તાલિબાનની ફિલોસોફી .
- અંધેરા કાયમ રહે
- મહિલાઓને ભણવા પર પ્રતિબંધ અને પુરુષ તબીબોને મહિલાની નિદાન-સારવાર કરવા પર પ્રતિબંધ, આનો અર્થ શું સમજવાનો?
- જોનાથન સ્ટીલે ઘોસ્ટ ઑફ અફઘાનિસ્તાન પુસ્તકમાં વર્ષો પહેલા ચીંધી બતાવેલું કે, અમેરિકા આમ અફઘાનીઓને તેમના સાથી બનાવવામાં નિષ્ફળ નીવડયું છે
- એ થાઉઝન્ડ સ્પ્લેન્ડીડ સન્સ નવલકથામાં અફઘાની મહિલાઓની અવદશા વર્ણવવામાં આવી છે
ધર્મ અને આતંકવાદ તદ્દન વિરોધી બાબત છે. ધર્મનો ઉદ્દેશ અંધકારથી ઉજાસ તરફ જવાનો હોય છે, આતંકનો ઉદ્દેશ ઉજાસથી અંધકાર તરફ. શક્તિમાનના પાત્ર તમરાજ ક્લિવિસનું તકિયાકલામ છે, અંધેરા કાયમ રહે. જીવનમાં એક વખત અંધકાર ઊતરી જાય પછી ઝડપથી તે ખસતો નથી. તેને ઉલેચવો ખૂબ અઘરો છે. અફઘાનીઓનું જીવન પણ કંઈક આવું જ છે. તેમના જીવનમાં ચાર-પાંચ દાયકાથી ઊતરેલા ઓળા આથમવાનું નામ લઈ રહ્યા નથી. વચ્ચે અજવાળાના કેટલાક ચમકારા થયા, પણ સરવાળે અંધારા વધુ ઘાટા થયા છે.
તાલિબાને અફઘાનિસ્તાનમાં કેવા-કેવા પ્રતિબંધ મૂકેલા છે તેના પરથી આ અંધકારની તીવ્રતાને વધારે સારી રીતે સમજી શકાશે. મીડિયા પર પ્રતિબંધ, ચિત્રકળા, ફોટોગ્રાફી અને ફિલ્મો પર પ્રતિબંધ, ડફલી સિવાયના સંગીતના સાધનો પર પ્રતિબંધ, મહિલાઓને શાળાએ જવા પર પ્રતિબંધ, પુરુષ ડોકટરને મહિલા દરદીનું નિદાન અને સારવાર કરવા પર પ્રતિબંધ, મહિલાઓએ સ્કૂલે પણ નહીં જવાનું અને પુરુષ ડોકટરે તેની સારવાર નહીં કરવાની આ કેવી વક્રતા? મતલબ મહિલાઓ તો તબીબી સેવાથી વંચિત જ રહે, તેમનું જીવન ઊંટવૈદા પર ચાલે. આવું હોય ત્યારે અફઘાનિસ્તાનમાં બાળમૃત્યુ દર વિશ્વમાં સૌથી ઊંચો હોય તેમાં શી નવાઈ? મહિલાઓએ ઘરના પુરુષ સભ્યને સાથે લીધા વિના બહાર નહીં નીકળવાનું, જો નીકળે તો તેને જાહેરમાં કોરડા પડે અથવા ફાંસીએ ચડાવે.
ધ ઈકોનોમિસ્ટમાં કંદહારના એક રહેવાસી અબ્દુલનો ઈન્ટરવ્યૂ છપાયો છે. તેઓ નિવૃત્ત શિક્ષક છે. કહે છે કે હવે અફઘાનિસ્તાનમાં પુસ્તકો છુપાવી દેવાનો અને બુરખા બહાર કાઢવાનો સમય આવી ગયો છે. છેલ્લાં ૨૦ વર્ષથી કંદહાર અમેરિકાનો મિલિટરી બેઈઝ હતું. આ દરમિયાન અબ્દુલે ચિક્કાર પુસ્તક વાંચ્યાં. તેઓ અકરાંતિયા વાચક છે પણ કમનસીબે કંદહારમાં એક પણ લાયબ્રેરી નથી.
કંદહારમાં કેટલાક વાંચન શોખીનોએ એક બુક કલબ ઊભી કરી છે. તેમની પાસે રહેલા પુસ્તકો તેઓ એકબીજા સાથે શેર કરે છે અને જ્ઞાાન વધારે છે. આ પુસ્તકો અમેરિકી સેનાની કૃપાથી મળેલા હોવાથી મોટા ભાગે વિદેશી લેખકોના હોય છે. ત્રાસવાદથી માંડીને રાજનીતિ સુધી વિવિધ વિષયો પરના હોય છે. અબ્દુલ પાસે અફઘાનિસ્તાનના કવિ અબ્દુલ બારી જહાનીના પુસ્તકો પણ છે. તેમના પુસ્તકો પર તાલિબાને પ્રતિબંધ મૂકેલો છે. અબ્દુલ બારી હાલ અમેરિકામાં આશ્રય મેળવી રહ્યા છે.
જ્યારે તમે પુસ્તકો પર પ્રતિબંધ મૂકી દો ત્યારે, ભણતર પર પ્રતિબંધ મૂકી દો ત્યારે લોકોને અજ્ઞાાનના અંધકારમાં ધકેલી દો છો. તેઓ ઘેટા-બકરા જેવા બની જાય છે. તેમના પર શાસન કરવું સરળ બની જાય છે કિંતુ એ શાસન ક્યારેય શક્તિશાળી બનતું નથી. કારણ કે શાસનની શક્તિ લોકોના જ્ઞાાનવર્ધનમાં રહેલી હોય છે. અમેરિકા આજે દુનિયાની સૌથી મોટી શક્તિ છે તો તેનું સૌથી મોટું કારણ લોકોનું જ્ઞાાન, લોકોનું શિક્ષણ છે.
અફઘાનિસ્તાનમાં તો હવે પુસ્તકો છુપાવવા પડી રહ્યાં છે પણ અન્ય દેશોના કેટલાક પ્રબુદ્ધ લેખકોએ એવા પુસ્તકો લખ્યાં છે જે અફઘાનિસ્તાન અને તાલિબાનના છુપા રહસ્યો ઉજાગર કરે છે. એ પુસ્તકો પર નજર ફેરવવા જેવી છે. સ્ટીવ કોલનું એક પુસ્તક છે, ડિરેકટોરેટ એસ: ધ સીઆઈએ એન્ડ અમેરિકાઝ સિક્રેટ વૉર્સ ઈન અફઘાનિસ્તાન એન્ડ પાકિસ્તાન. આ પુસ્તકમાં ૯/૧૧ના હુમલામાં અલ કાયદા અને તાલિબાન ઉપરાંત પાકિસ્તાનના ગુપ્તચરોની ભૂમિકા વિશે પણ વાત કરવામાં આવી છે. ૨૦૦૧થી ૨૦૧૬ દરમિયાન તાલિબાન અને બિન લાદેનને ખતમ કરવા માટે સીઆઈએએ અફઘાનિસ્તાનમાં કેવા-કેવા કારનામા કર્યા તેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. તાલિબાન અમેરિકાનો જૂનો દોસ્તાર છે, અફઘાનિસ્તાનમાંથી સોવિયેત યુનિયનને હટાવવા તેમણે તાલિબાનની જ મદદ લીધેલી.
ઓસામા બિન લાદેન પણ અમેરિકાનો જૂનો મિત્ર. અમેરિકી દૂતાવાસના કાર્યક્રમમાં તેને અચૂક આમંત્રણ મળતું. આ જ લેખકે ઘોસ્ટ વોર્સ નામનું પુસ્તક લખ્યું છે, જેને પુલિત્ઝાર પ્રાઈઝ મળ્યું છે. તેમાં અફઘાનિસ્તાનમાંથી સોવિયેત દળોને ખદેડવા માટે સીઆઈએના ગુપ્તચરોએ કરેલા કારનામા દર્જ કરવામાં આવ્યા છે. ઘોસ્ટ વૉર્સમાં જણાવાયુ છે કે ઓસામા બિન લાદેન અફઘાન મુજાહિદ્દીઓને ફંડ મેળવવામાં મદદ કરતો હતો. ત્યાર બાદ ૧૯૮૮માં તેણે અલ કાયદાની સ્થાપના કરી.
માઈક માર્ટિનનું પુસ્તક છે, એન ઈન્ટીમેટ વૉર: એન ઓરલ હિસ્ટ્રી ઑફ હેલમન્ડ કોન્ફ્લિક્ટ, ૧૯૭૮-૨૦૧૨. માઈક પોતે બ્રિટિશ આર્મીના અધિકારી હતા અને એક સૈનિક તરીકે અફઘાનિસ્તાનની ધરતી પર લડયા હતા. તેમણે ઈતિહાસના દસ્તાવેજીકરણના ઉદ્દેશથી દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમન્ડ પ્રાંતના સંઘર્ષની કથા આ પુસ્તકમાં આલેખી છે. આમાં હેલમન્ડ પ્રાંતના ૩૪ વર્ષના સંઘર્ષને ત્યાંના લોકોના શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. લેખકે કિંગ્સ કોલેજ લંડન ખાતેથી વોર્સ સ્ટડીઝ પર પીએચ.ડી. કરેલું છે. તેમનું એક બીજું પુસ્તક પણ છે, બ્રીફ હીસ્ટ્રી ઓફ હેલમન્ડ. આ પુસ્તક હેલમન્ડમાં તૈનાત થતાં બ્રિટિશ સૈનિકો માટે વાંચવું ફરજિયાત હતું. આ પુસ્તકમાં જે હેલમન્ડ દર્શાવવામાં આવ્યું છે તે મીડિયાની માન્યતા કરતાં અલગ છે. લેખકે સૈનિક હોવા છતાં નિર્ભિકપણે લખ્યું છે કે બહારથી આવેલા લોકોએ હેલમન્ડ વિશે ગેરસમજ ઊભી કરી ત્યાં હિંસા વધારવાનું કામ કર્યું છે.
બ્રિટિશ પત્રકાર જોનાથન સ્ટીલે ઘોસ્ટ ઓફ અફઘાનિસ્તાન: ધ હોન્ટેડ બેટલ ગ્રાઉન્ડ નામનું પુસ્તક લખ્યું છે. અત્યારે જે અંધકારમય ચિત્ર જોઈ રહ્યા છીએ તેનો આ લેખકે વર્ષો પહેલાં આગાહી કરી દીધી હતી. તેમણે લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ દળના સૈનિકો અફઘાન લોકોને પોતાના સાથી બનાવવામાં નિષ્ફળ નીવડયા છે.
અમેરિકા અને પશ્ચિમી દેશોના સૈનિકો અફઘાનીઓને પોતાના મિત્ર બનાવીને ચાલ્યા હોત તો આ રીતે તાલિબાનનું પુનરાગમન થાત નહીં. અમેરિકાના સૈનિકો અને આમ અફઘાનીઓ વચ્ચે મોટા ભાગે વેરભાવનું જ વાતાવરણ રહ્યું. તેનો પૂરેપૂરો ફાયદો તાલિબાને ઉઠાવ્યો. તેમાં અફઘાનિસ્તાનનો ઈતિહાસ પણ છે અને સામાન્ય અફઘાનીથી માંડીને અફઘાનિસ્તાનના પૂર્વપ્રમુખો, તાલિબાન નેતા સુધી ઘણાં બધાનાં ઈન્ટરવ્યૂ છે.
વેસ્લી મોર્ગનનું પુસ્તક છે, ધ હાર્ડેસ્ટ પ્લેસ: ધ અમેરિકન મિલિટરી એડ્રિફ્ટ ઈન અફઘાનિસ્તાન્સ પેચ વેલી. આ પુસ્તકમાં લેખકે પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલી પેચ વેલીમાં અમેરિકી સૈન્યની પ્રવૃત્તિ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકન સેનાના ટોચના અધિકારીઓમાં રહેલા ઉત્તરદાયિત્વના અભાવ તથા ભૂલમાંથી ન શીખવાના વલણ વિશે વાત કરવામાં આવી છે.
પેચ વેલીના કરાડ ચઢાણો અને ગાઢ જંગલો છુપાવવાના પ્રાકૃતિક સ્થળો ઊભા કરે છે. આ વિસ્તાર ઓસામા બિન લાદેનથી લઈને ઇસ્લામિક સ્ટેટ્સ સુધીનાનો અડ્ડો રહી ચૂક્યો છે. ડ્રોન હુમલા કઈ રીતે કરવા? આઘે રહીને કેમ લડવું? તેનો સૌ પ્રથમ પ્રેક્ટિકલ અનુભવ અમેરિકન સૈનિકોએ અહીં મેળવ્યો છે.
એન્ટોનિયો ગીર્સ્ટોઝનું પુસ્તક છે, ધ તાલિબાન એટ વોર : ૨૦૦૧-૨૦૧૮. લેખકે ૨૦ વર્ષ સુધી તાલિબાનનો અભ્યાસ કર્યા પછી આ પુસ્તક લખ્યું છે. તેમણે આ માટે અનેક આતંકીઓના ઈન્ટરવ્યૂ પણ કર્યા છે. તાલિબાનો કઈ રીતે યુદ્ધ કરે છે? ક્યાંથી તેનું ફંડ આવે છે? તેની આંતરિક રાજનીતિ શું છે? સમય સાથે તેની કાર્યશૈલીમાં શું પરિવર્તન આવ્યું છે? તેની વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવી છે.
વિલિયમ ડેલરીંગ નામના સ્કોટિશ વિદ્વાને લખેલા પુસ્તકનું શીર્ષક છે, ધ રીટર્ન ઓફ એ કિંગ: ધ બેટલ ફોર ધ અફઘાનિસ્તાન, ૧૮૩૯-૧૮૪૨. શ્રીમાન ડર્લીમ્પન બ્રિટનના ઈતિહાસકાર છે. તેમણે આ પુસ્તકમાં અફઘાનિસ્તાનનો ૧૯મી સદીનો ઈતિહાસ આલેખ્યો છે. તેમાં પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધની વાત કરવામાં આવી છે. પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધમાં બ્રિટન તરફથી ભારતીય સૈનિકો પણ લડેલા, અને શહીદ થયેલા.
ખાલિદ હુસેનીની એક અદ્ભુત નવલકથા છે, અ થાઉઝન્ડ સ્પ્લેન્ડીડ સન્સ. ખાલિદ હુસેની અફઘાનિસ્તાનના પ્રતિભાવંત લેખક છે. તેમની આ નવલકથામાં મરિયમ અને લૈલા નામની બે મહિલાઓની વાત કરવામાં આવી છે. જેમ-જેમ વાર્તા આગળ વધતી જાય છે તેમ અફઘાનિસ્તાનની ક્રૂર પિતૃ સરકાર, બળજબરીપૂર્વકના લગ્નો, આઝાદીની ચળવળમાં મહિલાઓ પરના નિયંત્રણ, મહિલાઓને શિક્ષણ અને વ્યવસાય પર પ્રતિબંધ, મહિલાઓની હોસ્પિટલ બંધ કરી દેવી, રોજબરોજની પજવણી, અપમાન અને માર જેવી બદીઓ ખુલ્લી પડતી જાય છે. આ પુસ્તકમાં અફઘાનિ મહિલાઓનું એટલું સાચું અને એટલું હૃદયદ્રાવક ચિત્રણ કરવામાં આવ્યું છે કે કાચા-પોચા હૃદયના લોકો તે વાંચી શકે નહીં.
કારલોટા ગેલનું પુસ્તક છે, ધ રોંગ એનીમી: અમેરિકા ઈન અફઘાનિસ્તાન, ૨૦૦૧-૨૦૧૪. કારલોટાએ વર્ષો સુધી ધ ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકાર તરીકે કામ કર્યું છે. તેણે લખ્યું છે, કે તાલિબાન ક્યારનું ય ખતમ થઈ હોત, પાકિસ્તાની સેનાની કૃપાને કારણે બચી ગયું છે.
અમેરિકાએ સૌથી મોટી ભૂલ એ કરી કે અફઘાનિસ્તાનમાં લડતું રહ્યું અને પાકિસ્તાનમાં અમેરિકાના શત્રુઓને ચીકન ખવડાવીને અમેરિકાના શત્રુઓને પુષ્ટ કરી રહેલા પાકિસ્તાનની ઉપેક્ષા કરતું રહ્યું. અમેરિકાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર એક સરખો મારો ચલાવ્યો હોત તો હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે એ થાત નહીં.
આજની નવી જોક
ડૉક્ટર: કયું ગ્રુપ છે તારું?
લલ્લુ: નાઇટ આઉલ્સ.
ડૉક્ટર: વોટ્સએપ ગ્રુપ નહીં, બ્લડ ગ્રુપ પૂછું છું.
લલ્લુ: બી પોઝિટીવ.