ઝાકીર હુસેન : એક ઓલિયો આત્મા જેને લીધે તબલાને પણ જન્નતમાં સ્થાન મળ્યું
જગવિખ્યાત તબલા વાદક ઝાકીર હુસેન જન્નતશીન થયા. ખુદાને લાગ્યું કે 'આવા ઓલિયા ઇન્સાન અને તેમાં પણ મંત્રમુગ્ધ થઇ જવાય તેવા આ તબલા વાદકનું સ્થાન તો મારા દરબારમાં હોવું જોઈએ' અને ભારતના ખજાનામાંથી જાણે એક હીરો નાદ સાથે બ્રહ્મમાં લીન થઇ ગયો. ઝાકીર હુસેનનો જન્મ ૯ માર્ચ ૧૯૫૧માં મુંબઈમાં થયો હતો. તેમના લેજેન્ડ સમાન તબલા વાદક પિતા ઉસ્તાદ અલ્લા રખાએ તેમના આ પુત્રનો જન્મ થયો તે સાથે પરંપરા પ્રમાણે કાનમાં ખુદાનો આભાર માનતા બંદગી કરતી ટૂંકી પ્રાર્થના બોલવાની હોય તેની જગ્યાએ તબલાની થાપટનો અવાજ સંભળાવ્યો હતો. અલ્લા રખા કહેતા કે શાસ્ત્રીય સંગીતનું ગાયન અને વાદન ખુદાની જ ભેટ છે. તે બંદગી અને જન્નત સાથે જોડનાર સેતુ છે. જે બાળકને આવો વારસો મળ્યો હોય તેને જન્મતા જ ખુદાના આશીર્વાદ મળી જ ગયા હોય કે 'જા, તારા તબલા વાદનથી તું વિશ્વને ધ્યાનના એક દિવ્ય સ્તર પર લઇ જઈશ. ૧૯૯૮માં પદ્મશ્રી, ૨૦૦૨માં પદ્મભૂષણ અને ૨૦૨૩માં જેને પદ્મવિભૂષણનું સન્માન મળ્યું જે ખરેખર તો એવોર્ડનું સન્માન અને ગૌરવ વધારવા જેવો પ્રસંગ કહી શકાય. ઝાકીર હુસેનને સાત વખત ગ્રેમી એવોર્ડ મળ્યા જે કદાચ તેમને પણ જીવન સાફલ્ય લાગે તેવી સિદ્ધી કહી શકાય. હજુ આ વર્ષે તેમનું નિધન થયું અને આ જ વર્ષે તેમને ત્રણ ગ્રેમી મળ્યા તે જ બતાવે છે કે ચિરવિદાય સુધી તેમણે વિશ્વના દિલ પર રાજ કર્યું. 'ધ ન્યુયોર્ક ટાઈમ્સ' અખબારે તેમના માટે લખ્યું કે '‘blur of his fingers rivals the beat of hummingbird's wings.’ ૬૫થી વધુ દેશ વિદેશના જીનીયસ ગાયકો અને વાદ્ય સંગીતજ્ઞા જોડે તેમની સંગતની રેકોર્ડ્સ, ડીવીડી જેવો સમૃદ્ધ તેનો ડિસ્કોગ્રાફી પ્રદાનનો વૈભવ છે સેંકડો શોમાં તેમણે જમાવટ કરી હતી. ૧૫ જેટલી ફિલ્મોમાં પણ તેમની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો. સાઉન્ડ ટ્રેકમાં આપેલ યોગદાનને પણ કેમ ભૂલાય.. આવા ઓલિયા ઇન્સાનનું ૧૫ ડીસેમ્બર ,૨૦૨૪નાં રોજ સાન ફ્રાન્સિસ્કોમાં ફેફસાની બીમારીને લીધે નિધન થયું હતું. સંગીતના તમામ વાદ્યો આમ તો બંદગીનું સાધન જ છે આમ છતાં એમ કહી શકાય કે ઝાકીર હુસેનને લીધે તબલાને પણ જન્નતમાં સ્થાન મળ્યું.