'તમે કબજો કરશો અને અમે બેસીને લોલીપોપ ખાતા રહીશું...', બાંગ્લાદેશ મુદ્દે મમતા બેનર્જીનું રૌદ્ર સ્વરૂપ
Mamata Banerjee's angry look on Bangladesh issue : બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલી હિંસાને લઈને ભારતમાં વિરોધ પ્રદર્શન પ્રબળ બની રહ્યા છે. આ હિંસાની અસર પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓડિશા અને આસામમાં જોવા મળી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ સોમવારે બંગાળ વિધાનસભામાં કહ્યું, "કેટલાક લોકો કહી રહ્યા છે કે, તેઓ બિહાર પર કબજો કરી લેશે. તેઓ ઓડિશા પર કબજો કરશે. હું તેમને કહું છું કે ભાઈ, તમે સારા રહો, સ્વસ્થ રહો અને સુંદર રહો. તમારામાં તો શું અન્ય કોઈમાં પણ એટલી હિંમત નથી કે, તેઓ બંગાળ, બિહાર અને ઓડિશા પર કબજો જમાવી લેશે અને અમે બેસીને લોલીપોપ ખાઈશું, આવું વિચારવાની કોઈ જરૂર નથી."
મમતાએ કહ્યું, "અમે ખૂબ જ સતર્ક લોકો છીએ. અવિભાજિત ભારતના નાગરિકો છીએ. અમે દરેક વસ્તુ માટે સક્ષમ છીએ, પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે કેવી રીતે ધીરજ રાખવી. બાંગ્લાદેશની રાજનીતિ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. અમને અન્ય કોઈએ ઉશ્કેરવાની જરુર નથી."
હિંદુઓ અને મુસ્લિમો રમખાણો ભડકતા નથી
સીએમ મમતાએ કહ્યું, "હિંદુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈઓ રમખાણો નથી કરતાં. અસામાજિક તત્વો તોફાનો કરાવે છે. આપણે એવી કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ, કે જેનાથી બંગાળમાં ખરાબ સ્થિતિ સર્જાય." TMCના વડાએ કહ્યું, "મને ખુશી છે કે, પશ્ચિમ બંગાળમાં હિન્દુ અને મુસ્લિમ લઘુમતી બંને બાંગ્લાદેશમાં અત્યાચારનો વિરોધ કરી રહ્યા છે. આ આપણો ધર્મનિરપેક્ષ સ્વભાવ દર્શાવે છે."
અમે વિદેશ સચિવની બેઠક પર નિર્ભર છીએ
પશ્ચિમ બંગાળના સીએમએ કહ્યું, "ઘણા લોકો બીજી રીતે અહીં આવવા માંગે છે. પરંતુ BSF દેખરેખ રાખી રહ્યું છે. અમે તેના પર ટિપ્પણી કરીશું નહીં. સરહદ અમારી ચિંતાનો વિષય નથી. હું દરેકને વિનંતી કરું છું, કોઈપણ એવુ ભડકાઉ વાતો ન કરે. અમે વિદેશ સચિવની મીટિંગ પર નિર્ભર છીએ. બીજી બાજુના લોકો પ્રત્યે રાષ્ટ્રવાદ, કરુણા અને સ્નેહની ભાવના દર્શાવીએ."
વિદેશ સચિવ ઢાકા પહોંચ્યા
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સોમવારે ઢાકા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત એવા ટાઈમે થઈ રહી છે, જ્યારે બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુ સમુદાય અને તેમના ધાર્મિક સ્થળોને કથિત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિક્રમ મિસ્રીની મુલાકાત ફોરેન ઓફિસ કન્સલ્ટેશનમાં ભાગ લેવા માટે છે, જે દ્વિપક્ષીય મુદ્દાઓને ઉકેલવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વની મુલાકાત રહેશે.