Get The App

પાઉલો કોએલોઃ સરળતા અને ગહનતાનો સંગમ

- 40 લાખ નકલ વેચાય અને 80 ભાષામાં પુસ્તકો છપાય એવું સદ્ભાગ્ય જીવતાજીવ તો કોઈ મહાન લેખકને પણ જવલ્લે જ મળે

- ઓમ શાંતિ ઓમ, ઇમર્સન અને આ બ્રાઝિલિયન લેખકને જોડતી કડી કઈ?

Updated: Dec 24th, 2020


Google NewsGoogle News

- તમે જ્યારે નાચો છો ત્યારે હોવાની લક્ઝરી માણો છો, એવું તેઓ કહે છે

પાઉલો કોએલોઃ સરળતા અને ગહનતાનો સંગમ 1 - image

વર્તમાન સમયમાં લેખન ક્ષેત્રે વિશ્વ ફલક પર પ્રસિદ્ધિ મેળવનારા કેટલાક કલમ કસબીઓમાં પાઉલો કોએલોનું નામ અગ્ર હરોળમાં છે. તેમનું નામ પડે એટલે સૌથી પહેલા કંઈ યાદ આવે તો તે ધ એલ્કેમિસ્ટ. કિમિયાગાર. તેમની પહેલી અને સર્વાધિક પોપ્યુલર નવલકથા. લોકપ્રિયતા એવી કે તેમના પુસ્તકોની અત્યાર સુધીમાં ૪૦ લાખ નકલ વેચાઈ ચૂકી છે અને એ પણ૮૦ ભાષામાં. આપણું એક પુસ્તક મરાઠી કે હિંદીમાં અનુદિત થાય ત્યાં તો આપણે ગેટે અભિજ્ઞાાન શાંકુતલ માથા પર મૂકીને નાચ્યો હતો એમ નાચવા લાગીએ છીએ. આ માણસના પુસ્તકો ૮૦ ભાષામાં અનુદિત છે. ધમધોકાર વેચાય છે. ધીસ ઇઝ કોલ્ડ એક્સપ્ટન્સ. અનુવાદ એ એક એવી અગન પરીક્ષા છે જેમાં બહુધા પુસ્તકોની પોલ ખૂલી જાય છે. નરી શબ્દ રમત અનુદિત થાય ત્યારે તેનું બોદાપણું છતું થઈ જાય છે. ૮૦ ભાષામાં પહોંચવા માટે વિચારોની બળકટતા મસ્ટ છે.

તેમની સફળતાની ચાવી છે તેમની ભાષાકીય સરળતા. જીવનના અર્થ વિશે પૂછવામાં આવતા તેઓ કહે છે, હું પણ એટલું જ ઓછું જાણું છું જેટલું બીજા જાણે છે, પણ હું સવાલો પૂછતો રહું છું. આ સવાલો પૂછવાની વાત આવે એટલે આપણને આઇન્સ્ટાઇન અને લાઓત્સુ યાદ આવી જાય. પાઉલો વાત આગળ વધારે છે, લોકોનું મારા લેખન સાથે જોડાવાનું કારણ પણ મારા જવાબો નહીં, મારા સવાલો છે. ભાષાકીય સરળતાની સાથે સાથે વૈચારિક ગહનતા ધરાવતા રત્નાકરમાંથી કેટલીક રત્નકણિકાઓ મમળાવવાના લોભમાંથી છૂટી શકાતું નથી.

- તમે નદીમાં પડવાથી નહીં, પરંતુ તેમાં ગરક થઈ જવાથી ડૂબો છો.

આપણે એવી મહાન  વાત નથી કરવી કે સુખ અને દુઃખ સ્ટેટ ઑફ માઇન્ડ છે. એ વાત સાથે સહમત કે જીવનમાં ઘણી વખત રિયલ દુઃખ આવે છે. તો એ પણ સાચી છે કે હાય મરી ગ્યો, કરીને રડનારા લોકો તેમાંથી બહાર નીકળી શકતા નથી. ડબલ મહેનત કરનારા, આશાવાદ સેવનારા જ ઉગરે છે. ઘણા તો એવા હોય છે કે તેમના જીવનમાં દુઃખ હોય કે ન હોય એ બાબત ગૌણ બની જાય છે. 

તેઓ કાયમ દુઃખી જ હોય. તેમને મળો નિસાસા જ નાખતા હોય. બસ જો દિવસો કાઢીએ છીએ, ખીચડીના થઈ જાય છે, બહુ મંદી છે, આપણા ભાગ્યમાં જ હેરાન થવાનું લખ્યું છે, ઇ આપણું કામ નહીં, મારી સાથે કાયમ અન્યાય થાય છે, મારા નસીબ જ ખરાબ છે, આવા નિરાશાવાદી તકિયા કલામો ફટકારતા રહે છે. તેઓ ૨૪ બાય ૭ રુદાલી હોય છે. તેઓ તો કલ્પનાની નદીમાં જ ડૂબી મરે છે. રિયલમાં આફત આવી પડે ત્યારે હિંમત બતાવવી તો જરૂરી છે જ, કલ્પનાની નદીમાં ડૂબી મરવાથી બચવાની તો સખત જરૂર છે. આવા ચિરંતન દુઃખવાદીઓથી ડિસ્ટન્સ પણ રાખવું હિતાવહ છે, નહીં તો પોતે તો ડૂબે જ, આપણનેય ભેગા લેતા જાય.

- When you want something, all the universe conspires in helping you to achieve it.

ઓમ શાંતિ ઓમનો ડાયલોગ યાદ આવી જા, ઇતની શિદ્દત સે તુજે પાને કી કોશિશ કી હૈ, કિ હર ઝર્રને મુજે તુમસે મિલાને કી સાજીશ કી હૈ. મુખ્યત્ત્વે આ સૂત્ર રાલ્ફ વાલ્ડો ઇમર્સનનું. Once you make a decision, the universe conspires to make it happen.

નિકોલા ટેસ્લાની દૃષ્ટિએ બ્રહ્માંડના દરેક ઓબ્જેકટને ઊર્જા, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન્સમ તરીકે જોવો જોઈએ. આપણું શરીર પણ અણુંઓનું બનેલું છે, જેમાં ઊર્જા રહેલી છે. તેમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ્ઝ છે. આ રીતે સમસ્ત બ્રહ્માંડના અણુંઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણે કોઈ એક્શન લેશું તો ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ્ઝ ઊઠવાના છે અને બ્રહ્માંડમાંથી તેનું રીએક્શન આવવાનું છે. અબ્દુલ કલામ પણ આ વાત કહી ચૂક્યા છે.  તો પછી બૂલંદ ઈરાદા રાખતા કોણ રોકે છે?

મારે કેવી જિંદગી જોઈએ છે એ મને ખબર હોવી જોઈએ. આજે કંઈક બીજું જોઈતું હોય, કાલે કંઈક બીજું એવા અસ્થિરોને જિંદગીમાં કશું મળતું નથી. આ ઉક્તિ તેમણે ધ એલ્કેમિસ્ટમાં લખી છે અને ઇમર્સનના ક્વોટ કરતા વધારે ફેમસ બની ગઈ છે. તેમણે લો ઑફ એટ્રેક્શન એવો શબ્દ પ્રયોગ ક્યારેય નથી કર્યો, પરંતુ તેઓ જાણે-અજાણે હંમેશા લો ઑફ એટ્રેક્શન વિશે જ વાત કરતા રહ્યા છે. 

- જીવનમાં જોખમ લેવું જરૂરી છે. ચમત્કારને આપણે ત્યારે જ પૂર્ણપણે સમજી શકીશું જ્યારે આપણે જીવનમાં અણધારી ઘટનાઓ ઘટવા દઇશું.

આ ક્વોટ તેમના પુસ્તક બાય ધ રીવર પીડ્રા આઇ સેટ ડાઉન એન્ડ વેપ્ટમાંથી મળી આવ્યું છે. મોટા ભાગના માતાપિતા તેમના સંતાનોને બીજું કંઈ વારસામાં આપે કે ન આપે પોતાની અસલામતી જરૂર આપે છે. દરેક માબાપની એવી ઇચ્છા હોય છે કે મારા દીકરા-દીકરીનું ફ્યુચર સીક્યોર હોય. જ્યાં સુધી તમે સાહસ નથી કરતા ત્યાં સુધી તમને અણધારી સફળતા મળતી નથી. સાહસ કરીને નિષ્ફળ જનારા લોકો કરતા પણ મોટી સંખ્યા ક્યારેય સાહસ ન કરીને પોતાની પોટેન્શિયલ બચાવી રાખનારાઓની છે. આ સંખ્યા અનેક ગણી મોટી છે. 

બ્રોની વેરે ટોપ ફાઇવ રીગ્રેટ્સ ઑફ ડાઇંગ નામથી પુસ્તક લખ્યું છે. તેમણે લખ્યું છે, જીવનના સૌથી મોટા અફસોસ માહેનું એક છે, કાશ હું બીજાની અપેક્ષા પ્રમાણે જીવવાને બદલે મારી મરજીની જિંદગી જીવી શક્યો હોત. લોકોને ફિલ્મો સસ્પેન્સ અને થ્રિલર ગમે છે, પણ જીવન સ્ક્રિપ્ટેડ જીવવું છે. કોઈકે ડિક્ટેટ કર્યા અનુસાર જીવવું છે. પછી ઈશ્વરનો વાંક કાઢે છે, ફરિયાદ કરે છે. ઇશ્વર ભલે પરમપિતા છે, પણ એ તમને તમારા માબાપની જેમ સ્પૂન ફીડ નહીં કરે. રજનિકાંતે ગર્વનમેન્ટ જોબ સિક્યોરિટી વિશે વિચારીને ફિલ્મોમાં સાહસ ન કર્યું હોત તો?

- આપણને બધા જ દિવસો સરખા લાગે છે, પણ એવું નથી. દરેક દિવસ જુદો છે. દરેક દિવસ પોતાનો ચમત્કાર લઈને આવે છે. બસ એ ચમત્કાર તરફ જોવાની દેર હોય છે.

ધાર્મિક સીરિયલોએ આપણી આદત બગાડી નાખી છે. આપણને કોઈ મોટી ઘટનાને જ ચમત્કાર માનવા લાગ્યા છીએ. રોજ કંઈક જાદુ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. તેની સામે જીવન શું છે? જીવન નાની-નાની સુખદ ઘટનાઓનો સરવાળો છે. સફળતા નાની-નાની સુખદ ઘટનાઓનો સરવાળો છે. એના પર આપણી નજર જતી નથી એટલે સફળતા હાથવેંત છેટી રહી જાય છે. એક ડાયરી બનાવવી જોઈએ. તેમાં રોજ બનતી નાની-નાની સુખદ ઘટનાઓ લખવી જોઈએ. 

એક મહિના પછી એ ડાયરીનો ઓવરવ્યુ કરશો તો અંદાજ આવશે કે એક મહિનામાં આપણી સાથે ઘણું સારું, ઘણું સુખદ, ઘણું પોઝીટીવ બની ચૂક્યું છે. રોજ મળતી નાની-નાની સુખદ ક્ષણોને ડાયરીમાં ટપકાવવાથી અંદાજ આવશે કે એક મહિનામાં આપણે કેટલા અને કેટલી વખત સુખી થયા. આવડા મોટા બ્રહ્માંડમાં આપણું મનુષ્ય હોવું એ પણ એક ચમત્કાર નથી શું? આ પૃથ્વી પર ખરબો જીવ છે. જડતત્ત્વોની તો કોઈ ગણતરી જ થઈ શકે તેમ નથી. આ ખરબો-ખરબોમાંથી આપણું મનુષ્ય હોવું એ શું મોટો ચમત્કાર નથી? જેની દૃષ્ટિ નથી બદલાતી એની બાજુમાંથી સુખ અને સફળતા પસાર થઈ જાય છે, કિંતુ એના ધ્યાનમાં આવતાં નથી.

- બીજાએ કેમ જીવવું જોઈએ એની બધાને ખબર હોય છે, પણ પોતે કેમ જીવવું એની કોઈને નહીં.

મમ્મીએ આમ જીવવું જોઈએ, સાસુએ આમ કરવું જોઈએ, પપ્પાએ આમ ન કરાય, ભાઈ આમ કેમ કરે છે? આવી ફરિયાદોનો થપ્પો છેક મંગળ સુધી પહોંચી જાય. મારે શું કરવું જોઈએ, હું મારું જીવન કઈ રીતે વધારે સારી રીતે જીવી શકું એની જાણકારીનો સદંતર અભાવ હોય છે. 

સારો ટીકાકાર એ છે જે પોતાની ટીકા વધારે કરે અને બીજાની ઓછી. વિવેચનના માપદંડો સૌથી વધારે કડક જાત પ્રત્યે હોવા જોઈએ જે ક્યારેય હોતા નથી. ફેસબુકે ટીકા વધારે સહેલી બનાવી દીધી છે. ટીકા કરનારે હંમેશા પોતાની જાતને સામેવાળી વ્યક્તિની જગ્યાએ મૂકવીને જોવી જોઈએ. ને એક ટેવ એવી પણ પાડવી જોઈએ કે આપણે જેની ટીકા કરીએ છીએ એનામાંથી કંઈક શીખીએ.

- જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે જે છીએ તેના કરતા બહેતર બનવાની કોશિશ કરીએ છીએ, જ્યારે આપણે વધારે સારા બનવાની કોશિશ કરીએ છીએ ત્યારે આપણી આસપાસનું વિશ્વ પણ વધારે સારું બને છે.

તો દુનિયાને સારી બનાવવાનો ઉકેલ સિમ્પલ છે. દુનિયાને લવ કરો. પાઉલો કોએલોના મતે પ્રેરણા એટલે પ્રેમની ઊર્જા. એનર્જી ઑફ લવ. તેઓ માને છે કે આપણા તમામ સંઘર્ષનો ઉકેલ પ્રેમમાં રહેલો છે. ઓપ્રાહ વિન્ફ્રેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહેલું, જીવન સમાપ્ત થયા પછી ઈશ્વર આપણને પૂછશે, શું તે પૂરતો પ્રેમ કર્યો?

જો જવાબ હા હશે તો સ્વર્ગના દરવાજા ખૂલી જશે. આ પ્રેમ આઇ લવ યુ જેવો સંકુચિત નથી. દરેક વ્યક્તિને, દરેક વસ્તુને, દરેક ક્ષણને ચાહી લેવી જરૂરી છે. પ્રેમ અને કૃતજ્ઞાતા મેજિક પાવર પેદા કરે છે. આપણી આસપાસ ઢંકાયેલું સૌંદર્ય ઊઘડી જાય છે, ને આપણને વીટોળાઈ જાય છે. રોજ ડાયરીમાં ત્રણ એવી વાતો લખવી જોઈએ જેના માટે આપણે આભારી હોઈએ. એક મહિના પછી ઓવરવ્યુ કરતા સમજાશે કે આપણે માનીએ છીએ એના કરતા આપણે વધારે ભાગ્યશાળી છીએ.

અંતે કેટલુંક ફાસ્ટ ફોરવર્ડ

- જ્યાં તમારું દિલ છે ત્યાં જ તમારો ખજાનો છે. તમે તમારા દિલથી ભાગી શકતા નથી. બહેતર છે કે આપણે આપણા દિલને સાંભળીએ.

- કોઈ જાય છે તો સમજી લો, કોઈ આવી રહ્યું છે.

- જે સ્વપ્ન જીવનને રસપ્રદ બનાવી દે તે ફળીભૂત થવાની સંભાવના વધી જાય છે.

- તમે જ્યારે નાચો છો ત્યારે હોવાની લક્ઝરી માણો છો.

આજની નવી જોક

છગન અને લીલી રાતે સૂતા હતા અને અચાનક કડકડ અવાજ શરૂ થઈ ગયો.

લીલી (છગનને): જલ્દી ઊઠો. ઉંદર કપડા કાતરી રહ્યો છે.

છગનઃ ઉંદર કપડા નથી કાતરતો, પણ તે બ્લેન્કેટ ખેંચી લીધું છે એટલે મારા દાંત કકડે છે.

લીલીઃ હેં!?

Network

Google NewsGoogle News