પુતિનના શાસનનાં 25 વર્ષઃ પશ્ચિમ માટે વિલન, રશિયનો માટે રાષ્ટ્રવાદી
- અત્યારે દુનિયામાં સૌથી વધારે રાજકીય કેદીઓ રશિયાની જેલમાં હોવાનું મનાય છે જ્યાં નાના મોટા મળી 400 જેટલા રાજકીય કેદી સબડી રહ્યા છે
- પુતિને રશિયા પર સંપૂર્ણ કબજો કરી લીધો છે ને એવી હાલત કરી નાંખી છે કે રશિયામાં વન મેન શો જ ચાલે છે. રશિયામાં વડાપ્રધાન પણ છે ને બીજા મંત્રી પણ છે પણ દુનિયાનાં લોકોને તેમનાં નામ સુદ્ધાં ખબર નથી. રશિયા એટલે પુતિન અને પુતિન એટલે રશિયા એ જ સમીકરણ આખી દુનિયામાં કામ કરે છે. પુતિને રશિયા પર પ્રભુત્વ જમાવી દીધું તેનું કારણ હરીફોના સફાયાની નીતિ હોવાનું મનાય છે. પુતિન કોઈ પણ પ્રકારના વિરોધને કડક હાથે ડામી દેવામાં માને છે તેથી પોતાની સામે ઉઠતા અવાજને દબાવી દેવા માટે કંઈ પણ કરતાં ખચકાતા નથી. જેલવાસથી માંડીને હત્યા અને હત્યાકાંડ સુધીનું બધું પુતિને 25 વર્ષમાં કર્યું છે.
રશિયામાં એકચક્રી શાસન બોગવતા વ્લાદિમિર પુતિનના શાસનને ઈસવી સન ૨૦૨૫ના વર્ષની શરૂઆત સાથે જ ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં. પુતિન પહેલાં બોરિસ યેલ્તસિન સળંગ ૮ વર્ષ સુધી રશિયાના પ્રમુખ રહેલા, યેલ્તસિનને લાંબી રેસના ઘોડા માનવામાં આવતા હતા પણ ૧૯૯૯ના ડીસેમ્બરમાં અચાનક યેલ્તસિને રાજીનામું ધરી દીધું પછી ૩૧ ડીસેમ્બર, ૧૯૯૯ના રોજ પુતિનને એક્ટિંગ પ્રેસિડેન્ટ બનાવાયા હતા. પુતિન છ વર્ષ પહેલાં જ રાજકારણમાં આવેલા તેથી તેમને કોઈએ ગંભીરતાથી નહોતા લીધા.
રશિયાનું રાજકારણ એ વખતે એકદમ ડામાડોળ હતું તેથી બધાંને એમ હતું કે પુતિન બે-પાંચ વરસમાં તો ઘરભેગા થઈ જશે. પુતિનને ૨૦૦૦ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી પછી પણ તેમને કોઈ લાંબી રેસનો ઘોડો નહોતું માનતું. આ માન્યતાઓને ખોટી પાડીને પુતિને ૨૫ વર્ષ ખેંચી કાઢયાં. રશિયામાં પુતિન સામે કોઈ વિરોધ નથી અને વિરોધ થાય તો પુતિન તેને કચડી નાંખવામાં માને છે અત્યારની સ્થિતીમાં તો પુતિન ગુજરી ના જાય તો બીજાં ૨૫ વર્ષ સુધી કોઈ તેમને હટાવી શકે તેમ લાગતું નથી.
પુતિને રશિયા પર સંપૂર્ણ કબજો કરી લીધો છે ને એવી હાલત કરી નાંખી છે કે રશિયામાં વન મેન શો જ ચાલે છે. રશિયામાં વડાપ્રધાન પણ છે ને બીજા મંત્રી પણ છે પણ દુનિયાનાં લોકોને તેમનાં નામ સુદ્ધાં ખબર નથી. રશિયા એટલે પુતિન અને પુતિન એટલે રશિયા એ જ સમીકરણ આખી દુનિયામાં કામ કરે છે.
પુતિને રશિયા પર પ્રભુત્વ જમાવી દીધું તેનું કારણ હરીફોના સફાયાની નીતિ હોવાનું મનાય છે. પુતિન કોઈ પણ પ્રકારના વિરોધને કડક હાથે ડામી દેવામાં માને છે તેથી પોતાની સામે ઉઠતા અવાજને દબાવી દેવા માટે કંઈ પણ કરતાં ખચકાતા નથી. જેલવાસથી માંડીને હત્યા અને હત્યાકાંડ સુધીનું બધું પુતિને ૨૫ વર્ષમાં કર્યું છે.
અત્યારે દુનિયામાં સૌથી વધારે રાજકીય કેદીઓ રશિયાની જેલમાં હોવાનું કહેવાય છે. રશિયાની જેલોમાં નાના-મોટા મળીને ૪૦૦ જેટલા રાજકીય કેદીઓ બંધ હોવાનું કહેવાય છે. રશિયાની જેલોમાં બંધ રાજકીય કેદીઓમાં નેતા, કલાકારો, માનવાધિકારવાદીઓ સહિતના તમામ પ્રકારનાં લોકો છે. શત્રુને ઉગતો જ ડામી દેવામાં માનતા પુતિન શરૂઆત જેલવાસથી કરે ને પુતિન કોઈને પણ જેલમાં નાંખે તેને પહેલી ચેતવણી ગણવામાં આવે છે.
જેલમાં નાંખ્યા પછી પુતિનનો વિરોધ બંધ કરી દેનારને છોડી દેવાય છે પણ પુતિન સામે પડયા તો પતી જ જાઓ. પોલિટિશયનથી માંડીને પત્રકાર સુધી કોઈને પુતિને છોડયા નથી.
પુતિન વિરોધીઓને પતાવી દેવામાં સ્ત્રી-પુરૂષના ભેદભાવમાં પણ માનતા નથી.
નતાલિયા એસ્ટેમિરોવા અને અન્ના પોલિતકોવસ્ક્યા તેનાં ઉદાહરણ છે. નતાલ્યા એસ્ટેમિરોવા પત્રકાર હતી અને ચેચન્યામાં રશિયાના લશ્કર દ્વારા કરાયેલાં અપહરણ, બળાત્કાર અને હત્યાઓની તપાસ કરી રહી હતી. એસ્ટેમિરોવાનું તેના ઘરની બહારથી અપહરણ કરીને પોઈન્ટ-બ્લેન્ક રેન્જથી માથામાં ગોળી મારીને હત્યા કરી દેવાયેલી અને જંગલમાં લાશ ફેંકી દેવામાં આવી હતી.
અન્ના પોલિતકોવસ્કાયા પણ પત્રકાર હતાં. પુતિનના કટ્ટર વિરોધી અન્નાએ નોવાયા ગેઝેટા માટે કામ કરેલું. અન્નાએ પોતાના 'પુટિન્સ રશિયા' પુસ્તકમાં પુતિને રશિયાને પોલીસ સ્ટેટમાં ફેરવવા સહિતના ગંભીર આક્ષેપો કરેલા. ૨૦૦૬માં અન્નાને તેની બિલ્ડિંગની લિફ્ટમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને પતાવી દેવાઈ હતી.
પુતિને સત્તા ટકાવવા માટે વિરોધીઓને સાફ કર્યા હશે પણ સામે એ વાસ્તવિકતા પણ છે કે, રશિયાને મજબૂત પણ બનાવ્યું છે. દુનિયાના મોટા ભાગના સરમુખત્યારો પોતે સત્તા ભોગવે અને અય્યાશીઓ કરે પણ દેશને ભિખારી બનાવી દે છે. પુતિનના કિસ્સામાં ઉલટું થયું છે. પુતિન સત્તામાં આવ્યા ત્યારે રશિયા સાવ વેરવિખેર થઈ જવાનો ખતરો હતો, સોવિયેત યુનિયનના વિભાજન પછી રાજકીય અસ્થિરતાનો માહોલ હતો અને ઘણા પ્રાંત રશિયાથી અલગ થવા થનગનતા હતા. પુતિને સત્તા સંભાળ્યા પછી એ બધાંને ઠંડા કરી દીધા ને આજે રશિયાથી અલગ થવાનો કોઈ અવાજ નથી ઉઠતો. પુતિને જ્યોર્જિયા, કીમિયા અને યુક્રેનના વિસ્તારો પર કબજો કરીને રશિયાનો વિસ્તાર પણ કર્યો છે.
પુતિને રશિયાને આતંકવાદના ખતરામાંથી પણ બહાર કાઢયું છે. રશિયાની ૧૪ કરોડની વસતીમાં ૧.૫૦ કરોડ એટલે કે ૧૦ ટકાથી વધારે મુસ્લિમો છે. રશિયામાં પણ જિહાદ કરીને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાના ઉધામા થયા છે. અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવાં સંગઠનોએ પોતાનું નેટવર્ક ઉભું કરવા ફાંફાં મારી જોયાં પણ પુતિને કોઈને ફાવવા નથી દીધા.
પુતિને રશિયાને આર્થિક રીતે પણ સદ્ધર બનાવ્યું છે. ઓઈલ-ગેસના ભંડારો અને શસ્ત્રોના જોરે રશિયાનું અર્થતંત્ર અત્યારે દુનિયાનાં ટોપ ૧૦ અર્થતંત્રોમાં એક છે. ૨.૨૪ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી અને ૧૫ હજાર ડોલર માથાદીઠ આવક સાથે રશિયા દુનિયામાં હાઈ-ઈનકમ ગ્રુપના દેશોમાં આવે છે. ભારતની માથાદીઠ આવક માંડ ૨૬૦૦ ડોલર છે ને છતાં ભક્તજનો મોદી સરકારે દેશને આર્થિક સદ્ધર બનાવી દીધો એવી ફિશિયારીઓ મારે છે ત્યારે રશિયામાં તો ભારત કરતાં છ ગણી વધારે માથાદીઠ આવક છે.
પશ્ચિમનું મીડિયા પુતિનને લોકશાહીના નામે સરમુખત્યારશાહી ચલાવતા શાસક માને છે. આ માન્યતા ખોટી નથી પણ રશિયામાં પુતિનનો આગવો ચાહક વર્ગ છે. પુતિને રશિયાનાં લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના પેદા કરી છે. સોવિયેત યુનિયનના સમયમાં રશિયા દુનિયામાં દાદાગીરી કરતું એવા દિવસો પુતિનના કારણે પાછા આવ્યા છે એવું માનનારો રશિયામાં મોટો વર્ગ છે. આ વર્ગ પુતિનની સાથે રહે છે એ પણ પુતિનની લાંબી ઈનિંગનું કારણ છે.
પુતિને 100થી વધારે હરીફોને પતાવી દીધા, પ્રિગોઝિન-નેવલેની તાજા શિકાર
પુતિનને પશ્ચિમનું મીડિયા ક્રૂર શાસક ગણાવે છે. પુતિને પોતાની સત્તા ટકાવવા માટે ૧૦૦થી વધારે રાજકીય હરીફોને ઠંડા કલેજે પતાવી દીધા હોવાનું કહેવાય છે. પુતિન વિરૂદ્ધ પડનાર પતી જ જાય એવી રશિયામાં માન્યતા છે. રશિયામાં તો પુતિન સામે પડવાની કોઈની હિંમત જ નથી પણ રશિયાની બહાર જઈને ટીકા કરનારને પણ પતાવી દેવાયા છે. છેલ્લાં બે વર્ષમાં પુતિન સામે પડનારા ને મોતને ભેટનારાં બે મહત્વનાં નામ વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિન અને એલેક્સેઈ નેવલેની છે.
પુતિનના સરમુખત્યારશાહી શાસન અને ભ્રષ્ટાચારના ટીકાકાર નેવલેનીનું ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના દિવસે રશિયાની જેલમાં શંકાસ્પદ રીતે મોત થયું. નેવલેનીને ઝેર આપીને મોરી નંખાયાનું કહેવાય છે.
યેવજેની પ્રિગોઝિન યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરતો હતો. યેવજેનીની પ્રાઈવેટ આર્મી વેગનરમાં દુનિયાભરના આતંકવાદીઓ ભર્યા છે કે જેનો ઉપયોગ પુતિને ચેચન્યા અને યુક્રેનમાં કર્યો. યેવજેનીની મહત્વાકાંક્ષા સળવળી અને રશિયામાં સત્તા કબજે કરવા પ્રયત્ન કરતાં જ પુતિને તેને ઉડાવી દીધો. યેવજેની પ્રિગોઝિન પોતાના ખાસ માણસો સાથે ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ રશિયાના ત્વેર ઓબ્લાસ્ટ જતો હતો ત્યારે તેનું પ્લેન ઉડાવી દેવાયેલું. યેવજેનીના પ્લેનમાં બોમ્બ મૂકાયેલો હોવાનું કહેવાય છે.
પ્રિગોઝિને પુતિન સામે બળવો કરીને પોતાની પ્રાઈવેટ આર્મીને રશિયા તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો ત્યારે પુતિને પહેલા તેની સાથે સમાધાન કરેલું ને પછી તેને ઉડાવી દીધો. બળવાના ૬૦ દિવસમાં જ પ્રિગોઝિનનું મૃત્યુ થયું એ યોગાનુયોગ નહોતો.
એફએસબીના એજન્ટો વિદેશ જઈને પણ પુતિનના વિરોધીઓનો ખાતમો કરે છે
પુતિનની સામે પડનારા વિરોધીઓને રશિયાની જાસૂસી સંસ્થા ફેડરલ સીક્યુરિટી સર્વિસીસ (એફએસબી)ના એજન્ટો રશિયાની બહાર જઈને પણ પતાવી દે છે. એફએસબીના એજન્ટોએ એકલા યુકેમાં જ પુતિનના ૧૪ વિરોધીઓને પતાવી દીધા છે. રશિયામાં તો કેટલાંને પતાવી દેવાયા તેનો હિસાબ જ નથી.
પુતિનના ઈશારે વિદેશમાં જેમને પતાવી દેવાયા હોય એવા વિરોધીઓમાં ડેનિસ વોરોનેન્કોવ, બોરસ બેરેઝોવ્સ્કી, એલેક્ઝાન્ડર લિટવિનેન્કો મુખ્ય છે. ભૂતપૂર્વ રશિયન સાંસદ ડેનિસ વોરોનેન્કોવ ૨૦૧૬માં રશિયાથી ભાગીને યુરોપ જતા રહેલા અને ડેનિસે પુતિનની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસ પછી યુક્રેનની રાજધાની કિવમાં ડેનિસની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
પુતિનની નજીક મનાતા બોરિસ બેરેઝોવ્સ્કી શરૂઆતનાં વરસોમાં પુતિન સાથે હતા પણ થોડા સમય પછી પુતિનના સૌથી મોટા વિરોધી બની ગયા. પુતિન સાથે મતભેદ થતાં બોરિસ ૨૦૦૦માં યુકે જતો રહેલો અને શાંત થઈ ગયેલો પણ ૨૦૧૩માં પુતિન સામે બોલવાનું શરૂ કર્યાના થોડા દિવસોમાં જ લંડનના બર્કશાયરમાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ભૂતપૂર્વ કેજીબી એજન્ટ એલેક્ઝાન્ડર લિટવિનેન્કોને એફએસબી એજન્ટો આન્દ્રે લુગોવોઈ અને દિમિત્રી કોવતુને પુતિનના ઈશારે પોલોનિયમ ૧૩ નામનું ઝેર આપીને પતાવી દીધેલો. આન્દ્રે અને દિમિત્રી લિટવિનેન્કોને મળવા ગયેલા ને સાથે બેસીને ચા પીધી હતી. લિટવિનેન્કોને ચામાં ઝેર છે તેની ખબર નહોતી પણ ધીરે ધીરે તેની અસર થઈ ને ત્રણ અઠવાડિયાં પછી લંડનની હોટલના રૂમમાં તેની લાશ મળી.