યુટયુબર એલ્વિશ યાદવની સાપના ઝેરના કેસમાં ધરપકડ
બિગ બોસ વિજેતા અને કરોડોની સંપત્તિના માલિક
એલ્વિશ યાદવ પર વાઈલ્ડ લાઈફ એક્ટ ઉપરાંત પાર્ટીઓમાં સાપનું ઝેર નશા માટે વહેંચવાનો આરોપ
નવી દિલ્હી: યુટયુબર અને બિગ બોસ ઓટીટી ટુ વિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે રવિવારે ધરપકડ કરી છે. કોબ્રા કેસમાં પોલીસ દ્વારા તેની સતત પૂછપરછ થઈ રહી હતી. યુટયુબર પર પોતાના ફાર્મ હાઉસમાં જીવંત સાપ સાથે વીડિયો બનાવવાનો તેમજ ગેરકાયદે રેવ પાર્ટી યોજીને તેમાં સાપના ઝેર તેમજ નશીલા પદાર્થોનો ઉપયોગ કરવાનો આરોપ મુકાયો છે.
એક એનજીઓ પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસે ગયા વર્ષે નવેમ્બરમાં નોઈડા સેક્ટર ૫૧માં શેવરોન બેન્ક્વે હોલમાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી. એફઆઈઆરમાં યાદવને આરોપી બનાવાયો હતો પણ ત્યારે તેની ધરપકડ નહોતી કરાઈ. પોલીસે બિગ બોસ વિજેતાની બે વાર પૂછપરછ કરીને તેની પાસેથી માહિતી મેળવી હતી.
પોલીસે જણાવ્યું કે તેમને મળેલી માહિતી મુજબ એલ્વિશ યાદવ નોઈડા અને એનસીઆરના ફાર્મ હાઉસમાં ગેન્ગના અન્ય સભ્યો તેમજ યુટયુબરો સાથે જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરતો હતો અને ગેરકાયદે રેવ પાર્ટીનું આયોજન કરતો હતો. આવા પ્રસંગોએ વિદેશી છોકરીઓને બોલાવાતી હતી અને તેમને સાપનું ઝેર તેમજ અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હતો.
પોલીસને તેમની પાસેથી ૨૦ એમએલ સાપનું ઝેર, પાંચ કોબ્રા, એક અજગર અને બે માથાવાળા બે સામ તેમજ એક રેટ સ્નેક મળી આવ્યા હતા.
એલ્વિશે પોતાને સમગ્ર મામલામાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. પણ હાલમાં જ ધરપકડ કરાયેલા એક આરોપીએ જણાવ્યું કે તેણે એલ્વિશની પાર્ટીમાં સાપનું ઝેર પહોંચાડયું હતું.
એલ્વિશે ગુડગાંવના વજીરાબાદમાં એક ૧૨ કરોડનું આલીશાન ચાર માળનું ઘર ખરીદ્યું હતું. આ સિવાય દુબઈમાં આઠ કરોડનું આલીશાન ઘર પણ છે. એલ્વિશની સરેરાશ માસિક કમાણી ૧૦-૧૫ લાખ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે અને તેની નેટવર્થ આશરે ૪૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
પોતાની લાઈફસ્ટાઈલ અને મોંઘી કારોને કારણે અવારનવાર ચર્ચામાં રહેનાર એલ્વિશ પાસે લક્ઝરી કારોનું કલેક્શન છે.