નવસારીમાં સૂર્યદેવતા કોપાયમાન : ગરમીનો પારો સીધો 40.8 ડિગ્રી પર, ઉનાળાની સીઝનનો સૌથી ગરમ દિવસ

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
નવસારીમાં સૂર્યદેવતા કોપાયમાન : ગરમીનો પારો સીધો 40.8 ડિગ્રી પર, ઉનાળાની સીઝનનો સૌથી ગરમ દિવસ 1 - image

Heatwave in Navsari : ચૈત્રી નવરાત્રિમાં સૂર્યદેવતા કોપાયમાન બન્યા છે. નવસારીના આકાશમાંથી ગરમીના અગનગોળા વરસતા એક જ દિવસમાં ગરમીનો પારો સીધો 5.8 ડિગ્રી જેટલો ઊંચે જતા મહત્તમ 40.8 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે જે ચાલુ વર્ષે ઉનાળાની સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે.

સામાન્યતઃ ચૈત્રી નવરાત્રિમાં ભારે ગરમી પડતી હોય છે એ વર્ષોની માન્યતા આજે પણ સાચી ઠરી છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો વચ્ચે ગઈ કાલે નવસારીમાં મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે નવસારીના આકાશમાંથી વાદળો વિખેરાતા અને ઉત્તર દિશામાંથી પ્રતિ કલાક 2.7 કિમીની ઝડપે હિટવેવ ફૂકવા સાથે ગરમીનો પારો સીધો 5.8 ડિગ્રી જેટલો ઊંચે જતા મહત્તમ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ચાલુ ઉનાળાની સીઝનનો આજે સૌથી ગરમ દિવસ રહ્યો હતો.લઘુતમ 22 ડિગ્રી અને વાતાવરણમાં 84 ટકા જેટલા ભેજનું પ્રમાણ નોંધાયું હતું. નવસારીમાં કમોસમી વરસાદની ઘાત ટળી ગઈ તો બીજી તરફ આકાશમાંથી ગરમીના અગનગોળા વરસાવતા ચામડી બાળી નાખતી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસે નવસારીના રાજમાર્ગો પર લોકોની અવરજવર ઘટી છે. વાહન ચાલકો ગરમીથી બચવા ટોપી પહેરીને મોં પર રૂમાલ સ્કાલ્ફ બાંધી ઘર બહાર નીકળવા મજબૂર બન્યા છે. સ્થાનિક બજારોમાં ઠંડા પીણાનું વેચાણ વધ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લું હિટવેવ થી બચવા માટે પાણી વધારે પીવું લીંબુ પાણીનો ઉપયોગ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રિમાં ચામડી બાળી નાખતી ગરમી પડતી હોવાનું ગ્રામીણોની માન્યતા છે. હાલમાં ચૈત્રી નવરાત્રી ચાલી રહી હોઇ આ દિવસોમાં ચામડી બાળી નાખતી ગરમી પડી રહી છે.


Google NewsGoogle News