બીલીમોરામાં ઘરનો કાટમાળ ઉતારતી વખતે મજૂરોને મળેલા 92 લાખના સોનાના સિક્કા કબજે, પોલીસે મીડિયાથી માહિતી છુપાવતા વિવાદ
નવસારી,તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર
નવસારી જિલ્લાના બીલીમોરામાં બે મહિના અગાઉ મકાનનો કાટમાળ ઉતારતી વખતે શ્રમજીવીઓને સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ પ્રકરણમાં એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી એક તરૂણ સહિત ચાર શ્રમજીવી પાસેથી કુલ રૂ.92.25 લાખનાં સોનાના સિક્કા કબજે કરી તેમની ધરપકડ કરી 8 દિવસનાં રિમાન્ડ પણ મેળવ્યા હતા. પરંતુ આ મહત્વપૂર્ણ કેસની માહિતી મીડિયાથી આઠ દિવસ છુપાવી રાખી હતી. પીધેલા અને જુગાર જેવા સામાન્ય કેસમાં મોટી પ્રેસનોટ જાહેર કરનારી જિલ્લા પોલીસે કયા કારણોસર આ મહત્વપૂર્ણ કેસની માહિતી મીડિયાથી છુપાવી ? તે અંગે અનેક તર્કવિર્તક વહેતા થયા છે.
મધ્યપ્રદેશથી તરૂણ સહિત ચારને પકડી પોલીસે 8 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા : 240 પૈકી 41 સોનાના સિક્કા હજી શોધવાના બાકી
બીલીમોરાનાં પશ્ચિમે બંદરરોડ પર આવેલી જુમ્મા મસ્જીદની સામે એક જુના મકાનને તોડી કાટમાળ લઈ જવા મકાન માલિકનાં પ્રતિનિધિએ બે મહિના અગાઉ વલસાડનાં કોન્ટ્રાક્ટર સરફરાજ હાજી કોરડીયા (ઉ.વ.44)ને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં મકાન તોડતી વખતે તેમાંથી કોઈ કિંમતી ચીજવસ્તુ મળે તો તે મકાન માલિકને સુપ્રરત કરવાની શરત હતી. દરમિયાન મકાન તોડતી વખતે અંદરથી કામ કરતા મજૂરોને સોનાના જુના સિક્કા મળતા કામકાજ બંધ કરી કોન્ટ્રાક્ટર સરફરાઝ કોરડીયાને વલસાડ મળી સીધા પોતાનાં વતન મધ્યપ્રદેશ ચાલી ગયા હતા. જ્યાં તેમણે આપસમાં સોનાના સિક્કા વહેંચી લીધા હતા. થોડા દિવસ બાદ દારૂ પીને ગેલમાં આવેલા મજૂરે દારૂનાં અડ્ડા પર આ વાત કહેતા તેની હવા મધ્યપ્રદેશ પોલીસને લાગતા તપાસ શરૂ કરી હતી. જેમાં સોનાના અમુક સિક્કા મજૂરો પાસેથી મળી આવ્યા હતા. આથી મજુરોને બીલીમોરા લાવી પૂછપરછ કરી સ્થળ તપાસ હાથ ધરાઈ હતી. આ વાતની જાણ થતાં મકાન માલિક વતી તેમના પ્રતિનિધિએ બીલીમોરા પોલીસમાં કોન્ટ્રાક્ટર સરફરાઝ કોરડીયા વિરૂદ્ધ તા.21-10-2023નાં રોજ વિશ્વાસઘાત-ઠગાઈની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ નવસારી એલસીબી પોલીસને સોંપી હતી. એલસીબી પોલીસની ટીમ મધ્યપ્રદેશ જઈ મજૂરોની તપાસ પૂછપરછ કરી હતી. જેમાં આરોપી મજૂર રમકુ બંશી ભયડીયા (ઉ.વ.47)એ સંતાડેલા રૂ.11.12 લાખનાં 24 સોનાના કોઈન પોલીસને આપ્યા હતા. બીજો આરોપી રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા (ઉ.વ.28) અને તેની પત્ની બંજારી રાજુ ભયડીયા (ઉ.વ.26)ની પાસેથી રૂ.81.13 લાખની કિંમતનાં 175 સોનાના કોઈન મળી આવ્યા હતા. આ પ્રકરણમાં એક તરૂણ સહિત કુલ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી કુલ રૂ.92.25 લાખની કિંમતના 199 સોનાના સિક્કા કબજે કર્યા હતા. પોલીસે આરોપીને નવસારી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા તા.26-12-2023 થી તા.3-1-2024 સુધી 8 દિવસનાં રિમાન્ડ આપ્યા હતા. કુલ 240 સોનાના સિક્કા પૈકી 41 સિક્કા હજી શોધવાના બાકી છે. પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસે રિમાન્ડ પુરા થવાના બે દિવસ અગાઉ આ મહત્વપૂર્ણ કેસની પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપતા પોલીસની સારી કામગીરી છતાં વિવાદ સર્જાયો છે. પોલીસે કયાં કારણોસર આટલા મોટો કેસની સફળતા 8 દિવસ છુપાવી ? તે અંગે અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.