'કુશ્તીને બરબાદ કરી દીધી...', સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને પુનિયા વિરુદ્ધ યુવા પહેલવાનો મેદાનમાં
Image Source: Twitter
- જંતર-મંતર ખાતે સેંકડો યુવા પહેલવાનોએ એકઠા થઈને દિગ્ગજ પહેલવાનો વિરુદ્ધ નારા લગાવ્યા
નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2024, બુધવાર
ભારતીય કુસ્તી સંઘ અને પહેલવાનો વચ્ચે ચાલી રહેલા વિવાદે આજે નવો વળાંક લીધો છે. અત્યાર સુધી આંદોલન કરનારા અને પોતાનું સન્માન પરત કરનારા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટની વિરુદ્ધ જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયુ છે.
આજે અનેક યુવા પહેલવાનોએ જંતર મંતર ખાતે ઓલિમ્પિક વિજેતા રેસલર સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવા કુસ્તીબાજો ભારતમાં કુસ્તીના વિકાસમાં અવરોધ ઊભો કરવા બદલ ત્રણેય સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ભારતીય કુસ્તી સંઘ વિરુદ્ધ સતત પ્રદર્શન કરવાના કારણે આખું વર્ષ કુસ્તી નથી થઈ શકી અને તેનો પ્રભાવ યુવા પહેલવાનો પર પડ્યો છે. તેમના આંદોલનના કારણે યુવા પહેલવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. એટલા માટે સેંકડો યુવા પહેલવાનોએ દિલ્હીમાં એકઠા થઈને જંતર-મંતર પર સીનિયર પહેલવાનો સામે વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું છે. આ દરમિયાન યુવા પહેલવાનો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટના નામના નારા લગાવતા નજર આવ્યા હતા. આ દરમિયાન આ તમામ લોકોના હાથમાં તેમના નામની પોસ્ટ પણ હતી અને તેના દ્વારા આ લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા.
યુવા પહેલવાનોએ સીનિયર પહેલવાનો પર કુસ્તીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. જંતર-મંતર ખાતે સેંકડો યુવા પહેલવાનોએ એકઠા થઈને દિગ્ગજ પહેલવાનો વિરુદ્ધ નારા લગાવ્યા છે. પ્રદર્શનકારીઓના હાથમાં બેનર પણ હતા જેમાં લખ્યું હતું કે, બજરંગ, વિનેશ અને સાક્ષીએ દેશમાં કુશ્તીની સ્થિતિ ખરાબ કરી નાખી છે.
બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો
થોડા દિવસો પહેલા મહિલા પહેલવાન વિનેશ ફોગટને પીએમ ઓફિસ જતી વખતે અટકાવવામાં આવી હતી. તે PMOને અર્જુન એવોર્ડ પરત કરવા જઈ રહી હતી. આવી સ્થિતિમાં પહેલવાને કર્તવ્ય પથ ઉપર અર્જુન એવોર્ડ છોડી દીધો હતો. આ અગાઉ પહેલવાન બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બર મહિનાની 22મી તારીખે બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તેણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો.