Get The App

ચીનની કહેવતો .

Updated: Mar 4th, 2021


Google NewsGoogle News

- ભારત અને ચીનનો સાંસ્કૃતિક ઈતિહાસ જોડાયેલો છે, તેના પુરાવા ત્યાંની કહેવતોમાંથી પણ મળી રહે છે

- જો તમારે જમવું હોય તો ક્યારેય રસોઈયાનું અપમાન ન કરો

- દુકાન ખોલવી સહેલી છે, ખુલ્લી રાખવી અઘરી છે, આમાં આખું વ્યાપારશાસ્ત્ર આવી ગયું

ચીનની કહેવતો                       . 1 - image

ભારત અને ચીનનો નાતો અતૂટ છે. બેય દેશના સાંસ્કૃતિક ઈતિહાસ વચ્ચે રેખા દોરવી મુશ્કેલ છે. ભારતથી બૌદ્ધ ધર્મ ત્યાં ગયો અને ચીનની સાકરમાં દૂધની જેમ ભળી ગયો. તેનું સમગ્ર જીવન દર્શન બદલાઈ ગયું. એટલું સમૃદ્ધ બની ગયું કે સમસ્ત વિશ્વના જિજ્ઞાાસુઓને પ્રેરણા આપે છે. કોઈ પણ વિચાર કહેવત ત્યારે બને જ્યારે તે લોકના અનુભવની એરણ પર ખરો ઊતરે. ચીનની કહેવતોમાં ચિંતકોનું ઊંડાણ અને લોક અનુભવની સૂઝ બંનેના દર્શન થાય છે. આવો, કેટલીક કહેવતો દ્વારા જાણવાની કોશિશ કરીએ કે ચીનના લોકો અને તેના જ્ઞાાનીઓ શું વિચારે છે. 

૧) દુઃખ વિના કોઈ સંત બનતું નથીઃ 

ઓસ્કર વાઇલ્ડનું બહુ જાણીતું કથન યાદ આવી જાય, એવરી સેઇન્ટ હેઝ એ પાસ્ટ એન્ડ એવરી સીનર હેઝ એ ફ્યુચર. દુઃખ વિના કોઈ સંત બનતું નથી. કેટલી સાચી વાત છે. કારણ કે દુઃખ જ એક એવી ઘટના છે જે આંખ ઉઘાડે છે. ક્યારેય એવું બન્યું કે સારું સપનું આવ્યું અને આપણે સફાળા જાગી ગયા? ક્યારેય એવું બન્યું કે સારા સમાચાર મળ્યા અને એક-એક પળ એક-એક યુગ જેવી લાગવા માંડી. સોનું તપ્યા પછી જ સોનું બને છે. એમ દુઃખ માણસને સંત બનાવી દે છે. સંતની જગ્યાએ આપણે સફળ લગાડી દઈએ. દુઃખ સફળતા તરફ દોરી જાય છે. જીવનમાં આગળ આવવા માટે, પોતાના ગમતા ક્ષેત્રમાં ઊંચાઈ હાંસલ કરવા માટે તપવું બહુ જરૂરી છે. પોઝીટીવ વિચારવું બહુ જરૂરી છે.

૨) તળેટી જોવા માટે પર્વત પર ચડો. 

બધાને ટોચ પર પહોંચવું છે. ટોચ પર પહોંચીને કરશો શું? એ ક્યારેય વિચાર્યું છે? ટોચ પર પહોંચવામાં કશું ખોટું નથી, પણ પોતાની જાતને આ સવાલ પૂછવો જરૂરી છે. આખરે ટોચ પર પહોંચીને કરીશું શું? પહાડ પરથી પણ તળેટીઓ જ દેખાવાની છે. પહાડ જોવા પહાડ ચડવાની જરૂર નથી. ટોચના માણસોનીય એ જ હાલત છે. જે આપણી છે. એ લોકોય ઇર્ષા અને અસલામતીથી પીડિત છે. તેમનેય રાતે નિંદર નથી આવતી. ટોચ પર પહોંચવામાં કોઈ વાંધો નથી, પણ ત્યાં પહોંચવું છે શા માટે તે ખબર હોવી જરૂરી છે. ત્યાં પહોંચીનેય સ્થિતિ અત્યારે છે તેવી જ રહેવાની હોય તો બહેતર છે કે જીવનને સુધારવાની કોશિશ કરીએ.

૩) ઝાઝી શંકા ઝાઝું ડહાપણ, ઓછી શંકા ઓછું ડહાપણ. 

કથિત ધાર્મિકો એવો પ્રચાર કરે છે કે શંકા ન કરવી. પપૂધધૂના આવા ફતવાઓ અંધભક્તોની ફોજ તૈયાર કરે છે. તેઓ જોયા, જાણ્યા વિના અનુસરણ જ કર્યા કરે છે. શા માટે અનુસરે છે, તેની તેને ખબર સુદ્ધા હોતી નથી. સંશય આત્મા વિનશ્યતિ દ્વારા ગીતાકાર એમ કહેવા માગે છે કે શંકા મનમાં રાખશો તો તમારો નાશ થશે. તેઓ એવું નથી કહેતા કે શંકા કરવાની જ નહીં. તેઓ એવું કહેવા માગે છે કે શંકા કરવાની, પણ તેનું સમાધાન ગોતવાનું. ચીનની પ્રાચીન પ્રજ્ઞાા પણ કંઈક એવું જ કહે છે. ઊલટું તેઓ તો શંકાને પ્રોત્સાહન આપે છે. જેટલા ઝાઝા સવાલ પૂછશો એટલા વધારે બુદ્ધિશાળી બનશો એવું તેમનું કહેવું છે. 

૪) તમે દુઃખના પંખીઓને માથા પરથી પસાર થતા રોકી શકતા નથી, પરંતુ તેમને તમારા વાળમાં માળો બાંધતા ચોક્કસ અટકાવી શકો છો.

ઉતાર-ચઢાવ દરેકની જિંદગીમાં આવે છે, પરંતુ નિષ્ફળ માણસો સંજોગો સામે સરેન્ડર કરી દેતા હોય છે. ખરાબ સમય આવે એનો વાંધો નથી, વાંધો છે આપણી રીએક્ટ કરવાની રીત સામે. ચીનના વડીલો તેમના બાળકોને શીખવે છે કે દુઃખના દિવસોને માથેથી પસાર થઈ જવા દેવાના. તેને રહેવાસ બાંધવા દેવાના નહીં. માથા પરથી વાદળું પસાર થતા વાર કેટલી ભલા? ને દુઃખદ સ્થિતિમાં આપણા દ્વારા કરવામાં આવતું રુદન સ્થિતિને વધારે પીડાદાયક બનાવી દે છે. હાય મરી ગયો, ઓહ મરી ગયો-નું રુદન દુઃખ કરતા વધારે દુઃખ આપે છે. 

૫) હું એ વાતે ગુસ્સે હતો કે મારી પાસે બૂટ નથી. પછી હું એક એવી વ્યક્તિને મળ્યો જેની પાસે પગ નથી.

કોઈ પણ વ્યક્તિ પાસે ચીજ વસ્તુની કમી તો હોય જ છે. તમારી પાસે કંઈક તો ઓછું હોવાનું જ. બધી જરૂરિયાતો કોઈ દિવસ પૂરી કરી શકાય નહીં. અભાવો ખરાબ નથી, પણ મારી પાસે નથી-નથીની જે હૈયા બળતરા છે તે અભાવા કરતાય મોટો અભાવ છે. આ અભાવ કોઈ દિવસ પૂરી શકાતો નથી. તમને સતત કંઈક ઓછું લાગ્યા કરે છે. સતત કંઈક ખૂટે છે. ખરેખર તો કશું ખૂટતું નથી, પણ મનમાં એક રોગ ઘૂસી ગયો હોય છે. મારે જોઈએ છે, મારે જોઈએ છેનો. આ રોગ ખતરનાક છે. આ રોગ ધનોત-પનોત કાઢી નાખે છે. તે મટાડવાનો એક જ રસ્તો છે. પોતે જ્યાં છીએ તેના કરતા નીચેના માણસને જુઓ. ત્યારે રિયલાઇઝ થશે કે ના, મારી પાસે ઘણું છે. કદાચ એટલું બધું જેટલી મારી જરૂરિયાત પણ નથી. આ માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો નથી?

૬) ગુણ હોય તો તમે પૂરેપૂરા ગરીબ નથી, ગુણ ન હોય તો તમે પૂરેપૂરા ધનવાન નથી.

૨૧મી સદીમાં કોઈ પાસે સમય જ નથી? શા માટે? જવાબ છે પૈસા પાછળની દોડ.પૈસાદાર થવામાં કશું ખોટું નથી. ખોટું છે ચરિત્ર વેચીને પૈસાદાર થવામાં. બધાને ખબર છે કે કશું ભેગું આવવાનું નથી તોય શા માટે પૈસા માટે નૈતિકતાનો સોદો કરી નાખે છે? કદાચ એટલા માટે કેમ કે સમાજમાં સંસ્કારી માણસની કોઈ કિંમત નથી. પૈસાદારની બોલબાલા છે. બધા પૈસાદારને જ માનપાન આપે છે એટલે હુંય પૈસાદાર બનવા જ મહેનત કરું છું તો શું હું ઘેટું ન કહેવાઉં? એક મોટો વર્ગ આવી ઘેટા ચાલમાં જ નૈતિક પતન કરી રહ્યો છે. એવા માનનું કામ શું જે તમારા વ્યક્તિત્વને ન મળે, તમારી પાસે પૈસા હોય તો જ તમને મળે.

૭) બુદ્ધિશાળી પોતાના મનને સાંભળે છે. મૂર્ખ ટોળાને સાંભળે છે.

ભીડને ક્યારેય અંતરાત્મા હોતો નથી. તે માત્ર શરીરનો ઢગલો છે. ભીડ કાં તો અનુસરે છે, કાં રમખાણો કરે છે. ત્રીજું કોઈ કામ ભીડ દ્વારા થતું જોયું? સંભવ જ નથી. આવી ભીડને સાંભળનારો મનુષ્ય પોતાના અંતરાત્માની કતલ સ્વહસ્તે કરે છે. ચીનના વૃદ્ધો, તેમના વડીલો, તેમની પ્રાચીન પ્રજ્ઞાા ત્યાંના લોકોને ભીડને સાંભળવાને બદલે પોતાના મનને સાંભળવાની ટકોર કરે છે. એ જ ધર્મ છે.  

૮) શિક્ષક દરવાજા ખોલે છે. પ્રવેશ તમારે જાતે જ કરવો પડે છે. 

ભારતની જેમ ચીન પણ ગુરુનો મહિમા કરે છે. ગુરુ બીન નહીં જ્ઞાાન. પણ સાથોસાથ એવું પણ કહે છે કે શિક્ષક તમને એ બનાવી શકશે નહીં જે તમારે બનવાનું છે. શિક્ષક તમને ખાલી ધક્કો મારશે, મદદ કરશે, ટેકો આપશે, સમજાવશે, બાકી કામ તો તમારે જાતે જ કરવું પડશે.

૯) જો તમારે જમવું હોય તો રસોઈયાનું અપમાન ન કરો.

દરેકને સન્માન જોઈએ છે. તમે જેટલું માન આપો એટલું માન તમને સામું મળે છે.  ભોજન કોને પ્રિય ન હોય? પણ તમે રસોઇયાનું અપમાન કરશો તો તે તમને રુચિકર ભોજન નહીં પીરસી શકે. ભોજન એ તમારા વિચારો છે, મન એ તમારો રસોઇયો છે. મનને તમે કચવશો, ગુસ્સે થશો તો એ તમને ક્યારેય સારા વિચાર આપશે નહીં.

૧૦) કંઈ નહીં તો પડોશીઓને ખાતર, તમારા ઢોલક ઘરની અંદર વગાડો. 

ઘરની વાત ઘરની ચાર દીવાલની અંદર રાખવી તે ઘરનું તો હિત છે જ. સાથોસાથ પડોશીનું પણ હિત છે. ઘર હોય ત્યાં વાસણ ખખડે. અગ્રી, પણ આખા ગામને જણાવવું જરૂરી છે?  આપણા કજિયા-કંકાસને પડોશીના ઘરની શાંતિ ભેદવાનો કોઈ અધિકાર નથી. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવો ઝઘડો હોય, ગમે તેવો અણગમો હોય, કજિયો હોય, આટલો વિવેક સભ્યતાની નિશાની છે, માણસાઈની નિશાની છે. 

૧૧) ઝડપીમાં ઝડપી ઘોડો પણ મુખમાંથી નીકળી ચૂકેલા શબ્દોને ઓવરટેક કરી શકતો નથી.

બાણમાંથી છૂટેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા ફરતા નથી. ચીન અને ભારતની એન્શિયન્ટ વિઝ્ડમ ઘણા બધા ઠેકાણે મળતી આવે છે. બંને દેશોની સંસ્કૃતિ વાણીની તાકાત સમજાવીને વાણી-વિવેક પર ભાર મૂકે છે.

૧૨) દુકાન ખોલવી સહેલી છે, તેને ખુલ્લી રાખવી તદ્દન અલગ બાબત છે.

આરંભે શૂરા. ચીનની આ કહેવત વ્યાપાર કળાનું ગૂઢ રહસ્ય સમજાવી જાય છે. નોકરી કરવી સહેલી છે. દર મહિને બાંધી આવક છે. વ્યાપારમાં એવું નથી. સારા-ખરાબ બેય પ્રકારના દિવસો આવે. ધંધો ન પણ ચાલે. ત્યારે કેમ ટકી રહેવું? ધંધામાં સારો સમય ચાલતો હોય ત્યારે ખરાબ સમયનું ભાથું ભેગું કરી લેવું પડે છે. કોરોનામાં શું હાલત થાય છે તે ઘણા બધા વેપારીઓએ જોઈ લીધું છે.

૧૩) રહસ્યોને રોડ પર ખોલી નાખો એ પહેલા ઝાડી-જાખરામાં જઈને જોઈ લો.

ઘણા લોકોને પોતે શું કરી રહ્યા છે અથવા શું કરવાના છે તે આખા ગામને કહી દેવાની બહુ ઉતાવળ હોય છે. તેવા લોકો માટે જ આ કહેવત છે. સારા કામમાં સો વિઘ્નો જેવી જ વાત છે. લોકોને કહેતા પહેલા એ વિચારી લેવું જરૂરી છે કે કોણ-કોણ મારા માર્ગમાં જાળી-ઝાંખરા બનીને ઊભું રહેશે. કોણ મારા માર્ગમાં વિઘ્ન બનશે. કોણ હવનમાં હાડકાં નાખશે.

૧૪) જે તમે જોતા નથી, એની તમને ઇચ્છા થતી નથી.

આની પણ કહેવત છે આપણી પાસે, દેખ્યાનું દખ છે બધું. આપણે બંગલો લેવો છે કારણ કે બીજા પાસે બંગલો છે. આપણને હવે આપણી કાર નથી ગમતી કારણ કે પડોશી પાસે આપણા કરતા મોટી કાર છે. બીજા પાસે છે અને મારી પાસે નથી-માંથી જ દુઃખ પેદા થાય છે. અન્યથા કોઈ વસ્તુની ઇચ્છા થતી નથી.  

૧૫) એક ઇંચ સોનાથી એક ઇંચ સમય ખરીદી શકાતો નથી.

બધુ એક્સ્પેલન કરવું જરૂરી નથી.

આજની નવી જોક

છગન (કોફીશોપવાળાને)ઃ કોફી કેટલાની?

કોફીશોપવાળોઃ ૨૦૦ રૂપિયાની.

છગનઃ શુગર?

કોફીશોપવાળોઃ શુગર ફ્રી આવશે?

છગનઃ સારું એક કામ કરો. એક કિલો શુગર બાંધી દો.

કોફીશોપવાળોઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે પહેલી માર્ચે જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જેનેરિક મેડિસિન ગરીબ વર્ગના દરદીઓ માટે વરદાનરૂપ છે.

- મધ્ય પ્રદેશમાં ખાદ્યાન્નમાં ભેળસેળ કરનારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. બ્રિટનના બે ક્રુઝ જહાજોને ગુજરાતમાં ભાંગવામાં આવ્યા છે.

- એસબીઆઈએ હોમ- લોનના વ્યાજદર ઘટાડીને ૬.૭ ટકા કરી નાખ્યા છે. ઋષિકેશમાં હાલ આંતરરાષ્ટ્રીય યોગ ઉત્સવ ચાલી રહ્યો છે.

- તાજેતરમાં રામ માધવનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક છે બીકોઝ ઇંડિયા કમ્સ ફર્સ્ટ. અજેન્દ્ર બહાદુરસિંહને પૂર્વી નૌસેના કમાનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

- તમિલનાડુમાં વડા પ્રધાને ૧૦૦૦ મેગાવોટની નેવેલી થર્મલ પાવર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતે શ્રીલંકાને સંરક્ષણ ક્ષેત્રે પ્રાથમિક ભાગીદાર બનાવ્યું છે.

- ઝારખંડમાં હુક્કાબાર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. હુક્કાનું વ્યસન યુવાનોની સ્ટેમિના ખતમ કરી નાખે છે.


Network

Google NewsGoogle News