ઝાકિર હુસૈન : વાસણો વગાડીને બનાવતા હતા ધૂન, 11 વર્ષની ઉંમરે પિતા પાસે શીખ્યા તબલા, જીત્યા ત્રણ ગ્રેમી એવોર્ડ
Ustad Zakir Hussain Death : કલાકારો તો ઘણા હોય છે, કલાકારી કરનારાઓ પણ ઘણા હોય છે, જોકે ઉત્સાદ બનવું સહેલું નથી. એક ઉસ્તાદ પોતાનામાં એક વટવૃક્ષ જેવા હોય છે. આવા જ એક ઉત્સાદ આજે આપણને છોડીને જતા રહ્યા છે. સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ હવે આપણી વચ્ચે રહ્યા નથી. ઉત્સાદ જાકિ હુસૈનનું 73 વર્ષની ઉંમરે રવિવારે (16 ડિસેમ્બર, 2024) નિધન થયું છે. તેમના નિધનથી તેમના ચાહકો સહિત અનેક હસ્તિઓને આઘાત લાગ્યો છે. આજે સંગીતની મહેફીલ પણ સૂની પડી ગઈ છે. રવિવારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમનું અનેરું યોગદાન સૌકોઈના દિલમાં વસેલું છે. વર્ષ 2023માં સંગીત જગતમાં અતુલ્ય યોગદાન આપવા બદલ ભારત સરકારે ઝાકિર હુસૈનને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.
ઝાકિર હુસૈનને વારસામાં મળ્યું સંગીત
ઉત્સાદ ઝાકિ હુસૈનને સંગીત વારસામાં મળ્યું હતું. તેમના પિતા દેશના જાણિતા તબલા વાદકોમાંથી એક હતા. તેઓ દેશ-વિદેશમાં મોટા-મોટા કોન્સર્ટ કરતા હતા. જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે પિતાએ ઝાકિરના કાનમાં તાલ સંભળાવ્યું હતું. અને પછી સંગીત પરિવાર મળ્યો, પિતાના આશીર્વાદ મળ્યા અને ત્યાંથી ઝાકિર હુસૈનની ઉત્સાદ બનવાની શરૂઆત થઈ. એ વખતે દોઢ દિવસના ઝાકીરને આપેલા આશીર્વાદ તેમના પુત્રને દુનિયાનો સૌથી મોટો તબલાંનો ઉસ્તાદ બનાવી દેશે, ખુદ ઉસ્તાદ અલ્લાહ રખાને પણ અંદાજો નહીં હોય.
ઘરના વાસણોથી બનાવતા હતા ધૂન
ઝાકિર જ્યારે ધૂન વગાડતા હતા, ત્યારે તે એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી લાગતું હતું. તબલા વગાડનારા ઘણો લોકો હોય છે, જોકે ઝાકિર જેવા કોઈ ન હતા. તેમની આંગળીઓમાં જાદુ હતો. તેઓ તબલાથી ક્યારેક દોડતી ટ્રેનની ધૂન વગાડતા હતા, તો ક્યારે ભાગતા ઘોડાની ધૂન વગાડીને દેખાડતા હતા. તેમની ખાસ વાત એ છે કે, તેઓ પોતાના અભિનય દ્વારા શ્રોતાઓને સંગીતના ઊંડાણનો પરિચય કરાવતા અને મનોરંજન પણ ઉભું કરતા હતા. જોકે તેમણે ધૂનની શરૂઆત ઘરના વાસણોથી કરી હતી. એવું કહેવાય છે કે, તેમણે 11 વર્ષની ઉંમરે જ પિતા પાસેથી તબલાં વગાડતા શીખી લીધું હતું.
આ પણ વાંચો : પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈનનું નિધન, 73 વર્ષની વયે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
ત્રણ વર્ષની ઉંમરે રિધમ શીખવાનું શરૂ કર્યું
ઝાકિર હુસૈનનો જન્મ મુંબઈમાં થયો હતો. ઝાકીરને બાળપણથી જ તબલાનો ખૂબ શોખ હતો અને તેણે તેના પિતા પાસેથી તેની ટ્રિક પણ શીખી હતી. માત્ર ત્રણ વર્ષની ઉંમરે, તેણે તાલ વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરનો પહેલો કોન્સર્ટ જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે કર્યો હતો. આ પછી, તેણે 11 વર્ષની ઉંમરે પ્રવાસ કરવાનું શરૂ કર્યું. આ પછી, જ્યારે ઝાકિરને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું, ત્યારે તે આવું કરનાર પ્રથમ ભારતીય હતા.
ઝાકીરનું દેશના ત્રણ સર્વોચ્ચ એવોર્ડથી સન્માન
9 માર્ચ 1951એ મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસૈનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મ શ્રીથી સન્માનિત કરાયા હતા. ઝાકિર હુસૈનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે. હાલ, રાજકીય, ફિલ્મ જગત અને સંગીત જગતની હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
ભારત પ્રવાસની જાહેરાત કરી હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઝાકિર હુસૈનની 'એઝ વી સ્પીક'એ ભારત પ્રવાસની જાહેરાત કરી હતી. તેમાં ઘણા મોટા કલાકારોની ભાગીદારીની વાત હતી અને આ પ્રવાસ આવતા વર્ષે એટલે કે 2025માં જાન્યુઆરીમાં શરૂ થવા જઈ રહ્યો છે. દરમિયાન, હવે ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી દરેકનું દિલ તૂટી ગયું છે. દરેક ચાહકો અત્યંત દુઃખી છે અને ઝાકિરના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.