પૂર્ણા ટાઈડલ ડેમનો 16 વર્ષ પુરાણો વાયદો હજુ પણ વાયદા રૃપે જ લટકે છે
-તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાજતે ગાજતે સૈદ્ધાંતિક મંજુરી આપી અને 8 વર્ષ બાદ તેઓ વડાપ્રધાન બની ગયા પણ ડેમ બન્યો નથી
નવસારી
નવસારીમાંથી
પસાર થતી પૂર્ણાનદી કાંઠે આવેલા અનેકગામો અને શહેરોને પીવાના અને સિંચાઈનાં પાણીના
પ્રશ્નનાં કાયમી ઉકેલ માટે પૂર્ણા ટાઈડલ ડેમ બનાવવા સુપા ગામનાં જાગૃત નાગરિકે
મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
નવસારી નજીક આવેલા ગુરૃકુળ સુપા ગામે મોટા ફળિયામાં રહેતા રમેશભાઈ એલ.નાયકે મુખ્યમંત્રી વિજય રૃપાણીને પાઠવેલા આવેદનપત્ર જણાવ્યું કે, વર્ષ-૨૦૦૪માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં પૂર્ણા નદી પર ટાઈડલ ડેમ અલુરા-બોધલી ખાતે બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ત્યારબાદ તેમણે ૮ વર્ષ સુધી વિકાસશીલ-ગતિશીલ ગુજરાતની માત્ર વાતો જ કરી પરંતુ આ લોકોના પ્રાણ પ્રશ્ન સમી યોજના લટકાવી રાખી હતી. ત્યારબાદ તેઓ વર્ષ-૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા અને રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયું હતું. તેને પણ ૮ વર્ષ થવા આવ્યા છે. પરંતુ પૂર્ણા ટાઈડલ ડેમ બનાવાની કામગીરી એક ડગલુ પણ આગળ વધી નથી! આ સરકારની નિષ્ક્રિયતા અને બિનકાર્ય ક્ષમતાનો ઉત્તમ નમુનો છે. છાશવારે ડેમના સ્થળની બદલી તેનાં રિપોર્ટ તૈયાર કરવામાં ૨-૩ વર્ષ નીકળી જાય અને ફરીથી સ્થળ બદલવામાં આવે છે. આ સિલિસલો છેલ્લા ૧૬ વર્ષથી ચાલી રહ્યો છે. પરંતુ કામ બિલકુલ થયુ નથી. વર્ષ ૨૦૦૪માં સૈંદ્ધાતિક મંજૂર થયેલા ડેમનું સ્થલ અલુશ-બોદાલી સંપૂર્ણ પણે યોગ્ય હતું. એવું ૩ વર્ષ સુધી તમામ જરૃરી રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટ તૈયાર કરનારા ઈજનેરોએ જણાવેલ હતું. જેનો રેકોર્ડ ઉપલબ્ધ છે. પરંતુ સ્થાનિક નેતાગીરીનાં હિતને સાચવવા માટે ડેમનાં નક્કી કરાયેલા સ્થળને અયોગ્ય જાહેર કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ આવેદનમાં કર્યો છે. ત્યારબાદ નવા ડેમ સાઈટની શોધખોળ કરવાની કામગીરી શરૃ કરાઈ હતી. હાલમાં વિરાવળ-કસ્બા વચ્ચેની જગ્યા નક્કી કરવામાં આવી છે. પરંતુ તેમા પણ ગોકળગાયની જેમ ધીમી કામગીરી ચાલુ છે. જે ક્યારે અને કેટલા સમયમાં પૂરી થશે એ કહેવું મુશ્કેલ છે. જુદા જુદા માધ્યમોની સચોટ રજૂઆતો છતાં સરકાર આ મહત્વનાં પ્રશ્નને અવગણી રહ્યાની છાપ ઊભી થઈ છે. બારડોલીનાં છીત્રાગામે એકજ વર્ષમાં ચેકડેમ બની ગયો અને મહુવાથી બોદાલીની પ્રજાને પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. છાશવારે પાણી કાપ તેમજ ટેન્કરોથી પાણી પહોંચાડવાની નોબત આવે છે. ત્યારે સરકાર તથાપ્રજાના પ્રતિનિધિઓ પૂર્ણા ટાઈડેમ જલદીથી બનાવી લોકોની સમસ્યા દૂર કરે તેવી માંગણી કરાઈ છે.
રમેશભાઈ નાયક દ્વારા રાજ્ય સરકારને આ આવેદન સાથે ૧૦૩ વખત સ્મરણપત્રો લખ્યા છે. પરંતુ કહેવાતી સંવેદનશીલ સરકારનાં પેટનું પાણી હાલતુ નથી.