સ્વીડનના લોકો શા માટે સુખી છે ?
- વોલ્વોના દેશની જનતા પૈસા પાછળ નથી દોડતી, સંતુલિત જીવનનો આગ્રહ રાખે છે
- સ્વીડન લાગોમ ફિલોસોફી પર ચાલે છે, જેનો અર્થ થાય છે, થોડું પણ નહીં, ઝાઝું પણ નહીં, માપસર
- પૃથ્વી પર સૌથી સુખી દેશો સ્વિત્ઝર્લેન્ડ, ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડન
પૃથ્વી પર આવેલા કેટલાક દેશો ખરેખર સ્વર્ગ જેવા છે. સ્વિત્ઝર્લેન્ડ, ડેન્માર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડન. કુદરતી રમણીયતા દુનિયાના ઘણા દેશોને મળી છે, મબલક મળી છે પણ માનવીય શાંતિ બહુ ઓછા દેશોમાં છે. ઉપર જે દેશોના નામ લખ્યા તેનો તેમાં પણ સમાવેશ થાય છે. જેટલી શાંત અને સુંદર તેની પ્રકૃત્તિ છે એટલા જ શાંત ત્યાંના લોકો છે. તેમાંના એક સ્વીડનની આજે વાત કરવી છે. સ્વીડન એટલે એરીક્સન, એસકેએફ, સ્વીડીશ મેચ, સેન્ડવીક અને વોલ્વોનો દેશ. સ્વીડન ઉત્તર ધુ્રવ પર આવેલો હોવાથી રાત્રિના સમયે પણ ત્યાં સૂરજ જોવા મળે છે. ૬૩ ટકા સ્વીડનમાં જંગલ આવેલું છે. જગતના સૌથી સ્વચ્છ શહેરોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં કોઈપણ ચીજવસ્તુ પર ૨૫ ટકા વેટ લાગે છે. તેનો પાસપોર્ટ દુનિયામાં સૌથી શક્તિશાળી ગણાય છે. યુરોપના પાંચમા ક્રમના આ સૌથી મોટા દેશમાં મેકડોનાલ્ડની સૌથી વધુ બ્રાન્ચ આવેલી છે. યુરોપમાં સૌથી વધુ પેટન્ટ સ્વીડન પાસે છે. દુનિયામાં સૌથી વધુ દાન પણ સ્વીડનમાં થાય છે, કુલ જીડીપીના એક ટકા.
૧૯૧૩થી ત્યાં લોકશાહી છે. જેમના નામે નોબેલ પ્રાઈઝ મળે છે એ આલ્ફ્રેડ નોબેલ સ્વીડનના રસાયણશાસ્ત્રી હતા. જગપ્રસિદ્ધ પર્યાવરણ ચળવળકાર ગ્રેટા થનબર્ગ પણ સ્વીડનનાં છે. પડોશીઓ સાથે તેના સંબંધ ખૂબ સારા છે, એટલા સારા કે નોર્વે, ફિનલેન્ડ અને ડેન્માર્ક સાથે તેની સરહદ બ્રીજ થકી જોડાયેલી છે. ત્યાં એક લાખ તળાવ આવેલા છે અને ૨૪ હજાર ટાપુ.
જગતની સૌથી મોટી સમસ્યા અત્યારે કચરો છે. સ્વીડન વિવિધ દેશો પાસેથી કચરો મગાવે છે, તેનો રિસાયકલીંગ કરી નિકાસ કરે છે. સ્વીડનના આર્કટિક લેપલેન્ડ પ્રાંતમાં એક એવી હોટલ આવેલી છે જે સંપૂર્ણપણે બરફની બનેલી છે. હોટેલ પીગળી ન જાય એટલા માટે તેનું તાપમાન માઈનસ ચાર ડીગ્રીએ સ્થિર રાખવામાં આવે છે. તેની સરકારે બાળકો પર હાથ ઉપાડવા પર સાલ ૧૯૭૯થી પ્રતિબંધ મૂકેલો છે. તેના પગલે-પગલે અત્યાર સુધી ૩૫ દેશો પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. તેઓ કેકના રસિયા છે. ત્યાં વર્ષે બે કરોડ કેક ખવાય છે.
કૉફીનો પણ એવો જ જબરદસ્ત ચસ્કો. સ્વીડીશ કૉફી ભારતના કાફેમાં પણ લોકપ્રિય પીણું છે. દુનિયામાં યુએસ અને યુકે પછી સૌથી વધારે સ્વીડનનું પોપ મ્યુઝિક વખણાય છે. ઝારા લારસન, સ્વીડીશ હાઉસમાફિયા, એવીસી અને રોબિન એન્ડ એલોસો જેવા કલાકારોના લાખો દીવાના છે. રોકસેટ, એલક્ઝર, એસઓફબેઝ, હેમર ફોલ જેવા બેન્ડઝ પણ ફેમસ છે. જો કે આજે આ વાત નથી કરવી, આ તો માત્ર પૂર્વભૂમિકા છે. આપણે વાત કરવી છે સ્વીડનની એવી વિચારધારાની જેણે સ્વીડીશ જનતાનું જીવન શાંતિ અને ખુશીથી ભરી દીધું છે.
સ્વીડનનો સમાવેશ દુનિયાના સૌથી સુખી દેશોમાં થાય છે. તેનું કારણ છે તેની ફિલોસોફી લાગોમ. લાગોમનો અર્થ થાય છે ઓછું પણ નહીં અને ઝાઝુ પણ નહીં, માપસર. આ વિચારધારા સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. લાગોમ પ્રમાણે દરેક પાસે પૂરતુ હોવું જોઈએ પણ વધારે પડતું નહીં. પૈસા કમાવાના, પૈસા હાથનો મેલ છે એવા ફાંકાં નહીં મારવાના. પરંતુ પૈસા જ બધુ છે એવું પણ માનવાનું નહીં. પૂરતા પૈસા કમાવાના અને સાથોસાથ આરામપ્રદ જીવન જીવવાનું.
સ્વીડનનું ટેક્સ માળખું પણ લાગોમ વિચારધારાને પ્રોત્સાહિત કરે છે. આપણે અગાઉ લખ્યું કે ત્યાં વેટ ૨૫ ટકા છે એ રીતે તેનો ઈન્કમટેક્સ પણ હાઈ છે. જો તમે સ્વીડનમાં રીચ કે સુપરરીચ હો તો તમારે ૫૭ ટકા ઈન્કમ ટેક્સ ભરવો પડે. તમે એક હદ કરતાં વધારે મહેનત કરો તો વધારાના પૈસા સરકારના હાથમાં જતા રહે આથી માફકસરની મહેનત કરો તો ય એટલું જ મળે અને વધારે મહેનત કરો તો ય એટલું જ.
લાગોમ દર્શન શાસ્ત્ર અને સ્વીડીશ અર્થવ્યવસ્થા એકમેકમાં અદ્ભુત રીતે ભળી ગયા છે. લોકોના જીવનમાં પણ તે એટલા જ ઓતપ્રોત થઈ ગયા છે. તેની પરિણતી એ છે કે સ્વીડનના લોકો ક્યારેય ઓવરટાઈમ કરતા નથી. આવક વધારવાને બદલે તેઓ તેમને જે મળ્યું છે તેનાથી જીવનને વધારે સમૃદ્ધ, વધારે સંતુલિત બનાવવામાં માને છે. તેમનો ઉદ્દેશ જીવનને વધારે પ્રોડક્ટિવ બનાવવાનો અને સુખમય બનાવવાનો રહે છે. લોકો અઠવાડિયે ૩૦ કલાક કામ કરે છે. બાકીના સમયમાં જીવનને માણે છે.
સ્વીડનમાં બધા સમાન છે, ઊંચ-નીચની ભાવના નહીંવત્ છે. લોકોના જીવન સાદગીથી ભરેલાં છે. ત્યાં ભાગ્યે જ કોઈ એવું હોય છે જે શો-ઓફ કરે છે. સાદા કપડાં પહેરે, ઘર સાદગીથી ભરેલા હોય અને કાર પણ સાદી હોય. કોઈને બીજા શું કરે છે તેની તમા હોતી નથી. માભો દેખાડવાનો, રોલો પાડવાનો, વટ બતાવવાનો આદિ દુર્ગુણોથી લોકો મુક્ત છે. ગરીબ અને અમીર વચ્ચે બહુ અંતર નથી. બધાનો માઈન્ડસેટ લગભગ એકસરખો છે. તેઓ દ્દઢપણે માને છે બીજાને નીચે દેખાડવાનો પ્રયત્ન ક્યારેય કરવો નહીં.
વધારે પૈસા કમાવા કરતાં તેઓ જીવનને વધારે ગુણવત્તાપ્રદ બનાવવાને મહત્ત્વ આપે છે. લાગોમ શબ્દ મૂળે ભોજન માટે પ્રયોજવામાં આવ્યો હતો. તેનો અર્થ એવો થાય છે કે તમારી પાસે એટલું ભોજન હોવું જોઈએ જેનાથી તમે ભૂખ્યા ન રહો ને એ ભોજન પણ ગુણવત્તાપ્રદ હોવું ઘટે. સમય જતાં આ ફિલોસોફી આહાર પૂરતી સીમિત ન રહીને જીવનના દરેક ક્ષેત્ર સાથે વણાઈ ગઈ. સ્વીડનની એક કહેવત છે, ઈનફ ઈઝ એઝ ગુડ એઝ ફીસ્ટ. જે પૂરતુ છે તે ઉત્સવ બરાબર છે.
લાગોમનો અર્થ થાય છે અમારે સુખી થવા માટે ભૌતિકતાની જરૂર નથી. અમારે સુખી થવા માટે વધારે પડતી મહેનતની જરૂર નથી. અમારે સુખી થવા માટે વધારે પૈસાની જરૂર નથી. (પૈસાની જરૂર છે જ, પણ વધારે પડતાં નહીં.) કોઈએ કહ્યું છે કે ક્યારેય કોઈ વસ્તુ પાછળ એટલા ન દોડો કે તમારી પાસે જે વસ્તુ છે એ ભુલાઈ જાય. જો તમે પોતાની જાતને ખરેખર પૈસાદાર માનતા હો તો તમારી પાસે રહેલી એવી ચીજોનો સરવાળો કરો કે જે પૈસાથી ખરીદાતી નથી. આ ઉક્તિ સ્વીડીશ લોકોના જીવન સાથે બિલકુલ ફીટ બેસે છે.
આજની નવી જોક
છગન (મગનને): ચાલ સર્કસ જોવા.
મગનઃ એકલા ન જવાય. તારા ભાભી અને મારી સાળી બેયને લઈ જવા પડશે.
છગનઃ રિસ્ક છે. બેય સિંહના પિંજરામાં પડે જશે તો કોને બચાવીશ તું?
છગનઃ સિંહને. સિંહની વસ્તી ઓછી છે ભાઈ.
મગનઃ હેં!?
જીકે જંકશન
- દર વર્ષે ૨૨મી ઑક્ટોબરે ઇન્ટરનેશનલ સ્ટટરિંગ અવેરનેસ ડે મનાવવામાં આવે છે. ૧૯૯૮માં આયરલેન્ડમાં પહેલ-વહેલી ઉજવણી કરવામાં આવી હતી. જીભ થોથવાતી હોય, અચકાતી હોય તેવા લોકોને શું તકલીફ પડે છે, તથા તેમની સાથે કેવોક ભેદભાવ કરવામાં આવે છે તેના વિશે જાગૃતિ લાવવામાં આવે છે.
- દક્ષિણ કોરિયાએ તેનું પહેલું સ્વદેશી અંતરિક્ષ રોકેટ નૂરી લોન્ચ કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
- લોહ તથા ખનન ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સરકારે રશિયા સાથે સમજૂતિ કરી છે. વૈશ્વિક પેન્શન સૂચકાંકમાં ભારતે ૪૦મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
- અમેરિકાએ ભારતને કંટ્રી ઑફ કન્સર્નની સૂચિમાં મૂકી દીધું છે. ચીન ઉબેર કપ વિજેતા બન્યું છે. જાપાનના માઉન્ટ એસો જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો.
- ડૉ. અક્ષતા પ્રભુ મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ-૨૦૨૧ ખિતાબ વિજેતા બન્યા છે. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટના રુલ ઑફ લોમાં ભારતે ૭૯મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- બેલ્જિયમે ફિફા રેન્કિંગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દર વર્ષે ૨૧મી ઑક્ટોબરે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ડોનલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે, જેનું નામ છે ટ્રુથ સોશિયલ.
- ભારત, અમેરિકા, ઇઝરાયલ અને યુએઇએ ચતુર્ભુજ આર્થિક મંચ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં ભારતે ૩૧મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- ન્યુ ઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ અમ્પાયર ફ્રેડ ગુડોલનું અવસાન થયું હતું. તાજેતરમાં ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. પ્રતિ વર્ષ ૨૧મી ઑક્ટોબરે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
- દર વર્ષે ૨૦મી ઑક્ટોબરે વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. તાજેતરમાં ગુલઝારની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે. તેનું શીર્ષક છે, એક્ચ્યુલી આઇ મેટ ધેમઃ એ મેમોઇર.
- પાક અવશેષ બાળીને પ્રદૂષણ સર્જનારા દેશોની સૂચિમાં ભારત આખી દુનિયામાં પ્રથમ નંબરનો દેશ પુરવાર થયો છે. ગોવામાં ભારતનો ૫૨મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે.
- આન્ધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી રાશન આપકે દ્વાર યોજના શરૂ થઈ છે. શ્રીલંકાના પ્રથમ ટેસ્ટ કેપ્ટન બંડુલા વર્ણપુરાનું નિધન થયું હતું.
- ઇઝરાયલમાં કોવિડ-૧૯ ડેલ્ટા વેરિયન્ટ એવાય ૪.૨નો પ્રથમ કેસ મળી આવ્યો છે. શાકિબ અલ હસન ટી-૨૦માં સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી બન્યા છે.
- ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર જેમ્સ પેટિનસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્કને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.