યુનેસ્કોમાં પાકિસ્તાન સામે ભારતની હાર, ગ્લોબલ સાઉથ નીતિ સામે સવાલ
- ચૂંટણીમાં ભારતની હારને નિષ્ણાતો એટલા માટે ગંભીર માને છે કે, યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડના 58 સભ્યોમાં ગ્લોબલ સાઉથના દેશોની બહુમતિ છે
- વૈશ્વિક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, યુનેસ્કોની ચૂંટણી સામાન્ય બાબત છે પણ ભારત માટે તેના બોધપાઠ બહુ મોટા છે. ગ્લોબલ સાઉથમાં આવતા બ્રાઝિલ, આર્જેન્ટિના સહિતના લેટિન અમેરિકન દેશો સાથે મળીને ભારત એક નવી આર્થિક ધરી રચવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા સહિતના પશ્ચિમના દેશોનો દુનિયાના અર્થતંત્ર પર પ્રભાવ ઘટે અને ભારત સહિતના વધારે વસતી ધરાવતા દેશોનો પ્રભાવ વધે એ માટે ભારત પૂરી તાકાત લગાવી રહ્યું છે પણ ભારત જેમને માટે લડી રહ્યું છે એ દેશો જ ભારત સાથે નથી પણ ચીન સાથે છે એ આ પરિણામનો બોધપાઠ છે.
ભારત અને પાકિસ્તાનની દુશ્મની જગજાહેર છે. આ કારણે પાકિસ્તાન સામે કોઈ પણ સ્તરે ભારતની હાર થાય ત્યારે ભારતીયો અકળાઈ જાય છે ને પાકિસ્તાન સામેનો બળાપો બહાર નિકળવા માંડે છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) ના એક્ઝીક્યુટિવ બોર્ડની ચૂંટણીમાં પાકિસ્તાન સામે ભારતની હાર થતાં એવો જ માહોલ છે. ભારત ગ્રુપ ફોરના વાઈસ ચેરમેનપદની ચૂંટણીમાં ઉભું રહેલું પણ પાકિસ્તાન સામે ખરાબ રીતે હારી ગયું.
આ હારના પગલે સોશિયલ મીડિયા પર લોકો પાકિસ્તાનને ગાળો આપી રહ્યા છે અને યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધીઓને પણ ચોપડાવી રહ્યા છે. ભારત વૈશ્વિક સ્તરે એક પ્રભાવશાળી દેશ તરીકે ઉભર્યો છે છતાં યુનેસ્કો જેવી સંસ્થામાં પાકિસ્તાન જેવા સાવ ભૂખડીબારસ દેશ સામે કઈ રીતે હારી ગયો એવો સવાલ લોકો કરી રહ્યા છે.
ભારતના સોશિયલ મીડિયા યુઝર્સને તો પાકિસ્તાન સામેની હારથી લાગી આવ્યું છે તેથી બળાપો કાઢી રહ્યા છે પણ વૈશ્વિક બાબતોના નિષ્ણાતો પણ ભારતની હારને ગંભીર ગણાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે, યુનેસ્કોની જનરલ કોન્ફરન્સના ૫૮ સભ્યોમાંથી ૩૮ સભ્યોએ પાકિસ્તાનને મત આપ્યો જ્યારે ભારતને માત્ર ૧૮ સભ્યોએ જ મત આપ્યો. બે સભ્યો મતદાનથી ગેરહાજર રહ્યા હતા. ભારત સામે પાકિસ્તાનની કોઈ હૈસિયત નહીં હોવા છતાં પાકિસ્તાન ભારત કરતાં બમણાથી વધારે મત લઈ ગયું છે.
યુનેસ્કો એક્ઝીક્યુટિવ બોર્ડ બહુ મોટી સંસ્થા નથી. તેના એક્ઝીક્યુટિવ બોર્ડ પાસે એવી કોઈ સત્તા નથી પણ આ ચૂંટણીમાં ભારતની હારને નિષ્ણાતો એટલા માટે ગંભીર માને છે કે, યુનેસ્કોના એક્ઝીક્યુટિવ બોર્ડના ૫૮ સભ્યોમાં ગ્લોબલ સાઉથના દેશોની બહુમતી છે. આ મતદાન ખાનગી હોવાથી કોણે કોને મત આપ્યો તેની ખબર ના પડે પણ નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા સહિતના દેશો ભારતને પડખે રહ્યા છે જ્યારે બીજા દેશો ભારતની વિરૃધ્ધ રહ્યા છે.
આ વાતની ગંભીરતાને સમજવા માટે ગ્લોબલ સાઉથ શું છે એ સમજવું જરૃરી છે. જીયોપોલિટિક્સની રીતે છેલ્લાં કેટલાંક વરસોમાં દુનિયા ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ એમ ભે બાગમાં વહેંચાઈ ગયેલી છે. પૃથ્વીના ગોળામાં ઉત્તર ભાગમાં આવેલા દેશો અને દક્ષિણ ભાગમાં આવેલા દેશો જોશો તો આ વાત સારી રીતે સમજાશે.
ગ્લોબલ નોર્થમાં અમેરિકા તથા પશ્ચિમના સમૃધ્ધ દેશોનો સમાવેશ થાય છે જ્યારે ગ્લોબલ સાઉથમાં એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે. ગ્લોબલ નોર્થના સમૃધ્ધ દેશોથી વિપરીત ગ્લોબલ સાઉથના દેશોમાં સમૃધ્ધિ ઓછી છે. મોટા ભાગના દેશો વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ઝડપથી ઉભરી રહ્યા છે. ભારત અને ચીન આ દેશોના આગેવાન ગણાય છે.
ભારત ગ્લોબલ સાઉથની ચળવળને વેગ આપનારો દેશ છે. ગ્લોબલ સાઉથના દેશો વચ્ચે આર્થિક સહકાર કરીને પરસ્પર વિકાસનો મંત્ર ભારતે આપ્યો છે છતાં સાઉથ ગ્લોબલના બહુમતી દેશો ભારતની પડખે રહ્યા નથી. તેના બદલે તેમણે પાકિસ્તાનની તરફેણ કરવાનું પસંદ કર્યું છે તેને વૈશ્વિક બાબતોના નિષ્ણાત ગંભીર માને છે.
યુનેસ્કોના એક્ઝીક્યુટિવ બોર્ડમાં કુલ ૧૨ સભ્યો હોય છે. તેમાંથી એક ચેરમેન હોય છે, છ વાઈસ-ચેરપર્સન અને પાંચ પરમેનન્ટ કમિશન્સ અને કમિટીઓના ચેરમેન હોય છે. આ બોર્ડ યુનેસ્કોનો એજન્ડા નક્કી કરે છે તેથી તેની ભૂમિકા મહત્વની હોય છે. યુનેસ્કોના તમામ સભ્ય દેશોને ૬ રીજિયોનલ ગુ્રપમાં વહેંચી દેવાયા છે. દરેક ગુ્રપમાંથી એક ચેરપર્સન હોય છે કે જે બોર્ડનો સભ્ય બને છે. ભારત ગુ્રપ ફોરનું વાઈસ-ચેરપર્સનપદ મેળવવા માટે પાકિસ્તાન સામે ચૂંટણી લડેલું. આ ગુ્રપમાં ભારત અને પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેેલિયા, બાંગ્લાદેશ, ચીન, કૂક આઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, ફિલિપાઈન્સ, દક્ષિણ કોરીયા, શ્રીલંકા અને વિયેતનામ એટલા સભ્ય દેશો છે. ગુ્રપમાં ગમે તેટલા દેશ હોય પણ ચેરપર્સનની પસંદગી કરવાની આવે ત્યારે તમામ સભ્યો મતદાન કરે છે.
નિષ્ણાતોના મતે, ગ્લોબલ સાઉથના દેશોએ પાકિસ્તાનની નહીં પણ ચીનની તરફેણ કરી છે. બલ્કે ચીનના દબાણ હેઠળ ભારત વિરૃધ્ધ મતદાન કર્યું છે. બાકીનાં પાંચ ગુ્રપના ચેરપર્સનની પસંદગી ચૂંટણી વિના સર્વાનુમતે થઈ હતી જ્યારે ગુ્રપ ફોરમાં જ મતદાન કરવું પડયું કેમ કે ભારતે ચેરપર્સનપદ માટે ઈચ્છા વ્યક્ત કરી પછી પાકિસ્તાને સામે ઉભા રહેવાની જાહેરાત કરેલી. પાકિસ્તાનને ચીને ઉભું કર્યું હોવાનો પણ નિષ્ણાતોનો મત છે.
વૈશ્વિક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, યુનેસ્કોની ચૂંટણી સામાન્ય બાબત છે પણ ભારત માટે તેના બોધપાઠ બહુ મોટા છે. ગ્લોબલ સાઉથમાં આવતા બ્રાઝિલ, આર્જેન્ટિના સહિતના લેટિન અમેરિકન દેશો સાથે મળીને ભારત એક નવી આર્થિક ધરી રચવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા સહિતના પશ્ચિમના દેશોનો દુનિયાના અર્થતંત્ર પર પ્રભાવ ઘટે અને ભારત સહિતના વધારે વસતી ધરાવતા દેશોનો પ્રભાવ વધે એ માટે ભારત પૂરી તાકાત લગાવી રહ્યું છે પણ ભારત જેમને માટે લડી રહ્યું છે એ દેશો જ ભારત સાથે નથી પણ ચીન સાથે છે એ આ પરિણામનો બોધપાઠ છે.
આ સંજોગોમાં ભારતે ચીનના પોઠિયા જેવા દેશોની પંગતમાં બેસવાના બદલે અમેરિકા સહિતના દુનિયાના સમૃધ્ધ દેશોની સાથેના સંબંધો મજબૂત કરવા જોઈએ. અમેરિકા સહિતના દેશો પાસે જબરદસ્ત ખરીદશક્તિ છે અને તેમને જંગી પ્રમાણમાં માલ જોઈએ છે પણ મેનપાવર નથી. ભારતે તેમની જરૃરીયાત પૂરી પાડીને પોતાની આર્થિક તાકાત વધારવી જોઈએ. ગ્લોબલ સાઉથને મજબૂત કરવાથી ભારત કરતાં ચીનને વધારે ફાયદો થશે એ જોતાં ભારતે ગ્લોબલ સાઉથના ઝંડાધારી બનવાના બદલે પોતાના ફાયદા વિશે વિચારવું જોઈએ.
યુનેસ્કોમાં રાજકીય નિમણૂક ભારતને નડી ગઈ
યુનેસ્કોમાં ભારતની હાર માટે ભારતના યુનેસ્કોમાં કાયમી પ્રતિનિધી વિશાલ શર્માનો રાજદ્વારી ક્ષેત્રે અનુભવ અને સંપર્કોનો અભાવ જવાબદાર ગણાવાય છે. સામાન્ય રીતે યુનેસ્કો સહિતની મોટી વૈશ્વિક સંસ્થાઓમાં ભારતના કાયમી પ્રતિનિધી તરીકે ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ)ના અધિકારીની નિમણૂક થાય છે પણ વિશાલ શર્મા સિવિલ સર્વિસીસમાંથી જ નથી. શર્માની નિમણૂક રાજકીય કારણોસર કરાઈ હતી. વિશાલ શર્મા પહેલાં જાવેદ અશરફ યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધી હતા કે જે આઈએફએસ અધિકારી હતા.
વિશાલ શર્મા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સાથે કામ કરતા હતા. મોદી પહેલી વાર ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની હોલોગ્રમ જાહેર સભાઓએ ભારે ચર્ચા જગાવી હતી. વિશાલ શર્માએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સભાઓ કરાવી હતી. તેના પગલે મોદી વડાપ્રધાન બન્યા પછી શર્માની બીપીસીએલમા ડિરેક્ટર સહિતના હોદ્દાઓ પર નિમણૂક થઈ હતી. ૨૦૨૦માં તેમને યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધી બનાવાયા હતા.
આઈએફએસના અધિકારીઓના બીજા દેશોના અધિકારીઓ સાથે જીવંત સંપર્ક હોય છે. કોઈ ને કોઈ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે તેથી અધિકારીઓ બીજા દેશોને ભારતની તરફેણમાં મતદાન કરાવવા માટે રાજી કરી લે છે. આ સંપર્ર્કોના કારણે ભારતે ચૂંટણીમાં ઉભા રહેવું કે નહીં તેનો પણ અંદાજ આવી જતો હોય છે. ભારત જીત ના દેખાય ત્યાં ચૂંટણીમાં નહીં ઉભા રહેવાની વ્યૂહરચના અત્યાર સુધી અપનાવતું હતું. શર્મા પાસે આવા સંપર્કો જ નહીં હોવાથી ભારતને લશ્કર ક્યાં લડે છે એ જ ખબર ના પડી અને પછડાટ ખાવી પડી.
અમેરિકા તથા સાથી દેશો ભારતની પડખે
યુનેસ્કોની જનરલ કોનફરન્સમાં મુસ્લિમ દેશોની સંખ્યા નોંધપાત્ર છે. સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, ઈરાક, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ઈજીપ્ત, જોર્ડન, કુવૈત, પાકિસ્તાન સહિતના દેશો સભ્ય છે. આ દેશો પાકિસ્તાનને પડખે જ રહેશે એવી ગણતરી હતી પણ લેટિન અમેરિકાના દેશો ભારતની સાથે રહેશે એવી ગણતરી મૂકાતી હતી.
બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, મેક્સિકો, પેરાગ્વે વગેરે દેશો ભારતને પડખે રહેવાના બદલે પાકિસ્તાનના પડખે રહ્યા છે. તેનું કારણ ચીન છે. છેલ્લાં કેટલાંક વરસોમાં આ દેશો સાથે ચીનના ગાઢ આર્થિક સંબંધો બંધાયા છે. ચીન સાથે બિઝનેસ કરવામાં તેમને ફાયદો છે કેમ કે ચીન પાસેથી સાવ સસ્તામાં માલ મળે છે. આ કારણે આ દેશોએ ચીનના રાજી રાખવા પાકિસ્તાનની તરફેણ કરી.
અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સ્પેન, જર્મની, જાપાન, કોરીયા, ઈટાલી વગેરે અમેરિકાના સાથી દેશો ભારતની પડખે રહ્યા. તેના કારણે ભારતને ૧૮ મત મળ્યા એવું મનાય છે.