'ધોખે સે માર દેતે હે ગીદડ ભી શેર કો...', પિતાની હત્યા પર જીશાનનું છલકાયું દર્દ, 'X' પર કરી પોસ્ટ
Zeeshan Siddique : બાબા સિદ્દિકીની હત્યા બાદ તેમના પુત્ર જીશાન સિદ્દિકીએ એક વાર ફરી સોશિયલ મીડિયામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે, 'બુઝદિલ ડરાયા કરતે હે અક્સર દિલેર કો, ધોખે સે માર દેતે હે ગીદડ ભી શેર કો (કાયર હંમેશા બહાદુરને ડરાવે છે, શિયાળ પણ કપટથી સિંહને મારી નાખે છે.)' અગાઉ પણ તેમણે એક્સ પર લખ્યું હતું કે, 'જો છિપા હે, જરૂરી નહીં કી વહ સો રહા હે. જો સામને દીખ રહા હે, જરૂરી નહીં કી વહ બોલતા હો. (જે છુપાયેલો છે જરૂરી નથી કે તે સૂતો જ હોય. જે સામે દેખાય છે જરૂરી નથી કે તે બોલતો જ હોય.)' નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ્સના કારણે જીશાન સિદ્દિકી ચર્ચામાં આવ્યા છે.
બાબા સિદ્દિકીની હત્યા કરાઇ હતી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને અજિત પવારની NCPના દિગ્ગજ નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરે લીધી હતી. શૂટરે દાવો કર્યો હતો કે બાબા સિદ્દીકી સારા વ્યક્તિ નહોતા અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ સાથે તેમના સંબંધો હતા.
આ પણ વાંચોઃ બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વધુ પાંચ આરોપીની કરી ધરપકડ
ફડણવીસ સાથે કરી હતી મુલાકાત
શુક્રવારે (18 ઓક્ટોબર) બાબા સિદ્દિકીના દિકરા જીશાન સિદ્દિકીએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે ફડણવીસને તેમના પિતાની હત્યા મામલે અત્યાર સુધી કરાયેલી પોલીસ તપાસની માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે તેમના પરિવાર માટે ન્યાયની માંગ કરી હતી અને અપીલ કરી હતી કે તેમના પિતાની મોતનું રાજકારણ ન થવું જોઇએ અને તેને વ્યર્થ પણ ન જવા દેવું જોઇએ. નોંધનીય છે કે, હાલ બાબા સિદ્દિકીની હત્યા મામલે પોલીસ તપાસ ચાલુ છે.
આ પણ વાંચોઃ સલમાન ખાને તાત્કાલિક દુબઈથી મંગાવી બુલેટપ્રૂફ કાર, કિંમત અને ખાસિયત જાણીને ચોંકી જશો