CM યોગીએ રોજગાર મેળામાં એક વિદ્યાર્થીને સ્માર્ટફોન આપ્યો અને કાર્યક્રમથી બહાર નીકળતાં જ...
UP Rozgar Mela: યુપીના ગાઝિયાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રોજગાર મેળા કાર્યક્રમ અંતર્ગત યુવાનોને 6000 સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કર્યું હતું. જેમાં અગાઉથી નોંધાયેલા 1000 બેરોજગાર યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં એક વિકલાંગ વિદ્યાર્થીને સ્માર્ટફોન આપવામાં આવ્યો હતો પરંતુ જેવો વિદ્યાર્થી તેનો સ્માર્ટફોન સાથે બહાર આવ્યો કે, તરત જ એક વ્યક્તિ દ્વારા કથિત રીતે સ્માર્ટફોન છીનવી લેવામાં આવ્યો. આ મામલે ઘંટાઘર કોતવાલી પોલીસે વિદ્યાર્થીની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
આ ઘટનાને લઇને એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એમએમએચ કોલેજમાંથી એલએલબી પૂર્ણ કરનાર મનોજને બુધવારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્માર્ટફોન આપવામાં આવ્યો હતો. જો કે, ઘંટાઘર રામલીલા મેદાનમાં આયોજિત રોજગાર મેળા બાદ કોઈ અજ્ઞાત શખ્સે મનોજ પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. લાભાર્થીઓની યાદીમાં નામ આવતાં મનોજને મોબાઈલ ફોન મળ્યો હતો.
કેસની તપાસમાં લાગેલી છેપોલીસ
મનોજ જિલ્લાના અફઝલપુર પાવટી ગામનો રહેવાસી છે. મનોજે કહ્યું કે, જ્યારે મોબાઈલ છીનવાઈ ગયો ત્યારે મેં બૂમો પાડી, પરંતુ લાઉડસ્પીકરના અવાજના કારણે કોઇને મારો અવાજ સંભળાયો નહીં. આ અંગે જ્યારે એડિશનલ પોલીસ કમિશનર રિતેશ ત્રિપાઠીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, સ્માર્ટફોન કોણે છીનવ્યો તે જાણી શકાયુ નથી.