બફર ઝોનનો વિવાદ, ચીનાઓએ ભારતની જમીન પડાવી લીધી?
- ૧૯૬૨ના ચીન સામેના યુધ્ધના હીરો એવા પરમવીર ચક્ર વિજેતા મેજર શેતાનસિંહ ભાટીના સ્મારકને તોડી પડાયું તેનો વિવાદ જોર પકડી રહ્યો છે
- આ મુદ્દો ગંભીર છે એ જોતાં ભારત સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે જેથી લોકોના મગજમાં કોઈ શંકા પેદા ના થાય. રાજનાથસિંહે ચીન સાથે થયેલી સમજૂતીની સંસદમાં જાહેરાત કરી હતી પણ તેમાં બફર ઝોન કે સ્મારક તોડવાની વાત નહોતી. ભારત અને ચીન વચ્ચે પોતપોતાના જવાનોને પાછા ખેંચવા અંગે જે કરાર થયા તેની પણ વિગતો અપાઈ નહોતી.
ભારત અને ચીન સરહદે લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) નજીક આવેલી ૧૯૬૨ના ચીન સામેના યુધ્ધના હીરો એવા પરમવીર ચક્ર વિજેતા મેજર શેતાનસિંહ ભાટીના સ્મારકને તોડી પડાયું તેનો વિવાદ જોર પકડી રહ્યો છે. આ વિવાદમાં મેજર શેતાનસિંહનું સ્મારક તોડી પડાયું એ મુદ્દો બહુ મોટો નથી પણ ચીન સાથે થયેલી સમજૂતી પ્રમાણે આ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવાતાં ભારતના કબજા હેઠળનો વિસ્તાર બફર ઝોનમાં જતો રહ્યો છે, ભારતના હાથમાંથી આ વિસ્તાર જતો રહ્યો છે. ગંભીર વાત એ છે. આ વાત સાચી હોય તો તો અર્થ એ થાય કે, ભારતે પોતાનો વિસ્તારો છોડીને ચીન સામે શરણાગતિ સ્વીકારી છે, દેશના સાર્વભૌમત્વને મુદ્દે બાંધછોડ
કરી છે.
એક રીતે ભારતે આ વિસ્તાર તાસકમાં ધરીને ચીનને આપી દીધો છે. બફર ઝોન બનાવવો હોય તો ચીને ભારતનો જે પ્રદેશ પચાવી પાડયો છે ત્યાં બનાવવો જોઈએ. તેના બદલે ભારતે પોતાના વિસ્તારને છોડી દીધો એવો અર્થ નિકળે. આ બહુ ગંભીર વાત કહેવાય ને એટલે જ આ વિવાદ જોર પકડી રહ્યો છે.
મેજર શેતાનસિંહનું સ્મારક કેન્દ્રશાસ્તિ પ્રદેશ લડાખના ચૂશુલમાં આવલું હતું. લડાખના પહાડી વિસ્તારમાં લડાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલનું શાસન છે. કાઉન્સિલના અપક્ષ સભ્ય કોનચોક સ્ટાનઝિને ૨૫ ડીસેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને દાવો કર્યો કે, ૨૦૨૦ના જૂનમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે થયેલી અથડામણ પછી થયેલી વાતચીતમાં બંને દેશો વચ્ચે બફર ઝોન બનાવવાનો નિર્ણય
લેવાયો હતો.
આ નિર્ણય પ્રમાણે, બંને દેશોના બફર ઝોનમાં આવતાં તમામ બાંધકામ તોડી પડાયાં ને તેમાં મેજર શેતાનસિંહનું સ્મારક પણ તોડી પડાયું હતું. જૂનમાં થયેલી અથડામણ પછી ૨૦૨૦ના ઓક્ટોબર મહિના સુધી આ સ્મારક ભારતીય લશ્કરના નિયંત્રણ હેઠળ હતું. કુમાઉ રેજિમેન્ટની ૮મી બટાલિયને ૨૦૨૦ના ઓક્ટોબરમાં સ્મારકની સાફસૂફી કરાવીને નવિનીકરણ પણ કરેલું. ભારત-ચીન વચ્ચે સમજૂતી થતાં ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં સ્મારક તોડી પડાયું અને પાનગોંગ ત્સો સરોવરના ઉત્તર તથા દક્ષિણ કાંઠે બફર ઝોન બનાવી દેવાયા.
ભારત સરકાર મેજર શેતાનસિંહનું સ્મારક તોડી નંખાયું એ મુદ્દે ચૂપ છે. ભારતીય લશ્કર કે સંરક્ષણ મંત્રાલયમાંથી કોઈએ સ્ટાનઝિનની વાત ખોટી હોવાની સ્પષ્ટતા ના કરતાં સ્ટાનઝાનની વાત સાચી હોવાનું સાબિત થયું છે. લડાખના ભાજપના સાંસદ જામયાંગ છેરિંગે પણ સ્મારક તોડી નંખાયું એ સ્વીકાર્યું છે. છેરિંગના કહેવા પ્રમાણે, મેજર શેતાનસિહનું જૂનું સ્મારક નાનું હતું તેથી તેને તોડીને નવું મોટું સ્મારક બનાવાયું એટલે જૂનું સ્મારક તોડવું પડયું છે.
છેરિંગે જે કહ્યું એ સત્તાવાર નિવેદન નથી. સાથે સાથે ગેરમાર્ગે દોરનારું પણ છે કેમ કે છેરિંગ અને ભાજપના બીજા નેતા જે સ્મારકનો ઉલ્લેખ કરે છે એ ચુશુલ વેલીમાં છે પણ એલએસી પર નથી. મૂળ સ્મારકથી ત્રણ કિલોમીટર દૂર આ સ્મારક બનાવાયું છે કે જેનું ઉદઘાટન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ૨૦૨૧માં કર્યું હતું.
છેરીંગની વાત બીજી રીતે પણ ગળે ઉતરે એવી નથી. જૂનું સ્મારક નાનું હતું તો તેની આસપાસ બીજું બાંધકામ કરીને તેને મોટું બનાવાઈ શક્યું હોત. કોઈ પણ સ્મારકને મોટું બનાવવા એવું જ કરાય છે ત્યારે મેજર શેતાનસિંહના સ્મારકને સાવ તોડી કેમ નંખાયું એ મોટો સવાલ છે. મોટુ નવું સ્મારક પણ એ જ સ્થળે બનાવવાના બદલે ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવ્યું એ સવાલનો પણ કોઈ જવાબ નથી.
ચૂશુલ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો એ વાતને પણ છેરિંગ ખોટી ગણાવી રહ્યા છે. છેરિંગના દાવા પ્રમાણે. ચુશૂલનાં લોકો હજુ પણ ત્યાં જ રહે છે અને રસ્તા પણ બનાવેલા છે. આ દલીલ હાસ્યાસ્પદ છે કેમ કે ચુશૂલ મોટો વિસ્તાર છે ને આખા વિસ્તારને બફર ઝોન બનાવાયો નથી. સરહદની નજીક પહેલાં પણ લોકો રહેતાં નહોતાં તેથી એ લોકો ખસે એવો સવાલ જ પેદા થતો નથી. રોડ-રસ્તા વગેરે બધું એમ જ છે કેમ કે ભારત ચીનની જેમ સરહદની નજીક કોઈ બાંધકામ કરતું નથી. જે કંઈ બાંધકામ કરાયું છે એ ભારતના વિસ્તારોમાં જ કરાયેલું છે તેથી તેને કંઈ થવાનું નથી. ચુશૂલમાં હજુ લોકો રહે કે રોડ-રસ્તા યથાવત છે તેના કારણે ભારતે એલએસી પરનો વિસ્તાર છોડી દીધો નથી એવો અર્થ થતો જ નથી.
આ મુદ્દો ગંભીર છે એ જોતાં ભારત સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે જેથી લોકોના મગજમાં કોઈ શંકા પેદા ના થાય. રાજનાથસિંહે ચીન સાથે થયેલી સમજૂતીની સંસદમાં જાહેરાત કરી હતી પણ તેમાં બફર ઝોન કે સ્મારક તોડવાની વાત નહોતી. ભારત અને ચીન વચ્ચે પોતપોતાના જવાનોને પાછા ખેંચવા અંગે જે કરાર થયા તેની પણ કોઈ વિગતો અપાઈ નહોતી.
અત્યારે જે વાતો ફરતી થઈ છે તેના કારણે એવી છાપ પડી રહી છે કે, સરકારે જાણી જોઈને આ વાત છૂપાવી છે. કોંગ્રેસ પણ આ વિવાદમાં કૂદી પડી છે. રાહુલ ગાંધી લાંબા સમયથી ચીન સામે ભારત સરકાર શરણાગતિ સ્વીકારીને બેઠી છે એવું કહ્યા કરે છે. મેજરના સ્મારકને મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત સહિતના નેતા મેદાનમાં આવી ગયા છે. સામે ભાજપ સરકાર કશું બોલતી નથી. તેના કારણે ફરતી થયેલી વાતો સાચી છે અને કેન્દ્ર સરકાર ઢાંકપિછોડો કરી રહી છે એવી છાપ પડી રહી છે. કેન્દ્ર સરકારે આ છાપને દૂર કરવા માટે ખુલાસો કરવો જ જોઈએ.
- મેજર શેતાનસિંહે કાશ્મીર ચીનાઓના હાથમાં જતું બચાવેલું
મેજર શેતાનસિંહ ભાટીને આઝાદ ભારતના ઈતિહાસના સૌથી મહાન લડવૈયાઓમાં એક ગણવામાં આવે છે. મેજર ભાટી અને તેમના ૧૧૯ સૈનિકોએ અકલ્પનિય પરાક્રમ બતાવીને ચીનના લશ્કરને રોક્યું જ નહોતું પણ આખું લડાખ ચીનના હાથમાં જતાં પણ બચાવ્યું હતું ચીનાઓનો લડાખ પર કબજો થયો હોત તો પછી શ્રીનગર સુધી પણ પહોંચી ગયા હોત તેથી મેજર ભાટીએ કાશ્મીરને ચીનના હાથમાં જતું બચાવ્યું હતું.
ચુશુસ સેક્ટરના રેઝાંગ લામાં ૧૩ કુમાઉ બટાલિયનની સી કંપનીના કમાન્ડર મેજર ભાટી અને તેમના ૧૧૮ જાંબાઝ સૈનિકો ચીનાઓ સામે લડતા હતા ત્યારે બટાલિયન હેડક્વાર્ટર સાથેની ટેલીફોન લાઈ કપાઈ ગઈ હતી. કંપનીનો રેડિયો સેટ પણ જંગ છેડાયો તેના કલાકોમાં તો નાશ પામેલો તેથી કંપનીએ પોતાની રીતે જ લડવાનું હતું. પોતે કેવી હાલતમાં છે એ વિશે કોઈને મેસેજ મોકલી શકાય તેમ નહોતો તેથી કોઈ મદદે આવવાનું નહોતું એ ખબર હતી છતાં આ જવાંમર્દોએ હિંમત હાર્યા વિના જંગ ચાલુ રાખ્યો.
ચીનની યોજના ચુશૂલ એરપોર્ટ પર કબજો કરવાની હતી તેથી ૧૩૦૦ સૈનિકોની મોટી ટુકડી સાથે આક્રમણ કરેલું પણ મેજર ભાટી વચ્ચે પહાડ બનીને ઉભા રહી ગયા. ચુશૂલ એરપોર્ટ પર કબજો થયો હોત તો ચીના શ્રીનગર પહોંચી ગયા હોત પણ મેજર ભાટીની કંપનીના કારણે ચીના આગળ ના વધી શક્યા. ચુશૂલ એરપોર્ટ જ નહીં પણ આખું લડાખ અને કાશ્મીર પણ બચી ગયું.
- મેજર ભાટીના ૧૧૩ સાથી ૧૩૦૦ ચીનાઓને મારીને શહીદ થયેલા
મેજર શેતાનસિંહ ભાટીએ પોતાના ૧૧૩ જવાંમર્દ સૈનિકો સાથે શહીદી વહોરી અને ચીના માત્ર પાંચ સૈનિકોને પકડવામાં સફળ રહેલા. ૧૮ નવેમ્બર, ૧૯૬૨ના રોજ સવારે ૩ વાગ્યે ચીનના ૨૦૦૦થી વધારે સૈનિકોએ રેજાંગ લા આર્મી પોસ્ટ પર હુમલો કર્યો ત્યારે ચીનાઓને ભારતીયો આવો જડબાતોડ જવાબ આપશે એવી કલ્પના પણ નહીં હોય. આ ૧૧૩ જવાનોએ શહીદ થતાં પહેલાં ચીનના ૨૦૦૦માંથી ૧૩૦૦ સૈનિકોને પતાવીને ચીનની મોટી ટુકડીને સાફ કરી નાંખેલી. ચીના નજીક આવી ગયા ત્યારે મેજર ભાટી અને તેમના સાથીઓએ હાથોહાથની લડાઈમાં જ સો કરતાં વધારે ચીનાઓને મારી નાંખેલા.
મેજર ભાટી અને તેમના બહાદુર જવાનોએ બતાવેલા પરાક્રમ પરથી ચેતન આનંદે ૧૯૬૨માં જ હકીકત ફિલ્મ બનાવેલી. ભારતની શ્રેષ્ઠ વોર ફિલ્મ મનાતી 'હકીકત'નું 'કર ચલે ફિદા જાનોતન સાથીઓ....' ગીતની પ્રેરણા મેજર ભાટીની કંપનીનું શૌર્ય છે. ૧૯૬૨ના યુધ્ધ પછી લતા મંગેશકરે ગાયેલું અય મેરે વતન કે લોગોં ગીતમાં પણ 'થી ખૂન સે લથપથ કાયા, ફિર ભી બંદૂક ઉઠાકે, દસ દસ કો એક ને મારા ફિર ગિર ગયે હોશ ગંવા કે' શબ્દો ભાટીની કંપની માટે લખાયેલા.