમેરિકા એકલું પડી જશે. 

ભૂતકાળમાં અમેરિકાના શાસકોએ અમેરિકાની સમૃધ્ધિનો ઉપયોગ અમેરિકાનું વર્ચસ્વ વધારવા કર્યો. દુનિયાના વિકાસશીલ દેશોને મદદ કરીને અમેરિકાએ પોતાના પડખામાં લીધા તેમાં બધાંને ફાયદો થયો. ટ્રમ્પ રાજકારણી ઓછા ને બિઝનેસમેન વધારે છે તેથી આર્થિક ફાયદા વિશે વધારે વિચારે છે. આ માનસિકતાથી અમેરિકા ફરી મહાન નહીં બને.

- વિજ્ઞાાનીમાંથી પ્રમુખ બનેલાં મેક્સિકોનાં ક્લોડિયાનો ટ્રમ્પને જડબાતોડ જવાબ

ટ્રમ્પને જડબાતોડ જવાબ આપનારાં મેક્સિકોનાં પ્રમુખ ક્લોડિયા શેઈનબૌમ પાર્ડોની ગણના આયર્ન લેડી તરીકે થાય છે. મેક્સિકો સિટી દુનિયામાં સૌથી વધારે ક્રાઈમ ઘરાવે છે. 

 મેક્સિકો સિટીની સરકારનાં હેડ તરીકે ક્લોડિયાએ ક્રાઈમ નેટવર્ક્સને છિન્નભિન્ન કરી નાંખ્યું તેના કારણે બનેલી ઈમેજના જોરે ૨૦૨૪માં મેક્સિકોનાં પહેલાં મહિલા પ્રમુખ બન્યાં હતાં. ક્લોડિયા ડાબેરી વિચારધારા ધરાવતી પાર્ટીનાં નેતા છે. 

યહૂદી પરિવારમાં જન્મેલાં ૬૨ વર્ષનાં ક્લોડિયા રાજકારણમાં આવ્યાં એ પહેલાં વિજ્ઞાાની તરીકે કામ કરતાં હતાં. ક્લોડિયાએ એનર્જી એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કર્યું છે. તેમનો આખો પરિવાર સાયન્સ સાથે જોડાયેલો છે. પિતા કાર્લોસ સેઈનબૌમ યોસેલેવિત્ઝ કેમિકલ એન્જીનિયર જ્યારે માતા એન્ની પાર્ડો સીમો બોયોલોજિસ્ટ હતા. કાર્લોસ મેક્સિકોમાં લેધર ટેનિંગ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ઉદ્યોપગતિ છે. ક્લોડિયાના મોટા ભાઈ જુલિયો ખ્યાતનામ ફિઝિસિસ્ટ છે જ્યારે નાની બહેન એડ્રિયાના અમેરિકામાં ટીચર છે. એડ્રિયાનાનાં લગ્ન જાણીતા ફિલ્મ-ટીવી ડિરેક્ટર રોડ્રિગો ગાર્સિયા બાર્ચા સાથે થયાં છે. 

ક્લોડિયા કોલેજમાં હતાં ત્યારથી રાજકારણમાં સક્રિય હતાં. ૧૯૮૬માં તેમની મુલાકાત કાર્લોસ આમાઝ ગિસ્પેલ સાથે થઈ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કરનારા ગિસ્પેલ મેક્સિકો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ક્લોડિયા ૧૯૮૭માં ગિસ્પેલને પરણ્યાં અને તેમના પહેલા લગ્નથી થયેલા દીકરા રોડ્રિગો ઈમાઝને ક્લોડિયાએ જ ઉછેર્યો છે. 

ગિસ્પેલ સાથેના લગ્નથી થયેલી ક્લોડિયાની દીકરી પણ પ્રોફેસર છે. 

૨૦૧૬માં ગિસ્પેલ સાથેના ૨૯ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો પછી ક્લોડિયા જીસસ મારીયા તાર્રીબા ઉનગેર સાથે જોડાયાં અને ૨૦૨૩માં લગ્ન કરી લીધાં. જીસસ પણ ફિઝિસિસ્ટ છે પણ ફાયનાન્સિયલ રિસ્ક એનાલિસ્ટ તરીકે કામ કરે છે.

- અમેરિકાને ભારતની ગરજઃ ભારત બંને બાજુથી ફાયદો લઈ શકે

ટ્રમ્પે શરૂ કરેલી ટેરિફ વોરમાં ભારત અત્યારે પિક્ચરમાં નથી. ટ્રમ્પે ભારત સહિતના દેશોના બનેલા બ્રિક્સ સંગઠનના દેશોના માલ પર ૧૦૦ ટકા ટેરીફ લાદવાની ધમકી ચૂંટણી પ્રચાર વખતે આપેલી ને પ્રમુખ બન્યા પછી ફરી આપી છે પણ તેનો અમલ કર્યો નથી એ સૂચક છે. 

ટ્રમ્પ આ ધમકીનો અમલ નહીં કરે એવું મનાય છે કેમ કે અમેરિકાની કંપનીઓને ભારતના વિશાળ માર્કેટની જરૂર છે. ભારત-અમેરિકા વચ્ચે ૧.૭૦ અબજ ડોલરના શસ્ત્ર કરાર થવાના છે. ટેરિફ લાદવાની ઉતાવળમાં એ કરાર ઘાંચમાં ના પડે તેની ટ્રમ્પને ચિંતા છે તેથી ટ્રમ્પ રોકાઈ ગયા છે. 

ભારત ચીનની સરખામણીમાં બહુ પછાત છે પણ આ પછાતપણું ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.  

ભારત થોડીક મુત્સદી બનાવીને વર્તે તો ટેરિફ વોરનો મહત્તમ લાભ લઈ શકે છે. ભારત પાસે સાયન્સ-ટેકનોલોજી નથી ને ફિનિશ્ડ ગુડ્ઝ બનાવવા માટે રો મટીરિયલ પણ નથી. ભારત ચીન પાસેથી રો મટીરિયલ લઈને ફિનિશ્ડ ગુડ્ઝ બનાવીને અમેરિકાને આપે ને બદલામાં અમેરિકા પાસેથી શસ્ત્રો સહિતની બીજી ટેકનોલોજી લે. અમેરિકન કાર સહિતનાં ઉત્પાદનો પરનો ટેક્સ પણ ઘટાડે તો ટેરિફથી બચી શકે ને મોટો આર્થિક ફાયદો મેળવી શકે છે.


News-Focus

Google NewsGoogle News