Get The App

ઈઝરાયલનો મર્દાના મિજાજ, ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવી દીધો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ઈઝરાયલનો મર્દાના મિજાજ, ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવી દીધો 1 - image


- ઇઝરાયેલે હમાસના ટોચના નેતાઓને ઉડાવી દેવાની હેટ્રિક પૂરી કરી છે, પહેલાં સાલેહને પતાવ્યો પછી મારવાન ઇસ્સાને અને હવે હાનિયેહને ફૂંકી માર્યો

- હાનિયેહને ઉડાવીને ઈઝરાયલે હમાસના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે. આ પહેલાં ઈઝરાયલે હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મુહમ્મદ સુલેમાન અલ-અરૌરીને આ રીતે જ ઉડાવી દીધેલો. ઈઝરાયલે હમાસના ડેપ્યુટી મિલિટરી કમાન્ડર મારવાન ઈસ્સાને પણ ગાઝા સ્ટ્રીપમાં હુમલો કરીને ઉડાવી દીધેલો. ઈસ્સા નુસૈરાતમાં જમીનની અંદર બનાવેલા એક બંકરમાં રહીને આતંકવાદીઓને દોરવણી આપતો હતો. ઈઝરાયલે બંકરને જ ફૂંકી મારીને ઈસ્સા સહિત સાત ટોચના કમાન્ડરોને ઉડાવી દીધેલા.

ઈઝરાયલે ફરી એક વાર તેના મર્દાના મિજાનનો પરચો આપીને ગયા વરસે ઈઝરાયલ પર હુમલો કરનારા કટ્ટરવાદી સંગઠન હરકત અલ-મુક્કાવમા અલ-ઈસ્લામિયા (હમાસ)ના ચીફ ઈસ્માઈલ હાનિયેહને ઉડાવી દીધો. નોંધપાત્ર વાત એ છે કે, ઈઝરાયલના એજન્ટોએ હાનિયેહને ૧૦૦ ટકા મુસ્લિમ વસતી ધરાવતા અને અત્યંત કટ્ટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને ઉડાવી દીધો છે. 

હાનિયેહને ઉડાવીને ઈઝરાયલે હમાસના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે. આ પહેલાં ઈઝરાયલે હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મુહમ્મદ સુલેમાન અલ-અરૌરીને આ રીતે જ ઉડાવી દીધેલો. ઈઝરાયલે વેસ્ટ બેંકના અરૂરામાં તેના ઘરને ઉડાવી દીધેલું. અલ-અરૌરી લેબેનોનમાં રહેતો હતો તેથી બચી ગયેલો પણ ૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ઈઝરાયલનાં વિમાનોએ લેબેનોનમાં ઘૂસીને બોમ્બમારો કરીને સાલેહને પતાવી દીધેલો. સાલેહ ઈરાનના આતંકવાદી કાસેમ સુલેમાનીની હત્યાની વરસીના કાર્યક્રમમા ગયેલો ને પતી ગયો. 

ઈઝરાયલે એ પછી ૧૧ માર્ચ, ૨૦૨૪ના દિવસે હમાસના ડેપ્યુટી મિલિટરી કમાન્ડર મારવાન ઈસ્સાને ગાઝા સ્ટ્રીપમાં હુમલો કરીને ઉડાવી દીધેલો. ઈસ્સા નુસૈરાતમાં જમીનની અંદર બનાવેલા એક બંકરમાં રહીને આતંકવાદીઓને દોરવણી આપતો હતો. ઈઝરાયલે બંકરને જ ફૂંકી મારીને ઈસ્સા સહિત સાત ટોચના કમાન્ડરોને ઉડાવી દીધેલા. 

હાનિયેહ કતારમાં રહેતો હતો પણ ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે તેહરાન ગયેલો. હાનિયેહ ખાસ મહેમાન હોવાથી તેને કમાન્ડોની સુરક્ષા વચ્ચે અલગ મકાનમાં ઉતારો અપાયેલો. ઈઝરાયલનાં પ્લેન ઈરાનની સરહદમાં ઘૂસ્યાં અને છેક તહેરાન પહોંચીને બોમ્બમારો કરીને હાનિયેહના ઘરને જ ઉડાવી દીધું. 

ઈઝરાયલ પર 'હમાસ'ના ગયા વરસના હુમલા પછી ઈઝરાયલે હાનિયેહ તથા 'હમાસ'ના બીજા નેતાઓનો પણ ખાતમો કરવાના સોગંદ ખાધા હતા. આ માટે ઈઝરાયલે વારંવાર હુમલા કરેલા પણ હાનિયેહ બચી જતો હતો. ઈઝરાયલે 'હમાસ'ના હુમલાના ગણતરીના દિવસોમાં જ હાનિયેહના પરિવારના ૧૪ સભ્યોને ઉડાવી દીધેલા પણ  હાનિયેહ બચી ગયેલો. એપ્રિલમાં ઈઝરાયલે કરેલા હુમલામાં તેના ત્રણ પુત્રો મરાયા હતા પણ હાનિયેહ ફરી બચી ગયેલો. આ વખતે ઈઝરાયલે વધારે પરફેક્ટ પ્લાનિંગ સાથે હુમલો કરીને મિશન પાર પાડી દીધું. 

હાનિયેહની હત્યા દ્વારા ઈઝરાયલે એક કાંકરે ઘણાં પક્ષી માર્યાં છે. સૌથી પહેલાં તો ઈઝરાયલે પોતાની જૂની ધાક પાછી જમાવી દીધી છે. 'હમાસ'ના હુમલા વખતે ઈઝરાયલ ઉંઘતું ઝડપાયું હતું. 'હમાસ'ના ૩૦૦૦ આતંકવાદીઓ ઈઝરાયલમાં ઘૂસીને કાળો કેર વર્તાવી ગયા, ૧૨૦૦ લોકોની હત્યા કરી ગયા ને ઈઝરાયલના ગુપ્તચર તંત્રને આ કારસાની ગંધ સુધ્ધાં ના આવી તેના કારણે ઈઝરાયલ હવે પહેલાં જેવું રહ્યું નથી એવી ટીકાઓ થતી હતી. ઈઝરાયલે તેની સ્ટાઈલમાં એ ટીકાનો જવાબ આપી દીધો છે. 

ઈઝરાયલે ઈરાનને પણ તેની ઔકાત બતાવી દીધી છે. ઈઝરાયલ સામેના 'હમાસ'ના જંગમાં ઈરાન તન, મન, ધનથી મદદ કરી રહ્યું છે. 

ઈરાનની સહાયથી એક તરફ 'હમાસ' ને બીજી તરફ 'હિઝબુલ્લાહ' એમ બે-બે ખતરનાક સંગઠનો ઈઝરાયલ સામે મોરચો માંડીને બેસી ગયા છે. ઈરાન લેબેનોન સહિતના દેશોને પણ ઈઝરાયલ સામે મેદાનમાં ઉતારી ચૂક્યું છે. ઈઝરાયલે હાનિયેહની ઈરાનમાં ઘૂસીને હત્યા કરીને ઈરાનની આ વ્યૂહરચનાનો જવાબ આપી દીધો છે અને પોતાની તાકાત પણ સાબિત કરી દીધી છે. ઈઝરાયલમાં ઈરાનમાં ઘૂસીને ગમે તેની હત્યા કરવાની તાકાત છે એવું સાબિત કરીને ઈઝરાયલે ઈરાનનું નાક વાઢી લીધું છે.  

હાનિયેહ 'હમાસ'નો રાજકીય વડો હતો. ઈઝરાયલે હાનિયેહને ઉડાવી દઈને 'હમાસ'ની કમર તોડી નાંખી છે. દુનિયાભરના મુસ્લિમ દેશોના વડાઓ સાથે સીધો સંપર્ક ધરાવતો હાનિયેહ મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી જંગી ફંડ લઈ આવતો. હાનિયેહના કારણે જ શિયા ઈરાન સુન્નીઓના સંગઠન 'હમાસ'ને મદદ કરતું એવુ કહેવાય છે. ઈરામ દર વરસે હમાસને ૫૦ કરોડ ડોલરની મદદ કરે છે.

હાનિયેહ ઉત્તર ગાઝા સ્ટ્રીપના રેફ્યુજી કેમ્પમાં ઉછર્યો પણ ઈઝરાયેલ સામે આક્રમક વલણના કારણે યુવાનોમાં અત્યંત લોકપ્રિય બની ગયો હતો. ઈઝરાયલ સામેની લડતમાં એક સમયે યાસ અરાફતનો દબદબો હતો. યાસર અરાફતે ફતાહ સહિતનાં સંગઠનોને ભેગાં કરીને પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ) બનાવીને ઈઝરાયલ સામે જંગ છેડેલો. વરસોની સશસ્ત્ર લડત પછી અરાફતે ઈઝરાયલને નમાવવામા સફળતા ના મળતાં ઈઝરાયલ સાથે ૧૯૮૦ના દાયકામાં સમાધાન માટે મંત્રણા શરૂ કરી.

કટ્ટરવાદી મુસ્લિમોને એ પસંદ ના આવ્યું તેથી તેમણે ૧૯૮૭માં હમાસની સ્થાપના કરી હતી. આ કટ્ટરવાદીઓમાં હાનિયેહ પણ એક હતો. અરાફતે ૧૯૯૩માં ઈઝરાયલ સાથે સંધિ કરી પછી હમાસ આક્રમક બન્યું અને આતંકી હુમલા વધાર્યા. હાનિયેહ આ હુમલાઓમાં કેન્દ્રસ્થાને હતો. આ કારણે હાનિયેહનો પ્રભાવ વધ્યો પછી તેણે ગાઝા સ્ટ્રીપમાં વર્ચસ્વ જમાવી દીધું.

હાનિયેહ ગાઝા સ્ટ્રીપનો બેતાજ બાદશાહ કહેવાતો. હાનિયેહના પુત્રો અને જમાઈઓ મોટા પાયે ખંડણી ઉઘરાવવા સહિતના ગેરકાયદેસર ધંધા કરે છે. ઈજીપ્ત સહિતના દેશોમાં એ બધા પકડાયા પણ છે પણ હાનિયેહની વગના કારણે તેમને કશું થતું નથી. ઈજીપ્તથી ગાઝા પટ્ટીમાં આવતા તમામ માલ-સામાન પર હાનિયેહનો પરિવાર ૨૦ ટકા ટેક્સ ઉઘરાવતો હોવાનું કહેવાય છે. હાનિયેહ પહેલાં ગાઝા સ્ટ્રીપમાં રહેતો પણ ૨૦૧૬થી પત્ની તથા પરિવાર સાથે ગાઝા સ્ટ્રીપ છોડીને કતાર જતો રહ્યો હતો.  રસપ્રદ વાત એ છે કે, હાનિયેહની ત્રણ બહેનો ખોલિદિયા, લૈલા અને સબાહ ઈઝરાયલની નાગરિક છે. આ ત્રણેય બહેનોનાં સંતાનો ઈઝરાયલ ડીફેન્સ ફોર્સમાં કામ કરી ચૂક્યાં છે અને હમાસ સહિતનાં આતંકી સંગઠનો સામે લડી ચૂક્યાં છે.

હમાસના આતંકીઓની અધમતાનો બદલો હાનિયેહની હત્યાથી લેવાયો

પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર કબજો કરીને બેઠેસા 'હમાસ'એ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારે અધમતાની બધી સીમાઓ વટાવી દીધી હતી.  

'હમાસ'એ ઈઝરાયલ પર ધડાધડ પાંચ હજારથી વધારે રોકેટ છોડયાં. ઈઝરાયલનું લશ્કર આ હુમલા સામે ઉંઘતું ઝડપાયેલું અને તેનો પ્રતિકાર કરવામં લાગેલું હતું ત્યાં 'હમાસ'ના ૩૦૦૦ આતંકીઓને ઈઝરાયલમાં ઘૂસીને ૧૨૦૦ જેટલાં લોકોની હત્યા કરી નાંખી હતી. હમાસે પાંચ કલાક સુધી ઈઝરાયલમાં કત્લેઆમ ચલાવી હતી. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલના સૈનિકોની તો હત્યા કરી જ પણ નિર્દોષ નાગરિકો અને વિદેશીઓને પણ ના છોડયા. હમાસના આતંકીઓ જતાં જતાં સંખ્યાબંધ છોકરીઓને પણ ઉપાડી ગયા હતા. આતંકવાદીઓએ સંખ્યાબંધ છોકરીઓ પર બળાત્કાર પણ ગુજારેલા. 

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલની મહિલા સૈનિકો સાથે કરેલા વ્યવહારના વીડિયો થથરી જવાય એવા છે. 

આતંકીઓએ એક જર્મન યુવતીની હત્યા કરીને તેને નગ્ન કરીને જીપ પર બાંધીને ફેરવી હતી.  શૌની લાઉક નામની યુવતી પીસ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલી. 'હમાસ'ના આતંકવાદીઓ તેને ઉઠાવી ગયા પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પછી શરીર પરથી તમામ કપડાં હટાવીને સંપૂર્ણ નગ્નાવસ્થામાં તેની પરેડ કરી. નિર્દોષ યુવતીની હત્યા કરીને બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ 'હમાસ'ના આતંકીઓએ મશીનગનોમાંથી ફાયરિંગ કરીને અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા.

ઈસ્માઈલ હાનિયેહ આ કત્લેઆમનો સૂત્રધાર હતો. ઈઝરાયલે એ વખતે જ તેનું ડેથ વોરંટ લખી નાંખેલું ને ૧૦ મહિનામાં તો તેનો અમલ પણ કરી નાંખ્યો.

ઈઝરાયલના હિટ લિસ્ટમાંથી ત્રણ ગયા, હજુ હમાસના 7 નેતા બાકી

ઈઝરાયલે હમાસના ટોચના ૧૦ નેતાને ટાર્ગેટ કરેલા. આ પૈકી ઈઝરાયલના હીટ લિસ્ટમાં અબુ મરઝૌક, ખાલિદ મસાલ અને ઈસ્માઈલ હાનિયેહ ટોપ પર હતા. મસાલ અને હાનિયેહ હમાસના સર્વોચ્ચ નેતા છે જ્યારે મરઝૌક પોલીટિકલ બ્યુરોનો હેડ છે. ત્રણમાંથી હાનિયેહનું બોર્ડ ઈઝરાયલે કાયમ માટે પતાવી દીધું તેથી ગમે ત્યારે બાકીના બેનો વારો પડશે એ નક્કી છે. આ સિવાય સાલેહ અને મારવાન ઈસ્સા પણ પતી ગયા છે. 

ઈઝરાયલના હીટ લિસ્ટમાં હમાસના તાલેલ અલ-હિંદી, અઝ્ઝામ અલ-અકરાહ, સાલાહ બરદાવિલ, તાહેર અલ-નુનુ, ખલિલ અલ-હિયા એ પાંચ નેતા પણ છે. આ બધા નેતા કતાર કે તુર્કીયેમાં રહે છે. ઈઝરાયલ ઈરાનમાં ઘૂસીને હાનિયેરને મારી શકતું હોય તો બીજા નેતાઓને પતાવવા બહુ મુશ્કેલ નથી. 

હમાસના નેતા પોતાના અહમને ખાતર પેલેસ્ટાઈનમાં રહેતાં લોકોના જીવ જોખમમાં મૂકે છે જ્યારે પોતે અય્યાશીઓ કરે છે. ગાઝા સ્ટ્રીપનાં લોકોને મોતના મોંમાં ધકેલનારા હમાસનો એક પણ નેતા ગાઝા સ્ટ્રીપમાં રહેતો નથી. સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી જેવા ધનાઢય મુસ્લિમ દેશોમાં રહેતા હમાસના નેતા એકદમ લેવિશ લાઈફસ્ટાઈલ જીવે છે. પ્રાઈવેટ જેટ્સમાં ફરે છે, ડિપ્લોમેટિક ક્લબ્સમાં જઈને ગોલ્ફ સહિતની રમતો રમે છે. રૂપકડી વિદેશી યુવતીઓ સાથે અય્યાશીઓ કરે છે અને અબજોની સંપત્તિના માલિક બનીને બેઠા છે. મસાલ અને હાનિયેહ પાસે ૪-૪ અબજ ડોલરની જ્યારે મરઝૌક પાસે ૩ અબજ ડોલરની સંપત્તિ છે. ઈસ્લામિક સ્ટેટ પછી દુનિયામાં સૌથી અમીર આતંકવાદી સંગઠન હમાસની આવક વરસની ૧ અબજ ડોલર છે. આ બધાં નાણાં હમાસના નેતાઓ પાસે જાય છે.

News-Focus

Google NewsGoogle News