નારી શક્તિની વાત કરો છો પણ મહિલાઓને કાયમી કમિશન આપતા નથી : સુપ્રીમ
- કોસ્ટ ગાર્ડમાં મહિલાઓના કમિશન મુદ્દે કેન્દ્રને ઝાટકી
- મહિલાઓ સરહદોની સાથે તટની પણ રક્ષા કેમ ના કરી શકે, પિતૃસત્તાત્મક કેમ બની રહ્યા છો ? : સુપ્રીમ
નવી દિલ્હી : ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓના કમીશન ઓફિસર તરીકે નિમણુક મુદ્દે હવે કોસ્ટ ગાર્ડની પણ એન્ટ્રી થઇ ગઇ છે. કોસ્ટ ગાર્ડમાં કાયમી કમિશન આપવાની ના પાડવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો. અને સવાલ સરકારને સવાલ કર્યો હતો કે તમે આટલા બધા પિતૃસત્તાત્મક કેમ બની રહ્યા છો? સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની બેંચ દ્વારા એક મહિલા અધિકારીની અરજીની સુનાવણી દરમિયાન આ સવાલ કર્યો હતો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોવા છતા સંરક્ષણ ક્ષેત્રે કાયમી મહિલા કમિશન નિમવાની ના કેમ પાડી રહ્યા છો? તમે પિતૃસત્તાત્મક વલણ અપનાવી રહ્યા છો. તમે નારી શક્તિની વાત કરો છો, આ છે નારી શક્તિ, ૨૦૦૯ પછી કોઇ પણ મહિલાનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તમે આટલા બધા પિતૃસત્તાત્મક કેમ બની રહ્યા છો. શું તમે કોસ્ટ ગાર્ડમાં કોઇ મહિલાને નથી જોવા માગતા? નારી શક્તિની વાત કરો છો તો તેને કરીને પણ બતાવો.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે જો મહિલાઓ સરહદની રક્ષા કરી શકે તેમ હોય તો તે તટની પણ રક્ષા કરી શકે. આ મામલામાં અરજદાર પ્રિયંકા ત્યાગીએ ખૂદને કોસ્ટગાર્ડની મહિલા ક્રૂ ગણાવી હતી. જેને તટરક્ષક દળમાં ડોમિયર વિમાનોની દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. અરજદાર મહિલાએ પોતાની ૧૦ વર્ષની શોર્ટ સર્વિસ નિમણુંકને આધાર બનાવીને ન્યાયની ગુહાર લગાવી છે. સુપ્રીમે કહ્યું હતું કે નેવીમાં મહિલાઓ હોય શકે તો કોસ્ટગાર્ડમાં કેમ નહી? અમે પુરો કેનવાસ ખોલી નાખશું, હવે એ સમય ગયો જ્યારે કહેવાતુ હતું કે મહિલાઓ કોસ્ટ ગાર્ડમાં ના હોઇ શકે. મહિલાઓ સરહદની સુરક્ષા કરી શકે તો તટોની પણ રક્ષા કરી શકે.