ઉંભરાટના દરિયામાં લાપતા બનેલા સુરતના વધુ એક તરૂણની લાશ મળી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ઉંભરાટના દરિયામાં લાપતા બનેલા સુરતના વધુ એક તરૂણની લાશ મળી 1 - image

image : Social media

Ubhrat Beach Navsari : ઉંભરાટના દરિયામાં ગઈકાલે બે અલગ-અલગ બનાવમાં ઉંભરાટના દરિયામાં ડૂબી જતાં સુરતના એક તરૂણ અને બિહારના યુવાન સહિત બેના કરૂણ મોત નિપજયા હતા. જેમાં ગઈકાલે લાપતા બનેલા સુરત લિંબાયતના વધુ એક તરૂણની દાંતી ગામ તરફ દરિયા કિનારેથી લાશ મળી આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઉંભરાટ દરિયા કિનારે બે અલગ અલગ બનાવમાં રક્ષાબંધનની રજામાં હરવા ફરવા આવેલા સુરતના પાંડેસરા ખાતે આકાશ પુથ્વી ભીમનગર આવાસ ખાતે રહેતા મૂળ બિહારના વતની એવા ફેકુકુમાર પાસવાન (ઉ.વર્ષ.22) અને સુરતના ડુમાલ ટેનામેન્ટ પાછળ, ઓમનગર સોસાયટી, ખાતે રહેતો જીશાન અંસાર અહેમદ અન્સારી (ઉં.વર્ષ.17)નું ઉંભરાટના દરિયામાં ડૂબી જતાં કરૂણ મોત નિપજયા હતા. જ્યારે મરનાર જીશાન અન્સારી સાથે ઉંભરાટ દરિયા કિનારે તેના મિત્રો ઇસરાર અહેમદ અનસારી, અંસાર સલીમ અન્સારી, રિઝવાન અન્સારી, હસીન રિઝવાન અન્સારી અને સમીમ અન્સારી વિગેરે સાથે ફરવા માટે આવેલ દિલસાડ ફિરોજ અહમદ સિદ્દીકી (ઉ.વર્ષ.17, રહે,મીઠી ખાડી, હુસેનીયા મસ્જિદ પાસે, બનારસી ચોક, લિંબાયત, સુરત) ઉંભરાટના દરિયામાં ન્હાવા પડ્યો હતો. જેમાં જીશાન ડૂબી જતાં તેના મિત્રો ભયભીત બની જીશાનની શોધખોળ કરતા તેની રાત્રે લાશ મળી આવી હતી. જ્યારે આ ભાગદોડમાં દિલસાડ સિદ્દીકી પણ દરિયામાં ડૂબી જતાં લાપતા બન્યો હોવની પાછળથી ખબર પડતાં તેના મિત્રોએ દિલસાડની પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.

દરમિયાન આજે સવારે દિલસાડની ઉંભરાટ ગામના દરિયાથી દાંતીગામ તરફ જતા દરિયા કિનારેથી લાશ મળી આવી હતી. આમ ઉંભરાટનો દરિયા કિનારે સેહલાણીઓ માટે વધુ એકવાર ગોઝારો સાબિત થયો હતો. આ બનાવ અંગે મરોલી પોલીસમાં આફતાબ ગુલઝાર અહમદ અન્સારી (રહે,લિંબાયત,સુરત) એ દિલસાડ સિદ્દીકીના મોત અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ઉંભરાટના દરિયામાં એક જ દિવસમાં ત્રણ-ત્રણ વ્યકિતઓના ડૂબી જવાથી મોતની ઘટનાને લઈ સેહલાણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


Google NewsGoogle News