તાલિબાનઃ અમેરિકાની કૃપાથી ઊભું થયેલું સંગઠન
- 80ના દશકમાં અફઘાનિસ્તાનને ધમરોળનારા સોવિયેત યુનિયનના સૈનિકોની ફાઇલ તસવીર
- અફઘાની નેતા અફઅહેમદ શાહ મસૂદે સાલ 2001માં યુરોપની સંસદને સંબોધન કરતી વખતે અમેરિકા પર મોટા હુમલાની ચેતવણી આપેલી
- અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયેલું રશિયા બલુચિસ્તાન પર હુમલો કરશે એવા ભયથી પાકે 1979માં યુએસની મદદ લઈ અફઘાન મુજાહિદ્દીન નામનું એક સંગઠન રચેલું, તે તાલિબાનનું મૂળ
આ દુનિયા સ્ક્વૉશની રમત જેવી છે. તમે ફટકારેલો બોલ ક્યારેક ને ક્યારેક તમારી સામે આવે છે. જેટલો જોરથી ફટકો મારો એટલો વધુ ઝડપથી બોલ તમારી તરફ ધસી આવે છે. અમેરિકાએ પોતે જ શસ્ત્રો અને ડોલર આપીને તાલિબાન સંગઠન ઊભું કરેલું અને એ તાલિબાન સંગઠને અલકાયદાના ત્રાસવાદી કેમ્પો ઊભા કર્યા, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાનું કારણ બન્યા. અમેરિકાએ કરેલી સખાવત કેટલી પ્રબળ હશે કે એ પછી ૨૦ વર્ષ સુધી તેણે તાલિબાનને ખતમ કરવા લોહી, શસ્ત્રો અને ડોલર વહાવ્યા, પણ આ સંગઠન ખતમ થવાનું નામ લઈ રહ્યું નથી. જેવા અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભર્યા કે તેણે પુનરાગમન કર્યું છે. માત્ર પુનરાગમન નથી કર્યું, સીધી સત્તા કબજે કરી લીધી છે. યુએસના હાથના કર્યા હૈયે વાગ્યા છે. તેણે દૂધ પાઈને ઉછેરેલો સાપ એટલો મહાકાય થઈ ગયો છે કે તેને મારવામાં તે સદંતર નીષ્ફળ નીવડયું છે. વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના સંકેતને સમજી લેવા માટે તાલિબાનના ઈતિહાસને જાણી લેવો અનિવાર્ય છે.
* તાલિબ પશ્તુન શબ્દ છે. તાલિબ એટલે વિદ્યાર્થી. ફારસી ભાષામાં બહુવચન દર્શાવવા માટે તે શબ્દની પાછળ - આન - જોડવામાં આવે છે. જેમ કે સાહિબ તો સાહિબાન... એવીરીતે તાલિબનું તાલિબાન થયું. આ સંગઠન પાકિસ્તાનની સેના, આઇએસઆઈ અને પશ્તુનના બળવાખોરોએ મળીને રચ્યું. જ્યારે રચના થઈ ત્યારે તેમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી. વિદ્યાર્થી એટલે તાલિબ. તેના પરથી જ આ સંગઠનનું નામ પડયું, તાલિબાન. અફઘાનિસ્તાનમાં આ સંગઠનને ગોરો-એ-તાલિબાન એટલે કે ગુ્રપ ઑફ તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે.
* ૧૯૭૯માં સોવિયેત યુનિયને (રશિયાએ) અફઘાનિસ્તાન કબજે કરી લેતા ઇસ્લામિક મુજાહિદ્દીન નામના એક સંગઠને બળવો કર્યો. તેઓ રશિયન સૈનિકો સામે યુદ્ધે ચડયા. સોવિયેત યુનિયનની શક્તિ જોઈને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મોહમ્મદ ઝિયા ઉલ હકને ફાળ પડી કે તે બલુચિસ્તાન પર હુમલો કરશે. આથી તેણે પહેલા સાઉદી અરેબિયાનો સંપર્ક સાધ્યો અને ત્યાર પછી અમેરિકાનો. પરિણામ એ આવ્યું કે સીઆઈએ, સાઉદી અરેબિયન જરનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (જીઆઈડી) અને આઈએસઆઈએ અફઘાન મુજાહિદ્દીનોને રશિયા સામે લડવા માટે તાલિમ, પૈસા, શસ્ત્રો બધું જ આપવાનું શરૂ કર્યું. તાલિબાનનો મુખ્ય વડો મોહમ્મદ ઉમર સહિત ૮૦,૦૦૦ અફઘાનોને આઈએસઆઈએ તાલિમ આપી.
* અફઘાનિસ્તાનના ઈતિહાસમાં ૧૯૯૨નું વર્ષ બહુ મહત્ત્વનું સાબિત થયું. અત્યારે જેમ અમેરિકા સમર્થિત સરકાર ઊડી ગઈ તેમ ૧૯૯૨માં રશિયા સમર્થિત મોહમ્મદ નજિબુલ્લાહની સરકાર ધરાશાયી થઈ ગઈ. વિવિધ રાજકીય પક્ષો સત્તા માટે ખેંચતાણ કરવા માંડયા. અફઘાન મુજાહિદ્દીનમાંથી કેટલાય બીજા સંગઠનો બની ગયા. તેઓ પણ પોતાની રીતે સત્તા માટે હિંસક લડત ચલાવતા હતા. સોવિયેત યુનિયન પોતે વિઘટિત થઈ ગયું હોવાથી અહીં તે કશુું નિયંત્રિત કરવા સમર્થ નહોતું. એવામાં મોહમ્મદ ઉમરે ભ્રષ્ટ શાસનનો અંત આણી શુદ્ધ ઇસ્લામિક સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે તાલિબાન નામના સંગઠનની સ્થાપના કરી.
* મુલ્લા મોહમ્મદ ઉમરે સપ્ટેમ્બર ૧૯૯૪માં કંદહારમાં ૫૦ વિદ્યાર્થીઓને જોડીને જે સંગઠન રચ્યું તે તાલિબાન. તેનો ઉદ્દેશ સામ્યવાદી શાસનનો અંત લાવીને ઇસ્લામિક કાયદા પ્રમાણેનું શાસન લાગુ કરવાનો હતો. થોડા જ મહિનાઓમાં આ સંગઠનમાં ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા. તેઓ રિયલ સેન્સમાં વિદ્યાર્થી જ હતા એટલે અહીં વિદ્યાર્થી લખ્યું છે. મોટા ભાગના વિદ્યાર્થી પાકિસ્તાનની મદ્રેસા જમાઇત-ઉલેમા-એ- ઇસ્લામમાં ભણેલા હતા. કંઈક જુદું શીખવા આવ્યા હતા અને હવે કંઈક જુદું કરવા લાગ્યા હતા.
* અમેરિકા, રશિયા અને સામ્યવાદને દુશ્મન માનતું હોવાથી તેણે લાંબું વિચાર્યા વિના તાલિબાનનો સાથ આપવાનું શરૂ કરી દીધું. અમેરિકાએ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનું માનસ ઉશ્કેરવા મિલિટન્ટ ઇસ્લામિક ટીચિંગના પાઠયપુસ્તકો છપાવીને મોકલ્યા. પુસ્તકોમાં શસ્ત્રોના તથા સૈનિકોના ફોટા હતા. તેનો ઉદ્દેશ અફઘાની વિદ્યાર્થીઓના મગજમાં વિદેશી આક્રમણખોરો પ્રત્યે જેર પેદા કરવાનો હતો. ત્યારે અમેરિકાને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં તેમના જ સૈનિકો આ ધરા ધમરોળશે અને ત્યારે અમેરિકાના એ ચોપડા વાંચીને મોટા થયેલા ત્યાંના લોકો અમેરિકનો (વિદેશી આક્રમણખોરો) વિરુદ્ધ જેર ભરીને બેઠા હશે.
* પાકિસ્તાને ૧૯૮૦માં અફઘાન મુજાહિદ્દીનને મદદ કરી હતી તેમ તાલિબાનની સ્થાપનામાં પણ ભરપૂર મદદ કરી. હવે તેની ગણતરી જુદી હતી. રશિયા બલુચિસ્તાન પર હુમલો કરશે એવો તેનો ભય તો ક્યારનો ઓસરી ગયો હતો. તેને હવે એવી ઇચ્છા હતી કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની કઠપૂતળી સરકાર બને. જેવી રીતે ઈરાન અત્યારે ઈરાકની રાજનીતિને નિયંત્રિત કરવાના મનસૂબા રાખે છે એમ. પાકિસ્તાનની ગણતરી ઊંધી પડી. તાલિબાન સંગઠન જોતજોતામાં તેમની કલ્પના બહાર મોટું થઈ ગયું અને તે કઠપૂતળી બનવાને બદલે આપખુદ બની ગયું. જોકે પાકિસ્તાન તે પછી પણ તેની સેવામાં સદૈવ તત્પર રહ્યું.
* સપ્ટેમ્બર ૧૯૯૪માં તાલિબાને કંદહાર શહેર જીતીને બધાને ચકિત કરી દીધા. ચાર જાન્યુઆરી ૧૯૯૫માં તેમણે અફઘાનિસ્તાનના ૧૨ પ્રાન્ત કબજાવી લીધા. તાલિબાનને આટલા પ્રાન્તો કબજે કરવામાં ઝાઝું લોહી વહાવવું પડયું નહોતું. તેના બે કારણ હતા. ૧) તેમના સંગઠનમાં મોટા ભાગના કમાન્ડરો નાના-નાના બળવાખોર સંગઠનોમાંથી આવેલા હતા. એટલે અનુભવી હતા. મદ્રેસાના શિક્ષકો પણ તેમાં જોડાઈ ગયેલા. એટલે જ્યાં જરૂર પડે ત્યાં બળને બદલે કળથી, સમજાવટથી પણ કામ લેતા હતા. ૨) ત્યારે તેમની છાપ મસીહા જેવી હતી. અફઘાનિસ્તાનના લોકોને એમ હતું કે દેવદૂતો આવી રહ્યા છે. આથી તેઓ વિરોધ કરવાને બદલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા હતા. આઈએસઆઈએસનું પણ ઇરાકના ઘણા બધા પ્રોન્તોમાં આમ જનતાએ હાર્દિક સ્વાગત કર્યું હતું એવું જ કંઈક અહીં પણ બનેલું.
* ત્યારે તાલિબાન ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હતા, અરાજકતા સામે લડીને લોકોને સલામતી પૂરી પાડી રહ્યા હતા. સડકો અને વિસ્તારોનો સલામતી પૂરી પાડી રહ્યા હતા. ૧૯૯૫માં તેમની છાપ બગડી અથવા વાંચો કે તેમનો અસલી ચહેરો પ્રગટ થયો. ૧૯૯૫માં તાલિબાને કાબૂલની કૂચ કરી, પરંતુ ત્યાં અહેમદ શાહ મસૂદની સેનાના હાથે હારવું પડયું. હાર સહન ન થતા પાછા ફરતી વખતે તાલિબાને શહેર પર બોમ્બમારો કર્યો. પબ્લિકને સમજમાં આવી ગયું કે આ કોઈ મસીહા નથી. એક અન્ય સત્તા ભૂખ્યું બળવાખોર સંગઠન છે.
* અફઘાનિસ્તાનની આમ જનતા ન તો તાલિબાનને ઇચ્છે છે ન પાકિસ્તાનને પ્રેમ કરે છે તેનો એક પુરાવો આ કિસ્સાથી મળે છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૯૫ના તાલિબાને હેરત શહેર કબજે કર્યું. અફઘાનિસ્તાનની તત્કાલીન સરકારે જાહેર કર્યું કે પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યું છે. આ વિશે જાણ થયાની થોડી જ વારમાં અફઘાનિસ્તાનની આમ જનતાએ કાબૂલ ખાતે આવેલા પાકિસ્તાની દુતાવાસ પર હલ્લાબોલ કર્યો.
* ૨૬મી સપ્ટેમ્બર ૧૯૯૬ના દિવસે તાલિબાને ફરીથી કાબૂલ પર હુમલો કર્યો. આ વખતે મસૂદની સેના ન ટકી શકી. ૨૭મી સપ્ટેમ્બરે તાલિબાને કાબૂલ કબજે કરી લીધું અને ઇસ્લામિક અમિરાત ઑફ અફઘાનિસ્તાનની સ્થાપના કરી. આવતાની સાથે તેમણે શરિયા કાનૂન લાગુ કરી દીધો. ૧૯૯૮ સુધીમાં તેમણે ૯૦ ટકા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો.
* અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવી ત્યારે પણ તે આટલું જ તબાહ હતું જેટલું અત્યારે છે. કેમ કે ત્યાં દાયકાઓથી હિંસા ચાલુ જ હતી. પીવા માટે પાણીની તંગી હતી, વીજળી નહોતી, રોડ રસ્તા નહોતા, ટેલિફોન નહોતા, પેટ્રોલ-ડીઝલની અછત હતી. ખાવા ધાન નહોતું. રહેવા ઘર નહોતું. બાળ મૃત્યુદર આખા વિશ્વમાં સૌથી ઊંચો હતો. ૨૫ ટકા બાળકો પાંચ વર્ષના થાય એ પહેલા જ મરી જતા હતા. ૧૯૯૮માં ૯૮,૦૦૦ ઘરમાં માત્ર વિધવાઓ બચી હતી. આજની સ્થિતિ શું હશે તેની ફક્ત કલ્પના કરવી રહી.
* ૧૯૯૪થી ૧૯૯૯ વચ્ચે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાએ ૧,૦૦,૦૦૦ તાલિબાન ત્રાસવાદીઓને તાલિમ આપેલી. પાકિસ્તાની સેના અને આઈએસઆઈના અનેક અધિકારીઓ પોતે સ્વયં અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત રહીને મોરચા પર કે પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતા હતા. અમેરિકા અહીં સુધી ઘસઘસાટ ઊંઘતું હતું. ૨૦૦૧ પછી સફાળું જાગ્યું.
* પરવેઝ મુશર્રફે તાલિબાન સાથે મળીને અહેમદ મસુદની સેના સામે લડવા માટે હજારો પાકિસ્તાની સૈનિકોને અફઘાનિસ્તાન મોકલ્યા હતા. ૨૦૦૧માં અફઘાનિસ્તાનની ધરતી પર ૩૦,૦૦૦ પાકિસ્તાની, ૧૫,૦૦૦ અફઘાની અને ૩,૦૦૦ અલકાયદા ત્રાસવાદી આતંક મચાવી રહ્યા હતા. તેમાંથી એક ઓસામા બિન લાદેન હતો. એ પાકિસ્તાની પાછા સૈનિકો નહોતા, આમ જનતામાંથી આવેલા મૂર્ખ છોકરા હતા. આઈએસઆઈએ ગુપ્ત રીતે ભરતી કરેલા આતંકીઓ હતા.
* એક ગુપ્ત દસ્તાવેજમાંથી મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં સામાન્ય માતાપિતાઓને ખબર પણ ન હોય કે તેના છોકરાઓને આઈએસઆઈએ ત્રાસવાદી સંગઠનમાં ભરતી કર્યા છે. જ્યારે તેની લાશ પાછી આવે ત્યાર જાણ થાય. અમેરિકાના વિદેશ વિભાગના દાવા પ્રમાણે તાલિબાન સંગઠનમાં ૨૦થી ૪૦ ટકા ત્રાસવાદીઓ પાકિસ્તાની રહેતા.
* બ્રિટનની ગુપ્તચર એજન્સી એમઆઈ૬એ સાલ ૨૦૦૦માં ચેતવણી આપી હતી કે, પાકિસ્તાન અલકાયદાના આતંકવાદીઓને તાલિમ આપી રહ્યું છે. તાલિબાનના અફઘાનિસ્તાનની અંદર અલકાયદા પણ એક સ્ટેટ સરીખું બની ગયું હતું. પાકિસ્તાન અને તાલિબાનના પ્રોત્સાહન હેઠળ જ તેનો વિકાસ અને ઉછેર થઈ રહ્યાં હતાં. સાલ ૨૦૦૦માં પાકિસ્તાનની ભૂમિકા વિશે હ્યુમન રાઇટ્સ વૉચે કડક ભાષામાં ચેતવણી ઉચ્ચારેલી.
* સાલ ૨૦૦૧માં અહેમદ શાહ મસૂદે બ્રસેલ્સમાં યુરોપિયન સંસદને સંબોધન કર્યું. તેમાં તેમણે કહ્યું, તાલિબાન અને અલકાયદાએ ઇસ્લામનું બહુ ખોટું અર્થઘટન કરી નાખ્યું છે. તાલિબાન પાકિસ્તાન અને બિન લાદેનના સપોર્ટ વિના એક વર્ષ પણ અફઘાનિસ્તાનમાં ટકી શકે નહીં. તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી કે અમેરિકાની ધરતી પર બહુ મોટા હુમલાનું આયોજન થઈ રહ્યું છે. યુરોપિયન સંસદના પ્રમુખ નિકોલ ફ્રન્ટેઇને મસૂદને અફઘાનિસ્તાનમાં ઉદાર મતવાદનો ધુ્રવ તારક ગણાવ્યા હતા. નવમી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ એક ત્રાસવાદી હુમલામાં મસુદનું મોત થયું. આ હુમલો ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકામાં થયેલા હુમલાની પૂર્વતૈયારીના ભાગ રૂપ હતો.
આજની નવી જોક
છગન (મગનને): શું કરે છે?
મગનઃ સ્ત્રીદાક્ષિણ્ય દાખવી રહ્યો છું.
છગનઃ એટલે?
મગનઃ ફેસબુક પર બધી જ મહિલાઓની ફોટો લાઇક કરી રહ્યો છું.
છગનઃ હેં!?