મરોલી બજારમાં મુમુક્ષુ મા-દીકરીનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો : આજે દીક્ષા
-મુમુક્ષુઓએ છુટા હાથે વર્ષીદાન કર્યું, મરોલી બજારમાં હજારો લોકોએ વરઘોડાના દર્શન કર્યા
મરોલી
નવસારી
નજીકના મરોલી ખાતે મરોલી બજાર જૈન સંઘમાં જૈનાચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિજી મ., પૂ.આ.પદ્મભૂષણરત્નસૂરિજી
મ., પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ.આદિ શ્રમણ-શ્રમણી
વૃંદની પાવન નિશ્રામાં મા-દીકરી મુમુક્ષુ ડિમ્પલબેન અને લબ્ધિકુમારીના ભાગવતી
પ્રવ્રજ્યા પ્રસંગે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના
ભાવુક ભક્તો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
વર્ષીદાનની શોભાયાત્રા મરોલી નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. નવસારીનું સુપ્રસિદ્ધ બેન્ડ, પાઘડીવાળા શ્રાવકો, નાસીકના ઢબૂકતા ઢોલ, મુમુક્ષુઓની સુશોભિત બગી, ચાંદીનો રથ અને ઈન્દ્રધજાથી સુશોભિત આ વર્ષીદાનયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. મા-દીકરીએ છુટ્ટા હાથે વર્ષીદાન કર્યું હતું.
સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે સંસારના તમામ સુખોને હસતા મુખે છોડી દેવા તે આ વિશ્વની અજાયબી છે. દુનિયા 'લાવ લાવ'નો પોકાર કરી રહી છે ત્યારે મુમુક્ષુઓ 'લો લો' કરીને સહુને કાંઈને કાંઈ પ્રદાન કરી રહ્યા છે. આ શબ્દો પૂ.પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે કહ્યા હતા.
પૂ.આ.શ્રી રશ્મિરત્નસૂરિજી મહારાજે કહ્યું કે, એરપોર્ટ ઉપર સ્ટીમરની અપેક્ષા રાખવી તેનું નામ સંસાર. આજનો માણસ કાંઈ છોડી શકતો નથી. ત્યારે સમગ્ર સંસારને જિંદગીભર માટે લોકો છોડી દેવો તે કોઈ ખાવાના ખેલ નથી. રાત્રે મુમુક્ષુઓનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજાયો હતો. મુમુક્ષુઓના મૌલિક અને માર્મિક વક્તવ્ય દ્વારા આમ પ્રજાના આંખોમાંથી અશ્રુબંધ તૂટી પડયો હતો. તા.૨૯ના સવારે ૯-૦૦ કલાકે સંયમ સ્વીકારની અપૂર્વ ક્ષણનો પ્રારંભ થશે. આ ત્યાગ અને વૈરાગ્યના દ્રશ્યને નજરે નીહાળવા વિશાળ મંડપમાં ચારેય બાજુથી માનવ મહેરામણ ઉમટશે.