દિલ્હીની વાત : પૂણે રીંગરોડ પ્રોજેક્ટમાં 10 હજાર કરોડનો ગોટાળો : કોંગ્રેસનો આરોપ
નવીદિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક બે નહીં પરંતુ છ મુખ્ય પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારોના નામ જાહેર થાય એ પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર ૧૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ મૂક્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે ૧૦ હજાર કરોડની લૂંટ કરી છે. ભાજપએ મરાઠી ભાઈઓના ૧૦ હજાર કરોડ રૂપિયા લૂંટી લીધા છે. પૂણે રીંગરોડ પ્રોજેક્ટમાં આ ભ્રષ્ટાચાર થયો છે. મહારાષ્ટ્ર સરકારના નિયમ પ્રમાણે કોઈ એક કંપનીને બેથી વધુ પ્રોજેક્ટ આપી શકાતા નથી. મહારાષ્ટ્ર સરકારે આ નિયમને બાજુ પર મૂકીને એક જ કંપનીને ચાર પ્રોજેક્ટ આપી દીધા છે. જે કંપનીને બોગદા બનાવવાનો અનુભવ નહોતો એમને કામ આપી દીધું છે.
રાજસ્થાનની પેટા ચૂંટણીથી ગેહલોત - પાયલટને કેમ દૂર રાખવામાં આવ્યા
હરિયાણાની હાર અને જમ્મુ-કાશ્મીરના નબળા પ્રદર્શન પછી કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સિનિયર નેતાઓની ફોજ ઉતારી દીધી છે. રાજસ્થાનમાં ૭ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપી છે. ગેહલોત સિનિયર ઓબ્ઝર્વર તરીકે મુંબઈ અને કોંકણની જવાબદારી સંભાળશે સચિન પાયલોટને મરાઠાવાડના સિનિયર ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં જોકે એવી ચર્ચા થઈ રહી છે કે કોઈક અકળ કારણસર બંને સિનિયર નેતાઓને કોંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાનની પેટા ચૂંટણીથી દૂર રાખ્યા છે. રાજસ્થાનમાં પણ આ બંને નેતાઓની જરૂર હતી, પરંતુ કોઈક આંતરીક ડખાને કારણે કદાચ ગેહલોત અને પાયલોટને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે.
મહાઅઘાડીમાં બેઠકોની વહેચણી બાબતે કોઈ મનદુ:ખ નથી : ઉદ્ધવ
છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મહાઅઘાડી ગઠબંધનના ત્રણે પક્ષો બેઠકોની વહેચણી માટે માથાપચ્ચી કરી રહ્યા છે. હવે આ વાતચીત છેલ્લા તબક્કામાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે બેઠકોની વહેચણી બાબતે મહાઅઘાડી ગઠબંધનમાં કોઈ મનદુ:ખ નહીં થાય. ઉદ્ધવ ઠાકરેના કહેવા પ્રમાણે કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) સાથે ખૂબ સારા વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે. ત્રણે પક્ષો એવું માની રહ્યા છે કે, મોટુ દિલ રાખીને પણ મહાઅઘાડી ગઠબંધનને ટકાવી રાખવું જરૂરી છે. ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસ છે કે મહાવિકાસઅઘાડી ગઠબંધન મહાયુતિ સરકારને હરાવીને મહારાષ્ટ્રમાં સત્તા કબજે કરશે.
હિન્દીનું સંમેલન બિનહિન્દી ભાષી રાજ્યોમાં કરાતા સ્ટાલીનનો મોદીને પત્ર
તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકારે હિન્દી ભાષાના સંમેલન બિનહિન્દી ભાષી રાજ્યોમાં રાખવા જોઈએ નહીં. આવા આયોજનોને કારણે અલગ અલગ ભાષાના રાજ્યો વચ્ચે તણાવ ઉભો થઈ શકે છે. પ્રત્યેક રાજ્યની સ્થાનિક ભાષાનું માન જળવાવવું જોઈએ. સ્ટાલીને પત્રમાં લખ્યું છે કે, ભારતની ભાષાઓની વિવિધતાને માન આપવું જરૂરી છે. જો કેન્દ્ર સરકાર આવા કાર્યક્રમોનું આયોજન કરવા માંગતી હોય તો મારૂ સૂચન છે કે, જે તે રાજ્યની સ્થાનિક ભાષાને વધુ મહત્વઆ આપવામાં આવે. દૂરદર્શને પણ રાજ્યોની સ્થાનિક ભાષાના કાર્યક્રમો વધુ પ્રમાણમાં બતાવવા જોઈએ.
મતદારયાદીમાંથી અમારા સમર્થકોને દૂર કરાયા : મહાવિકાસ અઘાડીનો આક્ષેપ
મહારાષ્ટ્રના વિરોધપક્ષ મહાવિકાસ અઘાડીએ ચૂંટણી પંચ પર આરોપ મૂક્યો છે કે, મહારાષ્ટ્ર. વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર થઈ રહેલી મતદાતાઓની યાદીમાંથી મહાવિકાસ અઘાડી તરફી મતદારોના નામ ગાયબ કરવામાં આવ્યા છે. ચૂંટણી કમિશનના કામમાં પારદર્શિતા નથી. ચૂંટણી પંચના અધિકારીઓ સત્તાધારી પક્ષના દબાવમાં કામગીરી કરી રહ્યા છે. મહાવિકાસ અઘાડીના નેતાઓ ઇવીએમ મામલે પણ મુખ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવાના છે. આ ઉપરાંત વિરોધપક્ષોએ મહારાષ્ટ્રના ડીજીપી રશ્મી શુક્લાને દૂર કરવાની માંગણી પણ કરી છે.
મહાયુતિમાં ભંગાણના એંધાણ : શિવસેનાએ કહ્યું કે મુખ્યમંત્રી તો અમારા જ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો દૂર છે ત્યારે હજી સુધી મહાયુતિ ગઠબંધનનું ઠેકાણું પડયું નથી. બેઠક વહેચણી બાબતે તો વિવાદ ચાલી જ રહ્યો છે, પરંતુ હવે શિવસેના (એકનાથ શિંદે)ના કેટલાક નેતાઓએ એવી વાત ચાલુ કરી છે કે, ચૂંટણીમાં જો મહાયુતિ સરકારની જીત થાય તો મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે જ જોઈશે. આ મામલે પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ મીટીંગ કરીને એકનાથ શિંદેના નામને સમર્થન પણ આપ્યું હતું. શિવસેના (એકનાથ શિંદે)ની આ માગણીની જાણ થતા જ ભાજપ અને એનસીપી (અજીત પવાર)ના સિનિયર નેતાઓ સમસમી ગયા છે.
ભાજપની ટિકિટ અપાવવાને બહાને ઠગાઈ, કેન્દ્રીય મંત્રીના કુટુંબીઓ સામે એફઆઇઆર
કેન્દ્રીય ય મંત્રી પ્રહલાદ જોષીના ત્રણ કુટુંબીઓ સામે બંગલૂરૂ પોલીસમાં ચીંટીગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રહલાદ જોષીના ભાઈ ગોપાલ જોષીએ લોકસભાની ચૂંટણી વખતે એક મહિલાને ભાજપની ટિકિટ અપાવવાનું વચન આપીને પૈસા પડાવ્યા હતા. બંગલૂરૂના બસવેશ્વર નગર પોલીસ સ્ટેશનમાં ગોપાલ જોષી, એમની બહેન વિજય લક્મીતા જોષી અને પુત્ર અજય જોષી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ કરનાર સુનિતા ચૌહાણનું કહેવું છે કે, ગોપાલ જોષીએ એમને બીજપુર મતવિસ્તારમાંથી ભાજપની ટિકિટ અપાવવાનું વચન આપીને ૨૫ લાખ રૂપિયા લઈ લીધા હતા. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે ફક્ત કર્ણાટક જ નહીં બીજા રાજ્યોમાં પણ ભાજપના ટોચના નેતાઓના કુટુંબીઓએ આ પ્રકારની ઠગાઈ કરી હોવાની શક્યતા છે.
***
વિદેશ ભણવા જવા અગાઉ યુવાનો જાણકારી નથી મેળવતા: ધનખડ
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજસ્થાનના સિકરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમમાં જણાવ્યું કે અનેક યુવાનો શૈક્ષણિક સંસ્થા અથવા દેશનું કોઈપણ આંકલન કર્યા વિના વિદેશ ભણવા જવાનો ઉત્સાહ દાખવી રહ્યા છે.
ધાનકરે જણાવ્યું કે ૨૦૨૪માં લગભગ ૧૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે. આ ટ્રેન્ડને કારણે દેશને છ અબજ અમેરિકી ડોલરની વિદેશી મુદ્રાનો ખર્ચ થયો હતો. આ રકમનો ઉપયોગ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે થઈ શક્યો હોત. વિદ્યાર્થીઓને વિદેશની સ્થિતિ વિશે માહિતગાર કરવાની તેમણે શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી હતી.
ઝારખંડમાં ભાજપ સત્તા પર આવશે તો એનઆરસી લાગુ કરાશે: મરાંડી
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ રાજ્ય પ્રમુખ બાબુલાલ મરાંડીએ રાજ્યમાં ભયજનક વસતીવિષયક પરિવર્તનની ચેતવણી આપી છે. તેમણે વચન આપ્યું છે કે આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય થશે તો એનઆરસી લાગુ કરવામાં આવશે અને રાજ્યમાં બહારથી આવેલાને કાઢી મુકવામાં આવશે. મરાંડીએ જણાવ્યું કે એક સમયે ૪૪ ટકા વસતી ધરાવતા આદિવાસીઓ હવે માત્ર ૨૮ ટકા જેટલા જ રહી ગયા છે જ્યારે મુસ્લિમોની વસતી વધી રહી છે. સ્થાનિક આદિવાસી પ્રજાઓની સંસ્કૃતિ અને વસતીમાં ફેરફાર માટે કારણભૂત બંગલાદેશીઓને રાજ્યમાં વસવાની તેમજ સ્થાનિક વસતી સાથે લગ્ન કરવાની પરવાનગી આપવા માટે ભાજપ હેમંત સોરેનની આગેવાની હેઠળની સરકારની ટીકા કરતું રહ્યું છે. મિરાંડીએ દલીલ કરી કે વસતીવિષયક ફેરફાર ભાજપનો મુદ્દો નથી પણ રાષ્ટ્રીય મુદ્દો છે જેમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ના અમલથી જ સુધારો થઈ શકે છે.
બોમ્બની ધમકીઓના મૂળની તપાસ થશે
ભારતીય એરલાઈન્સને મળેલી બોમ્બની અનેક ધમકીઓ વચ્ચે બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સેક્યુરિટી (બીસીએએસ)ના અધિકારીઓએ શનિવારે દિલ્હીમાં સંસ્થાના મુખ્યાલય ખાતે એરલાઈન્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. મીટિંગમાં વિવિધ એરલાઈન્સને મળેલી બોમ્બની ધમકીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. એરલાઈન્સે બોમ્બની ધમકીને કારણે આ તહેવારની સીઝન દરમ્યાન એરપોર્ટ ખાતે અંધાધૂંધી સર્જાવાનો ભય વ્યક્ત કરાયો હતો. સંસ્થાના ડીજી ઝુલ્ફિકાર હસને તમામ એરલાઈન્સને સુરક્ષા અને સલામતીની ગાઈડલાઈન્સનું સખતપણે પાલન કરવાની તાકીદ કરી હતી તેમજ બોમ્બની ધમકીના મૂળ સુધી જઈને તપાસ કરવાની ખાતરી આપી હતી.
- ઇન્દર સાહની