Get The App

યુનુસ, સોરોસ, પાકિસ્તાન : બાંગ્લાદેશમાં હળાહળ ભારત વિરોધી ત્રેખડ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
યુનુસ, સોરોસ, પાકિસ્તાન : બાંગ્લાદેશમાં હળાહળ ભારત વિરોધી ત્રેખડ 1 - image


- 2016માં હિલેરી ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભાં રહ્યાં એ વખતે યુનુસે તેમને 3 લાખ ડોલરનું દાન આપેલું

- યુનુસ અને એલેક્સની મુલાકાત ભારત વિરોધી ધરી રચવાની વ્યૂહરચનાના ભાગરૂપે છે. પાકિસ્તાન બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા કરવા માગે છે. તેના ભાગરૂપે પાકિસ્તાનના આર્મી અને આઈએસઆઈએ બાંગ્લાદેશમાં ધામા નાંખ્યા છે. ભૂખડી બારસ પાકિસ્તાન પાસે લોકોને ખવડાવવાનાં પૈસા નથી તેથી સોરોસની એન્ટ્રી કરાવાઈ હોવાનું કહેવાય છે. સોરોસ પાસે પૈસાની કમી નથી ને તેની માનસિકતા પણ ભારત વિરોધી છે. ભારતને દુશ્મન માનતા યુનુસ બંનેને બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરવા દઈ રહ્યા છે. યુનુસ આ ત્રેખડ રચીને બંને બાજુથી ફાયદો લઈ રહ્યા છે. પાકિસ્તાન પાસેથી શસ્ત્રો અને દારૂગોળો પડાવશે જ્યારે સોરોસ પાસેથી સંસ્થાઓ માટે મદદ મેળવીને માલદાર બનશે.

બાંગ્લાદેશની વચગાળાના સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસ હળાહળ ભારત વિરોધી માનસિકતા બતાવી રહ્યા છે. યુનુસ એક તરફ ભારતના દુશ્મન પાકિસ્તાનના ખોળામાં જઈને બેસી ગયા છે અને પાકિસ્તાનના લશ્કર તથા આઈએસઆઈનું બાંગ્લાદેશમાં લાલ જાજમ પાથરીને સ્વાગત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભારત વિરોધી મનાતા જ્યોર્જ સોરોસ સાથે હાથ મિલાવી દીધા છે. તેના કારણે બાંગ્લાદેશમાં એક ભારત વિરોધી ત્રેખડ રચાઈ ગયું છે. 

જ્યોર્જ સોરોસ ૯૪ વર્ષના છે તેથી બહાર જતા નથી. હવે સોરોસનો દીકરો એલેક્ઝાન્ડર  ઉર્ફે એલેક્સ જ સોરોસનો બિઝનેસ અને કહેવાતાં સેવાભાવી સંગઠનોનો કારભાર સંભાળે છે. યુનુસ અને સોરોસ વચ્ચે ત્રણ મહિનાના ગાળામાં જ બીજી મુલાકાત થઈ છે. એલેક્સ સોરોસ અને યુનસ પહેલાં ઓક્ટોબરમાં મળ્યા હતા. હમણાં એલેક્સ પાછો  ઢાકા જઈને યુનુસને મળ્યો અને બાંગ્લાદેશના અર્થતંત્રમાં તેજી લાવવા માટે તમામ પ્રકારની મદદની ખાતરી આપી. 

બાંગ્લાદેશને મદદ કરવાની ને એ બધી વાતો તો લોકોને ઉલ્લુ બનાવવા માટેની છે પણ વાસ્તવમાં યુનુસ અને એલેક્સની મુલાકાત ભારત વિરોધી ધરી રચવાની વ્યૂહરચનાના ભાગરૂપે છે. પાકિસ્તાન બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરવા માગે છે. તેના ભાગરૂપે પાકિસ્તાનના આર્મી અને આઈએસઆઈએ બાંગ્લાદેશમાં ધામા નાંખ્યા છે. બાંગ્લાદેશના લશ્કરને ટ્રેઈનિંગ આપવાના બહાને પાકિસ્તાનના આર્મી અને આઈએસઆઈના અધિકારીઓ આતંકવાદીઓના તાલીમ કેમ્પો ઉભા કરી રહ્યા હોવાનું કહેવાય છે. પાકિસ્તાન ભૂખડી બારસ છે અને તેમની પાસે લોકોને ખવડાવવાનાં પણ પૈસા નથી તેથી સોરોસની એન્ટ્રી કરાવાઈ હોવાનું કહેવાય છે.સોરોસ પાસે પૈસાની કમી નથી ને સોરોસની માનસિકતા પણ ભારત વિરોધી છે. સોરોસ જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓને આઝાદીના લડવૈયા ગણાવે છે. જમ્મુ અને કાશ્મીરને ભારતથી આઝાદી અપાવીને નવો દેશ બનાવવો જોઈએ એવું સોરોસ વારંવાર કહી ચૂક્યો છે તેથી ભારત વિરોધી મિશનમાં એ પરફેક્ટલી ફિટ બેસે છે. પાકિસ્તાનના આર્મી અને આઈએસઆઈના અધિકારીઓ પાસે આતંકવાદીઓની કમી નથી. ભારત વિરોધી માનસિકતા ધરાવતા યુનુસ બંનેને પોતાની ખંજવાળ પૂરી કરવા માટે બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરવા દઈ રહ્યા છે. 

યુનુસ આ ત્રેખડ રચીને બંને બાજુથી ફાયદો લઈ રહ્યા છે. પાકિસ્તાન પાસેથી શસ્ત્રો અને દારૂગોળો પડાવશે જ્યારે સોરોસ પાસેથી સંસ્થાઓ માટે મદદ મેળવીને માલદાર બનશે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી દુનિયાના બધા દેશોને અમેરિકા દ્વારા અપાતી સહાય બંધ કરી દીધી છે. ટ્રમ્પની ચાબૂકના સપાટામાં બાંગ્લાદેશ પણ આવી ગયું છે તેથી યુનુસ ભીડમાં છે. લાગ જોઈને તેમણે સોરોસને સાધી લીધા છે. જ્યોર્જ સોરોસ દુનિયાભરના દેશોની આંતરિક બાબતોમાં દખલગીરી કરવા માટે જાણીતો છે. નાના નાના દેશોમાં પોતાની પીઠ્ઠુઓની સરકારો બનાવડાવીને બદલામાં આર્થિક ફાયદો લેવો એ સોરોસની વરસો જૂની સ્ટાઈલ છે. યુનુસ સામેથી આવતા હોય તો એ ના પાડે એ વાતમાં માલ નથી. ટ્રમ્પ અને સોરોસને ઉભા રહે પણ બનતું નથી. ટ્રમ્પના ખાસમખાસ એલન મસ્ક તો સોરોસને મણ મણની ચોપડાવે છે. આ કારણે પણ સોરોસને ટ્રમ્પને બતાવી દેવા માટે બાંગ્લાદેશને મદદ કરવાનો ઉમળકો જાગ્યો છે. 

એલેક્સ જ્યોર્જ સોરોસનો સીધી લીટીનો વારસ તો છે જ પણ તેમનો કિંગ મેકર બનવાનો વારસો જાળવવા પણ મથી રહ્યો છે. એલેક્સ સોરોસ જ્યોર્જ સોરોસની બીજી પત્ની સુસાન વેબર સાથેના લગ્નથી જન્મ્યો છે. ૪૦ વર્ષનો એલેક્સ જ્યોર્જ સોરોસના ઓન સોસાયટી ફાઉન્ડેશન્સના બોર્ડમાં છે અને સોરોસ ફંડ મેનેજમેન્ટની ઈન્વેસ્ટમેન્ટ કમિટીનો પણ સભ્ય છે. એલેક્સ પોતાના નામે એલેક્ઝાન્ડર સોરોસ ફાઉન્ડેશન પણ ચલાવે છે. સોરોસો ફેમિલી ફાઉન્ડેશન અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન દુનિયાભરમાં દર વર્ષે લગભગ ૧.૫૦ અબજ ડોલરની સહાય આપે છે તેથી દુનિયાના ગરીબ દેશોના શાસકો તેની આગળ પાછળ ફરે છે. 

મુહમ્મદ યુનુસના સોરોસ સાથેના સંબંધો બહુ જૂના છે. છેક ૧૯૯૯માં સોરોસ ફાઉન્ડેશને યુનુસની બાંગ્લાદેશમાં આવેલી ગ્રામીણ ટેલીકોમને ૧.૧૦ કરોડ ડોલરની સહાય કરેલી. બાંગ્લાદેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર ગ્રામીણફોન લિમિટેડમાં સોરોસ ઈકોનોમિક ડેવલપમેન્ટ ફંડે ૩૫ ટકા હિસ્સો ખરીદેલો. સોરોસની સંસ્થાઓ એ પછી પણ યુનુસને મદદ કરતી રહી છે. 

યુનુસ ક્લિન્ટન પરિવારના ખાસ મનાય છે. યુનુસને ૨૦૦૬માં વિશ્વ શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ પણ સોરોસ અને ક્લિન્ટન પરિવારના લોબિઈંગના કારણે મળ્યું હોવાનું કહેવાય છે. ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સામે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભાં રહ્યાં એ વખતે યુનુસે તેમને ૩ લાખ ડોલરનું દાન આપેલું. બાંગ્લાદેશમાં સેવાભાવી સંસ્થા ચલાવતા યુનુસ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રસ લઈને આટલી મોટી રકમનું દાન કઈ રીતે આપી શકે એ સવાલ એ વખતે ઉભો થયેલો પણ પછી શમી ગયેલો. એલેક્સને યનુસને મદદ કરવામાં રસ જાગ્યો છે તેનું એક કારણ તેની પ્રેમિકા હુમા આબેદીન પણ છે. હુમા આબેદીન પણ ક્લિન્ટન પરિવારની અત્યંત નજીક છે. હુમાના માધ્યમથી ક્લિન્ટન પરિવારે એલેક્સને યુનસુને મદદ કરવા તૈયાર કરી દીધો છે.

ભારત માટે આ ત્રેખડ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. સોરોસનાં નાણાંની મદદથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભેગાં થઈને ભારતમાં આતંકવાદ ભડકાવે એ ખતરો મોટો છે. ભારતે આ ખતરાને ખાળવા તૈયારીઓ કરવી પડે, નહિંતર જમ્મુ અને કાશ્મીરમાં થઈ છે એવી સ્થિતી ઉત્તર-પૂર્વના મોરચે પણ સર્જાઈ શકે છે. 

ભારતીય મૂળની હુમા એલેક્સ સોરોસની પ્રેમિકા, સેક્સ કાંડમાં વગોવાયેલો વેઈનર હુમાનો પહેલો પતિ

સોરોસનો દીકરો એલેક્સ અત્યારે હુમા આબેદીન સાથે રહે છે. હુમા એલેક્સ કરતાં ૯ વર્ષ મોટી છે. હુમા આબેદીન હિલેરી ક્લિન્ટનની સેક્રેટરી તરીકે કામ કરી ચૂકી છે અને તેમની અત્યંત નજીક છે. 

હુમાના પિતા સૈયદ ઝૈનુલ આબેદીન ભારતીય હતા અને માતા સાલેહ પાકિસ્તાની હતી. બંને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હતાં તેથી હુમાનો ઉછેર સાઉદીમાં થયો. હુમા ૧૭ વર્ષની હતી ત્યારે તેના પિતા ગુજરી ગયેલા. હુમા ગ્રેજ્યુએશન માટે અમેરિકા આવી પછી અમેરિકન જ થઈને રહી ગઈ. 

હુમા તેના અંગત જીવન માટે વિવાદોમાં રહી છે. હિલેરી ક્લિન્ટન વિદેશ પ્રધાન હતાં ત્યારે હુમા હિલેરીના પડછાયાની જેમ સાથે સતત સાથે જ દેખાતી હતી. હિલેરીએ હુમાને પોતાની દીકરી જેવી ગણાવી હતી, બિલ અને હિલેરી  ક્લિન્ટને ૨૦૧૦માં ન્યૂયોર્કના રાજકારણી એન્થની વેઇનર સાથે હુમાનાં લગ્ન કરાવ્યા હતાં.

હુમા-વેઇનરના લગ્નને છ મહિના થયા હતા ત્યાં ૨૦૧૧ના જૂનમાં વેઇનરના સિડની લેધર્સ નામની હોટ મોડેલ સાથેના સેક્સ સંબંધો બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. વેઈનર સિડની લેધર્સ સાથે સેક્સ ચેટિંગ કરતો તે મીડિયામાં પબ્લિશ થઈ ગઈ હતી. હુમા ત્યારે પ્રેગનન્ટ હોવાથી પતિને સપોર્ટ કરેલો. એ પછી વેઈનર  ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ઉભો રહ્યો ત્યારે પણ હુમાએ તેનો પ્રચાર કરેલો. જો કે વેઇનરની પોર્ન ફિલ્મ બહાર પડતાં વેઇનર બહુ ખરાબ રીતે ઇલેક્શન હાર્યો હતો. એ પછી થોડા સમય પછી ફરી વેઈનરની સેક્સ ચેટ બહાર આવતાં હુમા તેનાથી અલગ થઈ ગઈ હતી. એ પછી તેના એલેક્સ સાથે સંબંધો બંધાયા અને ગયા વરસથી બંને સત્તાવાર રીતે સાથે રહે છે.

યુનુસે ભારતને ભિડાવવા હસીના દ્વારા 274 અબજ ડોલરની ઉચાપતનો મુદ્દો ઉઠાવ્યો

એલેક્સ સાથે મુલાકાત દરમિયાન યુનુસે શેખ હસીનાએ બાંગ્લાદેશમાં શાસન દરમિયાન ૨૭૪ અબજ ડોલરની ઉચાપત કરી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો તેના પરથી પણ સ્પષ્ટ છે કે, સોરોસ સાથેનું જોડાણનો મુખ્ય એજન્ડા ભારતના વિરોધનો છે. યુનુસના કહેવા પ્રમાણે, શેખ હસીના તથા તેમના પરિવારે બાંગ્લાદેશની તિજોરીમાંથી ૨૭૪ અબજ ડોલર ઉસેટીને વિદેશભેગા કરી દીદા છે. 

યુનુસે આ રકમ પાછી લાવવા માટે પણ એલેક્સની મદદ માગી છે. 

એલેક્સ કોઈ સરકારનો વડો નથી કે તેની પાસે કોઈ સત્તા નથી એ જોતાં એ શેખ હસીનાના મામલે કોઈ મદદ કરી શકે તેમ નથી પણ આ મુદ્દો ઉઠાવીને યુનુસે ભારતને ભિડાવવાની કોશિશ કરી છે. ઢાકાથી ભાગ્યા પછી હસીને ભારતમાં રહ્યાં છે. 

બાંગ્લાદેશે હસીનાને પોતાનાં આરોપી ગણાવીને પોતાને સોંપી દેવાની માગણી કરી પણ ભારતે આ વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી છે. 

જ્યોર્જ અને એલેક્સ સોરોસ બંને પહેલાં કાશ્મીર મુદ્દે ભારત વિરોધી વલણ અપનાવી ચૂક્યા છે તેથી સોરોસ એન્ડ કંપની આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવે તો ભારત પર દબાણ લાવી શકાય એવી યુનુસની ગણતરી છે. 

ભારત કોઈ સંજોગોમાં  હસીનાને સોપવાનું નથી પણ આ મુદ્દે પોતે ચૂપ નથી બેસી રહ્યા એવું બતાવીને બાંગ્લાદેશમાં ભારત વિરોધીઓને ખુશ કરવાની પણ યુનુસની ગણતરી છે.

News-Focus

Google NewsGoogle News