કામદારોની લાશો પર સાઉદીના પ્રિન્સના સપનાંના શહેરનું નિર્માણ
- 2016માં લોંચ કરેલો પ્રોજેક્ટ સલમાનના 'સાઉદી વિઝન 2030'નો ભાગ છે. 'સાઉદી વિઝન 2030' હેઠળ સલમાન અર્થતંત્રને ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતામાંથી બહાર કાઢવા માગે છે
- સલમાનના 2 ટ્રિલિયન ડોલરના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'નિયોમ ધ લાઇન' બનાવવામાં છેલ્લાં 8 વર્ષમાં 21 હજાર કામદારોના જીવ ગયા છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધારે કામદારો ગાયબ થઈ ગયા છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાલથી ગયેલા આ કામદારોનો કોઈ પત્તો નથી. નિયોમ સિટી બનાવવા માટે મૂળ નિવાસીઓ પર ગોળીઓ છોડાઈ હતી અને 20 હજાર જેટલાં લોકોની હત્યાઓ કરાઈ હોવાનું કહેવાય છે. હવે કામદારોનાં મોતની વાતો બહાર આવતાં ટીકા થઈ રહી છે કે, સાઉદીના પ્રિન્સ સલમાન કામદારોની લાશો પર પોતાના સપનાનું શહેર ઉભું કરી રહ્યા છે કે જેના પાયામાં નિર્દોષ લોકોનું લોહી નંખાયું છે.
સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'નિયોમ ધ લાઇન' બનાવવામાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧ હજાર કામદારોના જીવ ગયા હોવાના અહેવાલે સનસનાટી મચાવી છે.
આ આંકડો તો સત્તાવાર રીતે મરાયેલાં લોકોનો છે, બાકી અત્યાર સુધીમાં ૧ લાખથી વધારે કામદારો ગાયબ થઈ ગયા છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાલથી ગયેલા આ કામદારોનો કોઈ પત્તો જ નથી. આ કામદારોના પરિવારો પોતપોતાના દેશોની સરકારોમાં રજૂઆત કરી રહ્યા છે પણ તેમનું કોઈ સાંભળતું પણ નથી.
આઈટીવીની નિયોમ સિટી પરની ડોક્યુમેન્ટરીમાં નિયોમ પ્રોજેક્ટ બનાવવા માટે રખાયેલા કામદારોની દયનિય હાલતનું પણ ચિત્રણ કરાયું છે. સાઉદી વિદેશથી લવાયેલા આ કામદારોનું ભયંકર શોષણ કરે છે અને જાનવરો કરતાં પણ બદતર હાલમાં રાખે છે એવા આક્ષેપ ડોક્યુમેન્ટરીમાં કરાયા છે. કામદારો પાસે રજા આપ્યા વિના દરરોજ ૧૨થી ૧૪ કલાક કામ લેવાય છે, તેમને ઓછા પગાર અપાય છે અને પરિવાર સાથે સંપર્કની પણ મંજૂરી નથી અપાતી એવા આક્ષેપ કરાયા છે.
દુનિયાના બીજા દેશોમાં તો અઠવાડિયામાં મહત્તમ ૪૫ કલાક કામ લેવાની જ જોગવાઈ છે પણ સાઉદી અરેબિયાના કાયદા પ્રમાણે, અઠવાડિયામાં ૬૦ કલાક કામ લઈ શકાય છે. સલમાન ૨૦૩૦ સુધીમાં નિયોમ પ્રોજેક્ટ પૂરો કરવા એ હદે ઘાંઘો થયો છે કે, અઠવાડિયાના ૮૪ કલાક કામ કરાવાય છે. મતલબ કે, રોજના ૧૨ કલાક તો કામ કરવું જ પડે છે. કામદારો ફરિયાદ કરે છે કે, અમારી હાલત ભિખારીઓથી પણ બદતર છે કેમ કે પગાર માટે પણ ભીખ માગવી પડે છે, આજીજીઓ કરવી પડે છે.
નિયોમ સિટી બનાવવા માટે પહેલાં જ સ્થાનિક લોકોને ખસેડીને બેઘર કરી દેવાયા હતા. લગભગ એક લાખ જેટલા આદિવાસીઓને બળજબરીથી ખસેડીને નિયોમ માટે જગા ખાલી કરાઈ હતી. સાઉદી સરકારે મૂળ નિવાસીઓ પર ગોળીઓ ચલાવી હતી.
સાઉદીમાં સલમાનના પરિવારનું એકચક્રી શાસન છે તેથી હકીકત કદી બહાર ના આવી પણ નિયોમ માટે ૨૦ હજાર જેટલાં લોકોની હત્યાઓ કરાઈ હોવાનું કહેવાય છે.
આ કારણે સાઉદી સરકારની ટીકા કરવામાં આવી હતી. પણ સલમાન એ ટીકાઓને ઘોળીને પી ગયા હતા. હવે કામદારોનાં મોતની વાતો બહાર આવતાં ટીકા થઈ રહી છે કે, સાઉદીના પ્રિન્સ સલમાન કામદારોની લાશો પર પોતાના સપનાનું શહેર ઉભું કરી રહ્યા છે કે જેના પાયામાં નિર્દોષ લોકોનું લોહી નંખાયું છે.
નિયોમ શહેર સાઉદીના તાબુક પ્રાંતમાં બની રહ્યું છે. ૨૦૧૭માં તેનું બાંધકામ શરૂ કરાયું હતું. રેડ સીના ઉત્તર છેડે ઈજીપ્તની પૂર્વમાં અને જોર્ડનની દક્ષિણમાં અક્વાબાના અખાત પર બની રહેલું નિયોમ ૧૦૦ માઈલ એટલે કે ૧૬૦ કિલોમીટર લાંબું શહેર હશે. શહેરની વચ્ચોવચ્ચ સુપર ફાસ્ટ ટ્રેનનો ેટ્રેક હશે ને ટ્રેકની બંને તરફ માત્ર બે કિલોમીટર સુધી જ ઈમારતો બનશે.
બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ પરથી જ ફ્લાઈંગ કાર ઉડશે. ટ્રેનમાંથી ઉતરીને સીધા ફ્લાઈંગ કારમાં બેસીને લોકો ઓફિસે જઈ શકશે. શહેરમાં એક પણ કાર જોવા નહીં મળે ને પ્રદૂષણ ફેલાય એવું કશું જ નહીં હોય.
સલમાનની મૂળ યોજના તો તોતિંગ શહેર બનાવવાની હતી પણ સાઉદી પાસે ટેકનોલોજી નથી ને બીજા દેશો મદદ કરવા તૈયાર નથી તેથી નિયોમનો વિસ્તાર ઓછો કરી દેવાયો છે.
પહેલાં નિયોમ શહેરમાં ૨૦૩૦ સુધીમાં ૯૦ લાખ લોકોને રાખવાની યોજના હતી પણ હવે ૩ લાખનું ટાર્ગેટ નક્કી કરાયું છે. ધીરે ધીરે શહેર વિકસતું જશે તેમ તેમ વધારે લોકોને લવાશે.
સલમાને ૨૦૧૬માં લોંચ કરેલો પ્રોજેક્ટ સલમાનના 'સાઉદી વિઝન ૨૦૩૦'નો ભાગ છે. 'સાઉદી વિઝન ૨૦૩૦' હેઠળ સલમાન સાઉદી અરેબિયાના અર્થતંત્રને ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતામાંથી બહાર કાઢવા માગે છે. અત્યારે સાઉદીની જીડીપીમાં ૭૫ ટકા હિસ્સો ક્રૂડ ઓઈલ તથા તેને લગતી પ્રવૃત્તિઓનો છે પણ સલમાન આ પ્રમાણ ૨૦૩૦ સુધીમાં ઘટાડીને ૬૦ ટકા કરી નાંખવા માગે છે.
આ માટે જંગી પ્રમાણમાં વિદેશી રોકાણ જોઈએ, દુનિયાની મોટી મોટી કંપનીઓ અને ધનિકો સાઉદીમાં આવે એવી સ્થિતી પેદા કરવી પડે.
સાઉદી પાસે સંપત્તિ છે પણ કટ્ટરવાદી દેશ હોવાથી બહારથી રોકાણકારો આવતા નથી. ક્રૂડ સિવાયની ઈકોનોમી પણ નથી તેથી પણ વિદેશીઓને રસ નથી પડતો. સલમાને આ સ્થિતી બદલવા કમર કસીને સાઉદીને કટ્ટરવાદના પ્રભાવમાંથી બહાર કાઢવા નિયોમ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. સલમાન સાઉદીને એવું સ્થળ બનાવવા માગે છે કે જ્યાં આખી દુનિયાના રોકાણકારો આવે, નવી ટેકનોલોજી માટે સંશોધન કરે, નવા નવા પ્રોજેક્ટ સ્થાપે અને સાઉદીને દુનિયાના અર્થતંત્રમાં સૌથી મોટું હેપનિંગ પ્લેસ બનાવે.
સલમાનની પ્રેરણા યુએઈ છે એ કહેવાની જરૂર નથી. યુએઈએ કૃત્રિમ ટાપુ દ્વારા દુબઈ સહિતનાં શહેરોની રોનક બદલી નાંખી છે. બુર્ઝ ખલિફા સહિતની દંગ થઈ જવાય એવી ઈમારતો ઉભી કરીને યુએઈ દુનિયાભરના ધનિકોને આકર્ષી રહ્યું છે.
યુએઈ ટુરિઝમ અને ઈન્વેસ્ટમેન્ટ માટેનું સૌથી મોટું સેન્ટર બની ગયું છે. ફાયનાન્સ અને ટેક ફાયનાન્સ કંપનીઓ દુબઈમાં રોકાણ ઠાલવી રહી છે અને પોતાની ઓફિસો ઉભી કરી રહી છે. સલમાન યુએઈને જ નહીં પણ અમેરિકા અને ચીન જેવા દેશોને પણ પાછળ છોડવાનું સપનું નિયોમ દ્વારા સાકાર કરવા માગે છે.
કાર ફ્રી નિયોમમાં ફ્લાઈંગ કાર્સ, કૃત્રિમ ચંદ્ર, રોબોટ મેઈડ્સ હશે
સઉદી અરેબિયા રણવિસ્તારમાં રેડ સી (લાલ સાગર) પાસે 'નિયોમ ધ લાઇન' નામનું નવું શહેર વસાવી રહયું છે. નિયોમ શહેર બનાવવા પાછળ લગભગ ૨ ટ્રિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે. ૨૦૧૬માં આ પ્રોજેક્ચ લોંચ કરાયો ત્યારે ૫૦૦ અબજ ડોલરના ખર્ચનો અંદાજ હતો પણ ધીરે ધીરે ખર્ચ વધતો ગયો ને હવે ૨ ટ્રિલિયન ડોલર ખર્ચ થવાનું અનુમાન છે. નિયોમ સિટી સાઉદી અરેબિયાના ભાવિ શાસક અને હાલના વડાપ્રધાન ક્રાઉન પ્રિંંસ મોહમ્મદ બિન સલમાનનું સપનું છે તેથી આ શહેરને વિકસાવવા માટે સાઉદી અરેબિયા પાણી કરતાં પણ વધારે પ્રમાણમાં ડોલર વહાવી રહયું છે.
સલમાનનું સપનું નિયોમને કોઈ સાઈ-ફાઈ હોલીવુડ મૂવીમાં જોવા મળે એવું અત્યાધુનિક ટેક સિટી બનાવવાનું છે. આ શહેરમાં એક પણ કાર નહીં જોવા મળે. અત્યાર દુનિયામાં કોઈ ઠેકાણે જોવા ના મળે એવી સવલતો અને ટેકનોલોજી સલમાન નિયોમ શહેરમાં આપવા માગે છે. આ પૈકી ઘણી ટેકનોલોજી અને ચીજો તો હાલમાં અસ્તિત્વમાં જ નથી. સલમાન નિયોમ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન માટે ફ્લાઈંગ કાર્સના સપનાં જુએ છે. લોકો ઉડતી કારમાં જ મુસાફરી કરે એવી સલમાનની ઈચ્છા છે. એ જ રીતે રોબોટ મેઇડ્સ, ડાયનાસોર રોબોટ્સ પણ હોય એવું સલમાનનું વિઝન છે. રણવિસ્તારમાં ચાંદનીના કારણે અલગ જ પ્રકારની ખૂબસૂરતી થઈ જાય છે. સલમાન નિયોમને આ બ્યુટી આપવા માગે છે તેથી ચંદ્ર જેવો જ લાગે એવો વિશાળ કૃત્રિમ ચંદ્ર પણ હશે કે જે ચંદ્રનો પ્રકાશ ના હોય ત્યારે નિયોમને ચાંદની આપશે.
પ્રિન્સ સલમાને ઈઝરાયલની મદદ લેતાં મુસ્લિમ રાષ્ટ્રો નારાજ
સાઉદી અરેબિયાના નીયોમ સિટી પ્રોજેક્ટના કારણે મુસ્લિમ રાષ્ટ્રોમાં ભારે નારાજગી છે. મુસ્લિમ રાષ્ટ્રોને વાંધો એ વાતનો છે કે, સાઉદી ખાનગીમાં ઈઝરાયલ સાથે હાથ મિલાવીને આ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. ઐતિહાસિક રીતે સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો અને ઈઝરાયલ વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. પેલેસ્ટાઈનના કારણે સાઉદી અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ પણ થઈ ચૂક્યું છે. મોટા ભાગનાં મુસ્લિમ રાષ્ટ્રો ઈઝરાયલને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે પણ સલમાન માટે નિયોમ પ્રોજેક્ટ એટલો મોટો છે કે, દુશ્મનાવટ ભૂલાવીને ઈઝરાયલ સાથે પણ હાથ મિલાવી દીધા છે.
સલમાને મૂળ અમેરિકા પાસે પોતાનો પ્રોજેક્ટ પાર પાડવા મદદ માગી હતી પણ અમેરિકા પાકું વેપારી છે તેથી પોતાનો ફાયદો ના હોય એવા કશામાં પડતું નથી. સલમાન નીયોમ શહેર વિકસાવે તો દુનિયાભરના ધનિકો સાઉદી જઈને વસવા માંડે. અત્યારે ધનિકો અમેરિકામાં રોકાણ કરીને સિટિઝનશીપ મેળવે છે તેમાં ઓટ આવે તેથી અમેરિકા નીયોમ સિટી પ્રોજેક્ટ સફળ ના થાય એવું ઈચ્છે છે. અમેરિકાએ મદદ ના કરતાં સાઉદી અરેબિયા નિયોમ પ્રોજેકટ વિકસાવવા ચીન સામે હાથ લાંબો કર્યો હતો પણ ચીનનો સાથ મળ્યો નહી. ચીનને પણ સાઉદીમાં વિદેશી રોકાણ ઠલવાય તો પોતાનો દબદબો ઘટે તેનો ડર છે તેથી મદદ ના કરી એટલે છેવટે સલમાને ખાનગીમાં ઈઝરાયલ સાથે સોદો કરી નાંખ્યો. ઈઝરાયલ પાસે ટેકનોલોજીના ખાં માણસો છે એ સલમાનને મદદ કરી રહ્યા છે.