Get The App

20 અબજ ડોલરનું બજેટ ધરાવતી યુએસ ટ્રેઝરી પર ચીનનો સાયબર એટેક

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
20 અબજ ડોલરનું બજેટ ધરાવતી યુએસ ટ્રેઝરી પર ચીનનો સાયબર એટેક 1 - image


- અમેરિકાના ટ્રેઝરી ડીપાર્ટમેન્ટનમાં લગભગ 1 લાખ લોકો કામ કરે છે. તેના પરથી જ તેનો પથારો કેટલો મોટો હશે તેનો અંદાજ આવી જાય. અમેરિકાએ ચીનના હેકરે 1 લાખમાંથી કેટલાં વર્કસ્ટેશન હેક કર્યાં તેની વિગતો આપી નથી કે કેટલા ડોલર ઉડી ગયા એ પણ જાહેર કર્યું નથી પણ કેટલીક સેવાઓ બંધ કરવી પડી એ સ્વીકાર્યું છે. સાથે સાથે કેટલાક અતિ સંવેદનશીલ દસ્તાવેજોની ચોરી થયાનું પણ સ્વીકાર્યું છે. અમેરિકાના ટ્રેઝરી ડીપાર્ટમેન્ટે સરકારને જાણ કરતો મેલ કર્યો તેમાં 'બહુ મોટી ઘટના' (મેજર ઈન્સિડન્ટ) હોવાનું પણ સ્વીકાર્યું છે. 

અમેરિકા દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ છે તેથી દુનિયા સામે પોતાની જાંઘ ના ખોલી દે પણ 'મેજર ઈન્સિડન્ટ' હોવાની કબૂલાત પરથી સ્પષ્ટ છે કે, ચીનો મોટો હાથફેરો કરી ગયો છે અને અમેરિકાને મોટો ફટકો મારી ગયો છે.

ચીનની સરકારે પાળેલા હેકર્સ આખી દુનિયાની મેથી મારે છે. આ વખતે તેમાં અમેરિકાનો વારો પડી ગયો છે. ચીનના એક હેકરે યુએસ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટનાં વર્કસ્ટેશન હેક કરી લેતાં અમેરિકન ટ્રેઝરી ડીપાર્ટમેન્ટે કેટલાંક વર્કસ્ટેશન બંધ કરવાં પડયાં છે અને કેટલીક સેવાઓ પણ બંધ કરવી પડી છે. અમેરિકાનું ટ્રેઝરી ડીપાર્ટમેન્ટનું વાર્ષિક બજેટ ૨૦ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧.૭૦ લાખ કરોડ) છે ને લગભગ ૧ લાખ લોકો કામ કરે છે. તેના પરથી જ તેનો પથારો કેટલો મોટો હશે તેનો અંદાજ આવી જાય. 

અમેરિકાએ ચીનના હેકરે ૧ લાખમાંથી કેટલાં વર્કસ્ટેશન હેક કર્યાં તેની વિગતો આપી નથી કે કેટલા ડોલર ઉડી ગયા એ પણ જાહેર કર્યું નથી પણ કેટલીક સેવાઓ બંધ કરવી પડી એ સ્વીકાર્યું છે. સાથે સાથે કેટલાક અતિ સંવેદનશીલ દસ્તાવેજોની ચોરી થયાનું પણ સ્વીકાર્યું છે. અમેરિકાના ટ્રેઝરી ડીપાર્ટમેન્ટે સરકારને જાણ કરતો મેલ કર્યો તેમાં 'બહુ મોટી ઘટના' (મેજર ઈન્સિડન્ટ) હોવાનું પણ સ્વીકાર્યું છે.  અમેરિકા દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ છે તેથી દુનિયા સામે પોતાની જાંઘ ના ખોલે દે પણ 'મેજર ઈન્સિડન્ટ' હોવાની કબૂલાત પરથી સ્પષ્ટ છે કે, ચીનો મોટો હાથફેરો કરી ગયો છે અને અમેરિકાને મોટો ફટકો મારી ગયો છે. 

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી (યુએસડીટી) અમેરિકન સરકારનો નાણાં વિભાગ ગણાય. આ વિભાગ ડોલરની ચલણી નોટો અને સિક્કા છાપવાનું કામ કરે છે અને ચલણી નોટોને કઈ રીતે ફરતી કરવી તેની જવાબદારી પણ તેના માથે છે. ફેડરલ રીઝર્વની કેટલી ચલણી નોટો ક્યાં રાખેલી છે ત્યાંથી માંડીને ફેડરલ એટલે કે અમેરિકાની કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા ટેક્સ, તમામ બેંકો અને સીક્યુરિટીઝની માહિતી ટ્રેઝરી પાસે હોય છે. સામાન્ય માણસ જોઈ પણ ના શકે એવા ગુપ્ત દસ્તાવેજો પણ ટ્રેઝરીમાં સચવાયેલા હોય છે. 

ચીનો તેમાંથી શું શું લઈ ગયો એ કહેવું મુશ્કેલ છે પણ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ જે રીતે વર્તી રહ્યું છે એ જોતાં આ ઘટના વધારે મોટી હોઈ શકે છે. 

ટ્રેઝરી ડીપાર્ટમેન્ટે સત્તાવાર રીતે જાણ કરી એ સિવાય બીજી કોઈ વિગતો આપી નથી. મીડિયાને પણ કહી દેવાયું છે કે, એક અઠવાડિયા પછી બ્રીફિંગ કરાશે. યુએસ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ મેનેજમેન્ટ તરીકે અદિતી હરદીકર નામની ભારતીય મૂળની યુવતીએ છે. અદિતીએ સરકારને બધી વિગતો મોકલી જ છે પણ કશું જાહેર કરવાનો ઈન્કાર કર્યો છે. 

અમેરિકા તો કદાચ ચીનના હેકરે કરેલા હુમલાની વિગતો જાહેર કરવાનું પણ ટાળ્યું હોત પણ જે થર્ડ પાર્ટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર બીયોન્ડટ્રસ્ટે યુએસ ટ્રેઝરીને ચેતવણી આપેલી તેણે સેનેટ બેન્કિંગ કમિટીને સીધી વિગતો મોકલી. આ ઉપરાંત કમિટીને મોકલેલ લેટરની બધી વિગતો મીડિયાને આપી દીધી એટલે અમેરિકાએ પણ સ્વીકારવું પડયું કે ચીનના હેકરે તેમની આબરૂનો ધજાગરો કરી નાંખ્યો છે. 

બીયોન્ડટ્રસ્ટે આપેલી વિગતો પ્રમાણે, યુએસ ટ્રેઝરી ટેકનિલ સપોર્ટ માટે ક્લાઉડ બેઝ્ડ સર્વિસનો ઉપયોગ કરે છે તેમાં હેકરે ઘૂસ મારેલી. આ સર્વિસ માટે ટ્રેઝરી બહારનાં લોકો એટલે કે વેન્ડરની સેવા લે છે. આ પૈકીના કોઈ વેન્ડરની કી હેકરે ચોરી લીધી ને તેના આધારે વર્કસ્ટેશન્સ હેક કરી લીધાં. વેન્ડર કીનો ઉપયોગ કરેલો તેથી કોઈને શંકા પણ ના ગઈ ને ચીન કે બીજા કોઈ દેશના શહેરમાં બેઠાં બેઠાં યુએસ ટ્રેઝરીનો ડેટા તપાસી તપાસીને લેવા જેવું લાગે એ બધું લીધા કરતો હતો. આ રીતે ઘણો સંવેદનશીલ ડેટા પણ લઈ લેવાયો હતો. 

ચીનનો મોરલો ક્યારથી આ કળા કરતો હશે તેની અમેરિકાને ખબર નહોતી પણ ૨ ડીસેમ્બરે એક વર્ક સ્ટેશનમાં બહારથી પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું ધ્યાન પર આવ્યું તેમાં બીયોન્ડટ્રસ્ટે તપાસ કરતાં ભાંડો ફૂટયો. આ તપાસમાં બીજા ત્રણ દિવસ નિકળી ગયેલા. 

આ વાતની ખબર પડતાં રઘવાયા થયેલા યુએસ ટ્રેઝરીના અધિકારીઓએ તાત્કાલિક જ્યાં પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની તપાસ શરૂ કરાઈ. તેમાં બીજા ત્રણ દિવસ ગયા ને ૮ ડીસેમ્બરે બધા છેડા મળ્યા પછી હેક કરાયેલાં વર્કસ્ટેશન ને સેવાઓ બંધ કરાઈ. 

બીયોન્ડટ્રસ્ટે અમેરિકાના કેટલાક સેનેટરને પણ વિગતો મોકલેલી તેથી અમેરિકાએ કમને સાયબર એટેકની વાત સ્વીકારી છે.  આ સંજોગોમાં અમેરિકા અઠવાડિયા પછી પણ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટને થયેલા નુકસાનની વિગતો જાહેર કરશે કે નહીં તેમાં શંકા જ છે પણ આ ઘટનાએ ચીનનો સાયબર ટેરર વધી રહ્યો છે એ ફરી સાબિત કર્યું છે. 

આ હુમલાથી સ્પષ્ટ છે કે, ચીન અમેરિકા સાથેની દુશ્મનાવટને નવા સ્તરે લઈ જઈ રહ્યું છે અને સીધી લડાઈ લડવાના બદલે અમેરિકાની સિસ્ટમમાં તોડફોડ કરીને તેને પછાડવા મથી રહ્યું છે. ચીને આ પહેલાં આ રીતે જ અમેરિકાના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખવા માટે પણ ધમપછાડા કરેલા એવો દાવો ૨૦૨૦માં ચાઈનાઝ એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટયુટ (સીએએસઆઈ) નામની સંસ્થાએ પેન્ટાગોનના એક રીપોર્ટના હવાલાથી કર્યો હતો. 

અમેરિકાની ટોચની સ્પેસ રીસર્ચ એજન્સી નાસા સાથે સંકળાયેલી જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી (જેપીએલ)ના નેટવર્ક પર હુમલાનો પ્રયત્ન ચીને કરેલો. કેલિફોર્નિયામાં આવેલી જેપીએલ નાસાનું ટોચનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે. અમેરિકામાં સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક જેપીએલ દ્વારા ચાલે છે. ચીન જેપીએલના નેટવર્કમાં ઘૂસણખોરી કરીને અમેરિકાના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક પર કબજો કરવા માગતું હતું પણ ફાવેલું નહીં કેમ કે અમેરિકાની સાયબર સીક્યુરિટી સિસ્ટમ જડબસેલાક છે. આ રીપોર્ટમાં એવો ચોંકાવનારો દાવો કરાયો હતો કે, ચીન એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે કે જેની મદદથી દુશ્મન દેશને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક વિનાનું કરીને પછી તબાહ કરી શકાય.  

યુએસ ટ્રેઝરીમાં ચીનના હેકરની ઘૂસણખોરી પછી લાગે છે કે, ચીન પોતાના બદઈરાદામાં સફળ થઈ રહ્યું છે. અમેરિકા ટેકનોલોજીમાં માસ્ટર છે તેથી તેનો રસ્તો એ શોધી કાઢશે પણ ભારતે આ હુમલા પછી સતર્ક થવું પડે કેમ કે, ટેકનોલોજીના દુરૂપયોગના મામલે ચીનની સરખામણીમાં આપણે પાછળ છીએ.

ચીનના હેકરે મુંબઈમાં અંધારપટ કરી નાંખેલો, કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવવા પ્રયત્ન કરેલો

ચીને ભારતમાં સેટેલાઈટ કોમ્યુનિકેશનને ખોરવી નાંખવાનો પ્રયત્ન કરેલો એવું  ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ સ્વીકાર્યું છે.  ઈસરોએ ભૂતકાળમાં સ્વીકાર્યું છે કે, સાયબર એટેક કરીને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખી શકાય છે અને ભારતમાં પણ સાયબર એટેક કરીને સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્કને ખોરવી નાંખવાના પ્રયત્ન થયેલા પણ ઈસરો એલર્ટ છે તેથી આ પ્રયત્નો સફળ નહોતા થયા. ઈસરોએ મોટી કબૂલાત એ પણ કરી હતી કે, આ સાયબર એટેક દ્વારા ઈસરોની સિસ્ટમને હેક કરવાના પ્રયત્ન ક્યાંથી થયા હતા તે ખબર નહોતી પડી ને હજુ પણ એ પ્રકારના સાયબર એટેક થાય જ છે.

ભારતમાં ૨૦૨૧ના ઓક્ટોબરમાં મુંબઈમાં અચાનક પાવર જતો રહેલો ને મુંબઈનાં લોકોની હાલત બગડી ગયેલી. મુંબઈની લાઈફલાઈન મનાતી ટ્રેનો બંધ થઈ ગયેલી, હોસ્પિટલો-સ્ટોક એક્સચેન્જ કલાકો લગી બંધ રહેતાં આખું શહેર ઠપ્પ થઈ ગયેલું. ભારતીયોએ આ વાતને ગંભીરતાથી નહોતી લીધી પણ પછી અમેરિકાના ટોચના અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સે ધડાકો કર્યો હતો કે, ચીનના રેડઈકો નામના ગ્રુપે મુંબઈમાં પાવર ખોરવી નાંખેલો. આ ગ્રુપે ભારતના મોટા પાવર પ્લાન્ટ્સમાં માલવેર નાંખીને ગરબડ કરતાં મુંબઈમાં અંધારપટ થઈ ગયેલો એવો દાવો આ રીપોર્ટમાં કરાયો છે. 

ચીનાઓની દાનત તો ભારતમાં ઘણા બધાં રાજ્યોમાં અંધારપટ કરવાની હતી પણ ફાવ્યા નહીં. બાકી ભારતમાં અરાજકતા ને અંધાધૂંધી સર્જાઈ ગઈ હોત.

ગલવાનમાં અથડામણ પછી ભારતની સિસ્ટમ પર ચીનના સતત હુમલા

ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ છે તેથી અમેરિકાની જેમ ભારતને પણ ચીન સતત ટાર્ગેટ કરે છે. સાયબર થ્રેટ એટલે કે ઈન્ટરનેટના માધ્યમથી ઉભા કરાતા ખતરા પર નજર રાખતી  રેકોર્ડેડ ફ્યુચર અમેરિકાની સરકાર અને બીજી મોટી મોટી કંપનીઓ માટે કામ કરે છે. અમેરિકાની સરકારી અને મોટી કંપનીઓની વેબસાઈટ્સ પર ઉભા થતા ખતરાને ખાળવાનું કામ કરતી  રેકોર્ડેડ ફ્યુચરના કહેવા પ્રમાણે ભારત અને ચીન વચ્ચે ડોકલામમાં થયેલી અથડામણ પછી એટલે કે ૨૦૨૦ના જાન્યુઆરીથી ચીના ભારતની સિસ્ટમમાં માલવેર નાંખીને સિસ્ટમને ખોરવી નંખવા પ્રયત્ન કરી રહ્યા છે.  

ભારત-ચીન વચ્ચે અથડામણ પછી તેનું પ્રમાણ વધી ગયેલું ને ચીનાઓએ બહુ મોટી સંખ્યામાં માલવેર એટલે કે વાયરસ ભારતની સિસ્ટમમાં નાંખેલા પણ તેમાંથી મોટા ભાગના એક્ટિવ થયા જ નહીં. તેના કારણે આપણી આખી પાવર સિસ્ટમ કોલેપ્સ નહોતી થઈ. 

અમેરિકાની બીજી સંસ્થા ચાઈનાઝ એરોસ્પેસ સ્ટડીઝ ઈન્સ્ટિટયુટ (સીએએસઆઈ)એ પણ ચેતવણી આપેલી કે,  ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન ચીને અનેક વાર ભારતના સેટેલાઈટ કોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલો કરીને તેને રફેદફે કરી નંખવાની કોશિશ કરેલી.

News-Focus

Google NewsGoogle News