Get The App

સ્પેસ યુગઃ હવે પગ જમીન પર નહીં રહે

Updated: Aug 14th, 2021


Google NewsGoogle News
સ્પેસ યુગઃ હવે પગ જમીન પર નહીં રહે 1 - image


- નાસા મંગળ પરના  વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે

- રશિયાએ ધરતી પર જ નિશ્ચિત જગ્યામાં મંગળ જેવું વાતાવરણ રચી કરેલા પ્રયોગમાં મળેલી નિષ્ફળતા લેસન રૂપ બની

- એક સમયે પૃથ્વી ખેડવી પણ મુશ્કેલ હતી અને હવે અવકાશી મિશનોની લાઇન લાગી છે

એક સમયે વિશ્વ પ્રવાસ એ એક અજાયબ ઘટના હતી. મેગાસ્થનીસ, યુ એન સંગ, માર્કો પોલો અને ઇબ્ને બતુતા જેવા પ્રવાસીઓ અડધું જીવન વિવિધ દેશોના પ્રવાસમાં વિતાવી દેતાં અને તેનું પ્રવાસ વર્ણન લખતા. એ વર્ણન બાકીની દુનિયા માટે કોઈ મહાન શોધ જેવું બની રહેતું, કારણ કે ત્યારે વાહન વ્યવહારના સાધનો ટાંચા હતા. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવું ખૂબ કપરું હતું, જીવનું જોખમ રહેતું. કોમ્યુનિકેશનની ક્રાંતિ પછી પૃથ્વીનો એક ઈંચ ધમરોળવાનો બાકી રહ્યો નથી ત્યારે હવે માણસને અવકાશ ધમરોળવામાં રૂચિ જાગી છે.  ચંદ્ર અભિયાન, મંગળ  અભિયાન અને સ્પેસ ટૂરના કાર્યક્રમો વધતા જાય છે.

કેટ-કેટલું ઘટી ચૂક્યું છે અને ઘટી રહ્યું છે. ભારતના ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધી કાઢયું, આપણે માર્સઓરબીટ મિશન પણ મોકલ્યું, ચીનનું યાન ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બાજુ પર ઊતર્યું. નાસા મંગળ પરના  વિશાળ ખાડાઓમાં ખાખાખોળા કરે તેવો બિલકુલ માણસ જેવો રોબોટ તૈયાર કરી રહી છે. ચંદ્ર અભિયાન પછી હવે મંગળમાં વિવિધ દેશોને વધારે રૂચિ જાગી છે. એપ્રિલ માસમાં  પહેલી વખત પૃથ્વી સિવાયના કોઈ ગ્રહ પર હેલિકોપ્ટર ઊડયું. નાસાએ મંગળના આકાશમાં  ઈનજેન્યુઈટી નામનું રોબોટ હેલિકોપ્ટર ઉડાવ્યું.  વિજ્ઞાાનીઓએ કહ્યું કે આ ઉપલબ્ધિ અન્ય ગ્રહો પર સાધનોના ઉપયોગનો માર્ગ ખોલી શકે છે.  આ અન્ય ગ્રહ એટલે શુક્ર, શનિનો ઉપગ્રહ ટાઈટન.

યુ.એ.ઈ.એ મંગળ પર અલઅમલ અભિ-યાન મોકલ્યું છે. અલઅમલનો અર્થ થાય છે,  ઉમ્મીદ. યુ.એ.ઈ. મંગળ મિશન હાથ ધરનારો પહેલો આરબ દેશ બન્યો છે. નાસાએ મોકલેલા પરસીવરન્સ રોવરે મંગળના વાતાવરણમાં ઉપલબ્ધ કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજનમાં રૂપાંતર કરવામાં સફળતા મળી છે. તમે જુઓ, કેટલી મોટી મોટી સિદ્ધિઓ મેળવવામાં આવી રહી છે. પરસીવરન્સ મંગળ પર મોકલવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોવર છે. તેમાં મોક્સી નામનું એક યુનિટ લગાડવામાં આવ્યું છે. મોક્સીનું ફૂલફોર્મ થાય છે, માર્સ ઓક્સિજન ઈન સીટુ રીસોર્સ યુટિલાઈઝેશન યુનિટ. આ એકમે હાલ તો ૫ ગ્રામ ઓક્સિજનનું જ ઉત્પાદન કર્યું છે પરંતુ ભવિષ્યમાં મોટા જથ્થાનું ઉત્પાદન કરશે તેમાં શંકા નથી. તેના લીધે અવકાશયાત્રીઓનો મંગળ પર જવાનો માર્ગ મોકળો થશે એટલું જ નહીં તેમને અહીંથી ઓક્સિજનનો જથ્થો લઈ જવાની જરૂર નહીં પડે.

અમેરિકાની આ સ્પેસ એજન્સીને જંપ નથી. તેઓ સતત કંઈક ને કંઈક નવું વિચારતા રહે છે અને ઝપાટાભેર તેને અમલમાં મૂકવાની કોશિશ કરે છે. તેમણે અમેરિકામાં એક એવી જગ્યા બનાવી છે જ્યાંનું વાતાવરણ બિલકુલ મંગળ જેવું છે. નાસા એ જગ્યાએ કેટલાક વોલિયન્ટર્સને એક વર્ષ સુધી રાખવા માગે છે.   પૃથ્વી પર રહીને મંગળ જેવો અનુભવ કરવાનો આ એક અભૂતપૂર્વ પ્રસાસ છે. ૧૭૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં મંગળ જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંસ્થા કેટલું વિચારે છે! ડાયરેક્ટ કોઈ માણસને મંગળ પર મોકલીએ અને જીવનું જૌખમ ઊભું થાય તો તાત્કાલિક મદદ કરી શકાય નહીં, આથી ટ્રાયલના ભાગ રૂપે પહેલાં પૃથ્વી પર મંગળ જેવી સ્થિતિ નિર્માણ કરી તેના અનુભવના આધારે ભવિષ્યમાં વિજ્ઞાાનીઓ મંગળ પર છલાંગ લગાવશે. 

હ્યુસ્ટન સ્થિત જૉનસન અંતરિક્ષ કેન્દ્રમાં થ્રીડી પ્રિન્ટરની મદદથી મંગળ સરિખી જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું નામ છે માર્સ ડયુન આલ્ફા. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ત્રાસવાદી હુમલાની મોકડ્રીલ યોજાય તેમ અહીં એક વર્ષ સુધી સંશોધકો મંગળ અભિયાનની નકલ કરશે. તેમાં સ્પેસ વોક પણ સમાવિષ્ટ હશે. પરિવારજનો સાથે મર્યાદિત વાતચીત થઈ શકશે. નાસા દ્વારા ઠરાવવામાં આવેલો ખોરાક જ લઈ શકાશે. સંશાધનો અને ઉપકરણો ફેઈલ થઈ જાય ત્યારે શું કરવું તેની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે. નાસાના વિજ્ઞાાનીઓ અસીમ વિચારે છે. કવિ અને રવિથી પણ આગળ નીકળી ચૂક્યા છે. કલ્પના બહારના મૂલ્કમાં   મહાલે છે.

આ પ્રયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલો પ્રયોગ ચાલુ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. તેમાં અંતરિક્ષમાં ખાવામાં આવતું રેડી ટુ ઈટ ફુડ હશે. આ સ્યુડો મંગળયાનને કોઈ બારી નહીં હોય, કેટલાક છોડ જરૂરથી ઉગાડવામાં આવશે. પણ તે મેટ ડેમનની  ધ માર્સિયન ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે એમ બટેટાના નહીં હોય. વિજ્ઞાાનીઓ એ જાણવા માગે છે કે માણસ મંગળ પર જાય તો તે કેવી રીતે રહી શકશે? તેનું પર્ફોમન્સ કેવું રહેશે? તેને કોઈ શારીરિક, માનસિક કે અન્ય પ્રકારની તકલીફ તો નહીં થાય ને? અને જો થશે તો કેવી થશે?  આ અભિયાન માટે વોલિયન્ટર્સની શોધ જરૂર કરવામાં આવી રહી છે પરંતુ ગમે તે વ્યક્તિ આ શોધમાં જોડાઈ શકે નહીં. તેના માટે વિજ્ઞાાન, એન્જીનિયરિંગ અથવા ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી અથવા પાયલોટ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. માત્ર અમેરિકનો જ અરજી કરી શકે છે. વય મર્યાદા ૩૦થી ૫૫ વર્ષની છે. આરોગ્ય સારું હોવું જરૂરી છે. ભોજન સંબંધિત કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ગતિને કારણે ચક્કર કે એવી કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવી જોઈએ. અંતરિક્ષ યાત્રીઓ માટે જે પૂર્વશરતો હોય છે એ જ અહીં રાખવામાં આવી છે. ભવિષ્યમાં સમાનવ મંગળ યાત્રા વધારે સારી  અને સફળ રીતે યોજી શકાય તેના માટેની આ કસરત છે.

અગાઉ પણ આવો પ્રયોગ થઈ ચૂક્યો છે. રશિયાએ માર્સ-૫૦૦ નામથી આવો એક અખતરો કરેલો, જે નિષ્ફળ ગયો હતો. નિષ્ફળ જવાનું કારણ એ હતું કે તેમાં સામાન્ય લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશ યાત્રી જેવી યોગ્યતા ન ધરાવતા લોકોને લેવામાં આવ્યા હતા. અવકાશી અભિયાનમાં જોડાવાનું કામ ખૂબ કઠિન છે. તેમાં તમે કેવળ સારા વિજ્ઞાાની હો એ પૂરતુ નથી, શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોવું જરૂરી છે. સુનિતા વિલિયમ્સ  એવું કહે કે હું સ્પેસ વોક નહીં કરું, નીચે જોઉં તો મને ચક્કર આવે છે, એવું ચાલે? તેમનું નામ ઇતિહાસમાં એટલા માટે દર્જ થયું કે તેઓ બધી રીતે મજબૂત અને યોગ્ય છે. તમને  વિજ્ઞાાનની ગમે તેટલી જાણકારી હોય પણ તમને જો દસમા માળેથી પણ ચક્કર આવતા હોય તો તમે અવકાશ યાત્રાનો હિસ્સો બની શકો નહીં. ત્યાં નેટફ્લિકસ ન હોય, ત્યાં યુ-ટયુબ કે ગિટાર ન હોય, તમારે કોઈ આધાર વિના જ રિલેક્સ થવું પડે.

અવકાશ સંશોધનના પાંચ દાયકા પછી ખગોળ વિજ્ઞાાનીઓ નવી ઊંચાઈ આંબી રહ્યા છે, નવી ક્ષિતિજ ઓળંગી રહ્યા છે.

ભારતની વાર્ષિક અવકાશી બજેટ રૂા.૧૩,૯૪૯ કરોડનું છે. અમેરિકાનું વાર્ષિક સ્પેસ બજેટ ૭.૯ અબજ ડોલરનું છે. ૫૯,૨૫૦ કરોડ રૂપિયા. અમેરિકા બાદ ચીન પણ સ્પેસ રીસર્ચમાં રોકેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમુક બાબતમાં તો આગળ નીકળી પણ રહ્યું છે. જેમ કે ચંદ્રની પાછળની બાજુ પર પહોંચવું. જેફ બેઝોસ અને રીચર્ડ બ્રાન્સને સ્પેસ ટુરિઝમનો યુગ શરૂ કરી દીધો છે. સીએજીઆરના આંકડા પ્રમાણે ૨૦૨૫ લગીમાં સ્પેસ ટુરિઝમ માર્કેટ ૧.૩ અબજ ડોલરનું થવાનું છે. 

માણસના પગ હવે જમીન પર રહેવાના નથી. આકાશની કોઈ સીમા નથી અને માણસની મહત્ત્વાકાંક્ષા પણ અસીમ છે. આવનારા દિવસોમાં બધું અકલ્પનીય અને અજબ-ગજબ, અજબ-અજાયબ જોવા મળવાનું છે.

આજની નવી જોક

મગન (છગનને): ક્યાં જાય છે?

છગનઃ પોલીસ સ્ટેશન.

મગનઃ કેમ?

છગનઃ મેં તારા ભાભીના માથા પર દંડો મારી દીધો.

મગનઃ ભાભી મરી ગયા?

છગનઃ ના, જીવે છે અને હવે મને નહીં જીવવા દે એટલે પોલીસ સ્ટેશન જાવ છું.

મગનઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ૧૦મી ઓગસ્ટે વિશ્વ જૈવ ઈંધણ દિવસ મનાવવામાં આવે છે. જૈવ ઈંધણ એક કાંકરે અનેક નિશાન વીંધે છે. એક તો કચરાની સમસ્યા દૂર થાય છે અને બીજું પ્રદૂષણ મુક્ત ઊર્જા સ્ત્રોત મળી રહે છે. 

- દિલ્હી સરકારે પર્યટકો માટે એપ્લિકેશન વિકસાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોનાને કારણે પ્રવાસન ક્ષેત્રમાં ૨.૧૫ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. 

- ટિકટોક દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઈ છે. તે ફેસબુકને પણ ઓવરટેક કરી ગઈ છે. યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આ એપ જબરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે. ભારતમાં પ્રતિબંધિત છે. 

- રાજસ્થાનના મુખ્યમંત્રીએ ડિજિટલ મોનોગ્રાફનું અનાવરણ કર્યું હતું. મોનોગ્રાફનો અર્થ વિશેષ લેખ એવો થાય છે. ડિજિટલ મોનોગ્રાફમાં આઝાદીનું આંદોલન લડનારા સેનાનીઓના યોગદાન અને સંઘર્ષ પરના વિશેષ લેખો છે. 

- ઑલિમ્પિક ગોલ્ડમેડલ વિજેતા નીરજ ચોપરાના સન્માનમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘે ૭મી ઓગસ્ટને ભાલાફેંક દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. 

- તાજેતરમાં સુધા મૂર્તિનું એક નવું પુસ્તક આવ્યું છે, જેનું શીર્ષક છે હાઉ ધ અર્થ ગોટ ઇટ્સ બ્યુટી. દર વર્ષે ૯મી ઓગસ્ટે નાગાસાકી દિવસ મનાવવામાં આવે છે. ૯મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ અમેરિકાએ નાગાસાકી પર  એટમબોમ્બ ફેંક્યો હતો. 

- તાજેતરમાં અભિનેતા અનુપમ શ્યામ તથા કેરળના પ્રસિદ્ધ મૂર્તિકાર પી. એસ. બેનર્જીનું નિધન થયું હતું. ઉત્તરાખંડ રાજ્ય સરકારે વંદના કટારિયાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આઈઆઈટી જોધપુરે સૌથી ઓછા ખર્ચે વોટર પ્યુરોફિકેશન યુનિટનું નિર્માણ કર્યું છે.

-  જમ્મુ કાશ્મીરમાં સાયક્લોથોન આયોજિત કરવામાં આવી છે જેનું શીર્ષક છે પેડલ ફોર ડલ. આંતરરાષ્ટ્રીય સેના ખેલ ૨૦૨૧ની યજમાની રશિયા દ્વારા કરવામાં આવશે. 

- મોહમ્મદ મોખબર ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ભારત અને યુ.એ.ઈ. વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો, જેનું શીર્ષક હતું ઝાએદ તલવાર ૨૦૨૧.

Network

Google NewsGoogle News