''તમે મજૂરોને ભૂખે મારવા માગો છો'' : સુપ્રીમે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી
- દિલ્હીમાં 90,000 શ્રમિકોને માત્ર રૂ. 2,000 ચૂકવાતા સુપ્રીમ લાલઘૂમ
- દિલ્હીમાં મજૂરોને બાકીના રૂ. 6,000 આપવા અને ગ્રેપ-4ના પ્રતિબંધો હટાવી ગ્રેપ-2 લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
- રાજધાનીમાં પ્રદૂષણ વધે તો ફરીથી ગ્રેપ-3 અને ગ્રેપ-4ના નિયંત્રણો લાગુ કરવા ચેતવણી અપાઈ
નવી દિલ્હી : દિલ્હીમાં પ્રદૂષણમાં ઘટાડો થતાં સુપ્રીમ કોર્ટે ગ્રેપ-૪ના પ્રતિબંધો દૂર કરીને ગ્રેપ-૨ની જોગવાઈઓ લાગુ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ આ મુદ્દે સુપ્રીમે ગુરુવારે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશને ગ્રેપ-૪ના પ્રતિબંધો લાગુ થયા પછી કેટલા મજૂરોને વળતર ચૂકવાયું તેનો સવાલ પૂછ્યો હતો. દિલ્હી સરકારે જણાવ્યું કે, ૯૦ હજાર મજૂરોને રૂ. ૨,૦૦૦ની ચૂકવણી કરાઈ છે. આ સમયે સુપ્રીમે સવાલ કર્યો હતો કે શું તમે મજૂરોને ભૂખ્યા રાખવા માગો છો. તેમને રૂ. ૮,૦૦૦ની ચૂકવણી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણ અંગેના કેસની સુનાવણી સમયે કહ્યું કે, રાજ્યમાં મજૂરો રૂ. ૮,૦૦૦ની ચૂકવણીને હકદાર છે. રાજ્ય સરકારે માત્ર રૂ. ૨,૦૦૦ની ચૂકવણી કરી છે. બાકીના રૂ. ૬,૦૦૦ ક્યારે ચૂકવાશે તેવો સવાલ પૂછતા ન્યાયાધીશ અભય એસ. ઓક અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે રાજ્ય સરકારને સવાલ કર્યો કે શું તમે મજૂરોને ભૂખે મારવા માગો છો? અમે કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવીએ છીએ. જવાબમાં દિલ્હી સરકારના ચીફ સેક્રેટરીએ કહ્યું કે, અમે આવતીકાલ સુધીમાં ચૂકવણી કરી દઈશું. દિલ્હીમાં ગ્રેપ-૪ના પ્રતિબંધોના પગલે કન્સ્ટ્રક્શન ક્ષેત્રના ૯૦,૦૦૦ જેટલા કામદારો બેકાર થઈ ગયા હતા, જેથી તેમને વળતર ચૂકવવા આદેશ અપાયો હતો.
દિલ્હી-એનસીઆરમાં લાગુ કરાયેલ ગ્રેપ-૪ હવે હટાવી દેવાયો છે. સીએક્યુએમ અને એએસજી ભાટીએ કહ્યું કે, એક્યુઆઈ સતત નીચે જઈ રહ્યો છે, પરંતુ તે કેટલો રહેશે તે હવામાન પર નિર્ભર કરે છે. દિલ્હીમાં ગયા મહિને સતત પ્રદૂષણ રહ્યા પછી છેલ્લા એક સપ્તાહથી પ્રદૂષણ આંશિક રીતે ઓછું થયું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને ૧૬૧ના સ્તરે 'મધ્યમ' શ્રેણીમાં પહોંચી ગયો છે.
સુપ્રીમે કહ્યું કે, આંકડાઓ જોઈને અમને નથી લાગતું કે આ સ્તરે ગ્રેપ-૨થી નીચેની છૂટ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટ હજુ પણ આ આંકડાઓ પર નજર રાખશે. વધુમાં સુપ્રીમે કહ્યું કે, શહેરમાં એક્યુઆઈ ૩૫૦થી ઉપર જતો રહેશે તો તકેદારીના ભાગરૂપે ગ્રેપ-૩ના પ્રતિબંધો તુરંત લાગુ કરાશે. એક્યુઆઈ ૪૦૦ પાર જશે તો ગ્રેપ-૪ ફરી લાગુ કરવો જોઈએ.