ચતુર ચિત્રા... 'યોગી'ના નામે એજન્સીઓને ઉલ્લુ બનાવે
- NSE અંધારામાં રહી અને ચિત્રા રામકૃષ્ણને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેમ રમી નાખી
- ચિત્રા યોગી નામનું સાવ કાલ્પનિક પાત્ર ઉભું કરીને એજન્સીઓને ઉલ્લુ બનાવીને ફેરવ્યા કરતી હોય એવું પણ બને. ઘણાં ક્રિમિનલ માઈન્ડેડ લોકો આવા ખેલ કરતાં હોય છે. ચિત્રા શાર્પ માઈન્ડ ધરાવે છે, ટેકનોલોજીની જાણકાર છે એ જોતાં એ ગમે તે કરી શકે.
ભારતમાં સરકારી એજન્સીઓ ઘોડા છૂટયા પછી તબેલાંને તાળાં મારવામાં માને છે. હમણાં એબીજી શિપયાર્ડના કેસમાં એવું થયેલું. એબીજી શિપયાર્ડના અગ્રવાલ કૌભાંડ કરતા હતા ત્યારે ફરિયાદો પર ફરિયાદો મળવા છતાં સીબીઆઈના અધિકારી ઘોરતા રહ્યા, સ્ટેટ બેંક જેવી સરકારી બેંકે ફરિયાદ કરી તો પણ સીબીઆઈના સળવળી ને અગ્રવાલ નૌ દો ગ્યારહ હો ગયે. અગ્રવાલ સહીસલામત વિદેશ પહોંચી ગયા પછી આપણી એજન્સીઓ જાગી. દરોડા પાડવાનાં ને એ બધાં નાટકો શરૂ થયાં પણ વરરાજા જ ભાગી ગયેલો પછી ગમે તેટલાં વાજાં વગાડો તો શું થાય ?
અગ્રવાલના કેસમાં જે કંઈ બનેલું એવું જ ડિટ્ટો ચિત્રા રામકૃષ્ણના કેસમાં થઈ રહ્યું છે. ચિત્રા દેશનાં સૌથી બે મોટાં શેરમાર્કેટમાંથી એક નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નાં ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમ.ડી.) હતાં. એનએસઈને ટેકનોલોજીના પ્લેટફોર્મ પર લાવીને મજબૂત બનાવનારાં ચિત્રાનો પગ કુંડાળમાં પડી ગયેલો ને ૨૦૧૬માં ભ્રષ્ટાચારના કેસમાં ફરિયાદ થયેલી. સેબીએ ચિત્રા સામે તપાસ શરૂ કરી ને હમણાં જાહેર કર્યું કે, ચિત્રા સામેના આક્ષેપોમાં દમ છે. ચિત્રાએ એનએસઈમાં ભારે ભ્રષ્ટાચાર કરેલો એ વાત સાચી છે.
સેબીની તપાસમાં એક વિચિત્ર વાત એ બહાર આવી કે, ચિત્રા ૨૦ વર્ષથી હિમાલયમાં રહેતા કોઈ યોગીની સલાહ પ્રમાણે વર્તતાં હતાં ને બધા નિર્ણયો યોગી કહે એ રીતે જ લેતાં હતાં. યુપીવાળા યોગીનું નામ ઘેર ઘેર જાણીતું છે પણ ચિત્રા જેની સલાહ પ્રમાણે ચાલતાં હતાં એ યોગી કોણ એ સવાલનો જવાબ ચિત્રા પાસે પણ નહોતો કેમ કે ચિત્રા યોગીને કદી મળ્યાં નથી કે જોયા પણ નથી. એનએસઈમાં આનંદ સુબ્રમણ્યમને પાંચ કરોડ રૂપિયાના વાર્ષિક પગારે સીઓઓ બનાવવાનો નિર્ણય પણ ચિત્રાએ યોગીને ઈશારે લીધેલો ને યોગીને એનએસઈને લગતી ઘણી સંવેદનશીલ માહિતી પણ પહોંચાડેલી.
સેબીના આ ધડાકાને પગલે સીબીઆઈ સહિતની એજન્સીઓ હરકતમાં આવી. ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે ચિત્રાનાં ઠેકાણાં પર દરોડા પાડયા ને ચિત્રાની શોધખોળ શરૂ થઈ પણ ચિત્રા પહેલાં જ ગાયબ થઈ ગઈ હતી. બે-ત્રણ દિવસ લગી તેનાં જાણીતાં ઠેકાણાં પર તપાસ કર્યા પછી સીબીઆઈને લાગ્યું કે, આ રીતે ચિત્રા મેડમ હાથ નહીં આવે એટલે છેવટે શુક્રવારે ચિત્રા સામે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડી દીધો. ચિત્રા ઉપરાંત આનંદ સુબ્રમણ્યમ અને રવિ નારાયણ સામે પણ સર્ક્યુલર બહાર પડયા છે કેમ કે ચિત્રાના ગોરખધંધામાં એ બંને પણ ભાગીદાર હતા.
ચિત્રા સામે લૂકઆઉટ સર્ક્યુલર ભારતની એજન્સીઓની નિષ્ફળતાનો નાદાર નમૂનો છે. ચિત્રા ૨૦૧૩માં એનએસઈનાં સીઈઓ બન્યાં અને ૨૦૧૫ સુધી તેમનું એકચક્રી શાસન હતું. ૨૦૧૫માં ચિત્રા સામે એનએસઈમાં થતા સોદાની વિગતો એક કંપનીને વહેલી આપવાનો આક્ષેપ સિંગાપોરની કંપનીએ મૂકેલો. એનએસઈમાં પડતા સોદાના ભાવ થોડીક સેકન્ડ પહેલાં ખબર પડે તો પણ કરોડોની હેરફેર થઈ જતી હોય છે. 'કો-લોકેશન' દ્વારા ચિત્રાએ સર્વરની ગોઠવણ એ રીતે કરી કે પોતાની સાંઠગાંઠ હતી એ કંપનીને ફાયદો થાય. આ અંગે ફરિયાદ થઈ પછી સેબીએ તપાસ શરૂ કરતાં ચિત્રાએ એનએસઈને રામ રામ કરવા પડેલા. એ રીતે ચિત્રા સામેનો કેસ પાંચેક વરસ જૂનો છે પણ ગોકળગાયની ગતિએ તપાસ ચાલતી રહી ને એજન્સીઓ ઉંઘતી રહી તેથી ચિત્રા મેડમ બધું વાળીઝૂડીને સમેટીને ભાગી ગયાં હોવાની શંકા છે. ચિત્રા ક્યાં જતાં રહ્યાં એ અંગે અત્યારે તો સીબીઆઈ ગોથાં ખાઈ રહી છે.
ચિત્રાને માર્ગદર્શન અથવા તો દોરવણી આપતા કહેવાતા હિમાલયના 'યોગી'ના મુદ્દે પણ સીબીઆઈ સહિતની એજન્સીઓ ગોથાં ખાય છે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે. ચિત્રા રામકૃષ્ણે પોતે કબૂલ્યું છે કે, યોગી તેને દરેક બાબતમાં માર્ગદર્શન આપતા હતા ને પોતે મૂંઝાય ત્યારે સલાહ લેતી હતી. ચિત્રા પોતે કદી યોગીને મળી નથી કે તેમને જોયા નથી પણ ઈ-મેલ મારફતે બંને સંપર્કમાં હતાં એવું ચિત્રાનું કહેવું છે. ચિત્રાએ યોગીને મોકલેલા ઈ-મેલ સીબીઆઈ પાસે છે. ઈ-મેલ પર યોગી ચિત્રાને શું સલાહ આપતા હતા તેનાં કેટલાંક સેમ્પલ તો મીડિયામાં ફરતાં પણ થયાં છે. ચિત્રા યોગી સાથે કોડ વર્ડ્સ વાપરીને વાત કરતી હતી એવું આ ભેદી ઈ-મેલ વાંચ્યા પછી લાગે.
આપણે ચિત્રા અને યોગી વચ્ચે ઈ-મેલ પર શું આદાનપ્રદાન થતું તેની કડાકૂટમાં નથી પડતા પણ આ ઈ-મેલ થયા હતા એ તો પાકું છે. ચિત્રા આ ઈ-મેલ કોને મોકલતી હતી એ શોધવું અઘરું નથી.
ચિત્રાના કહેવા પ્રમાણે યોગી હિમાલયમાં રહેતા હતા પણ હિમાલયમાં બેઠાં બેઠાં યોગી ઈ-મેલ જોઈ ના શકે કે જવાબ ના આપી શકે એ નાના છોકરાને સમજાય એવી વાત છે. યોગી ક્યાંકથી તો ઈ-મેલ એક્સેસ કરતા જ હશે. આ ટેકનોલોજીના જમાનામાં યોગીને ટ્રેસ કરવા એ રીતે અઘરા નથી. ટેકનોલોજીના ખાંસાહેબ કહેવાતા લોકો ઈ-મેલ ક્યા સ્થળે ખોલીને જોવાયો એ કહી જ શકે. યોગી ખેલાડી હોય તો તેમણે વધારે કાળજી લીધી હોય તો થોડી વાર લાગે પણ યોગીનો પત્તો શોધવો અઘરો તો નથી જ. ચિત્રા સામેની તપાસ છેક ૨૦૧૮થી ચાલે છે છતાં આપણી એજન્સીઓ એ કામ કેમ કરતી નથી એ મોટો સવાલ છે. સીબીઆઈમાં બેઠેલાં લોકોની આ બધું નહીં કરવાની બુધ્ધિ ના ચાલે એટલા ભોટ એ નથી જ ત્યારે કોઈ તેમને રોકી રહ્યું છે કે શું એ પણ સવાલ છે.
ચિત્રા જે રીતે કદી નહીં જોયેલા યોગીની વાતો કરીને એજન્સીઓને ગોળ ગોળ ફેરવી રહી છે એ જોતાં એ માનસિક રોગી છે કે શું એવી શંકા પણ જાગે. આપણે ઘણા એવા કિસ્સા જોઈએ છીએ કે જેમાં વ્યક્તિ પોતે પોતાની આસપાસ કાલ્પનિક પાત્રોની દુનિયા ઉભી કરીને એ દુનિયામાં જ રચીપચી રહે, કાલ્પનિક દુનિયાને સાચી માનીને વર્ત્યા કરે. યોગીને કોઈએ જોયા નથી ને ચિત્રાની કબૂલાત પ્રમાણે તેણે પોતે પણ યોગીને કદી જોયા નથી, કદી મળી નથી એ જોતાં યોગી ચિત્રાએ ઉભું કરેલું કાલ્પનિક પાત્ર તો નથી ને એવી શંકા પણ જાગે છે. ચિત્રા પોતે જ પોતાને મેલ કરતી હોય ને યોગી બનીને પોતે જ જવાબ આપતી હોય એ પણ શક્ય છે.
એક શક્યતા ચિત્રા પોતે જ મોટી ખેલાડી હોય પણ પોતાની જાળમાં ફસાઈ ગયા પછી બચવા આ નાટકો કરતી હોય એ પણ છે. ચિત્રા યોગી વિશે જે વાતો કરે છે તેના કારણે ઘણાં તેને અંધશ્રધ્ધાળુ માને છે પણ વાસ્તવમાં ચિત્રા કોઈ અંધશ્રધ્ધામાં ના માનતી હોય એવું પણ બને. યોગી નામનું સાવ કાલ્પનિક પાત્ર ઉભું કરીને તેના નામે એજન્સીઓને ઉલ્લુ બનાવીને ફેરવ્યા કરતી હોય એવું પણ બને. ઘણાં ક્રિમિનલ માઈન્ડેડ લોકો આવા ખેલ કરતાં હોય છે. ચિત્રા શાર્પ માઈન્ડ ધરાવે છે, ટેકનોલોજીની જાણકાર છે એ જોતાં એ ગમે તે કરી શકે. ચિત્રા રફૂચક્કર થઈ ગઈ છે ને તેને શોધવા લૂકઆઉટ નોટિસ બહાર પાડવી પડી છે તેનો અર્થ એ જ થાય કે, ચિત્રાને પોતે શું કર્યું છે તેનું ભાન તો છે જ. આજે નહીં તો કાલે, પોતાના ગળા ફરતે ગાળિયો આવશે એવી તેને ખબર હતી જ તેથી એ ગાયબ થઈ ગઈ છે તેના પરથી તેને ઓછી આંકી શકાય તેમ જ નથી.
આ બધા સવાલોના જવાબ ચિત્રા હાથમાં આવે તો મળે ને ચિત્રા ક્યારે હાથમાં આવશે એ ખબર નથી. આપણે ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં બહુ કાચા છીએ. આપણો આ ઈતિહાસ જોતાં ચિત્રા પણ કદી હાથમાં આવશે કે કેમ તેમાં શંકા જ છે. આપણા માટે ચિત્રા અત્યારે એક મિસ્ટરી છે ને આ મિસ્ટરી ક્યારે ઉકેલાશે એ ખબર નથી.
કોંગ્રેસના વગદાર નેતાના ચિત્રા પર ચાર હાથ
ચિત્રા રામકૃષ્ણનાં પોલિટિકલ કનેક્શન્સ બહુ મજબૂત હતાં. ચિત્રાની એનએસઈમાં સીઈઓ તરીકે નિમણૂક થઈ ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કેન્દ્ર સરકારમાં ઘણા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા તમિલનાડુના કોંગ્રેસી રાજકારણી સાથે ચિત્રાને ઘરોબો હોવાનું કહેવાય છે. ચિત્રાને એનએસઈમાં સીઈઓ બનાવવામાં આ રાજકારણીનો હાથ હતો. નાણાં મંત્રાલય પર જોરદાર પકડ ધરાવતા આ કોંગ્રેસી નેતાના ચિત્રા સાથેના સંબંધો એટલા ગાઢ હતા કે, એનએસઈમાંથી કોઈ નાણાં મંત્રાલયમાં જાય તો પણ મુંબઈ બેઠાં બેઠાં ચિત્રાને તેની ખબર પડી જતી હતી. આ નેતા પોતે ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા છે ને જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. ચિત્રા કેટલી મોટી ખેલાડી છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે, એનએસઈમાંથી નિકળવું પડયું ત્યારે તેના લેપટોપનો ઈ-વેસ્ટ તરીકે નિકાલ કરી દેવાયો હતો કે જેથી કોઈ પુરાવા જ ના રહે.