સૈફ પર હુમલા મામલે જીશાન સિદ્દીકીએ કહ્યું- 'આવી ઘટનાઓને સાંપ્રદાયિક રંગ આપવો યોગ્ય નહીં'
Saif Ali Khan Attacked: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાને કેટલાક લોકો હિન્દુ-મુસ્લિમ એંગલ સાથે જોડવાનો અને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આ મુદ્દે NCP નેતા જીશાન સિદ્દીકીની પ્રતિક્રિયા સામે આવી છે. જીશાને કહ્યું કે, આવી ઘટનાઓને સાંપ્રદાયિક રંગ આપવો યોગ્ય નથી. ચોક્કસપણે આ કાયદા-વ્યવસ્થાનો મામલો છે. તેમાં મુંબઈમાં ખાસ કરીને બાંદ્રામાં જોવું જોઈએ કે શું થઈ રહ્યું છે. પરંતુ તેને સાંપ્રદાયિક રંગ આપવો યોગ્ય નથી.
મીડિયા સાથે વાત કરતા જીશાન સિદ્દીકીએ કહ્યું કે, 'જ્યારે કોઈ પોતાનું જીવ ગુમાવે ત્યારે શું સ્થિતિ હોઈ એ હું સમજું છું, મારા પરિવારમાં પણ આવું બન્યું છે. જ્યારે કોઈ પર હુમલો થાય ત્યારે એ ન જોવું જોઈએ કે, તે હિન્દુ છે કે મુસ્લિમ છે. દેશના દરેક નાગરિકની સુરક્ષા હોવી જોઈએ અને કાયદો અને વ્યવસ્થા જાળવવી જ જોઈએ.'
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે પહેલા જેવી નથી
NCP નેતાએ કહ્યું કે, 'બાંદ્રા અને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે પહેલા જેવી નથી રહી. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ચોક્કસપણે કંઈક કરવું પડશે. મને વિશ્વાસ છે કે આપણી સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ અંગે કડક પગલાં લેશે.'
ઓક્ટોબરમાં જીશાનના પિતા અને NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 26 લોકોની ધરપકડ કરી છે અને ત્રણ લોકો ફરાર છે. હુમલાખોરોના તાર ગુજરાતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલા મામલે મોટી કાર્યવાહી, MPએ વધુ એક શંકાસ્પદની અટકાયત
પિતા પર હુમલા બાદ હોસ્પિટલ આવ્યા હતા ફડણવીસ- જીશાન
પોતાના પિતા સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જીશાને કહ્યું કે, 'સીએમ ફડણવીસ મારા પિતાના નજીકના મિત્ર રહી ચૂક્યા છે. જ્યારે પિતા પર હુમલો થયો ત્યારે તેઓ પણ તત્કાલીન મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. અજિત દાદા પણ આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, જીશાન તું જરાય ચિંતા ના કર તારા પિતા હોવા ઉપરાંત બાબા મારા મિત્ર પણ રહી ચૂક્યા છે.'