ચીખલીના ગામડાઓમાં તળાવની માટી ચોરીનું નેટવર્ક તંત્રના આંખ આડા કાન
-10થી 15 હજાર મે.ટનની પરવાનગી લઇને લાખો મે.ટન માટી ઉલેચીને વેચી દેવાય છે
-સરકારના નીતિ-નિયમો અભરાઇ પર
ચીખલી
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તળાવની માટી ઉલેચીને વેચી મારવાનો વેપાર ચાલી રહ્યો છે પણ ખાણ-ખનીજ વિભાગની લાપરવાહી ને કારણે સરકારને કરોડો રૃપિયાની ખોટ જઈ રહી છે.
ચીખલી તાલુકાના સમરોલી, કુકેરી, ખુડવેલ અને ચરી ગામે છેલ્લા કેટલાક સમયથી તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહી છે. તળાવો ઉડા કરવામાં માત્ર ૧૦ કે ૧૫ હજાર મેટ્રીક ટનની જ પરવાનગી લઈને લાખો મેટ્રીક ટન માટી ખોદીને વેચી નાખવામાં આવે છે. સામાન્ય રીતે સરકારની વિવિધ યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની યોજનાઓ કાર્યરત છે. જેમાં જે-તે ગામમાં ખેડૂતો કે અન્યોને જરૃરીયાત મુજબ વિના મુલ્યે માટી પુરાણ કરી આપવાનું હોય છે. પરંતુ ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી સરકારના આ નીતિ નિયમોનો પણ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. તળાવો ઉંડા કરવાની કામગીરી બાબતે વાસ્તવિકતા શું છે ? એ બાબતે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓનો મોબાઈલ ઉપર સંપર્ક કરવા છતાં પણ ફોન રીસીવ કરવામાં આવતા નથી. ખાણખનીજ વિભાગના અધિકારીઓ માટીખનન મામલે સજાગતા દાખવે તો સરકારની તીજોરીમાં કરોડો રૃપિયાની આવક થાય એમ છે. પરંતુ જયા ભ્રષ્ટાચાર રૃપી આભ જ ફાટેલુ હોય ત્યાં કેટલા અને કેવા થીગડા મારી શકાય ?