‘લગ્ન કરી શકાય એવી’ અનાથ છોકરીઓને ‘દીકરી’ કહેવા બદલ ગુસ્સે થયા ઝાકિર નાઈક, સ્ટેજ છોડીને ભાગી ગયા
Zakir Naik At Pakistan Sweet Home Foundation Event : વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક હાલમાં પાકિસ્તાનમાં છે. 'પાકિસ્તાન સ્વીટ હોમ ફાઉન્ડેશન' નામની અનાથ છોકરીઓને મદદ કરતી પાકિસ્તાની એન.જી.ઓ.ના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ઝાકિર નાઈકને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિવાદાસ્પદ નિવેદનો આપવામાં માહેર ઝાકિર નાઈકે સખાવતના કાર્યક્રમમાં પણ કંઈક એવું કહી દીધું જેના લીધે વિવાદ છેડાઈ ગયો છે.
શું હતી ઘટના?
અનાથ છોકરીઓને અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ઍવોર્ડ આપવા માટે ઝાકિર નાઈકને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન સંચાલકે છોકરીઓને ‘દીકરી’ કહેતાં જ ઝાકિર નાઈક ભડકી ઊઠ્યા હતા. નાઈક સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા અને પછી કાર્યક્રમના સંચાલકો પર ભડકી ઉઠતાં એમણે કહ્યું હતું કે, ‘સંચાલક આ છોકરીઓને દીકરી કહીને સંબોધે છે એ ખોટું છે, ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધનું છે, કેમ કે આ છોકરીઓ બિન-મહરમ છે. તેમને સ્પર્શી ન શકાય અને દીકરી પણ ન કહી શકાય.’
બિન-મહરમ એટલે શું?
મહરમ અરબી ભાષાનો શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ કુટુંબના સભ્યો માટે કરવામાં આવે છે. એવા સભ્યો જેની સાથે લગ્ન કરી શકાતા નથી. તેથી, બિન-મહરમનો અર્થ થાય, એવી વ્યક્તિ જે નજીકની સંબંધી નથી, જેમને તમે જાણતા નથી. તેથી એવી વ્યક્તિ લગ્ન માટે લાયક ગણાય છે. ઝાકિર નાઈકે પેલી અનાથ છોકરીઓને બિન-મહરમ ગણાવીને એમને ‘પારકી’ અને ‘લગ્નને લાયક’ (લગ્ન કરી શકાય એવી) ગણાવી હતી. કાર્યક્રમમાં ઘણા બધા પત્રકારો હાજર હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલોએ આ ઘટના દર્શાવતાં વિવાદ સર્જાયો છે.
ભારતના ભાગેડુ છે ઝાકિર નાઈક
2016માં ભારતની તપાસ એજન્સીએ મની લોન્ડરિંગના કેસમાં ઝાકિર નાઈક સામે કાયદાકીય તપાસ શરુ કરી હતી. એ સમયે ઝાકિર મલેશિયામાં હતા. ભારત આવે તો જેલની હવા ખાવાનો વારો આવે એમ હોવાથી ઝાકિર મલેશિયામાં જ રોકાઈ ગયા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે. ભારતના આ ભાગેડુ તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાતે છે જ્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને નાયબ વડાપ્રધાન ઈશાક ડારને મળ્યા હતા. ભારતમાં ગાયનું માંસ ખાવા પર પ્રતિબંધ હોવા બાબતે પણ તેઓ પાકિસ્તાનમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે.