રાજ્યસભા અને દક્ષિણ ભારતમાં NDA વધુ મજબૂત બનશે: જગનમોહનની YSRના બે સાંસદોનું રાજીનામું

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News

:રાજ્યસભા અને દક્ષિણ ભારતમાં NDA વધુ મજબૂત બનશે: જગનમોહનની YSRના બે સાંસદોનું રાજીનામું 1 - image

Rajya Sabha MPs quit: લોકસભા ચૂંટણીના કારમા પરિણામો બાદ ભાજપ માટે ટેન્શન વધી ગયું છે પરંતુ હવે તબક્કાવાર સરકાર પાટે ચઢી રહી છે. બીજેપીના નેતૃત્વવાળા એનડીએ સંગઠનને રાજ્યસભામાં બહુમત મળ્યા બાદ હવે વધુ એક સારા સમાચાર આવ્યા છે. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) સામે લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસની મુશ્કેલીઓનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. 

ગુરુવારે YSRના બે વર્તમાન રાજ્યસભા સાંસદો, બીડા મસ્તાન રાવ અને મોપીદેવી વેંકટરામન રાવે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને મળ્યા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. અહેવાલો અનુસાર તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. બંને આગામી સપ્તાહે કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના મજબૂત સહયોગી TDPમાં જોડાય તેવી શક્યતા છે.

અહેવાલ અનુસાર મસ્તાન રાવને રાજ્યસભામાં TDP ઉમેદવાર તરીકે પાછા ફરવાનું કહેવામાં આવશે જ્યારે મોપીદેવીને રાજ્ય વિધાનસભામાં MLC પદ માટે ચૂંટણી લડવા માટે કહેવામાં આવશે. 2022માં રાજ્યસભામાં આવેલા મસ્તાન રાવનો કાર્યકાળ 2028 સુધી છે. મોપીદેવી 2020માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ 2026 સુધીનો હતો. 

YSRની પડતી :

બે સાંસદોના રાજીનામાને કારણે YSR કોંગ્રેસ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. YSRCP પાસે હવે 11ને બદલે 9 સાંસદ છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાંથી બહાર ફેંકાઈ ગયેલ પાર્ટીને લોકસભા ચૂંટણીમાં 25માંથી માત્ર ચાર બેઠકો પર જીત મળી જ્યારે ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી પાસે લોકસભાના 16 સાંસદો છે, જ્યારે ભાજપે બે બેઠકો જીતી હતી. પવન કલ્યાણની આગેવાની હેઠળની જનસેનાના બે લોકસભા સાંસદો છે.

રાજ્યસભામાં NDA બહુમતને પાર :

રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં જીત બાદ એનડીએ રાજ્યસભામાં બહુમતનો આંકડો પાર કરી લીધો હતો. એનડીએ 11માંથી 10 સીટો જીતવામાં સફળ રહી હતી. હાલમાં રાજ્યસભામાં એનડીએના સભ્યોની સંખ્યા 114 છે, જેમાં કેટલાક નામાંકિત અને અપક્ષ સભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજેપી 96 સાંસદો સાથે સૌથી મોટી પાર્ટી છે. ટીડીપીના બે સાંસદો ફરી ચૂંટાવાથી એનડીએની તાકાત વધુ વધશે.

આ પણ વાંચો: NDAમાં નવા જૂનીના એંધાણ? અજીત પવારે જ સરકાર વિરુદ્ધ કર્યા મૌન ધરણાં


Google NewsGoogle News