Get The App

યુકેમાં 3 માસૂમ છોકરીઓની હત્યાને કારણે મુસ્લિમ વિરોધી રમખાણો

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
યુકેમાં 3 માસૂમ છોકરીઓની હત્યાને કારણે મુસ્લિમ વિરોધી રમખાણો 1 - image


- સાઉથ પોર્ટ માંડ એક લાખ લોકોની વસતી ધરાવતું નાનકડું શહેર છે, ત્રણ માસૂમ છોકરીઓની જાહેરમાં હત્યા કોઈપણ દેશ માટે ગંભીર અને શરમજનક છે

- સાઉથપોર્ટમાં એક 17 વર્ષના મુસ્લિમ છોકરાએ ત્રણ બાળકીઓની હત્યા કરી નાંખી હોવાની શંકાના કારણે ભડકેલાં લોકોએ એક મસ્જિદ પર હુમલો કરી દીધો. એકાદ હજારના ટોળાએ મસ્જિદ પર ઈંટો, પથ્થરો, બોટલો, ફટાકડા વગેરે ફેંકીને ધમાધમી કરી નાંખી. આ રમખાણો હળાહળ મુસ્લિમ વિરોધી સંગઠન ઈંગ્લીશ ડીફેન્સ લીગે ભડકાવ્યાં હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. બ્રિટનમાંથી મુસ્લિમોને તગેડી મૂકવાના ઉદ્દેશથી 2009માં સ્થપાયેલું આ સંગઠન ખોવાઈ ગયું હતું પણ સાઉથપોર્ટની ઘટનાના કારણે ફરી ચર્ચામાં આવી ગયું છે.

બ્ટિનમાં ફરી હિંસા ભડકી છે અને કોમી રમખાણો થઈ ગયાં છે. આ રમખાણોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે કેમ કે આ રમખાણો મુસ્લિમ વિરોધી છે. સાઉથપાર્ટમાં એક ૧૭ વર્ષના મુસ્લિમ છોકરાએ ત્રણ બાળકીઓની હત્યા કરી નાંખી હોવાની શંકાના કારણે ભડકેલાં લોકોએ એક મસ્જિદ પર હુમલો કરી દીધો. 

લગભગ એકાદ હજાર જેટલાં લોકોના ટોળાએ મસ્જિદ પર ઈંટો, પથ્થરો, બોટલો, ફટાકડા વગેરે ફેંકીને ધમાધમી કરી નાંખી. પોલીસે તેમને રોકવાની કોશિશ કરી તો ટોળાએ પોલીસોનાં પણ માથાં ફોડયાં. હુમલામાં ૪૦ જેટલા પોલીસો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મુસ્લિમોની દુકાનોને પણ ટાર્ગેટ કરાઈ છે અને પથ્થરમારો કરાયો છે. સંખ્યાબંધ વાહનો પણ સળગાવાયાં છે.  

સાઉથપોર્ટ માંડ એક લાખ લોકોની વસતી ધરાવતું નાનકડું શહેર છે પણ ત્યાં બનેલી ઘટના બહુ મોટી છે. 

ત્રણ માસૂમ છોકરીઓની જાહેરમાં હત્યા કોઈ પણ દેશ માટે ગંભીર અને શરમજનકલઘટના જ કહેવાય. આ ઘટનામાં સોમવારે સાઉથપોર્ટમાં જાણીતી પોપ સિંગર સ્વિફ્ટ ટેલરની ડાન્સ સ્ટાઈલ શીખવતી વર્કશોપમાં ઘૂસીને ૧૭ વર્ષના છોકરાએ દસેક માસૂમ છોકરીઓને ચપ્પાના ઘા મારી દીધા. ૩૫ વર્ષની સીન લુકાસ નામની ડાન્સ ટીચરે બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો તો હુમલાખોરે તેમને પણ ચપ્પાના ધા મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધાં. 

ઈજાગ્રસ્ત દસેય છોકરીઓને હોસ્પિટલમાં લઈ જવાઈ. છોકરીઓમાંથી ૬ વર્ષની બેબી કિંગ, ૭ વર્ષની એલ્સી ડોટ સ્ટેનકોમ્બ અને ૯ વર્ષની એલિસ દાસિલ્વા એગ્વાયરને ના બચાવી શકાઈ. 

બીજી છોકરીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સારવાર ચાલુ છે. ડાન્સ ટીચર લુકાસ તથા છોકરીઓને બચાવવા વચ્ચે પડેલી બીજી એક યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમની પણ સારવાર ચાલી રહી છે. 

પોલીસે હુમલાખોરને સોમવારે જ પકડી લીધેલો પણ છોકરો ૧૭ વર્ષનો હોવાથી તેની ઓળખ જાહેર નહોતી કરાઈ. પોલીસે હુમલા વિશે બીજી કોઈ માહિતી પણ નહોતી આપી તેથી લોકોમાં ગુસ્સો હતો. મંગળવારે સવારે સારવાર લઈ રહેલી ત્રણ છોકરીઓનાં મોતના સમાચાર આવતાં ગુસ્સો આક્રોશમાં પલટાઈ ગયો. 

દરમિયાન સોશિયલ મીડિયા પર હુમલાખોર મુસ્લિમ હોવાનો દાવો કરીને તેનું નામ પણ રમતું કરી દેવાયેલું તેથી લોકોનો આક્રોશ વધારે ભડક્યો. મંગળવારે મોતને ભેટેલી ત્રણેય છોકરીઓને શ્રધ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગાં થયેલાં. એ દરમિયાન હુમલાખોરના નામનો ઉલ્લેખ કરાયો તેમાં ટોળું સીધુ મસ્જિદ પર પહોંચ્યું અને તોફાન મચાવી દીધું. 

પોલીસે સ્પષ્ટતા કરી કે, હુમલાખોર મુસ્લિમ નથી કે તેને જિહાદ કે આતંકવાદ સાથે કંઈ લેવાદેવા નથી. સોશિયલ મીડિયા પર ફરતું થયું છે એ નામ પણ તેનું નથી પણ છોકરો ૧૭ વર્ષનો જ હોવાથી પોલીસ તેનું નામ જાહેર કરી શકે તેમ નથી. લોકો આ વાત માનવા તૈયાર નથી. લોકોનું માનવું છે કે, પોલીસ રમખાણોને રોકવા માટે સરકારના ઈશારે ખોટી માહિતી લોકોને આપી રહી છે અને ગેરમાર્ગે દોરી રહી છે. 

આપણે ત્યાં થતાં કોમી રમખોણાની સરખામણીમાં સાઉથપોર્ટમાં થયેલાં તોફાન છમકલું પણ ના કહેવાય પણ બ્રિટન સહિતના દેશોમાં ભાગ્યે જ આવી ઘટાનાઓ બને છે તેથી એક તરફ ફફડાટનો માહોલ છે તો બીજી તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ રમખાણો ઈંગ્લીશ ડીફેન્સ લીગે ભડકાવ્યાં હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. ઈંગ્લીશ ડીફેન્સ લીગ હળાહળ મુસ્લિમ વિરોધી સંગઠન છે.  બ્રિટનમાંથી મુસ્લિમોને તગેડી મૂકવાના ઉદ્દેશથી ૨૦૦૯માં સ્થપાયેલું આ સંગઠન ખોવાઈ ગયું હતું પણ સાઉથપોર્ટની ઘટનાના કારણે ફરી ચર્ચામાં આવી ગયું છે. 

બ્રિટનમાં અત્યારે લેબર પાર્ટીની સરકાર છે કે જે સેક્યુલર મનાય છે જ્યારે ઈંગ્લીશ ડીફેન્સ લીગ સાવ સામા છેડાની વિચારધારા ધરાવે છે.  મુસ્લિમો બ્રિટનમાં ઘૂસીને બ્રિટિશ કલ્ચરને દૂષિત કરી રહ્યા છે અને આતંકવાદનો ફેલાવો કરીને બ્રિટન સામે ભવિષ્યમાં મોટો ખતરો બનશે એવી વિચારધારામાં માનતા સંગઠને ફરી એક વાર મુસ્લિમોને યુકેમાંથી હાંકી કાઢવાની માગ બુલંદ કરી છે. સામે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને ભાગલા અને નફરત ફેલાવી રહેલાં પરિબળો સામે મુસ્લિમોને એક થવાની હાકલ કરતાં માહોલ તણાવભર્યો છે.  

આ ઘટનાના કારણે બ્રિટનમાં ફરી મુસ્લિમ વિરોધી માહોલ પ્રબળ બનશે અને ઈંગ્લીશ ડીફેન્સ લીગ ફરી તાકાતવર બની જશે એવી સરકારને ચિંતા છે.  ૨૦૦૯માં સ્થપાયેલા ઈંગ્લીશ ડીફેન્સ લીગે ૨૦૧૩ સુધી યુકેમાં જોરદાર મુસ્લિમ વિરોધી માહોલ પેદા કરી દીધો હતો. ટોમી રોબિન્સન લીગનો નેતા હતો. ટોમીના રાજકારણીઓ, જિહાદની માનસિકતા ધરાવતાં સંગઠનો સામે લડતા કાઉન્ટર-જિહાદી ગુ્રપો વગેરે સાથે વ્યાપક સંપર્કો હતા. તેમની મદદથી તેણે આખા યુકેમાં દેખાવો કરેલા પણ ૨૦૧૩માં ટોમી એમ કહીને લીગથી અલગ થઈ ગયો કે, લીગ વધારે પડતી કટ્ટરવાદી થઈ ગઈ છે. ટોમ અલગ થતાં જ લીગનાં વળતાં પાણી થઈ ગયેલાં. 

અત્યારે ટીમ એબ્લિટ્ટ લીગનો નેતા છે અને તેને લીગને લોકપ્રિય કરવા માટે મોટો મુદ્દો મળી ગયો છે. જિહાદીઓના કારણે હવે યુકેમાં નાની દીકરીઓ પણ સલામત નથી એ મુદ્દે ટીમ મુસ્લિમ વિરોધી માહોલ પેદા કરી દેશે એવો સરકારને ડર છે.

ટોમી રોબિન્સન અને એલન આયલિંગ, લીગના બે ચહેરા

ઈંગ્લીશ ડીફેન્સ લીગની સ્થાપના ટોમી રોબિન્સન અને એલન આયલિંગે ૨૦૦૯માં કરી હતી. ટોમીનું મૂળ નામ સ્ટીફન ક્રિસ્ટોફર યાક્સલે-લેન્નોન છે. યુકેમાં બ્રિટિશ નેશનલ પાર્ટી એકદમ ફાસિસ્ટ મનાય છે કે જે બ્રિટિશ પ્રજા સિવાય બીજાં કોઈને યુકેમાં ઘૂસવા જ ના દેવાય એવી વિચારધારા ધરાવે છે. ૪૪ વર્ષનો ટોમી આ પાર્ટીના ટોચના નેતા ગેરાર્ડ બેટ્ટનનો રાજકીય સલાહકાર હતો. 

ટોમી રોબિન્સન મુસ્લિમ વિરોધી ચળવળોમાં સક્રિય છે અને ભારે ઝનૂનથી મુસ્લિમોનો વિરોધ કર છે. આ માટે ચાર વાર જેલમાં જઈ આવેલો ટોમી આખી દુનિયામાં કટ્ટરવાદી જમણેરી વિચારધારા ફેલાવવા માટે સક્રિય છે. જર્મની, કેનેડા વગેરે દેશોના જમણેરી વિચારધારા ધરાવતાં લોકો સાથે સંપર્ક ધરાવતો ટોમી એરક્રાફ્ટ એન્જીનિયરિંગની ડીગ્રી ધરાવે છે. ટોમી લ્યુટન એરપોર્ટ પર નોકરી કરતો હતો ત્યારે નશાની હાલતમાં એક સાથી કર્મચારીને મારવા બદલ તેન જેલમાં ધકેલી દેવાયો હતો અને એક વર્ષની જેલની સજા થયેલી. જેલમાંથી છૂટયા પછી એ મુસ્લિમ વિરોધી ચળવળકાર બની ગયો. ૨૦૧૩ પછી ટોમીએ આ સંગઠનથી છેડો ફાડી દીધો હતો. 

એલન આયલિંગ કોમ્પ્યુટર એકસપર્ટ છે. પેસિફિક કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો ડિરેક્ટર રહી ચૂકેલો એલન આયલિંગ ઉર્ફે એલન લેક ઈંગ્લીશ ડીફેન્સ લીગનો ફાયનાન્સર કહેવાય છે. એલન પોતે મિલિયોનેર છે અને મુસ્લિમ વિરોધી ચળવળ ચલાવતાં લોકોને સંગઠિત કરવાનું કામ કરે છે. એલનના મતે, યુકેમાં શરીયા લો કે ઈસ્લામના કાયદાનો અમલ કરનારાંને ફાંસીએ લટકાવી દેવા જોઈએ કેમ કે એ લોકો દેશદ્રોહી છે. આ પ્રકારના આક્રમક વિચારોના કારણે એલન યુવકોમાં અત્યંત લોકપ્રિય છે. 

યુકેની વસતીમાં 6.5 ટકા જ્યારે લંડનમાં 15 ટકા વસતી મુસ્લિમોની

યુકેમાં મુસ્લિમોની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે તેથી મૂળ બ્રિટિશ ગોરાઓનો એક વર્ગ  બહુ ચિંતામાં છે. એક દાયકા પહેલાં યુકેમાં ૨૭ લાખ મુસ્લિમો હતા અને યુકેની કુલ વસતીમાં તેમનું પ્રમાણ ૪.૫ ટકા હતું. ૨૦૨૧ની વસતી ગણતરી પ્રમાણે યુકેમાં ૪૦ લાખ મુસ્લિમો છે અને બ્રિટનની કુલ વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ ૬.૫ ટકા છે. મતલબ કે, એક દાયકામાં મુસ્લિમોની વસતી દોઢી થઈ ગઈ છે. અત્યારે યુકેમાં ઈસ્લામ બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે પણ આ રીતે જ ચાલશે તો ત્રણ-ચાર દાયકામાં તો મુસ્લિમો ખ્રિસ્તીઓ જેટલા જ થઈ જશે એવી ચેતવણી જમણેરી વિચારધારા ધરાવતા નેતા આપે છે. યુનાઈટેડ કિંગડમ (યુકે) ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ એમ ચાર પ્રદેશોનો બનેલો છે. તેમાં ઈંગ્લેન્ડમાં જ ૩૮ લાખ મુસ્લિમો છે. ઈંગ્લેન્ડની કુલ વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ ૬.૭ ટકા છે. બાકીના ત્રણ પ્રદેશોમાં અઢી ટકાથી ઓછું છે. ઈંગ્લેન્ડમાં પણ લંડનમાં મુસ્લિમોની મોટી વસતી છે. ગ્રેટર લંડનમાં ૧૩.૧૮ લાખ એટલે કે ૧૫ ટકા મુસ્લિમો છે. નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ, યોર્કશાયર એન્ડ હમ્બર તથા વેસ્ટ મિડલેન્ડસમાં પણ ૮થી ૧૦ ટકા વસતી મુસ્લિમોની છે. 

યુકેમાં રહેતા મુસ્લિમોમાં બહુમતી શિયાઓની છે કે જે અત્યંત કટ્ટરવાદી મનાય છે. યુકેમાં રહેતા મુસ્લિમોમાં સાઉથ એશિયન એટલે કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેના મુસ્લિમો વધારે છે કેમ કે આ દેશો એક સમયે અંગ્રેજોના તાબા હેઠળ હતા.

News-Focus

Google NewsGoogle News