રૂ. 500 કરોડની છેતરપિંડીમાં યુટયુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહને સમન્સ
- એપ આધારિત ચકચારી કૌભાંડ
- કૌભાંડના મુખ્ય આરોપી શિવરામની ધરપકડ : હાઇબોક્સ નામની એપમાં દરરોજ એક થી પાંચ ટકા રિટર્નનું વચન અપાયું હતું
- આઠ મહિના પહેલા લોન્ચ થયેલી એપમાં 30,000થી વધારે લોકોનું રોકાણ : શરૂઆતના પાંચ મહિનાઓમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું હતું
નવી દિલ્હી : દિલ્હી પોલીસે ૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીવાળી એપ આધારિત કૌભાંડમાં યુટયુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને સમન્સ મોકલ્યા છે.
પોલીસને ૫૦૦થી વધુ ફરિયાદો મળી હતી જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે અનેક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ અને યુટયુબર્સે પોતાના પેજ પર હાઇબોક્સ મોબાઇલ એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપ દ્વારા રોકાણ કરવા માટે લાલચ આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કૌભાંડના મુખ્ય આરોપી ચેન્નાઇ નિવાસી શિવરામ (૩૦ વર્ષ)ની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરિયાદ અનુસાર સૌરવ જોશી, અભિષેક મલ્હાન, પૂરવ ઝા, એલ્વિશ યાદવ, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, લક્ષ્ય ચૌધરી, આદર્શ સિંહ, અમિત અને દિલરાજ સિંહ રાવત સહિત સોશિલ મીડિયા ઇન્ફલુએન્સર્સ અને યુટયુબર્સે એપ્લિકેશનનો પ્રચાર કર્યો હતો અને લોકોને એપના માધ્યમથી રોકાણ કરવા માટે લાલચ આપી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (આઇએફએસઓ સ્પેશિયલ સેલ) હેમંત તિવારીએ જણાવ્યું હતું કે હાઇબોક્સ એક મોબાઇલ એપ્લિકેશન છે. જે એક સુનિયોજિત કૌભાંડનો ભાગ હતો.
ડીસીપીએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન દ્વારા આરોપીને દરરોજ એકથી પાંચ ટકાના ગેરેન્ટેડ રિટર્ન વચન આપ્યું હતું. જે એક મહિનામાં ૩૦થી ૯૦ ટકાની બરાબર છે.
આ એપ ફેબુ્રઆરી ૨૦૨૪માં લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં ૩૦,૦૦૦થી વધારે લોકોએ રોકાણ કર્યુ હતું. શરૂઆતના પાંચ મહિનાઓમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું હતું.
જો કે જુલાઇથી એપે ટેકનિકલ ખામીઓ, કાયદાકીય પાસાઓ, જીએસટી જેવા કારણો આપીને પેમેન્ટ રોકી દીધું હતું. ડીસીપી તિવારીએ જણાવ્યું હતું કે આ કંપની ઉત્તર પ્રદેશના નોએડામાં પોતાની ઓફિસ બંધ કરી અદ્રશ્ય થઇ ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે માસ્ટરમાઇન્ડ શિવરામની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના ચાર અલગ અલગ બેંક ખાતાઓમાંથી ૧૮ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.