'અહીં માત્ર ડિલિવરી એપ બને છે', સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા
Zepto CEO Aadit Palicha Slams Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના એક નિવેદન પર સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પિયુષ ગોયલે ગુરૂવારે (3 એપ્રિલ) નવી દિલ્હીમાં આયોજિત સ્ટાર્ટઅપ મહાકુંભમાં ભાગ લેતા કહ્યું હતું કે, શું આપણે ડિલિવરી બૉય અથવા ડિલિવરી ગર્લ બનાવીને ખુશ થવા ઈચ્છીએ છીએ? તેમણે ચીનના સ્ટાર્ટઅપ સિસ્ટમ સાથે તુલના કરતા કહ્યું હતું કે, ભારતમાં આપણે ડિલિવરી એપ્સ બનાવી છે, જે ખૂબ જ ઝડપથી લોકો સુધી સામાન પહોંચાડે છે.
ભારતમાં સ્ટાર્ટઅપ્સ ફૂડ ડિલિવરી એપ્સ, ફેન્સી આઈસ્ક્રીમ, કરિયાણાની ડિલિવરી પર કામ કરી રહ્યા છે. બીજી તરફ, ચીનમાં ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને રોબોટિક્સ પર કામ ચાલી રહ્યું છે.બીજી બાજું ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ થઈ રહ્યું છે અને તે ઈલેક્ટ્રિક વ્હીકલ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. ગોયલના આ નિવેદન પર હવે સ્ટાર્ટઅપ્સની દુનિયામાંથી પણ જવાબ આવી રહ્યા છે. Zepto ના સીઈઓએ ભારતીય સ્ટાર્ટઅપ્સનો પક્ષ મૂક્યો અને કહ્યું કે, અમે દોઢ લાખ નોકરી આપી છે અને સરકારને દર વર્ષે 1000 કરોડ ટેક્સ આપીએ છીએ.
Zeptoના CEOએ આપ્યો જવાબ
Zeptoના સીઈઓ આદિત પાલિચાએ એક્સ પર લખ્યું કે, ‘ભારતમાં કન્ઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ્સની ટીકા કરવી સરળ છે. એ પણ ત્યારે જ્યારે તેમની તુલના ચીન અને અમેરિકાની શાનદાર ટેક્નોલોજી સાથે કરવામાં આવે. અમારૂ જ ઉદાહરણ લઈ લો તો અમે Zepto ના માધ્યમથી 1.5 લાખ રોજગારની તક ઉભી કરી છે. આ એક એવી કંપની દ્વારા કરવામાં આવ્યું છે જે 3.5 વર્ષ પહેલાં અસ્તિત્વમાં પણ નહોતી. દર વર્ષે 1000 કરોડ રૂપિયાનું અમારૂ ટેક્સ યોગદાન છે. ભારતમાં અબજો ડોલરનું FDI આવ્યું છે અને સપ્લાઇ ચેઇનને મજબૂત બનાવવા માટે સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં નવીનતાની દુનિયામાં આ જાદુ નથી તો શું છે?
આપણે મોટા પાયે AI મોડેલો પર કેમ કામ કરી શકતા નથી?
વધુમાં આદિતે કહ્યું કે, આખરે આપણે મોટા પાયે AI મોડેલો પર કેમ કામ કરી શકતા નથી? આનું કારણ એ છે કે આપણે મોટી ઇન્ટરનેટ કંપનીઓ બનાવી નથી. મોટાભાગની ટેકનોલોજીકલ પ્રગતિ ગ્રાહક ઇન્ટરનેટ કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ છેલ્લા બે દાયકાની વાત છે. આજે તમે જુઓ છો કે મોટી ઇન્ટરનેટ કંપનીઓ કોણ છે, એમેઝોન, અલીબાબા, ફેસબુક, ગૂગલ અને ટેન્સેન્ટ વગેરે. આ કંપનીઓ મુખ્યત્વે ગ્રાહક ઇન્ટરનેટ કંપનીઓ રહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કન્ઝ્યુમર ઇન્ટરનેટ કંપનીઓ પાસે મોટી માત્રામાં ડેટા છે. જો આપણે સ્થાનિક બજારમાં લાખો ડોલર કમાશું અને સતત સફળ રહીશું, તો જ આપણે મોટા ટેક્નોલોજીકલ ફેરફારો લાવી શકીશું.
આ પણ વાંચોઃ સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું
આ સિવાય, તેમણે સરકારને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રત્યેની પોતાની જવાબદારીની યાદ અપાવી. આદિતે કહ્યું કે, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે, સરકાર અને ભારતમાં મોટા મૂડીધારકો તરફથી સમર્થનની જરૂર પડશે. આ રીતે એકબીજાના પગ ખેંચવાથી કંઈ પ્રાપ્ત થવાનું નથી. ઝેપ્ટો હજુ પણ એક મોટી ઇન્ટરનેટ કંપની બનવાથી ઘણું દૂર છે, પરંતુ તેમાં ઘણી સંભાવનાઓ છે.



