લોભે લખ્ખણ જાય : બીબીની લાલચે ઈમરાનને ભેરવી દીધા
- કોર્ટે બે દિવસ પહેલાં જ સરકારના રહસ્યો જાણવાના કેસમાં ઇમરાનને 10 વર્ષની સજા ફટકારી છે, ઇમરાન સામે બીજા ઢગલો કેસો ચાલી રહ્યા છે
- પાકિસ્તાનમાં ગમે ત્યારે બધું બદલાઈ શકે છે. પ્રજા કે લશ્કર મહેરબાન થાય તો ઈમરાન પણ પાછો પહેલવાન બની શકે છે. ભ્રષ્ટાચારના કેસમાં 10 વર્ષની સજા થયા પછી નવાઝ શરીફે પાકિસ્તાન છોડીને ભાગવું પડેલું. પાંચ વર્ષ પછી શરીફ પાકિસ્તાન પાછા આવીને પોતાની સામેના બધા કેસોમાં દૂધે ધોયેલા સાબિત થઈ ગયો તો ઈમરાન પણ દૂધે ધોયેલો સાબિત થઈ શકે છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીનાં પરિણામોના આધારે જ ઈમરાન જેલમાંથી બહાર જ ના આવી જાય પણ સત્તામાં પણ આવી જાય એવું બને.
ગુજરાતીમાં કહેવત છે કે, લોભે લખ્ખણ જાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કિસ્સામાં એવું જ થયું છે. પાકિસ્તાનની એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મોહમ્મદ બશીરે તોશખાના કેસમાં ૧૪ વર્ષની સજા ફટકારતાં બરાબરનો બૂચ વાગી ગયો છે. ઈમરાનની સાથે તેની લાલચુ બીબી બુશરા બીબીને પણ કોર્ટે ૧૪ વર્ષની સજા ફટકારી છે. બુશરા બીબીએ ઈમરાનને વડાપ્રધાન તરીકે મેળવેલી ભેટ સરકારી ખજાના એટલે કે તોશખાનામાં જમા કરાવવાના બદલે બારોબાર વેચીને રોકડી કરીને બતાવેલા લોભના કારણે ઈમરાનની બાકીની જીંદગી જેલમાં જાય એવી હાલત થઈ ગઈ છે.
ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને તોશખાના ભ્રષ્ટાચાર કેસમાં પહેલાં જ દોષિત ઠેરવી દીધેલો. ઈમરાનની પત્ની બુશરા બીબીએ તોશખાનાની ચીજો વેચવા માટે ઈમરાન સરકારના મંત્રી સાથે વાત કરી તેની ઓડિયો ટેપ બહાર આવી તેના આધારે લાહોરની કોર્ટે ઈમરાનને ૩ વર્ષની કેદ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ ચુકાદાના આધારે લાહોર પોલીસે જમાન પાર્કમાંથી ઈમરાનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપેલો. ઈમરાને તેની સામે કરેલી અપીલમાં નિર્દોષ તો સાબિત ના થયો, ઉલટાની જેલની સજા વધીને ૧૪ વર્ષ થઈ ગઈ.
પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. આ કેસમાં સજા પર સ્ટે આવ્યો હોત તો ઈમરાન ચૂંટણી લડી શક્યો હોત પણ હવે ૧૪ વર્ષની જેલ થતાં કમ સે કમ અત્યારે તો ઈમરાન ચૂંટણી લડી શકવાનો નથી. કોર્ટે બે દિવસ પહેલાં સરકારનાં રહસ્યો જાહેર કરવાના કેસમાં ઈમરાનને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. ઈમરાન હજુ બીજા તો ઢગલો કેસ તેની સામે ચાલી રહ્યા છે. અત્યારે જે માહોલ છે એ જોતાં આ કેસોમાં પણ ચુકાદો ઈમરાનની તરફેણમાં નહીં જ આવે એવું મનાય છે. તેના કારણે ઈમરાન ખાનનું બોર્ડ પતી ગયું છે એવું તેના સમર્થકો પણ માને છે પણ સાવ એવું નથી.
પાકિસ્તાનમાં ગમે ત્યારે બધું બદલાઈ શકે છે ને પ્રજા કે લશ્કર મહેરબાન થાય તો ઈમરાન પણ પાછો પહેલવાન બની શકે છે. ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ વર્ષની સજા થયા પછી નવાઝ શરીફે પાકિસ્તાન છોડીને ભાગવું પડેલું. પાંચ વર્ષ પછી એ નવાઝ શરીફ પાકિસ્તાન પાછા આવીને પોતાની સામેના બધા કેસોમાં દૂધે ધોયેલા સાબિત થઈ શકતા હોય ને પાછા વડાપ્રધાન બનવા થનગનતા હોય તો ઈમરાન પણ દૂધે ધોયેલો સાબિત થઈ શકે છે. બલ્કે હાલના પાકિસ્તાનના રાજકારણને જોતાં તો ઈમરાને નવાઝ શરીફની જેમ પાંચ-છ વર્ષ રાહ ના જોવી પડે એવું પણ બને.
પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ થનારી ચૂંટણીનાં પરિણામોના આધારે જ ઈમરાન જેલમાંથી બહાર જ ના આવી જાય પણ સત્તામાં પણ આવી જાય એવું બને. અત્યારે ઈમરાન ત્રણ શક્યતાના આધારે બચી શકે છે. પહેલી શક્યતા પાકિસ્તાનની ચૂંટણીમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની જીત છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પીટીઆઈનું ચૂંટણી ચિહ્ન છિનવી લેતાં ઈમરાનની પાર્ટી સત્તાવાર રીતે ચૂંટણી નથી લડી રહી પણ તેની પાર્ટીના ઉમેદવારો તમામ બેઠકો પર અપક્ષ તરીકે લડી રહ્યા છે. આ અપક્ષો બહુમતીમાં આવે તો પણ ઈમરાનના દાડા ફરી જાય.
બીજી શક્યતા પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળે એ છે. ઈમરાનને હટાવવા માટે બિલાવલ ભુટ્ટો અને શરીફ ખાનદાને હાથ મિલાવેલા પણ નવાઝ શરીફની એન્ટ્રી પછી ભુટ્ટો પરિવાર અને શરીફ પરિવાર એકબીજાને સત્તામાં આવવામાં મદદ કરે એવી શક્યતા નથી. ઈમરાન ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ છે એ જોતાં તેના સમર્થકો પાર્ટી કિંગ મેકર બનાય એટલી બેઠકો મેળવી શકે તેમ છે. એવું થાય તો પણ સરકારને ટેકાના બદલામાં ઈમરાનની મુક્તિ થઈ જાય.
ત્રીજી શક્યતા જેની સરકાર રચાય તેના પગ પકડીને રાજકારણમાંથી વિદાય થવાની ખાતરી આપે એ છે. ઈમરાન રાજકારણમાંથી ખસી જાય ને પાકિસ્તાન છોડીને વિદેશ જતો રહે તો તેને માફ કરવા શરીફ ને ભુટ્ટો બંને પરિવાર તૈયાર છે. ઈમરાનની પહેલી પત્ની જેમિમાએ તો ઈમરાનને યુકેમાં વસાવવાની તૈયારી પણ બતાવી છે. રાજકીય રીતે પતી જવાય તો ઈમરાન એ વિકલ્પ અજમાવીને બહાર નિકળી શકે. ટૂંકમાં ઈમરાન ખાન પાસે હજુ વિકલ્પો છે ને ક્યો વિકલ્પ અજમાવવો તેનો નિર્ણય પાકિસ્તાનની ચૂંટણીનાં પરિણામો પછી કરી શકે છે.
ઈમરાન બચશે કે તેની બાકીની જીંદગી જેલમાં જ જશે એ ભવિષ્યમાં નક્કી થશે પણ તોશખાના કેસ ઈમરાન ખાન માટે અત્યંત શરમજનક તો છે જ. ક્રિકેટના મહાનતમ ખેલાડીઓમાં એક ઈમરાન ખાન જેવો ખેલાડી ભેટમાં મળેલી ચીજવસ્તુઓ વેચી મારવાના કેસમાં દોષિત ઠરે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. પાકિસ્તાનને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનારો ઈમરાન ખાન ધનિક પરિવારનો નબિરો છે. ઈંગ્લેન્ડમાં ભણ્યો છે ને અંગ્રેજો વચ્ચે અય્યાશીની જીંદગી જીવ્યો છે.
ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની બોલબાલા હતી ત્યારે ઈમરાન ત્યાં રમતો. તેના કારણે અઢળક કમાયો છે. યુકેના અબજોપતિ સર જેમ્સ ગોલ્ડસ્મિથની દીકરી જેમિમા ગોલ્ડસ્મિથ ઈમરાનના પ્રેમમાં પડી, તેની સાથે લગ્ન કર્યાં તેના પરથી જ ઈમરાનનો ક્લાસ શું છે એ ખબર પડી જાય પણ સંગ એવો રંગ એ હિસાબે બુશરા બીબી જેવી ફટીચર માનસિકતા ધરાવતી સ્ત્રીને પરણીને ઈમરાન ફસાઈ ગયો. બુશરાએ ઈમરાનને મળેલી ભેટ વેચી વેચીને સો કરોડ રૂપિયાથી વધારેની રકમન ઘરભેગી કરી દીધી હોવાનું મનાય છે.
ઈમરાન ખાનને તોશખાના કેસમાં થયેલી સજા માટે સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગિફ્ટમાં આપેલી મોંઘીદાટ ઘડિયાળ કારણભૂત છે. સલમાને ઈમરાનને ભેટમાં આપવા બે લિમિટેડ એડિશન ઘડિયાળ બનાવડાવી હતી. હીરાજડિત સોનાની આ ઘડિયાળની કિંમત લગભગ ૧૬ કરોડ રૂપિયા હતી. ઈમરાન ખાને બુશરા બીબીને ઘડિયાળ આપી દીધી હતી.
બુશરાએ ઘડિયાળ ઈમરાન સરકારમાં મંત્રી ઝુલ્ફી બુખારીને આપીને કિંમતની તપાસ કરાવી. ઘડિયાળની કિંમત કરોડોમાં હોવાનું કહેતાં બુશરાએ ઘડિયાળ વેચી દેવા કહ્યું. બુખારીએ લક્ઝુરીયસ બ્રાન્ડ્સ વેચતા વોચ શોરૂમના માલિકનો સંપર્ક કરતાં તેણે ઘડિયાળ બનાવતી કંપનીનો સંપર્ક કર્યો તેમાં ઈમરાન ભેટમાં આપેલી ઘડિયાળ વેચવા નિકળ્યો હોવાનો ભાંડો ફૂટી ગયો.
પાકિસ્તાનમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર નવો નથી પણ ઈમરાનનાં નસીબ ખરાબ કે તેને પાકિસ્તાનના લશ્કર સાથે બગડયું. તેના કારણે પાકિસ્તાનના લશ્કરે ખણખોદ કરી કરીને ઈમરાન સામે દોઢસોથી વધારે કેસ કરાવી દીધા છે. હવે ચૂંટણીનાં પરિણામ ઈમરાનને માફક આવે એવાં ના આવ્યાં તો ઈમરાને કાં પાકિસ્તાન છોડીને જવું પડશે, કાં જેલમાં બાકીની જીંદગી જીવવી પડશે. ત્રીજો કોઈ વિકલ્પ નહીં હોય.
ઈમરાન-બુશરાએ 50 ગિફ્ટ જમા કરાવી, 58 રાખી લીધી
ઈમરાન ખાનને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે જુદા જુદા દેશોના વડાઓ પાસેથી કુલ ૧૦૮ ગિફ્ટ ભેટમાં મળી હતી. આ પૈકી ઈમરાન-બુશરાએ ૫૮ ગિફ્ટ પોતાની પાસે રાખી લીધી જ્યારે ૫૦ ગિફ્ટ તોશખાનામાં જમા કરાવી હતી. જે ગિફ્ટ પોતાની પાસે રાખી તેને પોતે ખરીદી હોવાનું બતાવવા રકમ પણ જમા કરાવી પણ એ રકમ બહુ સામાન્ય હતી. તપાસમાં આ બધી વિગતો બહાર આવી છે ને ઈમરાન-બુશરા સામે મજબૂત પુરાવા છે.
ઈમરાને ગિફ્ટ વેચી નાંખવા સાથે પોતાની પત્નીને કોઈ સંબંધ નહીં હોવાનો દાવો કરેલો. ઈમરાનનું કહેવું છે કે, રાજકીય કારણોસર પોતાની પત્નીને ફસાવાઈ છે પણ વાસ્તવમાં બુશરા જ આ કાંડની સૂત્રધાર છે. બુશરાએ ગિફ્ટ વેચવાના લીધેલા નિર્ણયોની ઓડિયો ટેપ જ ઈમરાનને સજા માટે કારણભૂત બની છે.
ફાયનાન્સ પ્રોફેશનલ્સની પહેલી પસંદ ઈમરાન ખાન
એક તરફ ઈમરાન ખાનને સત્તાથી દૂર રાખવા એક પછી એક કેસમાં સજા થઈ રહી છે ત્યારે બીજી તરફ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર કાઢવા માટે ઈમરાન ખાન શ્રેષ્ઠ વ્યક્તિ હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. બ્લૂમબર્ગ દ્વારા પાકિસ્તાનના ફાયનાન્સિયલ પ્રોફેશનલ્સનો સર્વે કરાયો તેમાં બહુમતી પ્રોફેશનલે ઈમરાન આર્થિક સંકટમાંથી પાકિસ્તાનને બહાર કાઢવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ હોવાનો મત વ્યક્ત કર્યો. નવાઝ શરીફ બીજા સ્થાને જ્યારે બિલાવલ ભુટ્ટો ત્રીજા સ્થાને છે.
પ્રોફેશનલ્સના મતે, ઈમરાને ઈન્ટરનેશલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથે બહુ પહેલાં જ વાતચીત શરૂ કરી દીધી હતી. પાકિસ્તાનને આર્થિક તકલીફોમાંથી બહાર કાઢવા માટે પોતે ગંભીર હોવાનો પુરાવો ઈમરાને ત્યારે જ આપી દીધો હતો.