Get The App

ઉભરાટનો દરિયો એક સપ્તાહમાં 10 ફૂટ આગળ વધતાં લોકોના જીવ પડીકે બંધાયા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ઉભરાટનો દરિયો એક સપ્તાહમાં 10 ફૂટ આગળ વધતાં લોકોના જીવ પડીકે બંધાયા 1 - image


- તોફાની મોજા અને મોટી ભરતીથી કિનારાનું વ્યાપક ધોવાણ

- સહેલાણીઓ માટે મુકાયેલા બાંકડા સુધી ધોવાણ : પ્રોટેક્શન વોલની માંગ સંતોષાતી નથી અને સરકાર પર્યટન સ્થળ તરીકે વિક્સાવવાની જાહેરાત કરે છે

- છેલ્લા પાંચ વર્ષમાં ગામની સ્મશાનભૂમિ સહિત 500 મીટર જમીન દરિયામાં ગરકાવ થઇ ગઇ

નવસારી : નવસારી જિલ્લાના ઉંભરાટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સરકારની મોટી જાહેરાત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં દરિયા કિનારાની ૧૦ ફૂટ જમીન તોફાની મોજા અને મોટી ભરતીના પાણી સાથે દરિયામાં ગરક થઇ જતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અહીં દરિયા કિનારે બે કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની વર્ષો જૂની માંગણી નહિં સંતોષાતા છેલ્લા પાંચ વર્ષમાં ૫૦૦ મીટર દરિયા કિનારાની જમીન સામે ગામની સ્મશાનભૂમિ દરિયામાં ગરક થઈ જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકારે દરિયાઈ પ્રવાસન સ્થળ તરીકે જલાલપોરના જાણીતા ઉંભરાટ ગામને વિકાસ કરવા વર્ષો અગાઉ મસમોટી જાહેરાત કરી હતી. અંદાજે ૨૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ સાથે દરિયા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની પ્રવાસન વિભાગની જાહેરાતથી ગ્રામજનોમાં આનદ વ્યાપી ગયો હતો. પરંતુ સરકારની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી હોઇ તેમ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ દરિયાઈ સપાટીમાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારા વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં દરિયાના તોફાની મોજા અને મોટી ભરતીની જોરદાર થપાટ વચ્ચે દરિયા કિનારાથી ૫૦૦ મીટર જમીન દરિયામાં ગરક થઇ છે. મતબલ કે દરિયો એટલો આગળ આવી ગયો છે. ગામની સ્મશાનભૂમિ પણ ધોવાય જતા મૃતકોના અસ્થિઓ પણ બહાર નીકળી દરિયામાં વહી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેઠ અને અષાઢ મહિનાની મોટી ભરતી અને તોફાની મોજાથી ઉંભરાટ અને દાંતી ગામના કિનારાના ભારે ધોવાણથી ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ઉંભરાટ અને દાતી ગામે દરિયાઈ પ્રોટેક્શન વોલ નહિં બનાવવામાં આવતા ગામ નજીકના ભવિષ્યમાં જ દરિયામાં સમાય તેવી ભીતિથી લોકોમાં ભારે આક્રોશ ઉઠયો છે. 

હાલ એક સપ્તાહમાં મોટી ભરતી અને તોફાની મોજાની ઝપેટમાં અંદાજે ૧૦ ફૂટ જેટલા કિનારાનું ધોવાણ થતાં દરિયો ૧૦ ફૂટ ગામ વસાહત સુધી આગળ ધસી આવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી છે. દરિયા કિનારે સહેલાણીઓ માટે મુકવામાં આવેલા બાકડા સુધી ધોવાણ થઇ જતાં અને કિનારાના વૃક્ષોના મૂળ પણ ધોવાઇ જતાં લોકોમાં ફફડાટ જોવા મળે છે. આ સાથે અષાઢી મહિનાની મોટી ભરતીમાં ભારે ધોવાણ થવાની શક્યતા જોવા મળે છે. ચોમાસામાં મોટી ભરતી અને તોફાની મોજા હાઈટાઇડની ભીતિથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા સાથે પ્રોટેક્શન વોલની માંગણી વધુ ઉગ્ર બની છે.

ગામના માજી સરપંચ અને હાલ તા.પં.ના બોરસી બેઠકના સભ્ય નિલેશભાઇ રમણભાઈ પટેલ દ્વારા ઉંભરાટ દરિયા કિનારે બે કિલોમીટર લાંબી દરિયાઈ પ્રોટેક્શન વોલ બનવવામાં આવે તેવો ગ્રામજનો સાથે મળી વારંવાર લેખિત-મૌખિક કલેક્ટર અને મુખ્યમત્રીને પણ રજૂઆતો કરી હતી. પરંતુ આજ દિન સુધીમાં કોઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહિં આવતા અને દરિયો સતત આગળ વધતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા છે. 


Google NewsGoogle News