'તમે સૉરી કહ્યું પણ મને માફી મંજૂર નહીં...', TMC નેતાની ટિપ્પણી પર ભાજપના સાંસદ સિંધિયા લાલઘૂમ
Image: Facebook
Parliaments Winter Season: સંસદના શિયાળુ સત્રમાં બુધવારે પણ હોબાળો જોવા મળ્યો. લોકસભામાં ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની વચ્ચે આકરી ચર્ચા જોવા મળી. કલ્યાણ બેનર્જીએ સિંધિયા પર કટાક્ષ કરતાં કહ્યું, 'તમે સારા દેખાતા માણસ છો પરંતુ તમે ખલનાયક પણ હોઈ શકો છો.' કલ્યાણ બેનર્જી આટલેથી રોકાયા નહીં તેમણે સિંધિયાને કહ્યું, 'તમે લેડી કિલર છો'. જે બાદ બંને નેતાઓની વચ્ચે આકરી ચર્ચા જોવા મળી.
કલ્યાણ બેનર્જીએ કહ્યું કે 'સિંધિયા ખાનદાનની મહારાજા છે તો શું બધાને નાના સમજે છે.' આની પર સિંધિયાએ કહ્યું કે 'તમે અંગત ટિપ્પણી કરી રહ્યા છો. મારું નામ જ્યોતિરાદિત્ય સિંધિયા છે. જો મારા પરિવાર વિશે ખોટું બોલશો તો હું સહન કરીશ નહીં. કોઈ નહીં કરે.' જોકે, હોબાળો વધતો જોઈને કલ્યાણ બેનર્જીએ પોતાના નિવેદનને લઈને માફી માગી પરંતુ સિંધિયાએ કહ્યું કે મને માફી મંજૂર નથી.
કલ્યાણ બેનર્જીએ કહ્યું, મારો ઇરાદો સિંધિયા કે કોઈને પણ હર્ટ કરવાનો નહોતો. કલ્યાણ બેનર્જીએ સોરી કહ્યું. જે બાદ કેન્દ્રીય મંત્રી સિંધિયા ઊભા થયા અને કહ્યું કે અમે સૌ અહીં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે આવ્યા છીએ. તમે નીતિઓની ટીકા કરો પરંતુ વ્યક્તિગત ટિપ્પણી કરવી જોઈએ નહીં. દરેક વ્યક્તિ સેલ્ફ રિસ્પેક્ટ સાથે આવે છે. તમે સોરી કહ્યું પરંતુ મને આ સોરી મંજૂર નથી. તમે દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. કલ્યાણ બેનર્જીએ બોલવાનું શરુ કર્યું તો હોબાળો શરુ થઈ ગયો. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી 5 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ.
મહિલા સાંસદોએ કર્યો વિરોધ
કલ્યાણ બેનર્જીના આ નિવેદન પર હવે રાજકારણ ગરમાયું છે. જાણકારી અનુસાર ભાજપના મહિલા સાંસદોએ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂથી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયાદનું આયોજન બનાવ્યું છે. મહિલા સાંસદોનો આરોપ છે કે કલ્યાણ બેનર્જીએ જ્યોતિરાદિત્ય સિંધિયા વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરી છે. સાંસદોની માગ છેકે કલ્યાણ બેનર્જીને બરતરફ કરવા જોઈએ.
કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવાની માગ
મહિલા ભાજપ સાંસદોએ વર્તમાન સત્રના બાકીના ભાગ માટે કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.