સુપરસ્ટાર વિજય તમિલનાડુના રાજકારણમાં કેમ નહીં ચાલે
- વિજયની લોકપ્રિયતામાં બેમત નથી પણ માત્ર લોકપ્રિયતાના જોરે રાજકારણમાં સફળ થવાતું નથી. તમિલ સિનેમાનાં ઘણાં મોટાં નામ રાજકારણમાં ચાલ્યાં નથી જ. જયલલિતા, એમજીઆર કે કરૂણાનિધી સાથે તેની સરખામણી પણ થઈ શકે તેમ નથી. આ લોકો મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા તેમાં તેમની લોકપ્રિયતા કરતાં વધારે ફાળો દ્રવિડીયન સંસ્કૃતિ સાથેનું તેમનું જોડાણ છે. વિજય પાસે દ્રવિડિયન વિચારધારાનો કોઈ આધાર નથી. કરૂણાનિધી, એમજીઆર કે જયલલિતાએ લોકોની વચ્ચે જઈને ખેડાણ કરેલું, લોકોની સમસ્યાઓને સમજ્યા હતા અને પોતાનો રાજકીય પાયો તૈયાર કર્યો હતો. વિજય પાસે એવો કોઈ નક્કર આધાર કે પાયો નથી.
તમિલ ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા થલપથી વિજયે અંતે પોતાની પાર્ટી તમિલાગા વેટ્ટરી કઝગમ (ટીવીકે) લોંચ કરી દીધી અને તમિલનાડુમાં ૨૦૨૬ના એપ્રિલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર પણ શરૂ કરી દીધો. વિજયે પહેલાં જ તમિલનાડુ વિધાનસભાની તમામ બેઠકો પર લડવાની જાહેરાત કરી નાંખી છે. રાજકારણને ફુલ ટાઈમ આપી શકાય એ માટે વિજયે પોતાની એક્ટિંગની કરીયરનો સંકેલો કરવાનું નક્કી કરી લીધું છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૫ના માર્ચ-એપ્રિલમાં વિજય તમિલનાડુમાં યાત્રા કાઢવા માગે છે તેથી થલપથી ૬૯ પોતાની છેલ્લી ફિલ્મ હશે એવું એલાન પણ કરી દીધું છે.
વિજયે રાજકીય ઈનિંગને મામલે ગંભીર હોવાનો સંકેત આપીને રવિવારે પોતાની પહેલી સભા કરી તેમાં પોતાની રાજકીય વિચારધારા પણ સ્પષ્ટ કરી દીધી. વિજયે ભાજપને પોતાની વૈચારિક હરીફ અને એમ.કે. સ્ટાલિનની ડીએમકેને રાજકીય હરીફ ગણાવી છે. તેનો મતલબ એ થયો કે, વિજયની પાર્ટી હિંદુત્વના રસ્તે નથી ચાલવાની પણ સેક્યુલારિઝમને અપનાવશે. વિજયે ડીએમકેને રાજકીય હરીફ ગણાવીને તેનો અર્થ એ થયો કે, રાજકીય રીતે વિજય ડીએમકેની વિચારધારાના અનુસરવાનો છે.
વિજયે તમિલનાડુના મહાત્મા ગાંધી ગણાતા પેરીયારના રસ્તે ચાલવાનું પણ એલાન કર્યું છે પણ પેરીયારની જેમ નાસ્તિકતાને નહીં પોષે એ પણ સ્પષ્ટ કર્યું છે. પેરીયાર ભગવાન છે જ નહીં એવું કહેતા. વિજય ભગવાનમાં માને છે તેથી ભગવાના અસ્તિત્વને નકારતી કોઈ પણ વિચારધારાને નહીં અનુસરે. આસ્તિકતા સિવાય બીજા મુદ્દે વિજય પેરીયારની વિચારધારાને અનુસરવાનો છે તેનો અર્થ એ થયો કે, તમિલનાડુના રાજકારણમાં વધુ એક દ્રવિડિયન વિચારધા ધરાવતી પાર્ટીનો ઉદય થયો છે.
રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ માને છે કે, વિજય ડીએમકેને જોરદાર ટક્કર આપી શકે છે અને ભવિષ્યમાં તમિલનાડુનો મુખ્યમંત્રી પણ બની શકે છે. તેની પાછળનું કારણ તમિલનાડુનો રાજકીય ઈતિહાસ અને વિજયની ફિલ્મ સ્ટાર તરીકેની લોકપ્રિયતા છે. તમિલ સિનેમામાં અત્યારે રજનીકાન્ત સુપરસ્ટાર છે અને દૂર સુધી રોઈ તેની નજીક પણ નથી. રજની પછીના જે સુપરસ્ટારમાં વિજય, સૂર્યા, વિક્રમ, વિજય સેતુપતિ વગેરે હીરો આવે છે. આ બધામાં વિજયની લોકપ્રિયતા વધારે છે એ સ્વીકારવું પડે. છેલ્લાં કેટલાંક વરસોથી વિજયની દરેક ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયાથી વધારેનો વકરો કરી જ જાય છે. વિજય ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં વધારે લોકપ્રિય છે તેથી બીજા તમિલ સ્ટાર્સ કરતાં રાજકીય રીતે સફળ થવાની તેની શક્યતા વધારે છે.
બીજું કારણ એ છે કે, તમિલનાડુમાં છેલ્લાં કેટલાંક વરસોથી ફિલ્મો સાથે સંકળાયેલી વ્યક્તિ જ મુખ્યમંત્રીપદે પહોંચે છે. છેલ્લા ચાર દાયકામાં તમિલનાડુમાં એમ.જી. રામચંદ્રન, કરૂણાનિધી, જાનકી રામચંદ્ર, જયલલિતા એમ ફિલ્મોમાં મૂળિયાં ધરાવતાં ચાર-ચાર મુખ્યમંત્રી આવ્યા તેથી વિજય પણ મુખ્યમંત્રી બની શકે છે.
ઘણા વિશ્લેષકો આ દલીલને હાસ્યાસ્પદ માને છે અને વિજય સફળ ના થઈ શકે એવું માને છે. તેમના મતે, વિજયની લોકપ્રિયતામાં બેમત નથી પણ માત્ર લોકપ્રિયતાના જોરે રાજકારણમાં સફળ થવાતું નથી. તમિલ સિનેમાનાં ઘણાં મોટાં નામ રાજકારણમાં ચાલ્યાં નથી જ. એ રીતે જયલલિતા, એમજીઆર કે કરૂણાનિધી સાથે તેની સરખામણી થઈ શકે તેમ નથી. આ લોકો મુખ્યમંત્રીપદ સુધી પહોંચ્યા તેમાં તેમની લોકપ્રિયતા કરતાં વધારે ફાળો દ્રવિડીયન સંસ્કૃતિ સાથેનું તેમનું જોડાણ છે.
તમિલનાડુમાં દ્રવિડીયન સંસ્કૃતિની પ્રબળ અસરને કારણે લોકો હિંદીના નામથી જ ભડકે છે. તમિલનાડુમાં સત્તાસ્થાને પહોંચવા માટે દ્રવિડિયન અસ્મિતાની વાતો કરનારા લોકોએ બહુ ખૂબીપૂર્વક લોકોની આ લાગણીઓનો લાભ લીધો છે.
ઉત્તર ભારતની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે ને આર્યોએ આપણને દેશભરમાંથી તગેડીને દક્ષિણમાં ધકેલી દીધા એવું ઝેર દ્રવિડીયન સંસ્કૃતિના ચેમ્પિયનોએ ચલાવ્યો. પેરીયર ઈ. રામાસ્વામી તેના પ્રણેતા હતા ને સી.એન. અન્નાદુરાઈએ એ વારસાને આગળ ધપાવ્યો. તમિલનાડુના રાજકારણમાં સફળ થયેલા તમામ રાજકારણી અન્નાના ચેલકા છે.
તમિલનાડુમાં આઝાદી પછી શરૂઆતનાં વરસો કોંગ્રેસના પ્રભુત્વનાં હતાં પણ ૧૯૬૦ના દાયકામાં દ્રવિડ ચળવળ પ્રબળ બની પછી દ્રવિડીયન નેતાઓ છવાયા. પેરીયર ઈ.વી. રામાસ્વામી ચળવળના પ્રણેતા હતા. પેરીયારને તમિલનાડુમાં મહાત્મા ગાંધી સાથે સરખાવાય છે. પેરીયારે ૧૯૪૬માં જસ્ટિસ પાર્ટી સ્થાપીને દ્રવિડિયન સંસ્કૃતિની વાતો કરીને હિંદીનો વિરોધ શરૂ કરી દીધેલો.
પેરીયારનો પ્રભાવ એટલો જબરદસ્ત હતો કે એ જ્યાં જાય ત્યાં લાખેક માણસ ભેગા થઈ જતા. પેરીયાર ૧૯૭૩માં ગુજરી ગયા ત્યારે એક અઠવાડિયા લગી તમિલનાડુ બંધ રહ્યું હતું. તેમની શ્રધ્ધાંજલિ સભાઓ વરસ સુધી ચાલી હતી.
પેરીયારના વારસાને સી.એન. અન્નાદુરાઈએ સાચવ્યો. અન્નાદુરાઈએ સત્તાસ્થાને પહોંચવા માટે ફિલ્મી હસ્તીઓની લોકપ્રિયતાનો લાભ લેવાનું શરૂ કર્યું તેમાં તમિલનાડના રાજકારણમાં ફિલ્મી હસ્તીઓનો દબદબો ચાલુ થયો.
અન્નાદુરાઈ અને પેરીયાર જસ્ટિસ પાર્ટીમાં સાથે હતા. પેરીયારે પોતાનાથી ૨૦ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને તેને પોતાની રાજકીય વારસ જાહેર કરી તેની સામે વિરોધ દર્શાવીને અન્નાદુરાઈ અલગ થઈને દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) બનાવી હતી. તમિલનાડુમાં એ વખત ક્રાંતિકારી લખાણો માટે જાણીતા કરૂણાનિધી અન્નાદુરાઈ સાથે ગયા તેથી અન્નાની ડીએમકે મજબૂત બની.
કરૂણાનિધી તમિલ ફિલ્મોના સુપરસ્ટાર એમ.જી. રામચંદ્રનને કોંગ્રેસમાંથી ડીએમકેમાં લઈ આવ્યા અને એમજીઆર સાથેની નિકટતાના કારણે પાછળથી જયલલિતા પણ રાજકારણમાં આવ્યાં. અન્નાના મોત પછી સત્તાની લડાઈમાં કરૂણાનિધી અને એમજીઆર અલગ થયા, એમજીઆર એઆઈએડીએમકે બનાવીને મુખ્યમંત્રી પણ બન્યા પણ બંનેની વિચારધારા દ્રવિડિયન સંસ્કૃતિની જ છે. આ વિચારધારાના કારણે બંને પાર્ટી સત્તા ભોગવી શકી છે.
વિજય પણ એ જ વિચારધારાને અનુસરવાની વાતો કરે છે પણ વિજયન પાસે દ્રવિડિયન વિચારધારાનો કોઈ આધાર નથી. કરૂણાનિધી, એમજીઆર કે જયલલિતાએ મુખ્યમંત્રીપદ સુધી પહોંચતાં પહેલાં વરસો પહેલાં લોકોની વચ્ચે જઈને ખેડાણ કરેલું, લોકોની સમસ્યાઓને સમજ્યા હતા અને પોતાનો રાજકીય પાયો તૈયાર કર્યો હતો. વિજય પાસે એવો કોઈ નક્કર આધાર કે પાયો નથી. વિજયે માત્ર પોતાની લોકપ્રિયતાના જોરે ડીએમકે જેવી સાત દાયકા જૂની પાર્ટી સામે ટકરાવાનું છે એ જોતાં તેના માટે સત્તા સુધીની સફર સરળ નહીં હોય. ભૂતકાળમાં કમલ હસન જેવા ધુરંધર ફેંકાઈ ગયેલા ને વિજયના પણ એ જ હાલ થશે.
શિવાજી ગણેશનથી શરથકુમાર સુધીના સુપરસ્ટાર રાજકારણમાં નથી ચાલ્યા
તમિલનાડુમાં સંખ્યાબંધ ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મી હસ્તીઓને રાજકારણમાં ઘોર નિષ્ફળતા મળી છે. તમિલ સિનેમામાં શિવાજી ગણેશન મોટું નામ છે. બોલીવુડ અભિનેત્રી રેખાના કાકા શિવાજી ગણેશને પણ દ્રવિડ સંસ્કૃતિની વાત કરતા ડીએમકેથી રાજકીય કારકિર્દી શરૂ કરીને પછીથી તમિલ નેશનલ પાર્ટીમાં જોડાયા હતા. આ પાર્ટી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. ૧૯૮૮માં તેમણે ટીએમએમ નામે પાર્ટી બનાવી અને રામચંદ્રનનાં વિધવા જાનકી સાથે જોડાણ કરીને ચૂંટણી લડેલા. જયલલિતા સામે ભૂંડી હાર પછી શિવાજી ગણેશનની પાર્ટી પતી ગઈ ને જનતા દળમા ભળી ગયેલી.
ગણેશનની જેમ વિજયકાન્તે બનાવેલા ડીએમડીકેને પણ બહુ સફળતા નથી મળી. રજનીકાન્તે ચીલાચાલુ એક્શન ફિલ્મો કરવાની બંધ કરી પછી તેનો રોલ મેળવીને નામના મેળવનારા વિજયકાન્તની પાર્ટીનું અસ્તિત્વ જ અત્યારે જોખમમાં છે. વિજયકાન્તે એક તબક્કે તો જયલલિતા સાથે જોડાણ કરીને ટકી રહેવું પડયું. બીજા એક તમિલ ફિલ્મ સ્ટાર સરથકુમારે ઓલ ઈન્ડિયા સમથુવા મક્કાલ કચ્ચી નામે પક્ષ બનાવ્યો એ પહેલાં ડીએમકેની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડેલો પણ હારી ગયેલો. કમલ હસને પણ રાજકીય પક્ષ બનાવ્યો પણ બહુ સફળતા નથી મળી. આ સિવાય કે, ભાગ્યરાજ, કાર્તિક, ટી. રાજેન્દ્ર, શિવન સહિતના સ્ટાર્સ પણ નથી ચાલ્યા.
જયલલિતા અને જાનકી મુખ્યમંત્રી બન્યાં પણ તમિલ ફિલ્મોની અસફળ એક્ટ્રેસીસની યાદી વધારે લાંબી છે. ખુશ્બુ, દિવ્યા સ્પંદના, નગમા, રોજા, વિંધ્યા સહિતની ઘણી એક્ટ્રેસ નિષ્ફળ નિવડી છે.
તમિલનાડુમાં દ્રવિડિયન હિંદુત્વનો પ્રભાવ હોવાથી ખ્રિસ્તી વિજય નહીં ચાલે
વિજય અંગત રીતે બહુમતી તમિલ મતદારો પર પ્રભાવ પાડી શકે તેમ નથી કેમ કે વિજય ખ્રિસ્તી છે. વિજયનો જન્મ જોસેફ વિજય ચંદ્રશેખર તરીકે ૨૨ જૂન ૧૯૭૪ના રોજ ચેન્નાઈમાં થયો હતો તેના પિતા એસ. એ. ચંદ્રશેખર ફિલ્મ નિર્ર્દેશક છે જ્યારે માતા શોભા ચંદ્રશેખર ક્લાસિકલ સિંગર છે. શોભા તમિલ ફિલ્મોમાં પ્લેબેક પણ કરી ચૂક્યા છે. જો કે વિજયના માતા હિંદુ છે પણ પિતા ખ્રિસ્તી મૂળના હોવાથી બહુમતી મતદારો તેને સ્વીકારી તેવી શક્યતા નથી. વિજયે લગ્ન પણ તમિલ યુવતી સાથે કર્યાં છે. ૨૫ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ શ્રીલંકન તમિલ સંગીતા સાથે વિજયનાં લગ્ન થયાં હતાં તેથી રાજકીય રીતે તેનો આધાર મજબૂત નથી.
તમિલનાડુમાં ભાજપ સહિતનાં હિંદુવાદી સંગઠનોના હિંદુત્વનો બહુ પ્રભાવ નથી પણ દ્રવિડિયન હિંદુત્વ અત્યંત પ્રબળ છે. લોકો હિંદુ ધર્મમાં પ્રબળ આસ્થા ધરાવે છે તેથી ડીએમકે સહિતના પક્ષો પણ ધર્મ વિરોધી માનસિકતા નથી બતાવતા. એ લોકો સનતાનને આર્યોની દેન ગણાવે છે ને બહુમતી તમિલ પ્રજા દ્રવિડિયન હિંદુત્વમાં શ્રધ્ધા ધરાવે છે. વિજયન માટે આ કારણે કપરાં ચઢાણ છે.