Get The App

નવસારીમાં ગ્રીડ ખાતે ગુજરાત ગેસની પાઈપમાં લીકેજથી આગ

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
નવસારીમાં ગ્રીડ ખાતે ગુજરાત ગેસની પાઈપમાં લીકેજથી આગ 1 - image


-આગની 15-20 ફૂટ ઉંચી જવાળાથી વિસ્તારમાં ભયનો માહોલ, એક કાર અને વૃક્ષ આગમાં ખાક

નવસારી

નવસારીનાં ગ્રીડ ખાતે આજે બપોરે ગુજરાત ગેસ લાઈનનાં પાઈપમાં પ્રેશર વધવાથી ગેસનું ગળતર થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં એક ફોરવ્હીલ અને વૃક્ષ બળીને ખાક થયા હતા.આગની ૧૫-૨૦ ફૂટ જવાળાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. બે કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નવસારીનાં ગ્રીડ નજીક આવેલાં રઘુવંશી હોન્ડાનાં શો-રૃમની સામે ગુરૃવારે બપોરે પસાર થતી ગુજરાત ગેસ કંપનીની પાઈપ લાઈનમાં પ્રેશર વધવાથી ધડાકો થયો હતો. અને ગેસનું ગળતર થવાની સાથે આગ ફાટી નીકળી હતી. લગભગ ૧૫ થી ૨૦ ફૂટ આગની લપેટો જોઈને લોકો હેબતાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે એક તરફનો ટ્રાફિક બંધ કરી દીધો હતો. તેમજ નવસારી-વિજલપોર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડ વિભાગનાં ફાયર ફાઈટરો ધસી આવી ફોમ-પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. સાવચેતીના ભાગરૃપે તે વિસ્તારની વીજલાઈનને બંધ કરવામાં આવી હતી. ચાર જેટલા ફાયર ફાયટરોની મદદથી દોઢ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગને કારણે નજીકમાં મુકેલી મારૃતી ઈકો કાર તથા એક વૃક્ષ બળીને ખાક થયા હતાં. સદ્ભાગ્યે આગનાં કારણે કોઈ જાનહાની થઈ ન હતી. નવસારી ગ્રીડ રોડ પર મોટા મોટા શો રૃમ આવેલા છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર, જો આગ પ્રસરીને રૌદ્ર સ્વરૃપ ધારણ કરે તો જાન-માલની મોટી હાનિ થવાની સંભાવના હતી. ખરેખર આગ ફાટી નીકળવાનું શું કારણ હતું ? તે અંગે સત્તાવાર માહિતી નથી. પરંતુ ગુજરાત ગેસ કંપની દ્વારા સુરક્ષાને લગતાં પગલા ઉઠાવવામાં આવે તેવું લોકમુખે ચર્ચાતું હતું.


Google NewsGoogle News