નવસારીના સિંગોદ ગામે 15 વર્ષીય તરુણીને ઊંઘમાં ઝેરી સાપે ડંખ મારતાં મોત
Navsari News : નવસારી તાલુકાના સિંગોદ ગામે ગત મધ્ય રાત્રે ઘરમાં પ્રવેશી ગયેલા એક કાળોતરા ઝેરી સાપે ઘરમાં મીઠી નીંદર માણી રહેલી 15 વર્ષીય તરુણીને જમણા પગના પંજામાં ડંખ મારતાં સારવાર દરમિયાન નવસારી સિવિલમાં કરૂણ મોત નિપજયુ હતું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી તાલુકાના સિંગોદગામે બદામ ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારની ભૂમિ ઉમેશભાઈ હળપતિ(ઉ.વર્ષ.15) ઉગત ગામની શાળામાં ધો.9 માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે રાત્રે ભૂમિ નિત્ય ક્રમ મુજબ તેની માતા અલ્પાબેન સાથે પોતાના ઘરમાં જમીને ઊંઘી ગયા હતા. દરમિયાન તેમના વર્ષો જૂના ઘરમાં એક કાળોતરો ઝેરી સાપ પ્રવેશી ગયો હતો. અને મધ્યરાત્રે 2 વાગ્યા પેહલા મીઠી નીંદર માણી રહેલી ભૂમિને જમણા પગના પંજાના ભાગે ઝેરી સાપે ડંખ માર્યો હતો. પરંતુ કોઈ કીડું કરડ્યું હશે એમ માની ભૂમિ ફરીથી ઉંઘવા લાગી હતી. પરંતુ ઝેરી સાપના ડંખથી તેના શરીરમાં ઝેરી પસરી જતા ભૂમિને અસહ્ય પીડા થવા લાગી હતી. આથી પોતાની માતા અલ્પાબેનને ઊંઘમાંથી જગાડી હતી અને પોતાને બેચેની થતું હોવાનું જણાવ્યું હતું અને કઈ કરડી ગયું હોવાની વાત કહેતા ભૂમિને તાત્કાલિક નજીકમાં આવેલા અંબાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં કોઈ ઝેરી સાપ કરડ્યો હોવાની પુષ્ટિ થતાં તાત્કાલિક વધુ સારવાર માટે નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભૂમિનું કરૂણ મોત નિપજયુ હતું. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં ભૂમિના મામા મનોજભાઈ છનાભાઈ હળપતિ (રહે સિંગોદગામ,તા.જી.નવસારી) એ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.