તમારા ફોન-ઇમેલની જાસૂસી થાય છે : એપલની ચેતવણી
- એપલે 'હેકિંગ' અંગે ઇમેલ કર્યાનો વિરોધપક્ષાનો દાવો
- મહુઆ મોઈત્રા, અખિલેશ યાદવથી લઈ પ્રિયંકા ચતુર્વેદી, સીતારામ યેચૂરીનો કેન્દ્ર સરકાર પર જાસૂસીનો આક્ષેપ
- વિપક્ષ પાસે મુદ્દા નથી એટલે જાસૂસીનો આક્ષેપ કર્યો, એપલે 150 દેશોમાં લોકોને ચેતવણી આપી : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો દાવો
નવી દિલ્હી : કેશ ફોર ક્વેરી મુદ્દે ઘેરાયેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ મંગળવારે સવારે ટ્વિટ કરીને દાવો કર્યો કે તેમને એપલ કંપનીએ સંદેશ અને ઈ-મેલ મોકલીને ચેતવણી આપી છે કે સરકાર તેમનો ફોન અને ઈ-મેલ હેક કરી રહી છે. મોઈત્રાના આ દાવા પછી વિપક્ષના અનેક નેતાઓ આગળ આવ્યા અને તેમણે સરકાર પર તેમની જાસૂસી કરવાનો આરોપ મૂકતા રાજકીય સ્તરે હોબાળો મચી ગયો હતો. જોકે, કેન્દ્ર સરકારે આ આક્ષેપો ફગાવી દીધા હતા અને તાત્કાલિક આ ઘટના બાબતે તપાસના આદેશ આપ્યા હતા. બીજીબાજુ એપલ કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે તેણે આવા કોઈ સંદેશા કોઈને મોકલ્યા નથી.તૃણમૂલ કોંગ્રેસ નેતા મહુઆ મોઈત્રાએ મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે, તેને એપલ કંપની તરફથી એક સંદેશ મળ્યો છે. આ સંદેશમાં લખ્યું હતું કે, એપલનું માનવું છે કે તમને સ્ટેટ સ્પોન્સર્ડ હેકર્સ દ્વારા નિશાન બનાવાઈ રહ્યા છે, જે તમારા એપલ આઈડી સાથે સંકળાયેલા આઈફોનને રિમોટલી કંટ્રોલ મારફત જોખમમાં નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વધુમાં આ ચેતવણીને ગંભીરતાથી લેવી.
વિપક્ષના આ નેતાઓને એપલની ચેતવણી મળી
મોઈત્રાની આ ટ્વિટ પછી વિપક્ષના અનેક નેતાઓએ દાવો કર્યો કે તેમને પણ એપલ તરફથી આવ જ ચેતવણી અપાઈ છે.
સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, શિવસેના (યુબીટી)નાં પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, સીપીએમના મહાસચિવ અને પૂર્વ સાંસદ સીતારામ યેચુરી, એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા અને પ્રવક્તા પવન ખેરા, ધ વાયર ન્યૂઝ વેબસાઈટના સંસ્થાપક અને કોંગ્રેસ નેતા શશિ થરૂર વગેરે નેતાઓએ પણ એપલે તેમને આ સૂચના મોકલી હોવાનો દાવો કર્યો હતો. આ તમામ નેતાને સોમવારે રાતે ૧૧.૪૫ કલાકે એક સાથે મોબાઈલ પર મેસેજ ડિલિવર થયો હતો.
સરકારનો બચાવ, ફોન હેકિંગ મુદ્દે તપાસનો આદેશ અપાયો : વૈષ્ણવ
વિપક્ષના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકારે આ વિવાદની તપાસ માટે આદેશ આપ્યા છે. ટેલીકોમ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર આ મુદ્દે ચિંતિત અને ગંભીર છે. તે આ વિવાદના મૂળ સુધી જશે. અમે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમણે ઉમેર્યું કે, એપલે ૧૫૦ દેશોમાં આવી એલર્ટ આપી છે. એપલ પાસે આ અંગે કોઈ માહિતી નથી. તેમણે અંદાજના આધારે આ એલર્ટ લોકોને મોકલી છે. સાથે તેમણે વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે દેશમાં કેટલાક ટીકાકારો દેશનો વિકાસ જોઈ નથી શકતા.
પીયુષ ગોયલને પણ આવો સંદેશ મળ્યો, એપલે જવાબ આપવો પડશે
બીજીબાજુ માહિતી અને પ્રસારણ મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, એપલે આ અંગે જવાબ આપવો પડશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને પણ આવું નોટિફિકેશન આવ્યું છે. આ ચૂંટણી મોસમ છે અને લોકો દરેક પ્રકારની બાબતો કાઢશે. એપલે સ્પષ્ટ કરવું પડશે કે શું તેની ડિવાઈસ સુરક્ષિત છે. જોખમની એલર્ટ ૧૫૦થી વધુ દેશોમાં લોકોને કેમ મોકલાઈ છે. કારણ કે એપલે વારંવાર દાવો કર્યો છે કે તેમના ઉત્પાદન ગુપ્તતા માટે ડિઝાઈન કરાયા છે.
સરકાર સ્પોન્સર્ડ જોખમ અંગે કોઈ માહિતી આપી નથી : એપલ
વિપક્ષના આક્ષેપો પછી મંગળવારે કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, એપલ, જોખમની સૂચના અથવા સરકાર સ્પોન્સર્ડ જોખમ અંગે માહિતી આપતી નથી. શક્ય છે કે કેટલાક એપલમાં જોખમની એલર્ટ ખોટો એલાર્મ હોઈ શકે છે. અમે આ અંગે માહિતી આપવામાં અસમર્થ છીએ.
રાહુલ ગાંધીનો મોદી-અદાણી પર હુમલો
અદાણી મુદ્દે સવાલો પૂછતા ગભરાયેલી સરકાર જાસૂસી કરાવે છે : રાહુલ
- અદાણી પર સવાલ કરતા સીબીઆઈ ઈડી સક્રિય થઈ જાય છે, સરકારનો ઈરાદો લોકોનું ધ્યાન બીજે ભટકાવાનો
એપલે વિપક્ષના નેતાઓને તેમના આઈફોન અને ઈ-મેલ સરકાર હેક કરવા માગતી હોવા અંગે ચેતવણી આપી હોવાના વિપક્ષના નેતાઓના દાવા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ વધુ એક વખત નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અદાણી પર હુમલો કર્યો હતો.
રાહુલ ગાંધીએ તેમના સ્ટાફના કેટલાક લોકોને પણ એપલની ચેતવણીના મેસેજ અને ઈમેલ મળ્યા હોવાનો પુરાવો પત્રકાર પરિષદમાં દર્શાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી મુદ્દો ઉછાળવામાં આવતા મોદી સરકાર વિપક્ષના કેટલાક નેતાઓની કથિત રીતે જાસૂસી કરાવી રહી છે. વધુમાં લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે તપાસ એજન્સીઓને કામે લગાવાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ફોન ટેપિંગથી ડરતા નથી. કેસી વેણુગોપાલ, પવન ખેરા, સીતારામ યેચુરી સહિત અનેક નેતાઓને આવા મેસેજ આવ્યા છે. બહુ ઓછા લોકો ભાજપ અને અદાણી સામે લડી રહ્યા છે. તમે ઈચ્છો તો મારો ફોન જ હું તમને આપી શકું છું. અમે લડવા તૈયાર છીએ. રાહુલ ગાંધીએ આ સમયે એક પોપટ અને રાજાની વાર્તા પણ કહી હતી. તેમણે ઉમેર્યું કે, હકીકત એ છે કે સત્તા બીજા કોઈના હાથમાં છે. જેવા અદાણી પર સવાલ ઉઠાવવામાં આવે એટલે ઈડી, સીબીઆઈ સક્રિય થઈ જાય છે. પરંતુ મોદી સરકારે સમજી લેવું જોઈએ કે હવે અદાણી બચી નહીં શકે.