ગણદેવીના સરીબુજરંગ ગામના વાંસળી વાદક શિક્ષકે ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો
Navsari Suicide Case : ગણદેવીના સરીબુજરંગ ગામના વતની અને વલોટી ગામે સ્વામિનારાયણ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા અને દક્ષિણ ગુજરાતના જાણીતા વાંસળી વાદક નવયુવાન શિક્ષકે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લેતા શોકની કાલિમા વ્યાપી ગઈ છે. વાંસળી વાદક યુવાન શિક્ષકના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગણદેવી તાલુકાના સરીબુજરંગ ગામે મોરા ફળિયામાં રહેતા દક્ષિણ ગુજરાતના જાણીતા વાંસળી વાદક નવયુવાન વિનય સુરેશભાઈ પટેલ (ઉ.વર્ષ.29) સંગીત વિશારદ હતા. અને ગણદેવીના વલોટી ગામે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વિનય પટેલ અપરણિત હતા અને તેમના ખેડૂત માતાપિતા અને નાના ભાઈ સાથે રહેતા હતા. વિનય પટેલ સંગીતની દુનિયામાં વાંસળી વાદક તરીકે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકચાહના મેળવી હતી. નામ પ્રમાણે જ વિનય સ્વભાવના સંગીત શિક્ષક વિનય પટેલ ગઈ કાલે મોહરમની રજા હોય આખો દિવસ પોતાના ઘરમાં પરિવારજનો સાથે વિતાવ્યો હતો. અને પરિવાર સાથે રાત્રે જમીને સાડા નવ વાગ્યે વિનય પોતાના રૂમમાં ચાલી ગયો હતો. અને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં બેડરૂમમાં બારીના લોખંડના સળિયા સાથે કમ્મરના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો હતો.
આજે સવારે નિત્ય ક્રમ મુજબ વિનયની માતા પુષ્પાબેન વહાલસોયા દિકરા માટે સ્કૂલમાં નોકરીએ જવા માટે ટિફિન બનાવીને વિનયની રૂમમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વિનય બહાર નહિ આવતા પિતા સુરેશભાઈ વિનયને બોલાવવા માટે તેના રૂમનો દરવાજો ખખડાવતા અંદર થી કોઈ પ્રતિસાદ નહિ મળતાં ભયભીત બની બારીમાંથી ડોકિયું કરતાં યુવાન પુત્ર વિનયની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોઈ બૂમાબૂમ કરી મુકતા પુષ્પાબેન અને નાનો ભાઈ અલય પટેલ ત્યાં દોડી જઇ દરવાજો તોડી જોતા વિનયને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ કથળ કાળજાના માણસના હદયને હચમચાવી દે તેવું હૈયાફાટ આક્રંદ કરતા શોકની કાલિમા વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં પોતાની વૃદ્ધપણાની લાકડી અને આશાસ્પદ યુવાન શિક્ષક પુત્ર વિનય પટેલના મોત અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જાણીતા વાંસળી વાદક અને સંગીતની દુનિયાના ચમકતા સિતારા સમાન વિનય પટેલે કયા કારણોસર ગળે ફાંસો ખાધો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે. પરંતુ જાણવા મળતી માહિતી અનુસાર વિનય પટેલે પ્રેમમાં નાસીપાસ થઈ આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહી છે. તો બીજી તરફ સંગીતની દુનિયાના ચમકતા સિતારા સમાન વાંસળી વાદક વિનયના મોતથી સંગીતની દુનિયામા પણ શોક વ્યાપી ગયો છે.