વકફના મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી 50 લાખ મુસ્લિમોને રસ્તા પર ઉતરવા હાકલ

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
વકફના મુદ્દે જાકિર નાઇકની ઉશ્કેરણી 50 લાખ મુસ્લિમોને રસ્તા પર ઉતરવા હાકલ 1 - image


- મલેશિયામાં બેઠાં-બેઠાં વિડીયો લિંક જારી કરી

- ભાજપની સરકાર પહેલાં જેટલી મજબૂત ન હોવાથી પ્રબળ વિરોધ કર્યો તો તેણે પાછું પડવું પડશે તેવો નાઇકનો દાવો

નવી દિલ્હી : કટ્ટરવાદી ઇસ્લામિક પ્રચારક જાકિર નાઇકે પ્રસ્તાવિત વકફ ખરડાનો વિરોધ કર્યો છે. આટલેથી જ ન અટકતા ભાગેડુ ઇસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે તમારે લોકોએ એકજૂથ થઈ વિરોધ કરવો પડશે. વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર છેલ્લા દસ વર્ષ જેટલી તાકાતવર નથી. તેથી મજબૂતીથી વિરોધ કરશો તો તે પારોઠનાં પગલાં ભરશે.

જાકિર નાઇકે વિડીયો જારી કરીને જણાવ્યું છે કે ભારતમાં ૨૧ કરોડથી વધુ મુસલમાન છે. હવે તેમાથી અઢી ટકા એટલે કે ૫૦ લાખથી પણ વધુ લોકો વિરોધ કરશે તો આ બિલને રોકી શકાય છે. જાકિર નાઇકે એક લિંક પણ જારી કરી અને મુસલમાનોને અપીલ કરી જણાવ્યું કે તમે લોકો તેની સામે મતદાન કરો. 

જાકિર નાઇકે વકફની સંપત્તિને ફક્ત મુસલમાનોની સંપત્તિ બતાવતા જણાવ્યું હતું કે ભારતમાં જમીનના કેસમાં વકફ બોર્ડ ત્રીજા નંબરે છે. આ કોઈ જાહેર સંપત્તિ નથી. આ હું ભારતના બિનમુસલમાનોને બતાવવા ઇચ્છું છું. તેના હેઠળ જે જમીન આવે છે, તેને મુસલમાનોએ ઇતિહાસમાં દાન કરી છે. તેમા કોઈ ગેરમુસ્લિમ દખલગીરી કરી ન શકે અને ભારતનું બંધારણ તેની સુરક્ષા પૂરી પાડે છે.આ મુસ્લિમ વિરોધી સરકાર વકફ બિલ દ્વારા તેને કચડવા માંગે છે.

જાકિર નાઇકે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની સરકાર તેટલી મજબૂત નથી જેટલી તે છેલ્લાં દસ વર્ષમાં હતી. તેની સાથે વિપક્ષ પહેલાના મુકાબલે સારી સ્થિતિમાં છે. જાકિર નાઇકે જણાવ્યું હતું કે આ બિલ પાસ થયું તો હજારો મદરેસાઓ, મસ્જિદો અને કબ્રસ્તાનોને મુસલમાનો પાસેથી છીનવી શકાય છે. જો આપણે તેને રોકી ન શક્યા તો આપણી ભાવિ પેઢીઓ આપણને માફ નહીં કરે. 

જાકિર નાઇક કેટલીય વખત વિવાદાસ્પદ નિવેદન આપતો રહે છે. ધર્માંતરણ કરવા, હિંદુ દેવીદેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવાથી લઈને તેના પર સવાલ ઉઠતા રહ્યા છે. હાલમાં તે મલેશિયામાં વસેલો છે અને તે ત્યાંથી જ વિડીયો જારી કરતો રહે છે. ભારતમાં તેની સામે મની લોન્ડરિંગ, નફરત ફેલાવવાનો અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ છે. 


Google NewsGoogle News