થલપથી વિજયની પોલીટિક્સમાં એન્ટ્રી, મહત્વાકાંક્ષા કે ભાજપનું પ્યાદું?
- વિજયની પાર્ટીનું લક્ષ્ય 2026માં યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી
- ભાજપે પહેલાં તમિલ સુપરસ્ટાર રજનીકાન્તને પણ રાજકારણમાં ઉતરવા લગભગ તૈયાર કરી જ દીધેલા. રજનીકાન્તે રાજકીય પાર્ટી લોંચ કરવાની બધી તૈયારીઓ પણ કરી લીધેલી પણ શાણપણ સૂઝતાં છેલ્લી ઘડીએ તેમણે વિચાર માંડી વાળ્યો. રજનીએ ના કર્યું એ વિજય પાસે કરાવીને ભાજપ સ્ટાલિનને પછાડવા નવો વ્યૂહ અપનાવી રહ્યો એવું ચોક્કસ માની શકાય. વિજયની રાજકારણમાં એન્ટ્રી ભાજપને ફાયદો કરાવશે તેમાં પણ શંકા નથી કેમ કે વિજય સ્ટાલિનને પોતાના સ્ટારડમ અને ધર્મ બંનેના કારણે ફટકો મારી શકે.
દક્ષિણ ભારતમાં ફિલ્મ સ્ટાર્સ પોતાની લોકપ્રિયતાને વટાવી ખાવા માટે રાજકારણમાં ઝંપલાવે એ વરસો જૂની પરંપરા છે. આ યાદીમાં નવું નામ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલપથી વિજયનું ઉમેરાઈ ગયું છે. વિજયે લોકસભાની ચૂંટણી પહેલાં પોતાનો રાજકીય પક્ષ સ્થાપી દીધો છે કે જેનું નામ તમિઝાગા વેત્રી કઝગમ રાખ્યું છે. વિજયની પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા નથી રાખવાની કેમ કે તેનું મુખ્ય લક્ષ્ય ૨૦૨૬માં યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી છે. ૨૦૨૬ની ચૂંટણીમાં વિજયનો પક્ષ પૂરી તાકાતથી સત્તા હાંસલ કરવા લડશે.
તમિલનાડુમાં વિજયની વિજય મક્કલ ઈયક્કમ નામે ફેન ક્લાબ ચાલે છે. આ ફેન ક્લબ રાજકીય કાર્યક્રમો આપે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો પણ ઉભા રાખે છે તેથી વિજય માટે રાજકારણ નવી વાત નથી પણ રાજકીય કાર્યક્રમો કરવા અને લોકસભા કે વિધાનસભાની ચૂંટણી લડવામાં બહુ ફરક છે. વિજય પોલીટિકલ પાર્ટી બનાવીને રાજકારણના અખાડામાં કૂદી રહ્યો છે ને તેમાં તેનું પાણી મપાઈ જશે.
એક ફિલ્મ સ્ટાર તરીકે વિજયને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે તેમાં બેમત નથી. તેના ચાહકો તેને થલપથી એટલે કે કમાન્ડર (સેનાપતિ) તરીકે સંબોધે છે પણ તમિલ પ્રજા તેને થલપથી માને છે કે નહીં તેની ખબર વિજય ચૂંટણી લડશે પછી પડી જશે. વિજયને પણ પોતાની લોકપ્રિયતા સાચી છે નહીં તેનો અંદાજ આવી જશે. લોકો તેને સ્ક્રીન પર હીરો તરીકે જોવા માગે છે જે જાહેર જીવનમાં પણ હીરો માને છે કે નહીં તેની ખબર પણ પડી જશે.
વિજયને ઘણા ભાજપનું પ્યાદું ગણાવે છે. તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનની ડીએમકે પાર્ટીના વર્ચસ્વને તોડવા માટે ભાજપ વિજયના સ્ટારડમનો ઉપયોગ કરી રહ્યો હોવાની વાતો ચાલે છે. વિજયની ગણના એક સમયે ભાજપ વિરોધી તરીકે થતી હતી. વિજયની ૨૦૧૭માં આવેલી સુપરહીટ ફિલ્મ 'મર્સેલ'માં નોટબંધી અને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની ટીકા કરીને આકરા પ્રહારો કરાયા હતા. તેના કારણે સોશિયલ મીડિયા પર ભાજપના સમર્થકો વિજય પર તૂટી પડયા હતા.
'મર્સેલ'ની રીલીઝના બે વર્ષ પછી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ ઈન્કમટેક્સ વિભાગે વિજય તથા અન્બુ ચેલિયનને ત્યાં રેડ પાડી ત્યારે આ મુદ્દો ફરી ચગ્યો હતો. ભાજપ વિરોધીઓએ ત્યારે આક્ષેપ કરેલો કે, 'મર્સેલ'નો સ્કોર સેટલ કરવા રેડ પડાઈ છે. ઈન્કમટેક્સ વિભાગે દાવો કરેલો કે, પ્રોડક્શન સ્ટુડિયો એજીએસ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા અન્બુ ચેલિયાન અને વિજયે ખાનગીમાં કરોડોના શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા.
વિજયની સુપરહીટ ફિલ્મ 'બિગિલ'નું નિર્માણ એજીએસ એન્ટરટેઈનમેન્ટ કંપનીએ કરેલું. કંપનીએ બદલામાં કેટલીક પ્રોપર્ટી વિજયને નામે કરી હતી. આ પ્રકારના વ્યવહારો દ્વારા મોટા પ્રમાણમાં કરચોરી કરાઈ છે. ઈન્કમટેક્સ વિભાગે ચેલિયનના ત્યાંથી ૬૫ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી હોવાની જાહેરાત પણ કરેલી. એ વખતે સૌને લાગતું હતું કે વિજયે ભાજપ સરકારની ટીકા કરીને પેટ ચોળીને શૂળ ઉભું કર્યું છે અને ઈન્કમટેક્સ વિભાગ તેને ફીણ પડાવી દેશે.
આશ્ચર્યજનક રીતે ૧૨ માર્ચે ઈન્કમટેક્સ વિભાગે જાહેર કર્યું કે, વિજય કે ચેલિયનને ત્યાં રેડમાં કશું વાંધાજનક મળ્યું નથી. ચેલિયનને ત્યાંથી ૬૫ કરોડ રૂપિયાની રોકડ મળી તેની મોટા ઉપાડે જાહેરાત કરનાર ઈન્કમટેક્સ વિભાગ અચાનક વિજય-ચેલિયાન તરફ કૂણી કાકડી જેવો થઈ ગયો તેનું ઘણાંને આશ્ચર્ય થયેલું પણ તેના માટે જવાબદાર તમિલ અભિનેતા વિજયકાંત હતા.
વિજયકાન્તનું ૨૦૨૩ના ડીસેમ્બરમાં અવસાન થયું. તમિલ સિનેમામાં રજનીકાન્તની નકલ કરીને ચાલી ગયેલા વિજયકાન્તે દરમિયાનગીરી કરીને વિજય સામે કેસ ના થાય ને બદલામાં વિજય ભાજપને મદદ કરે એવી ગોઠવણ કરી હોવાનું કહેવાય છે. તમિલનાડુના રાજકારણમાં બહુ કાઠું નહીં કાઢી શકેલી ડીએમડીકે પાર્ટીના વિજયકાન્તના વિજયના પરિવાર સાથે ગાઢ સંબંધો છે ને ભાજપ સાથે પણ તેમની નિકટતા છે.
વિજયના ડિરેક્ટર પિતા એસ.એ. ચંદ્રશેખર તમિલ ફિલ્મોના સફળ ડિરેક્ટર છે. સાઉથની બધી ભાષામાં ૭૦ જેટલી ફિલ્મો ડિરેક્ટ કરનારા ચંદ્રશેખરને વિજયકાન્તની કારકિર્દી બનાવનારા ડિરેક્ટર માનવામાં આવે છે. ચંદ્રશેખરની અડધાથી વધારે ફિલ્મોમાં વિજયકાન્ત હીરો હતા. વિજયકાન્તની પાર્ટી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો હિસ્સો હોવાથી કેન્દ્ર સરકારમાં તેમનું ઉપજતું. વિજયકાન્તના કહેવાથી ઈન્કમટેક્સ વિભાગે વિજયને જવા દીધો એ ઉપકારનો બદલો વિજય ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિરોધી સ્ટાલિનને હરાવવામાં મદદ કરીને વાળશે એવું કહેવાય છે.
આ વાતોમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ભાજપે પહેલાં તમિલ સુપરસ્ટાર રજનીકાન્તને પણ રાજકારણમાં ઉતરવા લગભગ તૈયાર કરી જ દીધેલા. રજનીકાન્તે રાજકીય પાર્ટી લોંચ કરવાની બધી તૈયારીઓ પણ કરી લીધેલી પણ શાણપણ સૂઝતાં છેલ્લી ઘડીએ તેમણે વિચાર માંડી વાળ્યો. રજનીએ ના કર્યું એ વિજય પાસે કરાવીને ભાજપ સ્ટાલિનને પછાડવા નવો વ્યૂહ અપનાવી રહ્યો એવું ચોક્કસ માની શકાય.
વિજયની રાજકારણમાં એન્ટ્રી ભાજપને ફાયદો કરાવશે તેમાં પણ શંકા નથી કેમ કે વિજય સ્ટાલિનને પોતાના સ્ટારડમ અને ધર્મ બંનેના કારણે ફટકો મારી શકે. વિજય અત્યારે તમિલ સિનેમામાં સૌથી મોટો સ્ટાર મનાય છે. વિજયના ચાહકો તો તેને રજનીકાન્ત કરતાં પણ મોટો સ્ટાર માને છે. આપણે આ સરખામણીમાં ના પડીએ પણ વિજયનો મોટો ચાહકવર્ગ છે તેનો ઈન્કાર ના થઈ શકે. તેમાં યંગસ્ટર્સ વધારે છે. સ્ટાલિન તમિલ સંસ્કૃતિને મુદ્દે આક્રમક વલણને કારણે યંગસ્ટર્સમાં લોકપ્રિય છે. સ્ટાલિનનો દીકરો ઉદયનિથી પણ ફિલ્મ સ્ટાર છે તેથી તેની લોકપ્રિયતાનો લાભ પણ ડીએમકેને મળે છે. વિજય તેમાં ચોક્કસ ભાગ પડાવી શકે કેમ કે તેની ફેન ક્લબ્સના સભ્યોની સંખ્યા વીસ લાખથી વધારે છે.
તમિલનાડુમાં ખ્રિસ્તીઓ સૌથી મોટી લઘુમતી છે. તમિલનાડુની કુલ વસતીમાં ૮૭ ટકા હિંદુ છે અને બીજા નંબરે ૬.૧ ટકા સાથે ખ્રિસ્તી છે. ખ્રિસ્તીએની વસતી મુસ્લિમોથી પણ વધારે છે અને કરૂણાનિધીની હિંદુ વિરોધી માનસિકતાના કારણે ખ્રિસ્તી મતબેંક પરંપરાગત રીતે ડીએમકેતરફી છે. વિજય પોતે ખ્રિસ્તી છે તેથી ખ્રિસ્તી મતદારો તેના તરફ ઢળી શકે છે.
તમિલ સિનેમામાં થલાઈવા વર્સીસ થલપતિ, રજનીએ વિજયને કાગડો ગણાવેલો
તમિલ સિનેમામાં રજનીકાંત સૌથી મોટા ફિલ્મ સ્ટાર મનાય છે પણ વિજયના ચાહકો વિજયને રજનીકાન્તથી પણ મોટો સુપરસ્ટાર માને છે. રજનીના ચાહકો તેમને પ્રેમથી થલાઈવા એટલે કે નેતા કહે છે તો વિજયના ચાહકો વિજયને થલપથી એટલે કે સેનાપતિ ગણાવે છે. બંનેની ફેન ક્લબ વચ્ચે વારંવાર ઘર્ષણ થયા જ કરે છે.
રજનીકાન્ત સામાન્ય રીતે કોઈ સ્ટારની વિરૂધ્ધ બોલતા નથી પણ વિજયના ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર વિજયને રજનીથી મોટો સ્ટાર સાબિત કરવા ઝુંબેશ ચાલે છે તેનાથી અકળાઈને રજનીએ વિજયની સરખામણી કાગડા સાથે કરેલી. ગયા વરસના જુલાઈમાં રજનીની ફિલ્મ જેલરના ઓડિયો લોંચ વખતે રજનીકાન્તે કાગડા અને ગરૂડની કથા સંભળાવેલી.
રજનીકાન્તે કહેલું કે, કાગડો કા કા કરી કરીને સતત શોરબકોર કરીને ગરૂડને પરેશાન કરવા પ્રયત્ન કર્યા કરે છે પણ ગરૂડ કાગડાને અવગણીને ઉંચે ને ઉંચે ઉડયા કરે છે. કાગડો ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ ગરૂડની ઉંચાઈ સુધી પહોંચી શકતો નથી. રજનીકાન્તે પાછળથી પોતે વિજયના સંદર્ભમાં આ કથા નહોતી કહી એવો ખુલાસો કરેલો પણ તેમની વાત કોઈના ગળે ઉતરી નહોતી.
તમિલનાડુમાં ચાર ફિલ્મી હસ્તી મુખ્યમંત્રી બની છે
દક્ષિણ ભારતમાં ફિલ્મી હસ્તીઓને રાજકારણમાં સફળતા મળી એટલી સફળતા બીજે ક્યાંય મળી નથી. તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન, કરૂણાનિધી, જાનકી રામચંદ્ર અને જયલલિતા એમ ચાર મુખ્યમંત્રીનાં મૂળિયા ફિલ્મોમાં હતાં એ જોતાં વિજય માટે મુખ્યમંત્રી બનવાની તક છે.
આંધ્ર પ્રદેશમાં પણ એન.ટી. રામારાવને ધાંય ધાંય સફળતા મળી. આંધ્ર પ્રદેશમાં વરસોના કોંગ્રેસના એકચક્રી શાસનનો અંત રામારાવ લાવ્યા. તેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર રામારાવે ધાર્મિક ફિલ્મોમાં ભૂમિકાઓ કરીને તેલુગુ પ્રજાના મનમાં લોકોના મનમાં આદરણીય સ્થાન મેળવ્યું હતું. તેના કારણે ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા. કર્ણાટકમાં ફિલ્મો સાથે સંકળાયેલા કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા છે.
જો કે દક્ષિણમાં ઘણા સુપરસ્ટાર્સ રાજકારણમાં ચાલ્યા જ નહીં એવું પણ બન્યું છે. તમિલ સુપરસ્ટાર અને રેખાના કાકા શિવાજી ગણેશન ટીએમએમ નામે પક્ષ બનાવેલો પણ સફળ નહોતા થયા. કમલ હસન સફળ નથી થયા. વિજયકાન્તે બનાવેલા ડીએમડીકેને પણ સફળતા નથી મળી. સરથકુમારના ઓલ ઈન્ડિયા સમથુવા મક્કાલ કચ્ચીને પણ સફળતા મળી નથી. આંધ્રમાં ચિરંજીવી, વિજયાશાંતિ, પવન કલ્યાણ, મોહન બાબુ વગેરે રાજકારણમાં આવ્યાં પણ સફળ થયા નથી.